ચાલતી પટ્ટી

" જિંદગીમાં જીતની સૌથી સારી તૈયારી એ છે કે આજે સારું કામ કરો.● ‘વિષાદ’ પણ એક યોગ છે. ● એક કામ શરુ કરી લીધા પછી અસફળતાનો ડર ના રાખો, ● અને કામને અધવચ્ચે છોડો પણ નહીં. ● સફળ લોકો કોઈ અલગ કામ નથી કરતા, ● બસ, તે કાંઈક અલગ રીતે કામ કરે છે... ● કોઈ પણ વ્યક્તિ તમને તમારી મરજી વિરુદ્ધ લઘુતાગ્રંથિનો અનુભવ ના કરાવી શકે."

16 માર્ચ 2022

મોબાઈલ । હું ને મારો મોબાઈલ । ડિજિટલ ડિવાઈસ ડિસિપ્લિન એટલે શું?

 મોબાઈલ । હું ને મારો મોબાઈલ । ડિજિટલ ડિવાઇસ ડિસિપ્લિન એટલે શું?   


મોબાઈલઃ- 

મોબાઈલ એટલે આપણાં હાથનું એક રમકડું. આજકાલ તો એમ જ કહેવું પડે કે આપણે મોબાઈલ સાથે સૌથી વધુ રમીએ છીએ. આપણે આપણી હથેળી એટલે આપણો મોબાઈલ. છે ને કમાલની વાત!!

હું ને મારો મોબાઈલઃ-

બસ, આપણે મોબાઈલમાં એટલાં તો ખોવાઇ જઇએ છીએ કે આપણે ભૂલી જઈએ છીએ કે;
 • કોઈ આપણને યાદ કરે છે.
 • કોઈ આપણને મળવા ઝંખે છે.
 • કોઇને આપણી  ચિંતા થાય છે.
 • કોઈ આપણાં પ્રેમનું તરસ્યું છે.
 • કોઇને આપણી  સેવા, સારવાર, મદદની જરૂર છે.
 • કોઇને આપણો  સમય જોઈએ છે, આપણી  સાથે ગપ્પાં મારવાં છે.

ડિજિટલ ડિવાઇસ ડિસિપ્લિન એટલે શું?

મોબાઇલને બિલકુલ છોડવાનો નથી કારણ કે તે આજની ડિજિટલ દુનિયામાં ખૂબ જરૂરી ડિવાઇસ છે. એટલે જ તેને વાપરવાનો ખરો પરંતુ થોડી ડિસિપ્લિન રાખીને તેનો ઉપયોગ કરીએ તો તેનાથી થતા ગેરફાયદાથી આપણે બચી જઇશું.
આ ડિજિટલ ડિવાઇસ ડિસિપ્લિન વિશે વધુ માહિતી મેળવવા માટે આ લિંક પર ક્લિક કરો એટલે તમે વધુ માહિતી મેળવી શકશો.

                   https://youtu.be/VJUYGSJmdJc


આપણા અમૂલ્ય સંબંધોને જરૂર જાળવીએઃ-

ફક્ત મોબાઇલને જ વળગી રહેવાથી સૌથી મોટું નુકસાન થાય છે આપણાં સંબંધોને. આપણે એક સામાજિક વ્યક્તિ છીએ અને હંમેશાં ધ્યાન રાખીએ કે આપણા પરિવાર સાથેના આપણા સંબંધોને કોઈ પણ નુકસાન ન થાય.

25 નવેમ્બર 2021

પૈસાનો ખણખણાટ લાગે પ્યારો પ્યારો I પૈસાનું મહત્ત્વ I પૈસો જરૂરીયાત છે I પૈસો વિનિમયનું સાધન છે I પૈસો શક્તિ છે I પૈસાને વાપરો I

  પ્રસ્તાવનાઃ

પૈસાનો ખણખણાટ

આજકાલ પૈસાનો ખણખણાટ સૌને પ્યારો પ્યારો લાગે છે. પૈસો જીવનમાં કેન્દ્રસ્થાને આવી ગયો છે. સૌ કોઈ દોડી રહ્યાં છે પૈસાની પાછળ અને પરિણામે સુખ અને શાંતિથી તેઓ ઘણાં દૂર નીકળી ગયાં છે. પૈસો જરૂરી છે પરંતુ એનો કઈ રીતે ઉપયોગ કરવાથી જીવનમાં શાંતિ અને સુખ મળે?
આવો, જાણીએ.

પૈસાનો ખણખણાટ

Pexels-Pixbay-106152પૈસાનું મહત્ત્વઃ-

એમ કહેવાય છે કે 'પૈસો એ પાપનું મૂળ છે'. પણ વિચાર કરો કે દુનિયામાં પૈસો જ ન હોય તો શું થાય? પૈસા વિના જીવન ચાલે ખરું?

જીવનમાં પૈસાનું સ્થાનઃ-

પૈસો એ મનુષ્યની જરૂરિયાત છે. એમ કહેવાય છે કે 'પૈસો એ હાથનો મેલ છે' પણ તેમ છતાં પૈસા વિના ક્યાં ચાલે તેમ છે?

    1   પૈસો એ જરૂરિયાત છે

આપણી જીવનજરૂરિયાતો કેટલી બધી હોય છે! રોજબરોજની જિંદગીને ચલાવવા માટે પૈસો તો જોઈએ જ. રોટી, કપડાં, મકાન માટે તો પૈસો જોઈએ જ. ઉપરાંત;  શિક્ષણ, બીમારી-માંદગી, સામાજિક વ્યવહારો, લગ્ન જેવા પ્રસંગો માટે પણ પૈસા તો જોઈએ જ. એમ કહેવાય છે ને કે 'નાણાં વગરનો નાથિયો ને નાણે નાથાલાલ'.

સમાજમાં શાખ વધારે છે પૈસો.

જેની પાસે પૈસો નથી તેનું સમાજમાં માન ક્યાં રહે છે! પૈસા વિના સંતાનોનાં લગ્ન ક્યાં કરી શકાય છે! ઉચ્ચ શિક્ષણ કેવી રીતે આપી શકાય? કોરોનાએ લોકોને આર્થિક રીતે કેવાં પાયમાલ કરી દીધા એ અનુભવ આપણી સામે છે.

એટલે જ જરૂરિયાત પૂરતો પૈસો મેળવવો જ જોઈએ. એની પાછળ પડીને સુખસાહ્યબી માટે પૈસો ભેગો કરવાની જરૂર નથી. એનાથી પૈસો જીવનનું સેન્ટર બની જશે અને પૈસો તમને દોડાવતો રહેશે. તે પછી તમારી પાસે પરિવાર, સંબંધો, પ્રેમ, આનંદ-પ્રમોદ માટેનો સમય જ નહીં હોય. એવો પૈસો શું કામનો કે જેની પાછળ દોડવાથી જીવન જીવવાનો આનંદ જ ચાલ્યો જાય!

