ચાલતી પટ્ટી

" જિંદગીમાં જીતની સૌથી સારી તૈયારી એ છે કે આજે સારું કામ કરો.● ‘વિષાદ’ પણ એક યોગ છે. ● એક કામ શરુ કરી લીધા પછી અસફળતાનો ડર ના રાખો, ● અને કામને અધવચ્ચે છોડો પણ નહીં. ● સફળ લોકો કોઈ અલગ કામ નથી કરતા, ● બસ, તે કાંઈક અલગ રીતે કામ કરે છે... ● કોઈ પણ વ્યક્તિ તમને તમારી મરજી વિરુદ્ધ લઘુતાગ્રંથિનો અનુભવ ના કરાવી શકે."

12 ઑગસ્ટ 2021

વૃદ્ધાશ્રમો: સમાજનું કલંક કે આશીર્વાદ?

 વૃદ્ધાશ્રમોઃ  સમાજનું  કલંક કે આશીર્વાદ?વૃદ્ધાશ્રમોઃ સમાજનું કલંક કે આશીર્વાદ?
વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી ભાવનાબેન સાથે વડીલ 'બા'


પ્રસ્તાવનાઃ
વર્તમાન સમયમાં સમગ્ર વૈશ્વિક સ્તરે વૃદ્ધોની સંખ્યા વધી રહી છે, સાથે તેમની સમસ્યાઓ પણ વધી રહી છે અને વૃદ્ધાશ્રમો પણ વધી રહ્યા છે ત્યારે   એક પ્રશ્ન પણ ઊઠી રહ્યો છે કે વૃદ્ધાશ્રમોઃ સમાજ માટે કલંક કે આશીર્વાદ? અહીં, આ પાનાં પર આપણે એ બાબતની ચર્ચા કરવાના છીએ અને તે ચર્ચામાં આપણે ગુજરાતના જાણીતા વૃદ્ધાશ્રમોના મેનેજિંગ ટ્રસ્ટી પાસેથી તેમના વિચારો જાણીશું અને સાથે-સાથે પાશ્ચાત્ય દેશોમાં વસેલા આ વિષયના નિષ્ણાતો અને સામાન્ય નાગરિકોના ઓપિનિયન જાણવા પ્રયત્ન કરીશું.

આ લેખમાં શું વાંચશો?

- વૃદ્ધાશ્રમ એટલે શું?
- ભારતીય સંસ્કૃતિની જીવનવ્યવસ્થામાં ચાર આશ્રમોનું મહત્ત્વ.
- વાનપ્રસ્થાશ્રમ એટલે શું?
- સમાજમાં વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે?
- વૃદ્ધાશ્રમો વધવાનાં કારણો.
- વિવિધ પ્રકારના વૃદ્ધાશ્રમો.
- વૃદ્ધાશ્રમોઃ સમાજ માટે કલંક કે આશીર્વાદ?
- આ વિષય અંગેના ઇન્ટરવ્યૂ અને ઓપિનિયન

વૃદ્ધાશ્રમ એટલે શું?

વૃદ્ધાશ્રમની સામાન્ય વ્યાખ્યા એ છે કે જ્યાં વૃદ્ધો-વડીલો રહે છે તે સ્થળ. વૃદ્ધોને રહેવાનું રહેઠાણ, નિવાસસ્થાન.
પ્રાચીન સમયમાં ભારતીય સંસ્કૃતિમાં જીવનવ્યવસ્થાને ચાર આશ્રમોમાં વહેંચવામાં આવી છેઃ-

1) બ્રહ્મચર્યાશ્રમઃ-

જે સમય ગાળામાં વ્યક્તિ બ્રહ્મચર્ય ધારણ કરીને વિદ્યાભ્યાસ કરે, સાંસારિક જીવનની તૈયારી કરે છે.

2) ગૃહસ્થાશ્રમઃ-

ઘરસંસાર માંડીને ગૃહસ્થધર્મનું પાલન કરે છે, પરિવારની જવાબદારી ઉપાડે છે.

3) વાનપ્રસ્થાશ્રમઃ-

વ્યક્તિ કામધંધા-નોકરીમાંથી નિવૃત્ત થઈને પ્રભુસ્મરણ તરફ વળે છે.

4) સંન્યાસાશ્રમઃ-

સંન્યાસ લઈ સંસારમાંથી નિવૃત્ત થઈ તપસ્વી બને છે અથવા તો પ્રભુમય જીવન જીવે છે.

આજે પણ વ્યક્તિ મહ્દઅંશે આ રીતે જીવતી હોય છે. આમાં જે ત્રીજો આશ્રમ છે તે છે વાનપ્રસ્થાશ્રમ. વૃદ્ધાશ્રમ માટે  બીજો એક શબ્દ વપરાય છે, તે છે વાનપ્રસ્થાશ્રમ.
 

