ચાલતી પટ્ટી

" જિંદગીમાં જીતની સૌથી સારી તૈયારી એ છે કે આજે સારું કામ કરો.● ‘વિષાદ’ પણ એક યોગ છે. ● એક કામ શરુ કરી લીધા પછી અસફળતાનો ડર ના રાખો, ● અને કામને અધવચ્ચે છોડો પણ નહીં. ● સફળ લોકો કોઈ અલગ કામ નથી કરતા, ● બસ, તે કાંઈક અલગ રીતે કામ કરે છે... ● કોઈ પણ વ્યક્તિ તમને તમારી મરજી વિરુદ્ધ લઘુતાગ્રંથિનો અનુભવ ના કરાવી શકે."

16 નવેમ્બર 2021

ગ્રેટિટ્યૂડની ભાવના એટલે શું?

 ગ્રેટિટ્યૂડની ભાવના એટલે શું?

આ લેખમાં સમાવિષ્ટ મુદ્દાઃ-

 • ગ્રેટિટ્યૂડની ભાવના એટલે શું?
 • કૃતજ્ઞતા અને કૃતઘ્નતા વચ્ચેનું અંતર
 • ઉપકાર પર ઉપકાર અને ઉપકાર પર અપકાર
 • કૃતજ્ઞતા એક પોઝિટિવ ભાવના છે

પ્રસ્તાવનાઃ-

સામાન્ય રીતે આજકાલ તો પાશ્ચાત્ય રહેણીકરણીને કારણે નાનાં-મોટાં કામનાં બદલામાં પણ 'થેન્ક્સ' કહીને આભાર માનવાનો વ્યવહાર ચાલતો હોય છે. 

એટલે કે કોઈ આપણું કોઈ કામ કરે છે અને આપણે તેનો આભાર શબ્દોમાં માનતાં હોઈએ છીએ. પણ જ્યારે ખરેખર એ વ્યક્તિને આપણી જરૂર ઊભી થાય ત્યારે આપણે તેની પડખે ઊભાં રહીએ છીએ ખરાં? આ વિશે આગળ વાંચો. 
Photo by Karolina Grabowska from Pexels

ગ્રેટિટ્યૂડની ભાવના એટલે શું?

ગ્રેટિટ્યૂડની ભાવના એટલે કૃતજ્ઞતાની ભાવના. કૃતજ્ઞતાથી વિરુદ્ધની ભાવના છે કૃતઘ્નતાની ભાવના. એટલે કે સારી ભાવનાની સામે સારી નહીં પણ ખરાબ ભાવના રાખવી.

ઉપકાર પર ઉપકાર અને ઉપકાર પર અપકારઃ-

એટલે કે તમે કોઈની પ્રત્યે ગ્રેટિટ્યૂડની ભાવના દર્શાવો, તેની પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના દર્શાવો, એટલે કે તે વ્યક્તિના ઉપકાર પ્રત્યે ઉપકાર કરો ત્યારે તે કૃતજ્ઞતાની ભાવના કહેવાય.
પરંતુ જો તમે તેના ઉપકાર પ્રત્યે અપકાર દર્શાવો એટલે કે ઉપકાર પર અપકાર કરો, ખરાબ ભાવનાથી કાર્ય કરો તો તે કૃતઘ્નતાની ભાવના કહેવાય છે. તેને અપકાર કહેવામાં આવે છે.
એક સુંદર ઉદાહરણ દ્વારા આ ગ્રેટિટ્યૂડ એટલે કે કૃતજ્ઞતાની ભાવનાને સમજવાનો પ્રયત્ન કરીએ. તે માટે નીચેના વીડિયો પર ક્લિક કરોઃ-

                       https://youtu.be/YRJA4hhaRW4


કૃતજ્ઞતા એક પોઝિટિવિ ભાવના છે

આ વીડિયોમાં આપેલા ઉદાહરણ દ્વારા આપણે જાણ્યું કે ગ્રેટિટ્યૂડ એટલે શું? ગ્રેટિટ્યૂડ-ગ્રેટફૂલનેસ એટલે કે કૃતજ્ઞતાનું આ ઉદાહરણ જીવનમાં એકબીજા પ્રત્યે કૃતજ્ઞતા દાખવવાની અને એ દ્વારા માનવતા રાખવાની વાત કરે છે. ઉપકારની સામે તો ઉપકાર કરવો જ જોઈએ પરંતુ અપકારની સામે પણ ઉપકાર કરનાર વ્યક્તિ ખરેખર એક ઉમદા વ્યક્તિ કહી શકાય. આ સદાચારવૃત્તિનું જીવનમાં આચરણ કરવાથી આપણા વિચારો અને આચરણની સુગંધ અનેકોને એ કાર્ય કરવા પ્રેરિત કરે છે. 

ચાલો, આપણે પણ આપણાં જીવનમાં ગ્રેટિટ્યૂડ એટલે કે કૃતજ્ઞતાની ભાવનાનું આચરણ કરીએ. અસ્તુ.09 નવેમ્બર 2021

'પ્રેરણાનાં પારિજાત' ચેનલનો પ્રારંભ । પ્રથમ એપિસોડ પ્રસ્તુત થયો ।                'પ્રેરણાનાં પારિજાત' યૂટ્યુબ ચેનલનો શુભારંભ.


'પ્રેરણાનાં પારિજાત' યૂટ્યુબ ચેનલનો શુભારંભ.

'પ્રેરણાનાં પારિજાત'ના સૌ વાચકમિત્રોને લાભપંચમી(જ્ઞાનપંચમી)ની શુભેચ્છાઓ અને અભિનંદન. આગામી સમગ્ર વર્ષ દરમિયાન આપ સૌ જે પણ કાર્ય કરો તેમાં આપને સફળતા પ્રાપ્ત થાઓ એવી શુભેચ્છા. આપના પરિવારજનો સુખશાંતિ પામે તેવી પ્રભુને પ્રાર્થના. 

મંગલ પ્રારંભઃ

આજે લાભપંચમી એટલે કે જ્ઞાનપંચમીના શુભ દિવસે 'પ્રેરણાનાંપારિજાત એક નવું સોપાન સર કરે છે. 

'પ્રેરણાનાં પારિજાત' નો આજે યૂટ્યુબની ચેનલ તરીકે શુભારંભ કરવામાં આવ્યો  છે અને તેનો પ્રથમ એપિસોડ પ્રસ્તુત થયો છે, જેમાં 'પ્રેરણાનાં પારિજાત' ચેનલનાં બે પ્રતીકો વિશે વાત કરવામાં આવી છે. જેના વિશે તમે આજના નીચેના વિડીયોમાં જોઇ શકશો. વિડીયો જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.


આજે આટલું જ. ટૂંક સમયમાં જ ફરી મળીશું.અસ્તુ.

                                     

09 ઑક્ટોબર 2021

વાર્તા રે વાર્તા...। વાર્તાકથન । વાર્તાકથનનું મહત્ત્વ । વાર્તાકથન કોને માટે છે । વાર્તાકથનનો સમય અને પદ્ધતિ । વાર્તાકથનના પ્રકાર । બાળવાર્તાકાર સાહિત્યકાર સાથેની મુલાકાત । ।

 વાર્તા રે વાર્તા...

ક્યાં ખોવાઈ ગઈ છે આપણી વાર્તાઓ?


મોટોભાઈ યુગ નાનાભાઈ હ્રદયને વાર્તા સંભળાવે છે.
મોટોભાઈ યુગ નાનાભાઈ હ્રદયને વાર્તા સંભળાવે છે.


યાદ આવે છે એ દિવસો...જ્યારે આપણે બધું કામ છોડીને દાદા-દાદી,નાના-નાની, બા-બાપુજી પાસે વાર્તા સાંભળવા બેસી જતાં હતાં!!
દાદા મોટેથી શરૂ કરે...

'વાર્તા રે વાર્તા...'

એટલે આપણે તાળીઓ સાથે આગળ ઉપાડી લઈએ;
ભાભા ઢોરાં ચારતા,
મૂઠી બોરાં લાવતા, છોકરાંને સમજાવતા,
એક છોકરું રિસાણું, કોઠી પાછળ ભીંસાણું,
કોઠી પડી આડી,છોકરાએ ચીસ પાડી...અરરર...માડી.'

પછી બધાંનાં કાન સરવાં થઈ જાય કે હવે દાદા કઇ વાર્તા શરૂ કરશે એ સાંભળવા માટે.

અને પછી વાર્તા શરૂ થાય. એ પછી શાળાનો વર્ગખંડ હોય, ગામનો ચોરો હોય, ઘરની શેરી હોય કે પછી આપણી માની પ્રેમભરી ગોદ હોય.બસ, બધે જ વાર્તાનું રાજ હતું. વાર્તાનું નામ પડે ને બાળકો બધું છોડીને વાર્તા સાંભળવા દોટ કાઢીને આવી જાય.

 વાર્તા રે વાર્તા...વાર્તાકથનનો પણ એક જમાનો હતો.

 બાળસાહિત્યકાર ગિજુભાઈ બધેકા

એ જમાનો હતો વાર્તાઓનો. ગીતો, જોડકણાં કે વાર્તાઓનો દોર ચાલતો રહેતો અને બાળકો ખુશખુશાલ થઈ જતાં. બાળકોને સમજાય તેવી સરળ ભાષામાં પશુ-પંખીઓની, માનવોની, જ્ઞાનની, ડહાપણની, અનુભવોની અઢળક વાર્તાઓ મોટેરાઓ અને બાળકો પાસે હતી.એવી વાર્તાઓ ખૂબ લખાતી, વંચાતી અને કહેવાતી હતી.

એ જમાનો હતો બાળકોની 'મૂછાળી મા' તરીકે ઓળખાતા ગિજુભાઈ બધેકાનો. એમણે બાળકોનાં જીવનઘડતરની અનેક વાર્તાઓની રચના કરી હતી. વકીલનું ભણ્યા પણ દેશને આઝાદી મળી તે પહેલાં તેમણે બધું છોડી દીધું અને ભાવનગરમાં દક્ષિણામૂર્તિ ખાતે બાળકોનાં જીવનઘડતર પાછળ પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું.


બાળસાહિત્યકાર ગિજુભાઈ બધેકા
બાળસાહિત્યકાર ગિજુભાઈ બધેકાસો વર્ષ પછી આજે પણ એમનું નામ તેમની વાર્તાઓથી જીવંત છે.જેમાં, 'ઉંદર સાત પૂંછડીવાળો,' 'સિંહ અને શિયાળ,' 'કાગડો ને શિયાળ' જેવી વાર્તાઓ તો આજે પણ હોંશથી વંચાય છે ને કહેવાય છે. એમની ચૂંટેલી વાર્તાઓનો સંગ્રહ લોકમિલાપ ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થયો છે જેમાં 0-5 થી 10વર્ષની ઉંમર સુધીનાં બાળકોને મઝા પડે તેવી વાર્તાઓ સમાવેલી છે.

'પંચતંત્ર' અને 'હિતોપદેશ'ની વાર્તાઓ

આપણી બાળવાર્તાઓની વાત કરીએ ત્યારે સદાબહાર અને બાળકો-મોટેરાઓમાં પ્રિય એવી પંચતંત્રની વાર્તાઓ યાદ જરૂર આવે. જે પ્રાચીન સમયમાં પણ જાણીતી હતી અને આજે સમગ્ર વિશ્વની અનેક ભાષાઓમાં તેના અનુવાદ થયેલા છે. એ કથાઓ ભારતીય સાહિત્યની પણ અમરકથાઓ છે. 