    2   પૈસો એ વિનિમયનું સાધન છે.

પહેલાના જમાનામાં વસ્તુની સામે વસ્તુ આપીને વ્યવહાર થતો હતો. પણ હવે કાંઈ પણ ખરીદવું હોય કે ભેટ-સોગાદના વ્યવહાર કરવા હોય તો ખિસ્સામાં પૈસો જોઈએ. એનાથી આ દુનિયામાં બધા જ વ્યવહાર ચાલે છે.
    

    3   પૈસો એક શક્તિ છે.

એમ કહેવાય છે કે જીવનમાં ત્રણ બાબતો જરૂરી છે કારણ કે તે શક્તિ છે, તે જીવનને સમૃદ્ધ બનાવે છે. એ છે પૈસો, સત્તા ્ને કામવાસના. 

પૈસો એક શક્તિ છે.

પૈસાનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો તે તમારા જીવનમાં શક્તિ બનીને તમારા જીવનને મજબૂત બનાવશે. એ માટે સારા માર્ગે પૈસો કમાઓ, જરૂરિયાતોમાં યોગ્ય રીતે ઉપયોગ કરો. તેની પાછળ પડીને સુખસમૃદ્ધિ ઊભી કરવાને બદલે તેને સત્કાર્યોમાં વાપરો.

પૈસાને વાપરો

આપણી આવકનો અમુક ભાગ સત્કાર્યોમાં વાપરવાથી તે પૈસો ટકી રહે છે. તેની લેવડ-દેવડનો વ્યવહાર ચાલતો રહેવો જોઈએ.
જેમ પાણી વહેતું રહે તો ચોખ્ખું રહે છે તેમ પૈસાને વાપરતાં રહો. તેનાથી તે ફરી તમારી પાસે જ આવશે.
 
એ યાદ રાખવાનું છે કે પૈસા એટલે કે ધન, લક્ષ્મીનો માલિક ઈશ્વર છે. તમે તો માત્ર સાધન છો, તેના ટ્રસ્ટી છો. પૈસો જ્યાં સુધી તમારી પાસે છે ત્યાં સુધી તેની સંભાળ લેવાની અને પછી તે બીજા પાસે જશે. એમ કહેવાયું છે ને કે લક્ષ્મી ચંચળ હોય છે. તે કોઈ એક વ્યક્તિ પાસે ટકતી નથી. માટે જ તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. 

'પૈસો એ પાપનું મૂળ છે', 'પૈસો એ લોભનું મૂળ છે', એવું કહેવાયું છે તેનું કારણ એ જ છે કે જો તેનો સંગ્રહ કરવામાં આવે, સુખસાહ્યબીમાં ડૂબી જવા માટે વાપરવામાં  આવે, તો વ્યક્તિને વધુ ને વધુ તેની લાલસા થતી જાય છે અને તેનામાં 'મારો પૈસો જતો રહેશે તો શું થશે' તેવી અસલામતીની ભાવના થવાથી તે વ્યક્તિ વધુને વધુ લોભી થતી જાય છે, લાલચુ બનતી જાય છે. આવી વ્યક્તિની કેવી દશા થાય છે તેની વાત આ નીચેના વીડિયોમાં કરવામાં આવી છે. લિન્કને ક્લિક  કરીને સાંભળોઃ-
    પૈસાથી બધું જ ખરીદી શકાય છે?

હા, પૈસાથી બધું ખરીદી શકાય છે પણ માણસાઈ, સંસ્કારો નથી ખરીદી શકાતા, શિક્ષણ નથી ખરીદી શકાતું, લાગણીઓ,પરીવાર, સંબંધો નથી ખરીદી શકાતાં, સુખ-શાંતિ નથી ખરીદી શકાતાં.
 
માટે, જીવનમાં પૈસા પાછળ દોડવાને બદલે જરૂરિયાત મુજબ પૈસાનો સંગ્રહ કરો અને જરૂરિયાત મુજબ તેને વાપરો તો સાચા અર્થમાં પૈસો તમારી શક્તિ બનશે. 

      બાળકોને બચતની ટેવ પાડો
         
Pexels-cottonbro--3943723

                                        
   16 નવેમ્બર 2021

ગ્રેટિટ્યૂડની ભાવના એટલે શું?

 ગ્રેટિટ્યૂડની ભાવના એટલે શું?

આ લેખમાં સમાવિષ્ટ મુદ્દાઃ-

 • ગ્રેટિટ્યૂડની ભાવના એટલે શું?
 • કૃતજ્ઞતા અને કૃતઘ્નતા વચ્ચેનું અંતર
 • ઉપકાર પર ઉપકાર અને ઉપકાર પર અપકાર
 • કૃતજ્ઞતા એક પોઝિટિવ ભાવના છે

પ્રસ્તાવનાઃ-

સામાન્ય રીતે આજકાલ તો પાશ્ચાત્ય રહેણીકરણીને કારણે નાનાં-મોટાં કામનાં બદલામાં પણ 'થેન્ક્સ' કહીને આભાર માનવાનો વ્યવહાર ચાલતો હોય છે. 

એટલે કે કોઈ આપણું કોઈ કામ કરે છે અને આપણે તેનો આભાર શબ્દોમાં માનતાં હોઈએ છીએ. પણ જ્યારે ખરેખર એ વ્યક્તિને આપણી જરૂર ઊભી થાય ત્યારે આપણે તેની પડખે ઊભાં રહીએ છીએ ખરાં? આ વિશે આગળ વાંચો. 
Photo by Karolina Grabowska from Pexels

ગ્રેટિટ્યૂડની ભાવના એટલે શું?

ગ્રેટિટ્યૂડની ભાવના એટલે કૃતજ્ઞતાની ભાવના. કૃતજ્ઞતાથી વિરુદ્ધની ભાવના છે કૃતઘ્નતાની ભાવના. એટલે કે સારી ભાવનાની સામે સારી નહીં પણ ખરાબ ભાવના રાખવી.