વાનપ્રસ્થાશ્રમ એટલે શું?

60વર્ષની ઉંમર પછી વ્યક્તિ પોતાનાં કામધંધામાંથી નિવૃત્ત થાય છે. આ સમયને 'વનમાં પ્રવેશ્યા' એમ પણ કહેવાય છે. 'વાન' એટલે 'વન'.
પહેલાના જમાનામાં ઋષિમુનિઓ તપસ્યા કરવા વનમાં જતા અને ત્યાં સાધના કરતા. એ રીતે આ અવસ્થામાં સંસારમાં રહેલી વ્યક્તિ કામકાજમાંથી નિવૃત્ત થઇને ધીરે-ધીરે માનસિક રીતે પણ મોહમાયામાંથી નિવૃત્ત થતી જાય છે. આ એક સાધના જ ગણાય છે. સંસારમાં રહેવા છતાં પણ સંસારથી અલિપ્ત રહેવું. 'જલકમલવત્' સ્થિતિ એટલે કે કમળ પાણીમાં હોવા છતાં પાણી તેને સ્પર્શી શકતું નથી.

ભગવત્ ગીતાનો એક જાણીતો શ્લોક છે તેનો ગુજરાતી અનુવાદ છેઃ-

    'કાચબો જેમ અંગોને તેમ જે વિષયો થકી
    સંકેલે ઇન્દ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર.'

વાનપ્રસ્થાશ્રમ દરમિયાન ઘણાં લોકો નિવૃત્ત થઈને કાશી, મથુરા, હરિદ્વાર, કે અન્ય ધર્મસ્થાનોમાં જઈને વસી જાય છે અને વધુ ને વધુ ઈશ્વર સમીપ રહેવાની તૈયારી કરે છે. આને કહેવાય છે વાનપ્રસ્થાશ્રમનો સમય. જે દરમિયાન વ્યક્તિ જીવનના ચોથા આશ્રમ સંન્યાસાશ્રમ માટે પોતાને તૈયાર કરે છે.

આ સમય છે આત્મખોજનો.કોઈ રાગ-દ્વેષ વિના જીવવાનો સમય. પોતાને ગમતી પ્રવૃત્તિઓમાં સમય વિતાવીને કર્મયોગ કરવાનો આ સમય છે. ભક્તિમાં સમય ગાળીને ભક્તિયોગ કરવાનો આ સમય છે. સારું-સારું વાંચી-લખીને, વિચારીને,સાંભળીને જ્ઞાનયોગ કરવાનો હોય છે.
 વૃદ્ધાશ્રમો આ અર્થમાં વાનપ્રસ્થાશ્રમ  બની શકે છે. જ્યાં જીવનને આનંદમય, ભક્તિમય, કર્મમય, જ્ઞાનમય માર્ગે જીવતાં-જીવતાં વધુને વધુ ઇશ્વર સમીપ લઈ જવું.
 
આનો અર્થ એ નથી કે તમારે જીવવાનું છોડી દેવાનું છે પરંતુ હવે તમારે તમારા પોતાને માટે જીવવાનું છે જેથી તમારું ભવિષ્ય આનંદમય બની જાય. 
વિચારવાનું એ છે કે આવા વાનપ્રસ્થાશ્રમો એટલે કે વૃદ્ધાશ્રમોને સમાજનું કલંક કહી શકાય કે જ્યાં તમે ઓશિયાળાં થઇને નહીં પરંતુ તમારા જીવનને વધુ ને વધુ સત્ય, શિવમ્, સુંદરમ્, બનાવીને જીવવાનો પ્રયત્ન કરો છો  કે જેથી તમારો સંન્યાસાશ્રમ કલ્યાણકારી બની રહે?


વૃદ્ધાશ્રમોઃ સમાજનું કલંક કે આશીર્વાદ?
વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમઃ જામનગર,ગામ-વસાઇ, ગુજ.


વૃદ્ધાશ્રમો સમાજનું કલંક હોય તો સમાજમાં વૃદ્ધાશ્રમો કેમ વધી રહ્યા છે?સમાજમાં વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે? શા માટે વધી રહ્યા છે?

વૃદ્ધાશ્રમો વધવાનાં કારણોઃ-

 • સમયની  સાથે સાથે સમાજની માન્યતામાં ફેરફાર થયો છેઃ-

પહેલાના જમાનામાં કેવી કેવી માન્યતાઓ હતી!!બાળલગ્નો, દીકરીને દૂધ પીતી કરવી, વિધવાવિવાહ નહીં કરવાના વગેરે. 'દીકરી સાપનો ભારો છે',
એમ કહેવાતું જ્યારે આજે 'દીકરી વહાલનો દરિયો' એમ કહીને તેને સમાજમાં ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે.