પંચતંત્ર ને હિતોપદેશની વાર્તાઓ
પંચતંત્ર ને હિતોપદેશની વાર્તાઓ


સંસ્કૃતના વિદ્વાન પંડિત વિષ્ણુ શર્માએ સંસ્કૃત ભાષામાં પંચતંત્રની રચના કરી હતી જેને આજે દરેક દેશનાં બાળકો પોતાની ભાષામાં વાંચી શકે છે. તે પાંચ ભાગમાં વહેંચાયેલી છે એટલે તેને 'પંચતંત્ર' કહેવામાં આવે છે.જેમાં જીવનસંદેશ વણાયેલો હોય છે. આ પુસ્તકને 'ડહાપણ શીખવતું પુસ્તક' પણ કહેવામાં આવે છે. જે મોટેરાઓને પણ આનંદ આપે છે.
પંડિત વિષ્ણુ શર્માએ હિતોપદેશની કથાઓ પણ રચી હતી જેમાં વિવિધ પ્રકારનાં પશુઓ દ્વારા જીવનનાં વ્યવહારજ્ઞાનની વાતો મળે છે. ઇસપકથાઓની જેમ આમાં પણ બાળઘડતરના સંસ્કારો પડેલા છે.

એ જમાનામાં 'ઝગમગ' 'ગાંડિવ' જેવા બાળસાપ્તાહિકો પણ પ્રખ્યાત હતાં, જેમાં જીવરામ જોષી, હરિપ્રસાદ વ્યાસ, હરીશ નાયક જેવા જાણીતા બાળસાહિત્યકારો લખતા હતા. મિંયાફુસકી, તભાભટ્ટ, છકો-મકો, અડુકિયો-દડુકિયો, શકરી પટલાણી ને બકોર પટેલ જેવાં પાત્રો મોટેરાઓમાં પણ ખૂબ લોકપ્રિય બન્યાં હતાં.

ક્યાં ખોવાઈ ગઈ છે આપણી વાર્તા?

હા, આજનાં બાળકો પર એ વાર્તાઓનો જાદૂ ફરી ચલાવવાનો છે. વાર્તાઓ વિના આજનાં બાળકોનું બાળપણ પણ ખોવાઈ ગયું છે. એટલે, એ બધી વાર્તાઓને શોધી શોધીને નવા જમાના પ્રમાણે ફેરફાર કરીને ફરીથી લખવાની છે. આજના ટેકનિકલ-ડિજિટલ યુગ તરફ આપણે જઈ રહ્યા છીએ, બાળકો વધુ તેજસ્વી બન્યાં છે, ત્યારે વાર્તાઓમાં યુગ પ્રમાણે ફેરફાર કરવાના છે.

વાર્તાકથનને વેગ આપવાનો છે

બીજું એ કે પહેલાના જમાનામાં વાર્તાઓ કહેવાતી વધારે. તેને લીધે વાર્તાઓ જીવંત હતી.બાળકોનું બાળપણ જીવંત હતું. બાળકો એ બધી વાર્તાઓને સાંભળી-સાંભળીને એટલાં આનંદિત અને પ્રફુલ્લિત રહેતાં હતાં કે તેઓ કોઈ પણ કામ કરતાં હોય પરંતુ વાર્તા, જોડકણાં ને ગીતોમાં હંમેશાં રમમાણ રહેતાં હતાં અને નાચતાં-કૂદતાં રહેતાં. અને કથાકારો, વાર્તાકારો અને ઘરમાં માતાપિતા એટલાં રસથી, કલ્પનાના રંગો ચઢાવીને, એક્ટિંગ કરતાં-કરતાં, અવાજના આરોહ-અવરોહ સાથે અને બાળકોને પ્રશ્નો પૂછતાં-પૂછતાં એવી અદાથી વાર્તા કહેતાં કે બાળકમાં કુતૂહલ જન્મે અને તે તેમાં એકરસ બની, પ્રશ્નો પણ પૂછે અને આનંદ પણ કરે, ક્યારેક એ પણ વાર્તા કહેવા લાગી જાય એવું બનતું.

આ વાર્તાકથન ખોવાયું છે એને ફરી જીવંત કરવાનું છે. 


નાનાં-નાનાં ગામો ને શહેરોમાં આજે પણ રાત પડે એટલે શેરી કે પોળમાં ખાટલા ઢાળીને  સૂતાં-સૂતાં અનુભવોની વાતો ને વાર્તાઓની મંડળી જામતી હોય છે.

વાર્તાકથન એટલે શું?


વાર્તાકથન-સ્ટૉરી ટેલિંગ, એટલે વાર્તા કહેવી, વાર્તા સંભળાવવી. આ બહુ જ પ્રાચીન પદ્ધતિ છે. રાજદરબારોમાં ને ઋષિમુનિઓના આશ્રમોમાં વિદ્યા શીખવા આવતા વિદ્યાર્થીઓને વારતાઓ પણ કહેવાતી હતી. એમાં સત્ય ઘટનાઓ પણ હોય અને કલ્પનાનાં તરંગો ભરેલી વાર્તાઓ પણ હોય. 

વાર્તાકથનનું મહત્ત્વઃ-


વાર્તાકથનનો મુખ્ય હેતુ મનોરંજન દ્બારા બાળકમાં મૂલ્યોનું સિંચન કરી તેને માનવ બનાવવાનો હોય છે, તેનું જીવનઘડતર કરવાનો હોય છે.

વાર્તાકથન ક્યારથી શરૂ કરવું  જોઈએ?

 • બાળક ગર્ભમાં હોય ત્યારથી વાર્તાકથન કરવું .
ગર્ભમાં રહેલા બાળક માટે ગર્ભસંસ્કાર જરૂરી હોય છે. આધુનિક ગર્ભસંસ્કારવિધિમાં પણ આ બાબતનું મહત્ત્વ છે.
ગુજરાતમાં ગાંધીનગર ખાતે આવેલી ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં નવવિવાહિતો, પ્રેગનન્ટ સ્ત્રીઓ અને માતાઓ માટે ગર્ભસંસ્કાર માટેની ખાસ સંસ્કારશાળા ચાલે છે. હવે તો અમુક ડૉક્ટર્સ પણ ગર્ભસંસ્કારની વિધિ કરાવતા હોય છે. 
આ માટે, બાળક ગર્ભમાં હોય ત્યારથી જ માતાએ ગર્ભમાં રહેલા બાળકને જીવનઘડતર માટેનું સાહિત્ય વાંચી સંભળાવવું જોઈએ.
 • 0-5 વર્ષનાં શિશુઓ માટે વાર્તાકથન કરવું.
આ બાળકો સતત માતાની સાથે જ રહેતાં હોય છે. તેને સલામતી અને સંભાળની જરૂર હોય છે. આ સમય તેના શારીરિક, માનસિક અને આંતરિક વિકાસનો હોય છે એટલે કે આ સમયે માતા જેમ બને તેમ તેની સાથે રહે તો તેમની વચ્ચેનો સંબંધ મજબૂત બને છે. 


પાંચ વર્ષના હ્રદય ગાંધીને ચિત્રો જોવાં ગમે છે.
પાંચ વર્ષના હ્દય ગાંધીને ચિત્રો જોવા બહુ ગમે છે.

-હ્રદય ગાંધી વિશે તેનાં નાની શું કહે છે તે જોઈએઃ

તેનાં નાની માયાબેન દેસાઈ કહે છે, "હ્રદય લગભગ 4 મહિનાનો હતો ત્યારથી તે ચિત્રવાળી વાર્તા બહુ જ સ્થિર બનીને સાંભળતો હતો.મોટો થતો ગયો તેમ વાર્તા માટેનો પ્રેમ વધતો ગયો અને વાર્તા તેના જીવનનું એક અંગ બની ગયું.સૂતાં પહેલાં બે વાર્તા તો સાંભળે જ...
 
બહુ શરૂઆતમાં તો એને ગુજરાતીમાં કહેલી મૌખિક વાર્તાઓ ગમતી. તે પછી એ જ વાર્તા યૂ-ટ્યૂબ પર જોવી ગમતી.તેનાથી તે હિન્દી અને અંગ્રેજી પણ શીખી ગયો. તેને મનપસંદ સિનેમા 'લાયન કિંગ'ની વાર્તા એ વારંવાર મમ્મી કે પપ્પા પાસે વંચાવતો . એ વાર્તા એણે એટલી ગ્રહણ કરી કે એ પુસ્તક એ ગોખીને અંગ્રેજીમાં કડકડાટ બોલતાં શીખી ગયો.હવે, એ શબ્દ અને અર્થ પૂછીને ઘણી અંગ્રેજી વાર્તા વાંચી શકે છે જે એની વયજૂથનાં બાળકો નથી કરી શકતાં. દરરોજ લગભગ દોઢ કલાક એ પુસ્તકો સાથે ગાળે છે."

 
આ સમયે બાળકને ચિત્રો જોવાં ગમતાં હોય છે એટલે બાળકોને ચિત્રો બતાવતાં જવાનું અને સાથે-સાથે વાર્તા પણ કહેવાની. ક્યારેક ખોળામાં લઈને કે સુવડાવીને ચિત્રો બતાવવાં, તેનાથી તમારી નજીક તે રહે છે પરિણામે તમે જે લયમાં કે અવાજમાં બોલતાં હો છો તે લયમાં કે અવાજમાં બોલવાનું કે સાંભળવાનું કે પછી તેની સાથે-સાથે લય પકડીને બોલવાનું તેને ગમશે.આનાંથી તમારી સાથેનું બૉન્ડિંગ વધશે. 

ફાયદો એ થશે કે બાળકની ભાવનાઓ, લાગણીઓનો વિકાસ થશે. તેને શબ્દો ને ભાષા શીખવામાં મદદ મળશે. તે જલદીથી બોલતાં શીખશે. શબ્દભંડોળ વધશે. બાળકના ગ્રોથ પર વાર્તાકથનની સારી અસર પડે છે.

6-10 વર્ષના સ્કૂલે જતાં બાળકો માટે વાર્તાકથન કરવું.

આ ઉંમરમાં બાળક ઘરની બહાર રમે છે, સ્કૂલે જાય છે, મિત્રો બનાવે છે અને આમ બહારના જગત તરફ તેનું વધુ ધ્યાન દોરાય છે. 
આથી, આખા દિવસમાં એકાદ વાર તે માતા કે ઘરના વડીલ પાસે બેસે એ જરૂરી હોય છે. જેથી તેની અંદર સુરક્ષાની ભાવના ટકી રહે. એ એકદમ એકલું ન પડી જાય. 


ત્રીજા ધોરણમાં ભણતો વિહાન દવેને વાંચવું ગમે છે.
વિહાન દવેને વાંચવું ગમે છે.


વિહાન દવે કહે છે, "મને વાર્તાઓ વાંચવી ખૂબ ગમે છે. ખાસ કરીને, ધાર્મિક અને સ્વાતંત્ર્યસેનાનીઓની વાર્તાઓ સાંભળવી બહુ ગમે છે. મને જમતાં-જમતાં બા પાસેથી વાર્તા સાંભળવાની મજા આવે છે. એનાથી મારું ખાવાનું ક્યાં પતી જાય છે તેની ખબર જ નથી પડતી. મને વાંચવાને બદલે મારાં બા, મમ્મી, દાદા પાસેથી વાર્તા સાંભળવાનું વધારે ગમે છે. મને વાર્તામાંથી ઘણુંબધું જાણવા મળે છે. "આઇ લવ સ્ટૉરી."