ઉપકાર પર ઉપકાર અને ઉપકાર પર અપકારઃ-

એટલે કે તમે કોઈની પ્રત્યે ગ્રેટિટ્યૂડની ભાવના દર્શાવો, તેની પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના દર્શાવો, એટલે કે તે વ્યક્તિના ઉપકાર પ્રત્યે ઉપકાર કરો ત્યારે તે કૃતજ્ઞતાની ભાવના કહેવાય.
પરંતુ જો તમે તેના ઉપકાર પ્રત્યે અપકાર દર્શાવો એટલે કે ઉપકાર પર અપકાર કરો, ખરાબ ભાવનાથી કાર્ય કરો તો તે કૃતઘ્નતાની ભાવના કહેવાય છે. તેને અપકાર કહેવામાં આવે છે.
એક સુંદર ઉદાહરણ દ્વારા આ ગ્રેટિટ્યૂડ એટલે કે કૃતજ્ઞતાની ભાવનાને સમજવાનો પ્રયત્ન કરીએ. તે માટે નીચેના વીડિયો પર ક્લિક કરોઃ-

                       https://youtu.be/YRJA4hhaRW4


કૃતજ્ઞતા એક પોઝિટિવિ ભાવના છે

આ વીડિયોમાં આપેલા ઉદાહરણ દ્વારા આપણે જાણ્યું કે ગ્રેટિટ્યૂડ એટલે શું? ગ્રેટિટ્યૂડ-ગ્રેટફૂલનેસ એટલે કે કૃતજ્ઞતાનું આ ઉદાહરણ જીવનમાં એકબીજા પ્રત્યે કૃતજ્ઞતા દાખવવાની અને એ દ્વારા માનવતા રાખવાની વાત કરે છે. ઉપકારની સામે તો ઉપકાર કરવો જ જોઈએ પરંતુ અપકારની સામે પણ ઉપકાર કરનાર વ્યક્તિ ખરેખર એક ઉમદા વ્યક્તિ કહી શકાય. આ સદાચારવૃત્તિનું જીવનમાં આચરણ કરવાથી આપણા વિચારો અને આચરણની સુગંધ અનેકોને એ કાર્ય કરવા પ્રેરિત કરે છે. 

ચાલો, આપણે પણ આપણાં જીવનમાં ગ્રેટિટ્યૂડ એટલે કે કૃતજ્ઞતાની ભાવનાનું આચરણ કરીએ. અસ્તુ.09 નવેમ્બર 2021

'પ્રેરણાનાં પારિજાત' ચેનલનો પ્રારંભ । પ્રથમ એપિસોડ પ્રસ્તુત થયો ।                'પ્રેરણાનાં પારિજાત' યૂટ્યુબ ચેનલનો શુભારંભ.


'પ્રેરણાનાં પારિજાત' યૂટ્યુબ ચેનલનો શુભારંભ.

'પ્રેરણાનાં પારિજાત'ના સૌ વાચકમિત્રોને લાભપંચમી(જ્ઞાનપંચમી)ની શુભેચ્છાઓ અને અભિનંદન. આગામી સમગ્ર વર્ષ દરમિયાન આપ સૌ જે પણ કાર્ય કરો તેમાં આપને સફળતા પ્રાપ્ત થાઓ એવી શુભેચ્છા. આપના પરિવારજનો સુખશાંતિ પામે તેવી પ્રભુને પ્રાર્થના. 

મંગલ પ્રારંભઃ

આજે લાભપંચમી એટલે કે જ્ઞાનપંચમીના શુભ દિવસે 'પ્રેરણાનાંપારિજાત એક નવું સોપાન સર કરે છે. 

'પ્રેરણાનાં પારિજાત' નો આજે યૂટ્યુબની ચેનલ તરીકે શુભારંભ કરવામાં આવ્યો  છે અને તેનો પ્રથમ એપિસોડ પ્રસ્તુત થયો છે, જેમાં 'પ્રેરણાનાં પારિજાત' ચેનલનાં બે પ્રતીકો વિશે વાત કરવામાં આવી છે. જેના વિશે તમે આજના નીચેના વિડીયોમાં જોઇ શકશો. વિડીયો જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.


આજે આટલું જ. ટૂંક સમયમાં જ ફરી મળીશું.અસ્તુ.

                                     

09 ઑક્ટોબર 2021

વાર્તા રે વાર્તા...। વાર્તાકથન । વાર્તાકથનનું મહત્ત્વ । વાર્તાકથન કોને માટે છે । વાર્તાકથનનો સમય અને પદ્ધતિ । વાર્તાકથનના પ્રકાર । બાળવાર્તાકાર સાહિત્યકાર સાથેની મુલાકાત । ।

 વાર્તા રે વાર્તા...

ક્યાં ખોવાઈ ગઈ છે આપણી વાર્તાઓ?


મોટોભાઈ યુગ નાનાભાઈ હ્રદયને વાર્તા સંભળાવે છે.
મોટોભાઈ યુગ નાનાભાઈ હ્રદયને વાર્તા સંભળાવે છે.


યાદ આવે છે એ દિવસો...જ્યારે આપણે બધું કામ છોડીને દાદા-દાદી,નાના-નાની, બા-બાપુજી પાસે વાર્તા સાંભળવા બેસી જતાં હતાં!!
દાદા મોટેથી શરૂ કરે...

'વાર્તા રે વાર્તા...'

એટલે આપણે તાળીઓ સાથે આગળ ઉપાડી લઈએ;
ભાભા ઢોરાં ચારતા,
મૂઠી બોરાં લાવતા, છોકરાંને સમજાવતા,
એક છોકરું રિસાણું, કોઠી પાછળ ભીંસાણું,
કોઠી પડી આડી,છોકરાએ ચીસ પાડી...અરરર...માડી.'

પછી બધાંનાં કાન સરવાં થઈ જાય કે હવે દાદા કઇ વાર્તા શરૂ કરશે એ સાંભળવા માટે.

અને પછી વાર્તા શરૂ થાય. એ પછી શાળાનો વર્ગખંડ હોય, ગામનો ચોરો હોય, ઘરની શેરી હોય કે પછી આપણી માની પ્રેમભરી ગોદ હોય.બસ, બધે જ વાર્તાનું રાજ હતું. વાર્તાનું નામ પડે ને બાળકો બધું છોડીને વાર્તા સાંભળવા દોટ કાઢીને આવી જાય.

 વાર્તા રે વાર્તા...વાર્તાકથનનો પણ એક જમાનો હતો.

 બાળસાહિત્યકાર ગિજુભાઈ બધેકા

એ જમાનો હતો વાર્તાઓનો. ગીતો, જોડકણાં કે વાર્તાઓનો દોર ચાલતો રહેતો અને બાળકો ખુશખુશાલ થઈ જતાં. બાળકોને સમજાય તેવી સરળ ભાષામાં પશુ-પંખીઓની, માનવોની, જ્ઞાનની, ડહાપણની, અનુભવોની અઢળક વાર્તાઓ મોટેરાઓ અને બાળકો પાસે હતી.એવી વાર્તાઓ ખૂબ લખાતી, વંચાતી અને કહેવાતી હતી.

એ જમાનો હતો બાળકોની 'મૂછાળી મા' તરીકે ઓળખાતા ગિજુભાઈ બધેકાનો. એમણે બાળકોનાં જીવનઘડતરની અનેક વાર્તાઓની રચના કરી હતી. વકીલનું ભણ્યા પણ દેશને આઝાદી મળી તે પહેલાં તેમણે બધું છોડી દીધું અને ભાવનગરમાં દક્ષિણામૂર્તિ ખાતે બાળકોનાં જીવનઘડતર પાછળ પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું.