આ સમય દરમિયાન તેનો શારીરિક, માનસિક, ભાવાત્મક, સામાજિક કૌશલ્યોનો વિકાસ બહુ ઝડપથી થતો હોય છે. તે સ્વતંત્ર થતું જાય છે એટલે તેનાં જીવનમૂલ્યો ઊંડા જાય, જીવનવ્યવહારની વાતોમાં ડહાપણ આવે એ જરૂરી હોય છે એટલે ઘરનાં મોટેરાઓએ, ખાસ કરીને માતાએ વાર્તાકથનનાં બહાને  થોડો સમય તેની સાથે ગાળવો જોઈએ. તેને સૂવાડે, પંપાળે, વાતો કરે અને સાથે વાર્તા કહેતી જાય તો બાળક પણ સુરક્ષિત બને છે. વાર્તા દ્વારા તેનામાં વહેલું સાક્ષરતા કૌશલ્ય વિકાસ પામે છે. વાર્તાની સાથે-સાથે જોડકણાં કહેવાં કે ગીતો ગાવાં, તો બાળક પોતે પણ તેને ફોલો કરશે અને તે ભાષા જલદી શીખશે.
આ સમય એવો છે કે બાળકમાં આનંદિત રહેવાનો પાયો નંખાય છે બસ, તેને તેવા અનુભવો આપો. 

11-14 વર્ષનાં બાળકો માટે વાર્તાકથન કરવું.

આ ઉંમરનાં બાળકો વધુ જવાબદાર અને સ્વતંત્ર બની જતાં હોય છે, તેમનાંમાં બહુ મોટા શારીરિક, માનસિક, ભાવાત્મક ફેરફારો થતા હોય છે. અભ્યાસ, રમતગમત અને મિત્રોને કારણે વધુ બહાર રહેતાં હોય છે એટલે તેમનામાં સુરક્ષાની ભાવના વધુ ને વધુ દ્રઢ થાય તે માટે પણ પરિવાર સાથે લાગણીનો સંબંધ વધે તે જરૂરી હોય છે. 

આ ઉંમરનાં બાળકો જાતે વાંચે અને બીજાને વાર્તા કહે તેવા અનુભવ વધુ આપવા જોઈએ.તેનાથી તેમને નવી-નવી જાણકારી મળશે અને ભાવનાત્મક વિકાસ પણ થશે. આજકાલ આ ઉંમરનાં બાળકો સામાજિક મીડિયાના પ્લેટફોર્મ પર વધુ સમય ગાળતાં હોય છે. વાર્તા વાંચવાની, કહેવાની કે સાંભળવાની ટેવ હશે તો સામાજિક પ્લેટફોર્મ પર ઓછાં એક્ટિવ રહેશે. હેતા પંડ્યાને સાહસકથાઓ બહુ ગમે છે.
હેતા પંડ્યાને સાહસકથાઓ બહુ ગમે છે.હેતા પંડ્યાને શું કહેવું છે?

નાઈન્થ ક્લાસમાં ભણતી હેતા કહે છે, "મને વાર્તા ખૂબ ગમે. હું નાની હતી ત્યારે મારા કરતાં મારા ભાઈ ઓમને વાર્તા સાંભળવાનો  વધુ  શોખ હતો. મારી મમ્મી તેને દરરોજ વાર્તા સંભળાવતી હતી. હું લગભગ 8-9 વર્ષની થઈ ત્યારે મમ્મી નાની-નાની બુક્સમાંથી વાર્તાઓ વાંચવાનું કહેતી હતી. તેનાથી હું ગુજરાતી વાંચતાં શીખી ગઈ. થોડા સમય પછી મને વાંચવાનું ગમવા લાગ્યું. એ વખતે મારા ઘર પાસે એક લોકલ લાયબ્રેરીની મૉબાઈલ-વાન પુસ્તકો લઈને આવતી હતી. તેની હું મેમ્બર બની ગઈ. તે પછી મેં ચાઇલ્ડ રાઇટર એલિઝાબેથની એક ફેમસ સાહસકથા વાંચી અને તે મને ગમી ગઈ. હમણાંથી કોઈ જાણીતી વ્યક્તિ કે મહાન વ્યક્તિઓનાં જીવનચરિત્રો વાંચવાનો શોખ મને જાગ્યો છે. હવે મને ખ્યાલ આવે છે કે બાળપણમાં આપણે જે પુસ્તકો કે વાર્તાઓ વાંચ્યાં હોય તેનું કેટલું બધું મહત્ત્વ હોય છે... 

વાર્તાઓ વાંચવાને કારણે પરીક્ષામાં હું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં સારી રીતે ભાષાંતર કરી શકું છું. મારું શબ્દભંડોળવધ્યું છે. એક નાની એવી વાર્તા આપણને ખૂબ શીખવાડતી હોય છે જ્યારે અમુક વાર્તા રિલેક્સ કરી દે છે, તો અમુક ખુશ કરી દે છે. વાર્તાઓ વાંચવી કે સાંભળવી તો બધી જ ઉંમરના લોકોને ગમતું હોય છે. હું તો એટલું કહીશ કે આપણે વાર્તાઓ વાંચવી  જોઈએ કારણ કે તે આપણને દરેક પગલે પ્રેરિત કરતી હોય છે."


રુદ્ર અને તેની મમ્મી માધવીબેન સોની
રુદ્ર અને તેનાં મમ્મી માધવીબેન સોની
 

આ ઉંમરનાં બાળકોને વિજ્ઞાનની   વાતો, ગમ્મત સાથે જ્ઞાન,   સાહસકથાઓ, જીવનચરિત્રો જેવા   વિષયોમાં રસ પડતો હોય છે.તેઓ   યૂટ્યૂબ જેવા માધ્યમો પર વાર્તા   સાંભળવાનું પસંદ કરતાં હોય છે.   કાર્ટૂન અને કૉમિક્સ વધુ જોતાં હોય   છે. 

માધવીબેન તેમના દીકરા રુદ્ર માટે કહે છે, "તે અત્યારે 11 વર્ષનો છે અને સાતમા ધોરણમાં ભણે છે. હું તેને બાળપણમાં પણ વાર્તા સંભળાવતી હતી અને આજે પણ સંભળાવું છું. એને બાલવાટિકા, પંચતંત્ર અને શ્રીકૃષ્ણની વાર્તાઓ બહુ ગમે છે. ચાણક્યનીતિની વાતો પણ ગમે છે. એનાથી તેને ઘણું શીખવાનું મળ્યું છે.તેને યૂટ્યૂબમાં પણ વાર્તા સાંભળવાનું ગમે છે. શ્રીકૃષ્ણની વાતોમાં તેને મથુરામાં કૃષ્ણની બાળલીલાનો પ્રસંગ બહુ ગમે છે. ક્યારેક, વાર્તામાંથી સારાં-ખોટાંની સમજ મળે છે, ક્યારેક સાચાં-ખોટાંની પણ ખબર પડે છે. પહેલાના જમાનાની જેમ હવે વાર્તાઓ કહેવાતી નથી પણ યૂટ્યૂબમાં સાંભળવાનું તેને ગમે છે."

વાર્તાકથન ક્યારે અને કેવી રીતે કરવું જોઈએ?

 • વાર્તાકથન ગમે ત્યારે, ગમે ત્યાં કરી શકાય. 
બાળકની રોજની પ્રવૃત્તિઓ સાથે વાર્તાકથન કરી શકાય. જેમ કે, તેને સ્નાન કરાવતી વખતે, કપડાં પહેરાવતી વખતે, જમાડતી વખતે, રમાડતી વખતે, ગાર્ડનમાં કે બસ-ટ્રેનમાં, સૂતી વખતે, ગમે ત્યારે ગમે ત્યાં કરી શકાય છે. 
 • ઘરમાં ઑડિયો દ્વારા વાર્તાકથન ચાલતું રહે તો બાળકને તે સાંભળવાના સંસ્કાર પડે છે. ભલે તે કશું જ સમજી ન શકે પરંતુ તેની શ્રવણશક્તિ ખીલે છે અને અજાણતાં જ તે વાર્તા તેના હ્રદયમાં સ્થાપિત થતી જાય છે. 
 • કેવી રીતે વાર્તાકથન થઈ શકે? તેના જવાબમાં કહી શકાય કે તમે જ્યારે પણ બાળકની નજીક હો ત્યારે બાળકને વાર્તા કહેશો તો તેનો તમારી સાથેનો સંબંધ મજબૂત થશે. એ માટે ક્યારેક તમે તમારા હાથમાં ચિત્રબુક રાખીને ચિત્રો બતાવતાં-બતાવતાં વાત કરી શકો, જોડકણાં કે ગીત ગાઈ શકો. આથી, બાળક આનંદ-મસ્તી કરવા લાગશે. તે સાથે-સાથે ડાન્સ પણ કરશે. પરંતુ તેને મજા પડે છે એટલે વાર્તા કહેવાનું બંધ નહી ંકરશો. હા, જો તેને કંટાળો આવતો હોય તેવું લાગે તો ત્યારે વાર્તા કહેશો નહીં. 
 • વાર્તાકથનને તમારી રોજની દિનચર્યાનો ભાગ બનાવો. 
 • વાર્તાકથનનાં ત્રણ સ્વરુપો છે. મૌખિક રીતે કહો,  પુસ્તકમાંથી લખેલી વાંચો કે પછી ડિજિટલ સ્વરુપમાં બતાવો જેમ કે યુટ્યૂબ પરની વાર્તાઓ.

વાર્તાકથનના ફાયદાઃ-

 • વાર્તાકથનનો મુખ્ય હેતુ બાળકમાં મૂલ્યોનું સિંચન કરી તેને માનવ બનાવવાનો  છે.વાર્તાકથન એ શિક્ષણનું ઉત્તમ માધ્યમ ગણાયું છે. બાળકો તેનાં દ્વારા જીવનનાં વિવિધ મૂલ્યોને ઓળખે છે અને તેને ફોલો કરે છે.
 • બાળક પશુ-પંખીપ્રેમી, પર્યાવરણપ્રેમી, એક સંવેદનશીલ માનવપ્રેમી બને છે. એક સંસ્કારી માનવ બને છે.
 • વાર્તાઓનો હેતુ શિક્ષણની સાથે આનંદ અને મનોરંજનનો પણ હોય છે. સાંસ્કૃતિક દ્રષ્ટિકોણનો પણ હોય છે.
 • વાર્તાઓ બાળકને વધુ કલ્પનાશીલ અને સ્વપ્નદ્રષ્ટા બનાવે છે. તેની લાગણી વિકાસ પામે છે. બાળકના મગજનો વિકાસ થાય છે. 
 • તેની એકાગ્રતા વધે છે. તેનો કૉમ્યુનિકેશન પાવર વધે છે. શબ્દભંડોળ વધે છે, નવા-નવા શબ્દપ્રયોગો શીખે છે, નવી-નવી ભાષા શીખે છે.
 • વાર્તાઓ જગતનો ઇતિહાસ, સંસ્કૃતિ અને મહાન વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. 
 • બાળક સામાજિક બને છે. તેનામાં ડહાપણ વધે છે.
 • વાર્તાઓ બાળકમાં હેપ્પી અને હેલ્ધી લાઈફનો પાયો નાખે છે. બાળપણમાં બાળક સાથે વધુ ને વધુ સમય ગાળો અને તેને ઊષ્માભર્યા, હૂંફાળા સંબંધનો અનુભવ આપો.

બાળવાર્તાકાર સાહિત્યકાર ડૉ. શ્રદ્ધાબેન ત્રિવેદી

બાળવાર્તા સંબંધમાં વધુ જાણવા માટે આજે આપણે આ પ્લેટફોર્મ પર એક મહેમાનને આમંત્રિત કર્યાં છે તેમના વિશે જાણીએ અને તે પછી તેમની પાસેથી વિષય અંગેનું વધુ માર્ગદર્શન મેળવીએઃ-


બાળસાહિત્યકાર ડૉ. શ્રદ્ધા ત્રિવેદી.
બાળસાહિત્યકાર પ્રા.ડૉ. શ્રદ્ધા ત્રિવેદી


પરિચયઃ- 

ગુજરાતી સાહિત્યના નિવૃત્ત અધ્યાપક અને બાળસાહિત્યના અભ્યાસી-સંપાદક-સર્જક તરીકે પ્રખ્યાત ડૉ.શ્રદ્ધા ત્રિવેદી વિશ્વકોશ અને બાળવિશ્વકોશ તૈયાર કરવામાં પણ અગ્રસર રહ્યાં છે.
 • શ્રી શ્રદ્ધાબેનનાં  70 પુસ્તકો પ્રકાશિત થયાં છે.
 • 'ગિજુભાઈ બધેકા' પુરસ્કાર ઉપરાંત તેમને રાષ્ટ્રીય અકાદમીના પુરસ્કારો પણ પ્રાપ્ત થયા છે.
 • હાલમાં તેઓ 'ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ'-અમદાવાદ ખાતે તૈયાર થઈ રહેલા ગુજરાતી 'બાળવિશ્વકોશ'નાં લેખનકાર્યમાં વ્યસ્ત છે.
 • શ્રી શ્રદ્ધાબેન યૂટ્યૂબ પરની પોતાની ચેનલ પરથી સ્વરચિત વાર્તાઓ બાળકોને કહી સંભળાવે છે. જો તમારે તેમની વાર્તા 'ન કરો અભિમાન' સાંભળવી હોય તો નીચેની લિન્ક પર ક્લિક કરોઃ- શ્રી શ્રદ્ધાબેન સાથેની વાતચીત અહીં પ્રસ્તુત છેઃ-

 • શ્રદ્ધાબેન આજની પેઢી બહુ જ સ્માર્ટ છે અને આજનો યુગ પણ ટેકનિકલ અને ડિજિટલ બાબતો તરફ આગળ વધી રહ્યો છે ત્યારે બાળકોને પરંપરાગત વાર્તાઓમાં રસ પડશે ખરો? નવી વાર્તાઓ કેવી લખાવી જોઈએ?
હા, આધુનિક ટેકનિકનો ઉપયોગ કરી, જૂનાં કથાનકોને સાંપ્રત સ્પર્શ આપીને કે થોડાક ફેરફાર સાથે જરૂર વાપરી શકાય. બાળમન તો સ્વચ્છ જળ જેવું છે. સાચા સોનાની લગડી જેવી જૂની વાર્તાઓ ઘણી છે, તે જરૂર કહી શકાય,બાળકોને વંચાવી શકાય. ભૌતિક સુવિધાઓ ઘણી વધી છે પણ બાળક તો બાળક જ છે, નિરભ્ર આકાશ જેવા ચિત્તવાળું. આજના સ્પર્ધાત્મક વાતાવરણમાં બાળક નિરાશ ના થઈ જાય, આત્મવિશ્વાસ રાખે, માનવતાને પ્રેરે, પર્યાવરણની ચિંતા રાખી જીવે- એવી વાર્તાઓ જૂની હોય કે નવી, બાળકો પાસે મૂકવી જોઈએ.

 • બાળકો સિવાય અન્ય કોને માટે વાર્તાઓ વાંચવી કે સાંભળવી ઉપયોગી બને છે?

વાર્તા માત્ર બાળકને જ પ્રિય હોય છે એવું નથી. માનવમાત્રને કથારસમાં વહેવું ગમતું હોય છે. બાળવાર્તાઓ મોટાઓને પણ વાંચવી ગમતી જ હોય છે. બાળવાર્તાઓ હળવાશથી જીવનના બહુ મૂલ્યવાન પાઠ ભણાવે છે તેની આપણને સૌને ખબર છે દા.ત. 'આનંદી કાગડો'. 
બીજું, ટૂંકી વાર્તા પણ ખૂબ લોકપ્રિય પ્રકાર છે. 

 • માતા-પિતાને વાર્તાકથનનું મહત્ત્વ કેવી રીતે સમજાવી શકાય?

માતાપિતા, શિક્ષક અને વાંચન- આ ત્રણ બાળઘડતરના મહત્ત્વનાં પરિબળો છે. માતાપિતાએ બાળકોને પ્રેમપૂર્વક સમય આપવો એ ખૂબ જરૂરી છે. સાંપ્રત સમયમાં બનતી સારી કે ખોટી ઘટનાઓ દ્વારા તેમને લાલ ઝંડી બતાવી શકાય. વળી, ટીવીની સિરિયલોમાં એવી ઘટનાઓ- બાળઉછેરની મહત્ત્વની વાતો સાંકળીને તેનાં પરિણામો વિશે માતાપિતાને સમજાવી શકાય. 

માતાપિતાએ બાળકને માર્ક્સ કેટલા આવશે તેની ચિંતા કરવાની સાથે-સાથે મોટપણે તે બાળક એકલતા, નિષ્ફળતા જેવી સ્થિતિનો સામનો હકારાત્મક વિચારો થકી કરી શકે તેવી રીતે તૈયાર થાય તેનો પણ વિચાર  કરવાનો  છે. જીવનમાં નકારાત્મક સ્થિતિમાં પણ ટકવું જરૂરી છે તે સમજાવવા માટે તેને પૌરાણિક-ઐતિહાસિક કથાઓ, મહાપુરુષોનાં જીવનના પ્રસંગો કહીને તેને માનસિક રીતે મજબૂત કરવાનો છે.

માતા તો આ કાર્ય ગર્ભાવસ્થાથી કરવા સક્ષમ છે. આ બધું માતાપિતા માટે જરૂરી એટલાં માટે છે કે તેઓ જેટલું ને જેવું બાળકને આપશે તેટલું ને તેવું તે પામશે. એટલે બાળઘડતરની જેમ માતાપિતાની માનસિકતાના ઘડતરની જરૂર છે.

 • ખાસ કોઈ મેસેજ છે?

બાળકનાં જીવનનાં પ્રારંભનાં દસ વર્ષ જો પ્રેમપૂર્વક સચવાશે, તેનામાં પ્રેમ, કરુણા, દયા, સમાનતા જેવા ગુણોનાં બીજ રોપવામાં આવશે તો ભાવિ સમાજને એક 'સારો માણસ' તમે ભેટ આપી શકશો. બાળઉછેર જેટલું સત્ત્વશીલ-તેટલું કુટુંબ પ્રેમમય-શાંતિમય-આનંદમય.અસ્તુ.


બાળકોનાં મનની વાત સાંભળો. તેની સાથે સમય ગાળો. બાળકોની સાથે વાત કરવાનો સૌથી ઉત્તમ સમય છે વાર્તાકથનનો સમય. 


યુનિસેફનો ઑક્ટોબર-2021નો એક રિપોર્ટ બાળકોનાં માનસિક આરોગ્ય વિશે ચેતવણી આપતા કહે છેઃ-
 • કોરોનાની બાળકો પરની અસર એ માત્ર 'ટીપ ઑફ આઇસબર્ગ' છે એટલે કે આ બીમારીને કારણે વિશ્વનાં 14 ટકા બાળકો ગંભીર માનસિક સમસ્યાઓથી પીડાઈ રહ્યાં છે.
 • કોરોનાકાળમાં રમતગમત અને મિત્રોથી દૂર રહેવાને કારણે બાળકોમાં અવગણનાની લાગણી વિકસી છે અને તેઓ વધુ એકાકી બન્યાં છે.
 • આ સમસ્યાનો સૌથી શ્રેષ્ઠ ઉકેલ છે, બાળકોને સમય આપો, તેમની વાત સાંભળો, તેમને સમજો.બાળકોનાં મનની વાત સાંભળો. બાળકોની અવગણનાથી સમાજ પર ગંભીર અસર થશે.
 • આ રિપોર્ટના લોન્ચિંગ પ્રસંગે કેન્દ્રિય આરોગ્યમંત્રીએ આ સમસ્યાઓને ઉકેલવા શિક્ષકોને આ અંગે ટ્રેનિંગ આપવા કહ્યું પણ સાથે-સાથે એ વાત પર ભાર મૂક્યો કે બાળકો માટે સૌથી મોટી શિક્ષણ સંસ્થા તેમનો પરિવાર છે તેથી પરિવારે આ દિશામાં આગળ આવીને બાળકોને સાંભળવા પડશે. હાલમાં તો પરિવારમાં મોટેરા અને બાળકો વચ્ચે ભાગ્યે જ સાર્થક સંવાદ થતો હોય છે.

બાળકોના વાલીઓ યુનિસેફની આ ચેતવણીને સમજે અને દિવસમાં એકાદ કલાક તો બાળકોની સાથે રહે, તેને સાંભળે,સમજે. આ રીતે બાળકની નજીક રહેવાનો શ્રેષ્ઠ સમય છે રાત્રે સૂવાનો સમય. ત્યારે બાળકને વાર્તા કહીને સૂવાડો. આમ કરવાથી બાળકને એકલતા નહીં લાગે.તેને એવી વાર્તાઓ કહો જેનાથી તે સુરક્ષિતતા અનુભવે, તેની હિંમત વધે, તેનામાં સાહસિકવૃત્તિ કેળવાય. pexels-andrea-piacquadio-375551
બાળકોની સાથે વાર્તાકથનમાં સમય ગાળો.
        


25 સપ્ટેમ્બર 2021

 પ્રેરણાત્મક સ્ટોરી । 'વંચિતોના વાણોતર' પ્રજ્ઞાબેન ગાંધી । 'શ્રેષ્ઠ શિક્ષક'ના અનેક ઍવોર્ડનું સન્માન મેળવનાર એકલવીર મહિલા । 


    -કન્ટેન્ટ ટેબલ-
 • પ્રેરણાત્મક સ્ટોરી
 • 'વંચિતોના વાણોતર' બાલવાડીની સ્થાપના અને કાર્ય
 • પ્રજ્ઞાબેન ગાંધી
 • અનેક ઍવોર્ડનું સન્માન મેળવનાર મહિલા

                                   

પ્રસ્તાવનાઃ-

ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે રસ્તામાં જતાં હોઈએ કે પછી કોઈ વાહનમાં હોઇએ અને ટ્રાફિક સિગ્નલ આવે એટલે અચાનક અનેક બાળકો હાથમાં નાની-મોટી વેચવાની વસ્તુઓ લઈને આવી પહોંચે છે અને આપણને એ આશામાં ઘેરી વળે છે કે આપણે કાંઈક ખરીદીએ તો તેને બે પૈસા મળે.એ એની રોજી-રોટી છે. આપણે એની પાસેથી ક્યારેક ખરીદતાં હોઈએ છીએ તો ક્યારેક એની સાથે વાત કરીને એને પૂછીએ છીએ કે તું ક્યાં રહે છે? શું કરે છે? ભણે છે કે નહીં ? બસ, આનાથી વધારે કાંઈ નહીં.સિગ્નલ ખૂલે એટલે એ એનાં રસ્તે, આપણે આપણાં રસ્તે. મોટાભાગના લોકો આવું જ કરતાં હોય છે પણ એક મહિલાએ એવું ન કર્યું, તો એણે શું કર્યું? એ જાણવા માટે તો આપણે એમની સાથે જ વાત કરીએ.


પ્રેરણાત્મક સ્ટોરી
તમારી વાત તમારા શબ્દોમાં...

" મારે તો બસ...આ બાળકોનાં આજીવન શિક્ષક બની રહેવું છે."

'વંચિતોના વાણોતર' શ્રી પ્રજ્ઞાબેન ગાંધી

વંચિતોના વાણોતર શ્રી પ્રજ્ઞાબેન ગાંધી'વંચિતોના વાણોતર' પ્રજ્ઞાબેન ગાંધી

"મેં  એ દિવસે ગાર્ડનમાં બાળકોને જોયાં હતાં. હું મારા હસબન્ડ અને નાનાં બાળક સાથે ગાર્ડનમાં બેઠી હતી ત્યારે કેટલાંક છોકરાઓ અમને ઘેરી વળ્યાં અને વસ્તુ લેવા માટે આગ્રહ કરવાં લાગ્યાં. કોઈની પાસે ફૂગ્ગા હતા તો કોઈની પાસે પિપૂડી, તો કોઈની પાસે જાતજાતનાં રમકડાં. મેં એમને વાતવાતમાં પૂછી લીધું કે તમે બધાં સ્કૂલમાં જાઓ છો કે નહીં? સૌનો એક જ જવાબ હતો, 'અમને કોણ ભણાવે? અમે તો બધાં છૂટક કામ કરીએ છીએ તો સ્કૂલમાં કેવી રીતે જઈએ?'