બાળસાહિત્યકાર ગિજુભાઈ બધેકા
બાળસાહિત્યકાર ગિજુભાઈ બધેકાસો વર્ષ પછી આજે પણ એમનું નામ તેમની વાર્તાઓથી જીવંત છે.જેમાં, 'ઉંદર સાત પૂંછડીવાળો,' 'સિંહ અને શિયાળ,' 'કાગડો ને શિયાળ' જેવી વાર્તાઓ તો આજે પણ હોંશથી વંચાય છે ને કહેવાય છે. એમની ચૂંટેલી વાર્તાઓનો સંગ્રહ લોકમિલાપ ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થયો છે જેમાં 0-5 થી 10વર્ષની ઉંમર સુધીનાં બાળકોને મઝા પડે તેવી વાર્તાઓ સમાવેલી છે.

'પંચતંત્ર' અને 'હિતોપદેશ'ની વાર્તાઓ

આપણી બાળવાર્તાઓની વાત કરીએ ત્યારે સદાબહાર અને બાળકો-મોટેરાઓમાં પ્રિય એવી પંચતંત્રની વાર્તાઓ યાદ જરૂર આવે. જે પ્રાચીન સમયમાં પણ જાણીતી હતી અને આજે સમગ્ર વિશ્વની અનેક ભાષાઓમાં તેના અનુવાદ થયેલા છે. એ કથાઓ ભારતીય સાહિત્યની પણ અમરકથાઓ છે. 

પંચતંત્ર ને હિતોપદેશની વાર્તાઓ
પંચતંત્ર ને હિતોપદેશની વાર્તાઓ


સંસ્કૃતના વિદ્વાન પંડિત વિષ્ણુ શર્માએ સંસ્કૃત ભાષામાં પંચતંત્રની રચના કરી હતી જેને આજે દરેક દેશનાં બાળકો પોતાની ભાષામાં વાંચી શકે છે. તે પાંચ ભાગમાં વહેંચાયેલી છે એટલે તેને 'પંચતંત્ર' કહેવામાં આવે છે.જેમાં જીવનસંદેશ વણાયેલો હોય છે. આ પુસ્તકને 'ડહાપણ શીખવતું પુસ્તક' પણ કહેવામાં આવે છે. જે મોટેરાઓને પણ આનંદ આપે છે.
પંડિત વિષ્ણુ શર્માએ હિતોપદેશની કથાઓ પણ રચી હતી જેમાં વિવિધ પ્રકારનાં પશુઓ દ્વારા જીવનનાં વ્યવહારજ્ઞાનની વાતો મળે છે. ઇસપકથાઓની જેમ આમાં પણ બાળઘડતરના સંસ્કારો પડેલા છે.

એ જમાનામાં 'ઝગમગ' 'ગાંડિવ' જેવા બાળસાપ્તાહિકો પણ પ્રખ્યાત હતાં, જેમાં જીવરામ જોષી, હરિપ્રસાદ વ્યાસ, હરીશ નાયક જેવા જાણીતા બાળસાહિત્યકારો લખતા હતા. મિંયાફુસકી, તભાભટ્ટ, છકો-મકો, અડુકિયો-દડુકિયો, શકરી પટલાણી ને બકોર પટેલ જેવાં પાત્રો મોટેરાઓમાં પણ ખૂબ લોકપ્રિય બન્યાં હતાં.

ક્યાં ખોવાઈ ગઈ છે આપણી વાર્તા?

હા, આજનાં બાળકો પર એ વાર્તાઓનો જાદૂ ફરી ચલાવવાનો છે. વાર્તાઓ વિના આજનાં બાળકોનું બાળપણ પણ ખોવાઈ ગયું છે. એટલે, એ બધી વાર્તાઓને શોધી શોધીને નવા જમાના પ્રમાણે ફેરફાર કરીને ફરીથી લખવાની છે. આજના ટેકનિકલ-ડિજિટલ યુગ તરફ આપણે જઈ રહ્યા છીએ, બાળકો વધુ તેજસ્વી બન્યાં છે, ત્યારે વાર્તાઓમાં યુગ પ્રમાણે ફેરફાર કરવાના છે.

વાર્તાકથનને વેગ આપવાનો છે

બીજું એ કે પહેલાના જમાનામાં વાર્તાઓ કહેવાતી વધારે. તેને લીધે વાર્તાઓ જીવંત હતી.બાળકોનું બાળપણ જીવંત હતું. બાળકો એ બધી વાર્તાઓને સાંભળી-સાંભળીને એટલાં આનંદિત અને પ્રફુલ્લિત રહેતાં હતાં કે તેઓ કોઈ પણ કામ કરતાં હોય પરંતુ વાર્તા, જોડકણાં ને ગીતોમાં હંમેશાં રમમાણ રહેતાં હતાં અને નાચતાં-કૂદતાં રહેતાં. અને કથાકારો, વાર્તાકારો અને ઘરમાં માતાપિતા એટલાં રસથી, કલ્પનાના રંગો ચઢાવીને, એક્ટિંગ કરતાં-કરતાં, અવાજના આરોહ-અવરોહ સાથે અને બાળકોને પ્રશ્નો પૂછતાં-પૂછતાં એવી અદાથી વાર્તા કહેતાં કે બાળકમાં કુતૂહલ જન્મે અને તે તેમાં એકરસ બની, પ્રશ્નો પણ પૂછે અને આનંદ પણ કરે, ક્યારેક એ પણ વાર્તા કહેવા લાગી જાય એવું બનતું.

આ વાર્તાકથન ખોવાયું છે એને ફરી જીવંત કરવાનું છે. 


નાનાં-નાનાં ગામો ને શહેરોમાં આજે પણ રાત પડે એટલે શેરી કે પોળમાં ખાટલા ઢાળીને  સૂતાં-સૂતાં અનુભવોની વાતો ને વાર્તાઓની મંડળી જામતી હોય છે.

વાર્તાકથન એટલે શું?


વાર્તાકથન-સ્ટૉરી ટેલિંગ, એટલે વાર્તા કહેવી, વાર્તા સંભળાવવી. આ બહુ જ પ્રાચીન પદ્ધતિ છે. રાજદરબારોમાં ને ઋષિમુનિઓના આશ્રમોમાં વિદ્યા શીખવા આવતા વિદ્યાર્થીઓને વારતાઓ પણ કહેવાતી હતી. એમાં સત્ય ઘટનાઓ પણ હોય અને કલ્પનાનાં તરંગો ભરેલી વાર્તાઓ પણ હોય. 

વાર્તાકથનનું મહત્ત્વઃ-


વાર્તાકથનનો મુખ્ય હેતુ મનોરંજન દ્બારા બાળકમાં મૂલ્યોનું સિંચન કરી તેને માનવ બનાવવાનો હોય છે, તેનું જીવનઘડતર કરવાનો હોય છે.

વાર્તાકથન ક્યારથી શરૂ કરવું  જોઈએ?