આ જવાબ સાંભળીને મારું દિલ કકળી ઊઠ્યું અને હું ખૂબ જ બેચેન બની ગઈ. મારા હસબન્ડની નજર મારા તરફ હતી એટલે તેમણે એ બેચેનીનું કારણ પૂછ્યું. મેં કહ્યું કે હું તો આ બાળકોની આજીવન શિક્ષક બની રહેવા માગું છું. આ ગરીબ વંચિત બાળકોને મફત શિક્ષણ આપીને મારી ફરજ પૂરી કરવા માગું છું. આમાં મારા પતિનો સાથ મને મળ્યો અને અમે અમારા શહેર ભાવનગરના જવાહરનગર વિસ્તારની ઝૂંપડપટ્ટીઓનાં બાળકોનું સર્વેક્ષણ કરવાનું કામ શરૂ કર્યું."


આ છે પ્રજ્ઞાબેન ગાંધી કે જેઓ ભાવનગર શહેરમાં રહે છે. એમ.કોમ.સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે. લાયબ્રેરી સાયન્સની ડિગ્રી લીધી છે. તેમણે એક સ્થાનિક શાળામાં પાંચેક વર્ષ કામ કર્યું અને સાથે દસેક વર્ષ મહિલા નાગરિક સહકારી બેન્કમાં ઑનરરી ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે. તેઓ ગુજરાત રાજ્ય સ્તરે ઍથ્લેટિક્સ ચેમ્પિયન રહી ચુક્યાં છે.


ઍથ્લેટિક્સ ચેમ્પિયન પ્રજ્ઞાબેન ગાંધી

ઍથ્લેટિક્સ ચેમ્પિયન પ્રજ્ઞાબેન ગાંધી


તમારી વાત તમારા શબ્દોમાં

આ બધાં કામ સાથે તેમણે ઝૂંપડપટ્ટીનાં બાળકોનાં સર્વેક્ષણનું કામ ચાલું રાખ્યું અને બાળકોનાં ઘરે-ઘરે જઈને તેમનાં કુટુંબની માહિતી મેળવી, તેમનાં વાલીઓની મરજી જાણી. 

આ કાર્યમાં તેમની સાથે તેમના પતિ જોડાયા. આ સમયે તેમને સૌથી મોટી મુશ્કેલી એ નડી કે આ શહેરી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં છૂટક કામ કરતાં મજૂરો, વંચિતો અને સ્થળાંતર કરીને નાનાં-મોટાં કામ કરતાં લોકો રહેતા હોવાથી તેમની પાસે તેમનાં પોતાનાં બાળકોનાં જન્મ અંગેની કોઈ માહિતી નહોતી. પ્રજ્ઞાબહેને નાની-નાની માહિતી મેળવી અને તેના આધારે એ બાળકોનાં જન્મના દાખલા કઢાવ્યા અને કુલ-400 જેટલાં બાળકોને શહેરની મ્યુનિસિપાલિટી શાળામાં દાખલ કરાવડાવ્યાં. અને આ રીતે બાળકો શાળામાં જતાં થયાં.

તમારી સંસ્થા વંચિતોના વાણોતર વિશે થોડું જણાવશો?

જે બાળકોને શાળામાં દાખલ કર્યાં એમનાં વાલીઓ તો મોટાભાગે અભણ જ હતા અને એ લોકો આખો દિવસ મજૂરીકામે જતા હોય એટલે એમની પાસે સમય પણ ન હોય. તો પ્રશ્ન એ આવ્યો કે આ બાળકોને શાળાનું હોમવર્ક કોણ કરાવે? બીજું એ કે જે બાળકોને સવારની સ્કૂલ હોય એ બપોર આખી રખડ્યા કરે. 

'વંચિતોના વાણોતર' બાલવાડી રસ્તા પર શરૂ કરી.

આ બંને કારણોસર મેં મારી તે સમયની જોબ, અન્ય સામાજિક કાર્યો છોડી દીધાં અને બધું જ કામ છોડીને સંપૂર્ણપણે બાળકોની પાછળ જ સમય આપવાની શરૂઆત કરી. અને 13ઑક્ટોબર-2001 રોજ એક બાલવાડી શરૂ  કરી, જેને નામ આપ્યું 'વંચિતોના વાણોતર' બાલવાડી. 'વંચિતો' એટલે એવાં બાળકો કે જેઓ પછાત છે, વિચરતી અને વિમુક્ત જાતિનાં છે,મજૂરી કરે છે, કચરો વીણે છે, નાના-મોટા કામધંધા કરે છે. 'વાણોતર' એટલે આવાં બાળકોનું રખોપું કરનારી, તેમની સંભાળ લેનારી વ્યક્તિ. 
 બાલવાડીમાં  બાલમંદિરથી બાર ધોરણ સુધીનાં બાળકોને મફત અભ્યાસ કરાવવામાં આવે છે અને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.

જે બાળકો સવારની શાળાઓમાં જતાં હોય છે તે બપોરના સમયે અને જે બપોરે શાળાઓમાં જતાં હોય તે સવારે અહીં  અભ્યાસ માટે આવે છે. આ બાલવાડીમાં તેમને રોજેરોજનું શાળાકીય હોમવર્ક કરાવું છું. વિવિધ વિષયમાં પ્રોજેક્ટ તૈયાર કરાવું છું. ઉપરાંત, ઇતરપ્રવૃત્તિઓ અને પેપર-આર્ટ, મેંદી ડિઝાઈન, સીવણ-ગૂંથણની તાલીમ આપવામાં આવે છે.


વર્ષ-2001માં આ બાલવાડી શરૂ કરી ત્યારે ભાવનગર શહેરના જવાહર નગર વિસ્તારનાં બાળકોનાં રહેઠાણો નજીકના વિસ્તારોની ગલીઓમાં રસ્તા પર જ  બાળકોને શિક્ષણ આપવામાં આવતું હતું. વર્ષ-2007માં આ ઝૂંપડપટ્ટીઓને  સરકાર તરફથી દૂર કરવામાં આવી અને તેમને શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પ્લોટ આપવામાં આવ્યા. આનાં કારણે મારાં બધાં જ વિદ્યાર્થીઓ જુદા-જુદા વિસ્તારમાં વહેંચાઈ ગયા. મારા વિસ્તારનાં બાળકોને હું ભણાવું છું. 

મંદિરના પ્રાંગણમાં બાલવાડીને જગ્યા મળી
બાળકોની સંખ્યા વધતી ગઈ એટલે રસ્તા પર ભણાવવાનું મુશ્કેલ બનતું ગયું. ત્યાંથી પસાર થતાં કેટલાંક લોકોનું આ બાબત તરફ ધ્યાન ખેંચાયું એટલે તેમણે નજીકના મંદિરના ટ્રસ્ટીઓ સાથે વાત કરી અને એ રીતે મંદિરના વિશાળ પ્રાંગણમાં સ્કૂલ ચલાવવાની અમને પરવાનગી મળી ગઈ. આ સેવાભાવી લોકોએ બાળકોને શૈક્ષણિક સામગ્રી પણ આપી.આ રીતે વર્ષ-2007માં આ નવી જગ્યા પર અમારી પ્રવૃત્તિઓ શરૂ થઈ જે આજ સુધી અહીં જ ચાલુ છે. 


મંદિરના પ્રાંગણમાં 'વંચિતોના વાણોતર'

મંદિરના પ્રાંગણમાં 'વંચિતોના વાણોતર'
બાલવાડીમાં હાલમાં 200 જેટલાં બાળકો ભણે છે

બાળકો જાતે જ સફાઈ કરે છે. પ્રાર્થના પછી અભ્યાસ શરૂ થાય છે. તેઓ પોતે પણ સ્વચ્છ થઈને આવે તેની કાળજી લેવામાં આવે છે. આખો દિવસ જુદી-જુદી પ્રવૃત્તિઓમાં વિતાવ્યા પછી બાળકો હસતાં-રમતાં ઘરે જાય છે. બાળકોને અહીં એટલી મજા પડે છે કે મારે હવે બાળકોને બોલાવવા નથી પડતાં કે લેવા પણ નથી જવું પડતું. તેઓ અહીં આવવા માટે એટલાં આતુર હોય છે કે દિવસે ને દિવસે મારા વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે. હાલમાં, આ બાલવાડીમાં 200 બાળકો આવે છે જેમાં 130 છોકરીઓ છે અને 70 છોકરાઓ છે.


કોઈ વિદ્યાર્થીને 8 ધોરણ પછી આગળ ભણવું હોય તો શું કરો છો?

હા, આજકાલ ઉચ્ચ શિક્ષણ લેવા માગતાં બાળકોની સંખ્યા વધી  છે . આવા બાળકોને 8 ધોરણ પછી પ્રાઈવેટ શાળાઓમાં દાખલ કરાવડાવું છું અને તેમની વાર્ષિક ફી તેમજ શૈક્ષણિક જરૂરિયાતોની વ્યવસ્થા હું કરી આપું છું.

જે વિદ્યાર્થીઓને કૉલેજમાં જવું હોય તો તેમનાં ઍડમિશનથી લઈને ફી આપવા સુધીની બધી જ જવાબદારી હું સંભાળું છું. મોટાભાગે છોકરાઓને ડિપ્લોમા કોર્સમાં દાખલ કરાવીએ છીએ એટલે તેઓ જલદીથી પગભર થઈને કમાતાં થઈ શકે છે. 

મારા ત્રણ વિદ્યાર્થીઓ વિશે વાત કરતા મને આનંદ થાય છે કે જેઓ બાલમંદિરથી શરૂ કરીને બાર ધોરણ સુધી મારી પાસે જ ભણ્યાં છે અને સમગ્ર અભ્યાસ દરમિયાન 90થી ઉપર ટકા સાથે આગળ રહ્યાં છે અને તેજસ્વી કારકિર્દી બનાવી છે.

બાલવાડીના વિદ્યાર્થી જયરાજ મકવાણા

 " મારે ડૉક્ટર બનવું છે. અભ્યાસમાં મળેલી સિદ્ધિઓ માટે હું મારા શિક્ષક પ્રજ્ઞાબહેનનો આભારી છું. આ બાલવાડી ન હોત તો અમારું શું થયું હોત!"

જયરાજ મકવાણા

જયરાજ મકવાણા 


   " હાલમાં હું કૉલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરવા જઈ રહ્યો છું. પહેલા ધોરણથી જ હું આ સંસ્થા સાથે છું. આગળ સુધી સારા ગુણોથી સફળતા મેળવવામાં આ સંસ્થાનો અને પ્રજ્ઞાબહેનનો બહુ મોટો ફાળો રહેલો છે. ગરીબ તેમજ મધ્યમ વર્ગનાં બાળકોનાં અભ્યાસ માટે આવી બીજી કોઈ સંસ્થા ચાલતી નથી પણ પ્રજ્ઞાબહેન ચલાવે છે તે ધન્યવાદને પાત્ર છે.મારે વધુ અભ્યાસ કરીને ડૉક્ટર બનવું છે." 


બાલવાડીની વિદ્યાર્થિની દક્ષા ભરતભાઈ મકવાણા

" વંચિતોના વાણોતર બાલવાડીમાં ઇતરપ્રવૃત્તિઓ કરવામાં મને બહુ જ રસ પડતો હતો. આજે એ મારા શોખના વિષયો ગણાય છે."


દક્ષા મકવાણા

દક્ષા મકવાણા


" વંચિતોના વાણોતર સંસ્થામાં હું બાલમંદિરથી ભણીને આજે ઉચ્ચ અભ્યાસ સુધી પહોંચી છું. આ સંસ્થામાં બધી જ ઇતરપ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.બધા જ તહેવારો ઉજવવામાં આવે છે. રમતોત્સવ પણ થાય છે. અમારા શિક્ષક પ્રજ્ઞાબહેને અમને સારું શિક્ષણ પ્રદાન કર્યું છે. મને અહીં ભણવાનું મળ્યું અને હું આગળ વધી. હવે, હું ટ્યૂશન-ક્લાસમાં જઈને ભણાવું છું એ રીતે હું પગભર થઈ ગઈ છું."


બાલવાડીની વિદ્યાર્થિની વંશીતા ધાંધલ્યા

" નમસ્કાર! હાલમાં હું બી.એસસી.ના સિમેસ્ટર-3માં  અભ્યાસ કરું છું."

વંશીતા ધાંધલ્યા

વંશીતા ધાંધલ્યા

"છેલ્લાં દસ વર્ષથી વંચિતોના વાણોતરમાં અભ્યાસ કરું છું. આ સંસ્થામાં પ્રજ્ઞાબહેન તમામ વિષયોનો અભ્યાસ અને હોમવર્ક કરાવે છે. ઇતરપ્રવૃત્તિઓ પણ થાય છે. અમને  જરૂરી બધી જ જાતની શૈક્ષણિક સામગ્રી પ્રજ્ઞાબહેન જ આપે છે. ઘરનાં આર્થિક કારણોસર અમારો અભ્યાસ અટકે નહીં તેનું તેઓ ધ્યાન રાખે છે. અમને સારો પોષણવાળો ખોરાક મળી રહે તેનું ધ્યાન રાખે છે. અમે દરેક ક્ષેત્રમાં પારંગત બનીએ તેવા પ્રયત્નો તેઓ કરે છે. હું તેમનો દિલથી આભાર માનું છું."


" આ બાળકોનાં વાલીઓનું વલણ કેવું રહ્યું છે? ક્યારેય વિરોધ કરે છે ખરાં?"
" ના, ક્યારેય વિરોધ નથી થયો. ઊલટું, હવે તો તેઓ જ પોતાનાં બાળકને દાખલ કરવા માટે લઈને આવતાં હોય છે. બાળકો પણ અહીં આવવા માટે હોંશે-હોંશે તૈયાર થઈ જતાં હોય છે...

તેઓ પોતાનાં સંતાનોમાં દીકરાઓને ઉચ્ચ અભ્યાસ કરવાની છૂટ આપતાં હોય છે જ્યારે મોટાભાગના વાલીઓ દીકરીઓ માટે એવું ઇચ્છતાં હોય છે કે દીકરીઓ સીવણ-ભરત-ગૂંથણ, કમ્પ્યુટર કે મેંદી આર્ટ જેવા વિષયોમાં વ્યવસાયિક તાલીમ લઈને ઘરે બેસીને કામ કરે તો એમને ગમે.

"શિક્ષણથી સામાજિક પરિવર્તન આવ્યું છે, બાળકો ભણતાં થયાં છે."

બહેન, એક બાબત કહેવાની મને જરૂર ગમશે કે  સામાજિક ધોરણે શિક્ષણની બાબતમાં આ બહુ મોટું પરિવર્તન આવ્યું છે. મેં મારાં સર્વેક્ષણ દરમિયાન પણ જોયું કે ગરીબ અને મજૂરી કરતાં વાલીઓ પણ એમ કહે છે કે અમારાં બાળકો અમારી જેમ મજૂરી કરે એવું અમે નથી ઇચ્છતાં. એમને ભણતરની કિંમત સમજાઈ છે. ભણવાથી કામ સારું મળે અને પૈસા પણ સારાં મળે એ વાત તેમને સમજાઈ છે.અને વળી, પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત થયું હોવાથી તેનો પ્રચાર પણ ઘણો થયો છે. તેનું આ પરિણામ છે કે છોકરો હોય કે છોકરી પણ સંતાનો ભણતાં થયાં છે." 

પ્રજ્ઞાબેનને તાજેતરમાં મળેલાં ઍવોર્ડ અને સન્માનપત્રો

 પ્રજ્ઞાબેનને  છેલ્લાં  21 વર્ષમાં  મળેલાં ઍવોર્ડની યાદી તો બહુ લાંબી છે. આ દરમિયાન તેમને કુલ 31 જેટલાં ઍવોર્ડ અને સન્માનપત્રો મળેલાં છે,  તાજેતરમાં તેમને મળેલાં ઍવોર્ડ અને સન્માનપત્રોની વિગત વિશે જાણીએઃ-


 • 'નેશનલ બિલ્ડર ઍવોર્ડ'
નેશનલ બિલ્ડર ઍવોર્ડ સ્વીકારતાં પ્રજ્ઞાબેન ગાંધી

નેશનલ બિલ્ડર ઍવોર્ડ સ્વીકારતાં પ્રજ્ઞાબેન ગાંધીતાજેતરમાં 16 સપ્ટેમ્બર-2021ના રોજ ભાવનગર રોટરી રાઉન્ડ ટાઉન ક્લબ તરફથી આ ઍવોર્ડ આપીને શ્રી પ્રજ્ઞાબહેનનું સન્માન કરવામાં આવ્યું હતું.

 • 'પેરા લીગલ વૉલન્ટિયર'
21જુલાઈ-2021ના રોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કોરોનાકાળ દરમિયાન પેરા લીગલ વૉલન્ટિયર તરીકે કાર્ય કરવા બદલ ગુજરાત રાજ્યના કાનૂની સેવા મંડળ-અમદાવાદના ચેરમેન શ્રી ડૉ.જસ્ટિસ વિનીત કોઠારી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

 • બેસ્ટ ટીચર ઍવોર્ડ
આ ઉપરાંત, નવનિધિ દિવ્યાંગ ટ્રસ્ટ, અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘ(રાષ્ટ્રીય મહાસંઘ), અને શક્તિ સમન્વય સંસ્થા-ભાવનગર તરફથી માર્ચ-2021માં ઍવોર્ડ અને સન્માનપત્ર આપવામાં આવ્યાં છે.
 • સ્વયંસિદ્ધા ઍવોર્ડ
ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સનો બહુ જ સન્માનીય ઍવોર્ડ સ્વયંસિદ્ધા ઍવોર્ડ વર્ષ-2015માં તેમને મળી ચુકેલો છે.


" આપને મોટાભાગના ઍવોર્ડ અને સન્માનપત્ર 'શ્રેષ્ઠ શિક્ષક' તરીકેની વિશિષ્ટ સેવાઓ બદલ આપવામાં આવ્યાં છે તો હવે તમે તમારા આ કાર્યને આગળ કઈ રીતે લઈ જવા માગો છો?"

" મારું આ કાર્ય વૈશ્વિક સ્તરે પહોંચે અને અનેક વંચિતોને અક્ષરજ્ઞાનનો અને ઉત્તમ શિક્ષણનો લાભ મળી રહે તેવું મારું સપનું છે...

મારા આ કાર્યને હું વ્યવસાયલક્ષી બનાવવા માગું છું એટલે કે જે પણ બાળક મારી સંસ્થામાં આવે તેમાંનાં કોઈને વ્યવસાયિક તાલીમ લઈને પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય તો કરી શકે.  એટલે જ કમ્પ્યુટર-અભ્યાસ, સીવણ અને ભરત-ગૂંથણ અને અન્ય ગૃહઉદ્યોગોની ટ્રેનિંગ માટેનાં સાધનો  વસાવવાં છે. 

હાલમાં તો મંદિરના પ્રાંગણમાં એક મોટો હૉલ બંધાઈ રહ્યો છે એટલે ભવિષ્યમાં જગ્યાની તકલીફ થોડી ઓછી થઈ જશે. 


હાલમાં તો 'વન વુમન શો' છે એટલે કે મોટાભાગનું કામ હું અને મારા કુટુંબના સભ્યો સંભાળીએ છીએ. મારો દીકરો મરીન એન્જિનિયર છે અને પોતે જોબ કરે છે એટલે રજાના સમયમાં મને મદદ કરે છે. મારી પુત્રવધૂ સમાજશાસ્ત્ર વિષયમાં એમ.એ. છે અને યોગ ટીચર તરીકેની ટ્રેનિંગ લે છે. મારા પતિએ આ કાર્ય શરૂ કરાવ્યું, મને ખૂબ સહકાર આપ્યો પરંતુ કોરોનાકાળમાં તેઓ અવસાન પામ્યા એટલે એમનાં પ્રોત્સાહન અને સહકારની  ખોટ મને  પડી રહી છે.

"સમાજને માટે આપનો કોઈ મેસેજ છે?"

" હું એટલું કહેવા માગું છું કે દરેક સમાજની દરેક વ્યક્તિ એવું વિચારે કે સમાજમાં કોઈ પણ બાળક અભણ ન રહેવું જોઈએ." 

કોઈપણ દેશનો વિકાસ તેના સાક્ષરતાના આંક પરથી નક્કી થતો હોય છે. શિક્ષિત પ્રજા જ દેશના વિકાસમાં ભાગીદારી નોંધાવી શકે છે.મેંદી-આર્ટ શીખતી વિદ્યાર્થિનીઓ
મેંદી-આર્ટ શીખતી વિદ્યાર્થિનીઓ


પ્રજ્ઞાબેનને ભવિષ્યનાં તેમનાં કામ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ અને વધુ ને વધુ બાળકોનું ભવિષ્ય તેમનાં હાથે ઉજ્જવળ બને તેવી પ્રાર્થના કરીએ. અસ્તુ.
આદર્શ શિક્ષક અંગે વધુ વાંચવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરોઃ-


"એક પુસ્તક, એક પેન, એક બાળક અને એક શિક્ષક, વિશ્વને બદલી શકવાની અદ્દભુત તાકાત ધરાવે છે.


 "દીવાથી દીવો પ્રગટે. એક ભણે, અનેકને ભણાવે."


                                                                                                                                                                                                        

09 સપ્ટેમ્બર 2021

 શિક્ષક એટલે શું?એક આદર્શ શિક્ષકની વ્યાખ્યા । શિક્ષણ અને કેળવણી વચ્ચેનો તફાવત । એક શિક્ષકની મુલાકાત.


પ્રસ્તાવનાઃ-

આજે સમગ્ર દુનિયામાં શિક્ષકની ભૂમિકા તપાસવાની જરૂર ઊભી થઈ છે કારણ કે ખાસ કરીને, કોરોનાકાળ પછી શિક્ષક અને શિક્ષણ તેમ જ કેળવણી વિશે લોકો વધુ ને વધુ જાણવા માગે છે. આજે સમયની માંગ છે શિક્ષણ અને કેળવણી અને તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવતો શિક્ષક, તેનું મહત્ત્વ, તેની સજ્જતા વગેરે બાબતો વિશે આજે દરેક માતા-પિતા, વાલીઓ, શિક્ષણવિદ્, શાળા-સંચાલકો તેમ જ સરકારની ચિંતા છે, મૂંઝવણ છે કે આજનું શિક્ષણ ક્યાં જઈને અટકશે?બાળકો માટે કેવું શિક્ષણ જરૂરી છે? અને ત્યારે, સૌની નજર જાય છે એક શિક્ષક તરફ. નવી શિક્ષણ નીતિને લીલી ઝંડી તો મળી ગઈ છે પણ ક્યાં છે એવા શિક્ષકો કે જેઓ ખરેખર પાયાની, જીવનઘડતરની કેળવણી આપવા માટે પૂરેપૂરા સજ્જ હોય!!