 • બાળક ગર્ભમાં હોય ત્યારથી વાર્તાકથન કરવું .
ગર્ભમાં રહેલા બાળક માટે ગર્ભસંસ્કાર જરૂરી હોય છે. આધુનિક ગર્ભસંસ્કારવિધિમાં પણ આ બાબતનું મહત્ત્વ છે.
ગુજરાતમાં ગાંધીનગર ખાતે આવેલી ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં નવવિવાહિતો, પ્રેગનન્ટ સ્ત્રીઓ અને માતાઓ માટે ગર્ભસંસ્કાર માટેની ખાસ સંસ્કારશાળા ચાલે છે. હવે તો અમુક ડૉક્ટર્સ પણ ગર્ભસંસ્કારની વિધિ કરાવતા હોય છે. 
આ માટે, બાળક ગર્ભમાં હોય ત્યારથી જ માતાએ ગર્ભમાં રહેલા બાળકને જીવનઘડતર માટેનું સાહિત્ય વાંચી સંભળાવવું જોઈએ.
 • 0-5 વર્ષનાં શિશુઓ માટે વાર્તાકથન કરવું.
આ બાળકો સતત માતાની સાથે જ રહેતાં હોય છે. તેને સલામતી અને સંભાળની જરૂર હોય છે. આ સમય તેના શારીરિક, માનસિક અને આંતરિક વિકાસનો હોય છે એટલે કે આ સમયે માતા જેમ બને તેમ તેની સાથે રહે તો તેમની વચ્ચેનો સંબંધ મજબૂત બને છે. 


પાંચ વર્ષના હ્રદય ગાંધીને ચિત્રો જોવાં ગમે છે.
પાંચ વર્ષના હ્દય ગાંધીને ચિત્રો જોવા બહુ ગમે છે.

-હ્રદય ગાંધી વિશે તેનાં નાની શું કહે છે તે જોઈએઃ

તેનાં નાની માયાબેન દેસાઈ કહે છે, "હ્રદય લગભગ 4 મહિનાનો હતો ત્યારથી તે ચિત્રવાળી વાર્તા બહુ જ સ્થિર બનીને સાંભળતો હતો.મોટો થતો ગયો તેમ વાર્તા માટેનો પ્રેમ વધતો ગયો અને વાર્તા તેના જીવનનું એક અંગ બની ગયું.સૂતાં પહેલાં બે વાર્તા તો સાંભળે જ...
 
બહુ શરૂઆતમાં તો એને ગુજરાતીમાં કહેલી મૌખિક વાર્તાઓ ગમતી. તે પછી એ જ વાર્તા યૂ-ટ્યૂબ પર જોવી ગમતી.તેનાથી તે હિન્દી અને અંગ્રેજી પણ શીખી ગયો. તેને મનપસંદ સિનેમા 'લાયન કિંગ'ની વાર્તા એ વારંવાર મમ્મી કે પપ્પા પાસે વંચાવતો . એ વાર્તા એણે એટલી ગ્રહણ કરી કે એ પુસ્તક એ ગોખીને અંગ્રેજીમાં કડકડાટ બોલતાં શીખી ગયો.હવે, એ શબ્દ અને અર્થ પૂછીને ઘણી અંગ્રેજી વાર્તા વાંચી શકે છે જે એની વયજૂથનાં બાળકો નથી કરી શકતાં. દરરોજ લગભગ દોઢ કલાક એ પુસ્તકો સાથે ગાળે છે."

 
આ સમયે બાળકને ચિત્રો જોવાં ગમતાં હોય છે એટલે બાળકોને ચિત્રો બતાવતાં જવાનું અને સાથે-સાથે વાર્તા પણ કહેવાની. ક્યારેક ખોળામાં લઈને કે સુવડાવીને ચિત્રો બતાવવાં, તેનાથી તમારી નજીક તે રહે છે પરિણામે તમે જે લયમાં કે અવાજમાં બોલતાં હો છો તે લયમાં કે અવાજમાં બોલવાનું કે સાંભળવાનું કે પછી તેની સાથે-સાથે લય પકડીને બોલવાનું તેને ગમશે.આનાંથી તમારી સાથેનું બૉન્ડિંગ વધશે. 

ફાયદો એ થશે કે બાળકની ભાવનાઓ, લાગણીઓનો વિકાસ થશે. તેને શબ્દો ને ભાષા શીખવામાં મદદ મળશે. તે જલદીથી બોલતાં શીખશે. શબ્દભંડોળ વધશે. બાળકના ગ્રોથ પર વાર્તાકથનની સારી અસર પડે છે.

6-10 વર્ષના સ્કૂલે જતાં બાળકો માટે વાર્તાકથન કરવું.

આ ઉંમરમાં બાળક ઘરની બહાર રમે છે, સ્કૂલે જાય છે, મિત્રો બનાવે છે અને આમ બહારના જગત તરફ તેનું વધુ ધ્યાન દોરાય છે. 
આથી, આખા દિવસમાં એકાદ વાર તે માતા કે ઘરના વડીલ પાસે બેસે એ જરૂરી હોય છે. જેથી તેની અંદર સુરક્ષાની ભાવના ટકી રહે. એ એકદમ એકલું ન પડી જાય. 


ત્રીજા ધોરણમાં ભણતો વિહાન દવેને વાંચવું ગમે છે.
વિહાન દવેને વાંચવું ગમે છે.


વિહાન દવે કહે છે, "મને વાર્તાઓ વાંચવી ખૂબ ગમે છે. ખાસ કરીને, ધાર્મિક અને સ્વાતંત્ર્યસેનાનીઓની વાર્તાઓ સાંભળવી બહુ ગમે છે. મને જમતાં-જમતાં બા પાસેથી વાર્તા સાંભળવાની મજા આવે છે. એનાથી મારું ખાવાનું ક્યાં પતી જાય છે તેની ખબર જ નથી પડતી. મને વાંચવાને બદલે મારાં બા, મમ્મી, દાદા પાસેથી વાર્તા સાંભળવાનું વધારે ગમે છે. મને વાર્તામાંથી ઘણુંબધું જાણવા મળે છે. "આઇ લવ સ્ટૉરી."


આ સમય દરમિયાન તેનો શારીરિક, માનસિક, ભાવાત્મક, સામાજિક કૌશલ્યોનો વિકાસ બહુ ઝડપથી થતો હોય છે. તે સ્વતંત્ર થતું જાય છે એટલે તેનાં જીવનમૂલ્યો ઊંડા જાય, જીવનવ્યવહારની વાતોમાં ડહાપણ આવે એ જરૂરી હોય છે એટલે ઘરનાં મોટેરાઓએ, ખાસ કરીને માતાએ વાર્તાકથનનાં બહાને  થોડો સમય તેની સાથે ગાળવો જોઈએ. તેને સૂવાડે, પંપાળે, વાતો કરે અને સાથે વાર્તા કહેતી જાય તો બાળક પણ સુરક્ષિત બને છે. વાર્તા દ્વારા તેનામાં વહેલું સાક્ષરતા કૌશલ્ય વિકાસ પામે છે. વાર્તાની સાથે-સાથે જોડકણાં કહેવાં કે ગીતો ગાવાં, તો બાળક પોતે પણ તેને ફોલો કરશે અને તે ભાષા જલદી શીખશે.
આ સમય એવો છે કે બાળકમાં આનંદિત રહેવાનો પાયો નંખાય છે બસ, તેને તેવા અનુભવો આપો. 

11-14 વર્ષનાં બાળકો માટે વાર્તાકથન કરવું.

આ ઉંમરનાં બાળકો વધુ જવાબદાર અને સ્વતંત્ર બની જતાં હોય છે, તેમનાંમાં બહુ મોટા શારીરિક, માનસિક, ભાવાત્મક ફેરફારો થતા હોય છે. અભ્યાસ, રમતગમત અને મિત્રોને કારણે વધુ બહાર રહેતાં હોય છે એટલે તેમનામાં સુરક્ષાની ભાવના વધુ ને વધુ દ્રઢ થાય તે માટે પણ પરિવાર સાથે લાગણીનો સંબંધ વધે તે જરૂરી હોય છે. 

આ ઉંમરનાં બાળકો જાતે વાંચે અને બીજાને વાર્તા કહે તેવા અનુભવ વધુ આપવા જોઈએ.તેનાથી તેમને નવી-નવી જાણકારી મળશે અને ભાવનાત્મક વિકાસ પણ થશે. આજકાલ આ ઉંમરનાં બાળકો સામાજિક મીડિયાના પ્લેટફોર્મ પર વધુ સમય ગાળતાં હોય છે. વાર્તા વાંચવાની, કહેવાની કે સાંભળવાની ટેવ હશે તો સામાજિક પ્લેટફોર્મ પર ઓછાં એક્ટિવ રહેશે. હેતા પંડ્યાને સાહસકથાઓ બહુ ગમે છે.
હેતા પંડ્યાને સાહસકથાઓ બહુ ગમે છે.હેતા પંડ્યાને શું કહેવું છે?

નાઈન્થ ક્લાસમાં ભણતી હેતા કહે છે, "મને વાર્તા ખૂબ ગમે. હું નાની હતી ત્યારે મારા કરતાં મારા ભાઈ ઓમને વાર્તા સાંભળવાનો  વધુ  શોખ હતો. મારી મમ્મી તેને દરરોજ વાર્તા સંભળાવતી હતી. હું લગભગ 8-9 વર્ષની થઈ ત્યારે મમ્મી નાની-નાની બુક્સમાંથી વાર્તાઓ વાંચવાનું કહેતી હતી. તેનાથી હું ગુજરાતી વાંચતાં શીખી ગઈ. થોડા સમય પછી મને વાંચવાનું ગમવા લાગ્યું. એ વખતે મારા ઘર પાસે એક લોકલ લાયબ્રેરીની મૉબાઈલ-વાન પુસ્તકો લઈને આવતી હતી. તેની હું મેમ્બર બની ગઈ. તે પછી મેં ચાઇલ્ડ રાઇટર એલિઝાબેથની એક ફેમસ સાહસકથા વાંચી અને તે મને ગમી ગઈ. હમણાંથી કોઈ જાણીતી વ્યક્તિ કે મહાન વ્યક્તિઓનાં જીવનચરિત્રો વાંચવાનો શોખ મને જાગ્યો છે. હવે મને ખ્યાલ આવે છે કે બાળપણમાં આપણે જે પુસ્તકો કે વાર્તાઓ વાંચ્યાં હોય તેનું કેટલું બધું મહત્ત્વ હોય છે... 

વાર્તાઓ વાંચવાને કારણે પરીક્ષામાં હું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં સારી રીતે ભાષાંતર કરી શકું છું. મારું શબ્દભંડોળવધ્યું છે. એક નાની એવી વાર્તા આપણને ખૂબ શીખવાડતી હોય છે જ્યારે અમુક વાર્તા રિલેક્સ કરી દે છે, તો અમુક ખુશ કરી દે છે. વાર્તાઓ વાંચવી કે સાંભળવી તો બધી જ ઉંમરના લોકોને ગમતું હોય છે. હું તો એટલું કહીશ કે આપણે વાર્તાઓ વાંચવી  જોઈએ કારણ કે તે આપણને દરેક પગલે પ્રેરિત કરતી હોય છે."


રુદ્ર અને તેની મમ્મી માધવીબેન સોની
રુદ્ર અને તેનાં મમ્મી માધવીબેન સોની
 

આ ઉંમરનાં બાળકોને વિજ્ઞાનની   વાતો, ગમ્મત સાથે જ્ઞાન,   સાહસકથાઓ, જીવનચરિત્રો જેવા   વિષયોમાં રસ પડતો હોય છે.તેઓ   યૂટ્યૂબ જેવા માધ્યમો પર વાર્તા   સાંભળવાનું પસંદ કરતાં હોય છે.   કાર્ટૂન અને કૉમિક્સ વધુ જોતાં હોય   છે. 

માધવીબેન તેમના દીકરા રુદ્ર માટે કહે છે, "તે અત્યારે 11 વર્ષનો છે અને સાતમા ધોરણમાં ભણે છે. હું તેને બાળપણમાં પણ વાર્તા સંભળાવતી હતી અને આજે પણ સંભળાવું છું. એને બાલવાટિકા, પંચતંત્ર અને શ્રીકૃષ્ણની વાર્તાઓ બહુ ગમે છે. ચાણક્યનીતિની વાતો પણ ગમે છે. એનાથી તેને ઘણું શીખવાનું મળ્યું છે.તેને યૂટ્યૂબમાં પણ વાર્તા સાંભળવાનું ગમે છે. શ્રીકૃષ્ણની વાતોમાં તેને મથુરામાં કૃષ્ણની બાળલીલાનો પ્રસંગ બહુ ગમે છે. ક્યારેક, વાર્તામાંથી સારાં-ખોટાંની સમજ મળે છે, ક્યારેક સાચાં-ખોટાંની પણ ખબર પડે છે. પહેલાના જમાનાની જેમ હવે વાર્તાઓ કહેવાતી નથી પણ યૂટ્યૂબમાં સાંભળવાનું તેને ગમે છે."

વાર્તાકથન ક્યારે અને કેવી રીતે કરવું જોઈએ?