આજે, આપણે મળીશું શ્રી દીપિકાબેન ચાવડાને કે જેમને પ સપ્ટેમ્બર-2021ના રોજ શિક્ષક દિન નિમિત્તે એક શ્રેષ્ઠ શિક્ષકનો  ઍવોર્ડ પ્રાપ્ત થયો છે. આવો, એમની સાથે ઉપરના દરેક મુદ્દા વિશે વાતચીત કરીએઃ-

શિક્ષક તરીકેની શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત શ્રી દીપિકાબેન ચાવડા
શિક્ષક તરીકેની શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત શ્રી દીપિકાબેન ચાવડા.


શ્રી દીપિકાબેન ચાવડા

તમારી વાત તમારા શબ્દોમાં...

તમારો પરિચય આપશો?
હું દીપિકા ચાવડા 'તાપસી' એક નિવૃત્ત શિક્ષિકા છું અને સૌરાષ્ટ્રમાં આવેલા ભાવનગર શ્રી દક્ષિણામૂર્તિ, કુમારમંદિરમાં શિક્ષણક્ષેત્રે 32 વર્ષ કામ કર્યું છે. મને નાનપણથી જ વાંચન, લેખન તેમ જ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ખૂબ રસ રહ્યો છે. 
શિક્ષક તરીકે નિવૃત્ત થયા પછી સાહિત્ય પ્રત્યેના મારા ઊંડા રસને કારણે ટૂંકી વાર્તાઓથી લેખનકાર્ય શરૂ કર્યું છે. સૌ પ્રથમ તો હિલેરિયર્સ ગ્રુપમાં જોડાઈ અને એમનાં પુસ્તક 'પરવરિશ', 'અસ્તિત્વનું આત્મવિલોપન', 'હ્રદયઝરુખે'માં મારી વાર્તા અને કવિતા પ્રકાશિત થઈ. લગભગ સાતેક રચનાઓ પ્રકાશિત થઈ છે. આ હિલેરિયર્સ ગ્રુપ અમદાવાદમાં પિન્કીબેન શાહ ચલાવે છે અને તે સાહિત્ય વિષયક પ્રવૃત્તિઓ કરે છે.

હાલમાં, હું ગાંધીનગર દૈનિક ન્યૂઝ-પેપરમાં સાહિત્ય સરિતા ગ્રુપની સભ્ય છું અને તેમની નિયમિત કોલમ-લેખિકા છું. માતૃભારતી, પ્રતિલિપિ અને સોફિઝન જેવાં ઓનલાઇન સામાજિક પ્લેટફોર્મ્સ પર પણ મારી વાર્તાઓ પ્રકાશિત થઈ છે. આમ, હાલમાં સાહિત્યના ક્ષેત્રમાં મારી સફર આગળ વધી રહી છે.

તમને પમી સપ્ટેમ્બર-2021ના રોજ શિક્ષક દિન નિમિત્તે જે ઍવોર્ડ અને સન્માન પ્રાપ્ત થયાં તેના વિશે થોડું જણાવશો?

તાજેતરમાં જ શિક્ષણ દિન નિમિત્તે મને મૌલાના કલામ આઝાદ ઈન્ટરનેશનલ એજ્યુકેશન ઍક્સલન્સ ઓનર મળ્યું છે. આ સન્માન શિક્ષણક્ષેત્રની મારી અવિરત 32 વર્ષની સેવાઓ બદલ આપવામાં આવ્યું છે. 


ઍવોર્ડ સર્ટિર્ફિકેટ


તમારાં આ વિશિષ્ટ સન્માન પાછળ કઈ સિદ્ધિઓ રહેલી છે?

હા, મેં 32 વર્ષ અવિરતપણે જે શૈક્ષણિક સંસ્થામાં કાર્ય કર્યું તે સંસ્થાનું કેળવણીક્ષેત્રમાં અને ઉત્તમ શૈક્ષણિક સંસ્થાઓમાં આગવું નામ છે અને વિશિષ્ટ પ્રદાન છે. આ સંસ્થાનું નામ છે, 'શ્રી દક્ષિણામૂર્તિ'-ભાવનગર. 
આ સંસ્થા બાળકેળવણીના પ્રણેતા એવા શ્રી ગિજુભાઈ બધેકાએ સ્થાપેલી સંસ્થા છે. 'મૂછાળી મા' ના હુલામણા નામથી ઓળખાતા શ્રી ગિજુભાઈની સંસ્થા શ્રી દક્ષિણામૂર્તિ-કુમારમંદિરમાં મને કામ કરવાની તક મળી એ માટે હું ખૂબ જ સદ્દભાગી છું.


શ્રી દક્ષિણામૂર્તિના સ્થાપક અને બાળકેળવણીકાર શ્રી ગિજુભાઈ બધેકા
શ્રી દક્ષિણામૂર્તિના સ્થાપક અને બાળકેળવણીકાર  શ્રી ગિજુભાઈ બધેકાઆ સંસ્થાની વિશિષ્ટતા વિશે જણાવશો?

આ સંસ્થાની વિશિષ્ટતા છે એના સિદ્ધાંતો અને મૂલ્યો. હું આપને કેટલાક પ્રસંગો દ્વારા આ સંસ્થાની વિશિષ્ટતા જણાવું છું.

મને યાદ છે એ દિવસ કે જ્યારે હું આ સ્કૂલમાં ઇન્ટરવ્યૂ આપવા માટે આવી હતી. વાત એમ બની કે હું મારી પાંચ જ દિવસની દીકરીને ઘરે એના પપ્પા પાસે એકલી મૂકીને સ્કૂલમાં ઇન્ટરવ્યૂ આપવા માટે ગઈ હતી. ઇન્ટરવ્યૂ વખતે શ્રી ગિજુભાઈના પુત્ર બચુભાઈ અને તેમનાં પત્ની વિમુબહેન કે જેઓ શ્રી ગિજુભાઈના અવસાન પછી સંસ્થાને સંભાળતા હતા તેઓ સામે બેઠાં હતાં. 

અહીં વાત એ કહેવાની કે વિમુબહેને મને જે સ્થિતિમાં ઇન્ટરવ્યૂ માટે આવેલી જોઈ તેથી તેમણે મને એક 'મા' ની જેમ પાસે બેસાડી અને આવી પરિસ્થિતિમાં આવવાનું કારણ પૂછ્યું હતું ઉપરાંત  મેં અમદાવાદના સાબરમતી  ગાંધીઆશ્રમમાંથી પી.ટી.સી. કર્યું હતું એ વાતને જાણીને તેમનું હ્રદય ભરાઈ આવ્યું હતું અને એટલાં ખુશ થયાં હતાં કે એક માતાની જેમ વહાલથી માથે હાથ ફેરવી મને અભિનંદન આપ્યાં હતાં. 

ગાંધીવાદી વિચારધારા ધરાવતાં વિમુબહેનને બહુ આનંદ થયો અને મને મારી યોગ્યતા મુજબની નોકરી મળી. મારી દીકરી 21 દિવસની થઈ પછી એને ઘરે મૂકીને હું સ્કૂલે જવા લાગી. તે વખતે એ સમયના આચાર્ય અને વિમુબહેને મારી દીકરીને સ્કૂલમાં જ રાખવાની સગવડ કરી આપી હતી. તેમનું માનવું હતું કે 21 દિવસની દીકરી 'મા' વિના કેવી રીતે રહી શકે!!

તો આ છે સંસ્થાનાં મૂલ્યો અને સિદ્ધાંતો. 'મૂછાળી મા'નું બિરુદ મેળવનાર શ્રી ગિજુભાઈ પણ એક 'મા' નું જ હ્રદય ધરાવતા હતા. બાળકોમાં ભગવાનને જોતાં અને કહેતાં કે, 'જ્યાં સુધી બાળકો, ઘરમાં માર ખાય, શેરીમાં દુર્ગંધ ખાય, ત્યાં સુધી મને જંપ કેમ વળે? માટે મારે એક એવી શાળા ખોલવી છે જ્યાં બાળકો હસતાં-ગાતાં, નાચતાં-કૂદતાં આવે'.

અને એમના આ વિચારને તેમણે શ્રી દક્ષિણામૂર્તિ શાળાની સ્થાપના દ્વારા અમલમાં મૂક્યો કે જેને આજે 101 વર્ષ થયાં છે. આજે પણ એ ટેકરી પર 'શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિર' એક શ્રેષ્ઠ બાલમંદિર સ્વરુપે અડીખમ ઊભું છે.

શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિર-ભાવનગર
શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિર સ્કૂલ-ભાવનગર 

      
        એક આદર્શ અને સાચા અર્થમાં 'મંદિર' કહી શકાય એવી આ સંસ્થાની હું સહભાગી શિક્ષિકા  છું એનો મને ગર્વ છે. 
ઈ.સ. 1987ના નવેમ્બર માસમાં હું આ સંસ્થામાં જોડાઈ હતી.આમ તો, ભણતી વખતે જ ગાંધી વિચારધારાને જીવનમાં ઉતારી હતી. ખાદી પહેરી, રેંટિયો કાંત્યો, ગાંધીજીના સ્વદેશી, જાતમહેનત જેવા સિદ્ધાંતોનો ્અમલ કર્યો અને હવે આવા ઉત્તમ સિદ્ધાંતો ધરાવતી શાળામાં મને કામ કરવાની તક મળી અને મારા આનંદનો પાર નહોતો.

આ સ્કૂલના શૈક્ષણિક સિદ્ધાંતો વિશે જણાવશો?

ચોક્કસ, અહીં કામ કરવા માટે પણ શિક્ષણ/કેળવણીના કેટલાક સિદ્ધાંતો હતા જેનો અમલ કરીને શૈક્ષણિક-કાર્ય કરવાનો અહીં નિયમ હતો. આ સિદ્ધાંતો નીચે મુજબ છેઃ-
 • સ્વતંત્રતા અને સ્વયંસ્ફૂરણાથી વિદ્યાર્થીઓની જવાબદારી લેવી.
 • વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની શિક્ષા(સજા)કરવી નહીં કે કોઇ પણ પ્રકારનાં ઇનામનું પ્રલોભન(લાલચ) આપવું નહીં. 
 • પરીક્ષાના ડરમાંથી મુક્તિ આપવી અને રોજેરોજનું મૂલ્યાંકન કરવું.
 • બાળકોના વાલીઓને પણ પ્રવૃત્તિમાં જોડો. તે માટે વાલી મિટીંગમાં તેમના ઘરે જઈને તેમને કહો કે તેઓ બાળકોને વાર્તા સંભળાવે, ગીતો ગવડાવે. તેના દ્વારા પણ બાળક ઘણું શીખી શકે છે.
 • માતૃભાષાને જ શિક્ષણનું માધ્યમ બનાવવું.
 • અભ્યાસની સાથે હુન્નર, કારીગરી, લલિતકલા, રમતગમત, પ્રવાસ-પર્યટન, અભિનય-નાટક અને ઇતરવાચનને પણ મહત્ત્વ આપવું.
 • વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે નિઃસ્વાર્થ બંધુત્વથી સભર અને મૈત્રીપૂર્ણ આત્મીય સંબંધ રાખવો.

આમ, એ સમયે જ્યારે શારીરિક સજા કરવાની પદ્ધતિ હતી ત્યારે શ્રી દક્ષિણામૂર્તિએ શારીરિક સજાને શાળાવટો આપ્યો હતો.
આ રીતે માત્ર બાળકોનાં જ હિતને કેન્દ્રમાં રાખીને બનાવેલા સિદ્ધાંત પર ચાલતી આ સંસ્થાનું નામ દુનિયાભરમાં ગુંજી રહ્યું છે.

એક શિક્ષક 'સફળ શિક્ષક' ક્યારે ગણાય?

મારાં 32 વર્ષનાં કાર્યકાળ દરમિયાન ઘણા શિક્ષકો, આચાર્યો અને વિદ્યાર્થીઓ સાથે કામ કરવા મળ્યું. દરેકની સાથે એક જાતનો ઘરોબો-આત્મીયતા બંધાઈ ગઈ હતી. જાણે મારી માતૃસંસ્થા ના હોય!! મારી સાથે કામ કરતાં શિક્ષકો મારા ભાઈ-બહેન જેવા અને આચાર્ય-ટ્રસ્ટીઓ માતા-પિતા સમાન  અને વિદ્યાર્થીઓ તો જાણે પોતાનાં સંતાનો જેવાં જ લાગતાં!!

એક શિક્ષકની આટલી લાંબી શૈક્ષણિક યાત્રા દરમિયાન જાત-જાતની મનોવૃત્તિવાળા વિદ્યાર્થીઓ પણ હોય જ ને! એમને પોતાનાં કરીને ભણાવવા, ન ગમતા વિષયો પ્રત્યે રસ લેતા કરવા, અને વિદ્યાર્થીનું જીવનઘડતર પણ થાય તે બાબતોનું ધ્યાન રાખીને ચાલવું, એ જ શિક્ષકોની સફળ યાત્રાનું પરિણામ હોય છે.

મારી વાત કરું છું ત્યારે હું જરૂર કહીશ કે મારો મુખ્ય વિષય સમાજવિદ્યા, ઇતિહાસ, ભૂગોળ અને નાગરિકશાસ્ત્ર છે, જે બાળકો માટે કંટાળાજનક વિષયો ગણાય. પણ મારી ભણાવવાની પદ્ધતિ એવી કે હું ક્યારેય બાળકોની સામે પુસ્તક ખોલીને કે ફકરા વાંચીને સમજાવતી નથી. હું આ વિષયોને મૌખિક વાર્તા સ્વરૂપે, પરસ્પર આદાનપ્રદાન થાય એવી પ્રશ્નોત્તરી સ્વરુપે, નાટ્યસ્વરુપે અને પ્રોજેક્ટ સ્વરુપે જ ભણાવતી હતી. એ પછી તો આ વિષયો બાળકોની પસંદગીનો વિષય બની જતા હતા. 

નબળો વિદ્યાર્થી પણ એને આપેલો પ્રોજેક્ટ એટલી ઉત્તમ રીતે બનાવીને રજૂ કરે કે તેને એ વિષયના મુદ્દા યાદ રહી જાય. ગોખવાની જરૂર ન પડે.

મારી આ શિક્ષણપદ્ધતિએ મને બાળકોની પ્રિય શિક્ષિકા બનાવી દીધી હતી કારણ કે તે દ્વારા તેમને પોતાના વિચારો અને આવડત રજૂ કરવાની તક મળતી હતી. 


એક પ્રોજેક્ટ દરમિયાન ગાંધીજીની વેશભૂષામાં વિદ્યાર્થી રેંટિયો કાંતે છે.
 એક પ્રોજેક્ટ દરમિયાન ગાંધીજીની વેશભૂષામાં વિદ્યાર્થી રેંટિયો કાંતે છે.યાદ રહી ગયો હોય તેવા કોઈ પ્રસંગની વાત કરશો?

હા, એક વખત અમે પાંચ દિવસના પ્રવાસે ગયા હતા. આમાં છોકરાં-છોકરીઓ સાથે હોય એટલે શિક્ષકોની જવાબદારી પણ વધી જતી હોય છે. સાતમા ધોરણની છોકરીઓ હોય એટલે લગભગ તો ઘરમાં તેમની મમ્મી જ બધું કામ કરતી હોય. 

પહેલા જ દિવસે રાત્રે એક વિદ્યાર્થિની મારી પાસે આવીને રડવા લાગી. મેં પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે હું તો મમ્મીથી પહેલી જ વાર છૂટી પડી છું. મમ્મી બહુ યાદ આવે છે. રાત્રે તો હું મારી મમ્મીને વળગીને જ સૂઈ જતી હોઉં છું. મેં એને મારી બાજુમાં ગળે વળગાડીને સુવડાવી દીધી. નિરાંતે સૂઈ ગઈ. 

સવારે ઊઠાડી એટલે નાહીધોઈને આવી. પછી મને કહે કે મને કપડાં સંકેલતાં નથી આવડતું. મેં એને શીખવાડ્યું. વાળ ઓળતા નહોતું આવડતું એ પણ શીખવાડ્યું. અને જમતી વખતે પણ મમ્મીના હાથનું ખાવાનું જ ભાવે છે એમ કહીને ના જમી. મેં એને પાસે બેસીને જમાડી. આમ, પાંચ દિવસમાં તેનું જીવનઘડતર પણ થયું અને તે બધું શીખતી ગઈ. આમ, એક 'માતા' ની ભૂમિકા ભજવતાં-ભજવતાં પ્રવાસનો આનંદ લેવાની મજા જ અલગ હતી.

મને વાર્તા કહેવાનો શોખ ખરો એટલે આજે પણ મારા શિક્ષકભાઈબહેનો, વિદ્યાર્થીઓ જરૂર યાદ કરીને કહે ખરાં કે બહેન, પેલી અષાઢી બીજની વાર્તા કહેવા આવોને!

આ બધું જ યાદ આવે છે અને એક સફળ-આદર્શ શિક્ષક હોવાનો સંતોષ પ્રાપ્ત થાય  છે.

મને યાદ છે કે મારી શાળામાં કે ક્લાસરૂમમાં બાળકો હંમેશાં આનંદમાં હસતાં-રમતાં હોય. આજે હું એ બધું યાદ કરું છું અને મન થાય છે કે ફરીથી એકવાર બાળકોની વચ્ચે કામ કરું, તેમની સાથે મોજમસ્તી કરું. હસતાં-હસાવતાં ઘણું બધું શીખવું છે અને શીખવાડવું છે.

આજે પણ એ વિદ્યાર્થીઓ સારી જગ્યાઓ પર કામ કરવા છતાં આપણને ક્યાંક મળી જાય ત્યારે પગે લાગે, ત્યારે આપણને આપણું શિક્ષણ સાર્થક થતું લાગે અને એક શિક્ષક તરીકે ગર્વ અનુભવાય છે. આપણે વિદ્યાર્થીઓને માત્ર ભણાવતાં જ નથી પણ સાથે જીવન જીવવાની ઉપયોગી કલા પણ શીખવીએ છીએ, તેમને કેળવણી આપીએ છીએ એટલે તેઓ જીંદગીની કોઈપણ મુસીબતમાં પાછાં ના પડે.

એક શિક્ષક તરીકેની આટલી લાંબી સફરમાં આપના કુટુંબનો કેવો ટેકો રહ્યો?

આજે મને મળેલો આ ઍવોર્ડ મેં મારી દીર્ઘ શૈક્ષણિક સેવાઓ બદલ અપાયો છે અને તે ઍવોર્ડ હું સૌ પ્રથમ તો મારાં સંતાનો અને પતિને અર્પણ કરું છું કારણ કે કપરામાં કપરી પરિસ્થિતિમાં પણ એ બધાં જ મારી સાથે હતાં અને તો જ હું નોકરી કરી શકી છું. ત્યારબાદ મારી શાળાના સાથી શિક્ષકભાઈબહેનો અને મારા વહાલા વિદ્યાર્થીઓને અર્પણ કરું છું કે જેમને માટે હું આ સેવાનું કાર્ય કરી શકી છું.એમનાં વિના તો બધું અશક્ય જ હતું.

તમે શિક્ષણક્ષેત્રમાં 32 વર્ષ કાર્ય કર્યું તો તમારું લર્નિંગ શું? તમે સમાજને શું મેસેજ આપશો?

બાળશિક્ષણના પ્રણેતા અને મૉન્ટેસરી શિક્ષણની પદ્ધતિથી પ્રભાવિત શ્રી ગિજુભાઈ બધેકાએ બાળકોના મુક્ત વિકાસની દિશામાં કાર્ય કર્યું હતું. એમના જ શબ્દોમાં હું કહીશ કે,

બાલદેવો ભવઃ
 • બાળકોમાં ભગવાન વસે છે તેમને નમન કરીએ.
 • બાળકોનું સન્માન કરીએ.
 • બાળકોની સ્વતંત્રતાનું માન જાળવીએ.
 • બાળકોની ખુશી, એમની પ્રસન્નતાને જાળવી રાખીએ
આજના સંદર્ભમાં આ શિક્ષણ કેટલું ઉપયોગી છે?

બહેન, હાલમાં નવી શિક્ષણ નીતિને કેન્દ્ર સરકારની લીલી ઝંડી મળી ગઈ છે અને આ નીતિમાં બુનિયાદી કેળવણી, જીવનઘડતરની જ વાત કરવામાં આવી છે કે જે  માત્ર ડિગ્રી જ નહીં પરંતુ જીવનઉપયોગી અને પૂર્ણ મનુષ્ય બનવા તરફની કેળવણી છે. બાળપણમાં આપેલી તાલીમ, ઘડતર, અને સંસ્કાર જ સમગ્ર સમાજ અને રાષ્ટ્રને ઘડે છે.

નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટે આ પ્રકારના શિક્ષકોની જરૂર ઊભી થવાની છે કે જે સાચા અર્થમાં શિક્ષક છે. આ યુગ છે શિક્ષણનો યુગ. એક શિક્ષક આખા વિશ્વને બદલી શકે છે. કોઈ પણ દેશની પ્રગતિનો મુખ્ય આધાર છે તેનું શિક્ષણ, તેની કેળવણી. 

'સા વિદ્યા યા વિમુક્તયે' જે તમને ખરેખર મુક્ત કરે છે તે છે વિદ્યા.

શ્રી દીપિકાબેન સાથેની વાતચીતમાંથી શિક્ષક, શિક્ષણ અને કેળવણી વિષે નીચેના મુદ્દા તારવી શકાય છેઃ-

 • એક સાચો શિક્ષક ક્લાસરૂમમાં આવીને માત્ર ભણાવતો જ નથી પરંતુ  પ્રેમ,ધીરજ,સંભાળ અને આત્મવિશ્વાસ જેવા ગુણો દ્વારા શરીર,મન અને આત્માની કેળવણી આપે છે જેથી તેનો સ્વસ્થ વિકાસ થાય અને  તેના પર માનવીય મૂલ્યોની મજબૂત ઇમારત બંધાય. 
 • શિક્ષણ એટલે સ્વ-સુધારણાની પ્રક્રિયા. શિક્ષણનું ધ્યેય છે ચારિત્ર્યનો વિકાસ, નૈતિક શિક્ષણ, વ્યક્તિત્વનો વિકાસ, એટલે કે સમગ્ર રીતે જીવનઘડતરની પ્રક્રિયા. ભણતરની સાથે સાથે ગણતરની પ્રક્રિયા.જેનું નામ છે જીવનલક્ષી કેળવણી.પાયાની કેળવણી.
સમાપનઃ-
આ લેખમાં આપણે દીપિકાબેન સાથેની વાતચીત દ્વારા એક આદર્શ શિક્ષક, આદર્શ શિક્ષણ અને આજના યુગમાં એની વધેલી માંગ વિષે ચર્ચા કરી. આપણે એ પણ જાણ્યું કે આજે સંપૂર્ણ વિશ્વને ગુણવત્તાસભર શિક્ષણનું મૂલ્ય સમજાયું છે અને તે તરફ ઘણી નવી દિશાઓ ખુલતી જાય છે. 

આપણા દેશમાં પણ શિક્ષણની નવી નીતિના પાયામાં આ ગુણવત્તાસભર શિક્ષણ જ રહેલું છે. આ નીતિનું અમલીકરણ જલદીથી થાય અને સમાજ માટે ઉત્તમ કક્ષાના નાગરિકોનું નિર્માણ થાય એમાં જ સૌનું શ્રેય રહેલું છે. શિક્ષણ અને શિક્ષણની નવી નીતિ અંગે વધુ જાણવા માટે નીચેની લિંક પર ક્લિક કરોઃ-https://www.prernanaparijat.com/2021/03/blog-post.html