 • વાર્તાકથન ગમે ત્યારે, ગમે ત્યાં કરી શકાય. 
બાળકની રોજની પ્રવૃત્તિઓ સાથે વાર્તાકથન કરી શકાય. જેમ કે, તેને સ્નાન કરાવતી વખતે, કપડાં પહેરાવતી વખતે, જમાડતી વખતે, રમાડતી વખતે, ગાર્ડનમાં કે બસ-ટ્રેનમાં, સૂતી વખતે, ગમે ત્યારે ગમે ત્યાં કરી શકાય છે. 
 • ઘરમાં ઑડિયો દ્વારા વાર્તાકથન ચાલતું રહે તો બાળકને તે સાંભળવાના સંસ્કાર પડે છે. ભલે તે કશું જ સમજી ન શકે પરંતુ તેની શ્રવણશક્તિ ખીલે છે અને અજાણતાં જ તે વાર્તા તેના હ્રદયમાં સ્થાપિત થતી જાય છે. 
 • કેવી રીતે વાર્તાકથન થઈ શકે? તેના જવાબમાં કહી શકાય કે તમે જ્યારે પણ બાળકની નજીક હો ત્યારે બાળકને વાર્તા કહેશો તો તેનો તમારી સાથેનો સંબંધ મજબૂત થશે. એ માટે ક્યારેક તમે તમારા હાથમાં ચિત્રબુક રાખીને ચિત્રો બતાવતાં-બતાવતાં વાત કરી શકો, જોડકણાં કે ગીત ગાઈ શકો. આથી, બાળક આનંદ-મસ્તી કરવા લાગશે. તે સાથે-સાથે ડાન્સ પણ કરશે. પરંતુ તેને મજા પડે છે એટલે વાર્તા કહેવાનું બંધ નહી ંકરશો. હા, જો તેને કંટાળો આવતો હોય તેવું લાગે તો ત્યારે વાર્તા કહેશો નહીં. 
 • વાર્તાકથનને તમારી રોજની દિનચર્યાનો ભાગ બનાવો. 
 • વાર્તાકથનનાં ત્રણ સ્વરુપો છે. મૌખિક રીતે કહો,  પુસ્તકમાંથી લખેલી વાંચો કે પછી ડિજિટલ સ્વરુપમાં બતાવો જેમ કે યુટ્યૂબ પરની વાર્તાઓ.

વાર્તાકથનના ફાયદાઃ-

 • વાર્તાકથનનો મુખ્ય હેતુ બાળકમાં મૂલ્યોનું સિંચન કરી તેને માનવ બનાવવાનો  છે.વાર્તાકથન એ શિક્ષણનું ઉત્તમ માધ્યમ ગણાયું છે. બાળકો તેનાં દ્વારા જીવનનાં વિવિધ મૂલ્યોને ઓળખે છે અને તેને ફોલો કરે છે.
 • બાળક પશુ-પંખીપ્રેમી, પર્યાવરણપ્રેમી, એક સંવેદનશીલ માનવપ્રેમી બને છે. એક સંસ્કારી માનવ બને છે.
 • વાર્તાઓનો હેતુ શિક્ષણની સાથે આનંદ અને મનોરંજનનો પણ હોય છે. સાંસ્કૃતિક દ્રષ્ટિકોણનો પણ હોય છે.
 • વાર્તાઓ બાળકને વધુ કલ્પનાશીલ અને સ્વપ્નદ્રષ્ટા બનાવે છે. તેની લાગણી વિકાસ પામે છે. બાળકના મગજનો વિકાસ થાય છે. 
 • તેની એકાગ્રતા વધે છે. તેનો કૉમ્યુનિકેશન પાવર વધે છે. શબ્દભંડોળ વધે છે, નવા-નવા શબ્દપ્રયોગો શીખે છે, નવી-નવી ભાષા શીખે છે.
 • વાર્તાઓ જગતનો ઇતિહાસ, સંસ્કૃતિ અને મહાન વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. 
 • બાળક સામાજિક બને છે. તેનામાં ડહાપણ વધે છે.
 • વાર્તાઓ બાળકમાં હેપ્પી અને હેલ્ધી લાઈફનો પાયો નાખે છે. બાળપણમાં બાળક સાથે વધુ ને વધુ સમય ગાળો અને તેને ઊષ્માભર્યા, હૂંફાળા સંબંધનો અનુભવ આપો.

બાળવાર્તાકાર સાહિત્યકાર ડૉ. શ્રદ્ધાબેન ત્રિવેદી

બાળવાર્તા સંબંધમાં વધુ જાણવા માટે આજે આપણે આ પ્લેટફોર્મ પર એક મહેમાનને આમંત્રિત કર્યાં છે તેમના વિશે જાણીએ અને તે પછી તેમની પાસેથી વિષય અંગેનું વધુ માર્ગદર્શન મેળવીએઃ-


બાળસાહિત્યકાર ડૉ. શ્રદ્ધા ત્રિવેદી.
બાળસાહિત્યકાર પ્રા.ડૉ. શ્રદ્ધા ત્રિવેદી


પરિચયઃ- 

ગુજરાતી સાહિત્યના નિવૃત્ત અધ્યાપક અને બાળસાહિત્યના અભ્યાસી-સંપાદક-સર્જક તરીકે પ્રખ્યાત ડૉ.શ્રદ્ધા ત્રિવેદી વિશ્વકોશ અને બાળવિશ્વકોશ તૈયાર કરવામાં પણ અગ્રસર રહ્યાં છે.
 • શ્રી શ્રદ્ધાબેનનાં  70 પુસ્તકો પ્રકાશિત થયાં છે.
 • 'ગિજુભાઈ બધેકા' પુરસ્કાર ઉપરાંત તેમને રાષ્ટ્રીય અકાદમીના પુરસ્કારો પણ પ્રાપ્ત થયા છે.
 • હાલમાં તેઓ 'ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ'-અમદાવાદ ખાતે તૈયાર થઈ રહેલા ગુજરાતી 'બાળવિશ્વકોશ'નાં લેખનકાર્યમાં વ્યસ્ત છે.
 • શ્રી શ્રદ્ધાબેન યૂટ્યૂબ પરની પોતાની ચેનલ પરથી સ્વરચિત વાર્તાઓ બાળકોને કહી સંભળાવે છે. જો તમારે તેમની વાર્તા 'ન કરો અભિમાન' સાંભળવી હોય તો નીચેની લિન્ક પર ક્લિક કરોઃ- શ્રી શ્રદ્ધાબેન સાથેની વાતચીત અહીં પ્રસ્તુત છેઃ-

 • શ્રદ્ધાબેન આજની પેઢી બહુ જ સ્માર્ટ છે અને આજનો યુગ પણ ટેકનિકલ અને ડિજિટલ બાબતો તરફ આગળ વધી રહ્યો છે ત્યારે બાળકોને પરંપરાગત વાર્તાઓમાં રસ પડશે ખરો? નવી વાર્તાઓ કેવી લખાવી જોઈએ?
હા, આધુનિક ટેકનિકનો ઉપયોગ કરી, જૂનાં કથાનકોને સાંપ્રત સ્પર્શ આપીને કે થોડાક ફેરફાર સાથે જરૂર વાપરી શકાય. બાળમન તો સ્વચ્છ જળ જેવું છે. સાચા સોનાની લગડી જેવી જૂની વાર્તાઓ ઘણી છે, તે જરૂર કહી શકાય,બાળકોને વંચાવી શકાય. ભૌતિક સુવિધાઓ ઘણી વધી છે પણ બાળક તો બાળક જ છે, નિરભ્ર આકાશ જેવા ચિત્તવાળું. આજના સ્પર્ધાત્મક વાતાવરણમાં બાળક નિરાશ ના થઈ જાય, આત્મવિશ્વાસ રાખે, માનવતાને પ્રેરે, પર્યાવરણની ચિંતા રાખી જીવે- એવી વાર્તાઓ જૂની હોય કે નવી, બાળકો પાસે મૂકવી જોઈએ.

 • બાળકો સિવાય અન્ય કોને માટે વાર્તાઓ વાંચવી કે સાંભળવી ઉપયોગી બને છે?

વાર્તા માત્ર બાળકને જ પ્રિય હોય છે એવું નથી. માનવમાત્રને કથારસમાં વહેવું ગમતું હોય છે. બાળવાર્તાઓ મોટાઓને પણ વાંચવી ગમતી જ હોય છે. બાળવાર્તાઓ હળવાશથી જીવનના બહુ મૂલ્યવાન પાઠ ભણાવે છે તેની આપણને સૌને ખબર છે દા.ત. 'આનંદી કાગડો'. 
બીજું, ટૂંકી વાર્તા પણ ખૂબ લોકપ્રિય પ્રકાર છે. 

 • માતા-પિતાને વાર્તાકથનનું મહત્ત્વ કેવી રીતે સમજાવી શકાય?

માતાપિતા, શિક્ષક અને વાંચન- આ ત્રણ બાળઘડતરના મહત્ત્વનાં પરિબળો છે. માતાપિતાએ બાળકોને પ્રેમપૂર્વક સમય આપવો એ ખૂબ જરૂરી છે. સાંપ્રત સમયમાં બનતી સારી કે ખોટી ઘટનાઓ દ્વારા તેમને લાલ ઝંડી બતાવી શકાય. વળી, ટીવીની સિરિયલોમાં એવી ઘટનાઓ- બાળઉછેરની મહત્ત્વની વાતો સાંકળીને તેનાં પરિણામો વિશે માતાપિતાને સમજાવી શકાય. 

માતાપિતાએ બાળકને માર્ક્સ કેટલા આવશે તેની ચિંતા કરવાની સાથે-સાથે મોટપણે તે બાળક એકલતા, નિષ્ફળતા જેવી સ્થિતિનો સામનો હકારાત્મક વિચારો થકી કરી શકે તેવી રીતે તૈયાર થાય તેનો પણ વિચાર  કરવાનો  છે. જીવનમાં નકારાત્મક સ્થિતિમાં પણ ટકવું જરૂરી છે તે સમજાવવા માટે તેને પૌરાણિક-ઐતિહાસિક કથાઓ, મહાપુરુષોનાં જીવનના પ્રસંગો કહીને તેને માનસિક રીતે મજબૂત કરવાનો છે.

માતા તો આ કાર્ય ગર્ભાવસ્થાથી કરવા સક્ષમ છે. આ બધું માતાપિતા માટે જરૂરી એટલાં માટે છે કે તેઓ જેટલું ને જેવું બાળકને આપશે તેટલું ને તેવું તે પામશે. એટલે બાળઘડતરની જેમ માતાપિતાની માનસિકતાના ઘડતરની જરૂર છે.

 • ખાસ કોઈ મેસેજ છે?

બાળકનાં જીવનનાં પ્રારંભનાં દસ વર્ષ જો પ્રેમપૂર્વક સચવાશે, તેનામાં પ્રેમ, કરુણા, દયા, સમાનતા જેવા ગુણોનાં બીજ રોપવામાં આવશે તો ભાવિ સમાજને એક 'સારો માણસ' તમે ભેટ આપી શકશો. બાળઉછેર જેટલું સત્ત્વશીલ-તેટલું કુટુંબ પ્રેમમય-શાંતિમય-આનંદમય.અસ્તુ.


બાળકોનાં મનની વાત સાંભળો. તેની સાથે સમય ગાળો. બાળકોની સાથે વાત કરવાનો સૌથી ઉત્તમ સમય છે વાર્તાકથનનો સમય. 


યુનિસેફનો ઑક્ટોબર-2021નો એક રિપોર્ટ બાળકોનાં માનસિક આરોગ્ય વિશે ચેતવણી આપતા કહે છેઃ-
 • કોરોનાની બાળકો પરની અસર એ માત્ર 'ટીપ ઑફ આઇસબર્ગ' છે એટલે કે આ બીમારીને કારણે વિશ્વનાં 14 ટકા બાળકો ગંભીર માનસિક સમસ્યાઓથી પીડાઈ રહ્યાં છે.
 • કોરોનાકાળમાં રમતગમત અને મિત્રોથી દૂર રહેવાને કારણે બાળકોમાં અવગણનાની લાગણી વિકસી છે અને તેઓ વધુ એકાકી બન્યાં છે.
 • આ સમસ્યાનો સૌથી શ્રેષ્ઠ ઉકેલ છે, બાળકોને સમય આપો, તેમની વાત સાંભળો, તેમને સમજો.બાળકોનાં મનની વાત સાંભળો. બાળકોની અવગણનાથી સમાજ પર ગંભીર અસર થશે.
 • આ રિપોર્ટના લોન્ચિંગ પ્રસંગે કેન્દ્રિય આરોગ્યમંત્રીએ આ સમસ્યાઓને ઉકેલવા શિક્ષકોને આ અંગે ટ્રેનિંગ આપવા કહ્યું પણ સાથે-સાથે એ વાત પર ભાર મૂક્યો કે બાળકો માટે સૌથી મોટી શિક્ષણ સંસ્થા તેમનો પરિવાર છે તેથી પરિવારે આ દિશામાં આગળ આવીને બાળકોને સાંભળવા પડશે. હાલમાં તો પરિવારમાં મોટેરા અને બાળકો વચ્ચે ભાગ્યે જ સાર્થક સંવાદ થતો હોય છે.

બાળકોના વાલીઓ યુનિસેફની આ ચેતવણીને સમજે અને દિવસમાં એકાદ કલાક તો બાળકોની સાથે રહે, તેને સાંભળે,સમજે. આ રીતે બાળકની નજીક રહેવાનો શ્રેષ્ઠ સમય છે રાત્રે સૂવાનો સમય. ત્યારે બાળકને વાર્તા કહીને સૂવાડો. આમ કરવાથી બાળકને એકલતા નહીં લાગે.તેને એવી વાર્તાઓ કહો જેનાથી તે સુરક્ષિતતા અનુભવે, તેની હિંમત વધે, તેનામાં સાહસિકવૃત્તિ કેળવાય. pexels-andrea-piacquadio-375551
બાળકોની સાથે વાર્તાકથનમાં સમય ગાળો.