એ રીતે, પહેલાના જમાનામાં પોતાનાં વૃદ્ધ માતા-પિતાને કે વડીલને વૃદ્ધાશ્રમમાં મોકલવા તે શરમની વાત ગણાતી અને એમ કહેવાતું કે તેમ કરવાથી સમાજમાં આબરુ જાય અને 'લોકો શું કહેશે' એ ચિંતા હતી.
આજે પણ આ સ્થિતિ છે પરંતુ ધીરે-ધીરે તેમાં બદલાવ આવતો જાય છે.

 સમાજમાં વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે એટલે તેનો પ્રચાર-પ્રસાર પણ થયો છે અને લોકોમાં જાગૃતિ વધી છે. અત્યારસુધી, સુખ હોય કે દુઃખ, પણ ઘરમાં જ 'કુટાઇ મરવું' એવું ચલણ હતું , અને પરિવારમાં રહેવા સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. પરિવારમાંથી નીકળીને બીજે ક્યાં જવું? બીમાર પડીએ તો કોણ સારવાર કરે? પાલન-પોષણ કોણ કરે? આવા પ્રશ્નોને લીધે પરિવારમાં સહુ કોઈ ચૂપચાપ સહન કરીને રહેતા હતા. આજે સમાજમાં નવા વિચારોની નવી હવા પ્રવેશતી જાય છે.નવી પેઢીમાં શિક્ષણ લેવાનું ચલણ વધ્યું છે એટલે નવા વિચારોને પણ સ્થાન મળતું રહ્યું છે.

 • આજે યુગ બદલાઈ રહ્યો છે

આજની ડિજિટલ દુનિયામાં ટેકનિકલ વિકાસે હરણફાળ ભરી છે તેને લીધે વૈશ્વિકરણ (ગ્લોબલાઇઝેશન) એટલી હદે વધ્યું છે કે સમગ્ર દુનિયા તમારા આંગણે આવીને ઊભી છે. યુવાનોમાં શિક્ષિત થવાનું ચલણ વધ્યું છે એટલે યુવાનો નવાં-નવાં ક્ષેત્રોમાં નિષ્ણાત થવા માટે, સારાં કામધંધાની તકો શોધવા માટે, નવા-નવા પ્રદેશોમાં સ્થળાંતર કરીને ચાલ્યા જતા હોય છે.અને ઘરમાં વડીલો એકલા રહી જતા હોય છે.

 • કુટુંબો વિભક્ત થતાં જાય છે

પહેલાના જમાનામાં સંયુક્ત પરિવારની કુટુંબવ્યવસ્થામાં વડીલો સચવાઇ જતા હતા અને એટલે જ એકબીજા પ્રત્યેની જવાબદારી ઉપાડી લેવાની તત્પરતા અને ભાવના હતી.
આજે માનસ બદલાયું  છે. શિક્ષણ વધ્યું છે,સ્વતંત્રતા વધી છે એટલે લોકો સ્વતંત્ર મિજાજના થઈ ગયા છે.પરિવાર પ્રત્યેની ભાવના બદલાઈ ગઈ છે.યુવાનોને તેમની સ્વતંત્રતા વધારે વહાલી હોય છે પરિણામે કુટુંબો નાનાં અને વિભક્ત બનતાં જાય છે. આ રીતે પણ વૃદ્ધો એકલા પડી ગયા છે.

 • વૃદ્ધોના સ્વાસ્થ્યના પ્રશ્નો મહત્ત્વના હોય છે તે સચવાતા નથી.

વૃદ્ધોની સાથે મોટાભાગે સ્વાસ્થ્યના પ્રશ્નો સંકળાયેલા હોય છે.અને આજકાલ હવા, પાણી, વાતાવરણ, ખોરાક એટલાં દુષિત થઈ ગયાં છે કે બાળકોની જેમ વૃદ્ધો પણ જલદીથી બીમારીના શિકાર બની જતા હોય છે. જો તેમને યોગ્ય સારવાર ના મળે તો તકલીફ થઈ જતી હોય છે. એક સામાન્ય મધ્યમ વર્ગનો પરિવાર તેમની મોંઘી દવાઓના ખર્ચા ઊઠાવી શકતો નથી અને વડીલોને સહન કરવાનો વારો આવતો હોય છે. 

તદ્દન ગરીબ પરિવારો કે જેઓ રોજેરોજનું રળીને ખાતાં હોય છે કે છૂટક મજૂરી કરીને પેટ ભરતા હોય છે, શાકભાજીની લારી ચલાવતાં હોય કે પછી કટલરીનો સામાન વેચતા હોય છે. તે લોકો જ્યારે કામ ન કરી શકે અથવા તો કોઇ અસાધ્ય રોગ થઈ જાય, અકસ્માત થઈ જાય અને અપંગ બની જાય તો તેમનું અને પરિવારનું શું થાય?

 • સમાજમાં વૃદ્ધો એકલા પડી ગયા છે
સમગ્ર વિશ્વમાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે અને સામાજિક દ્રષ્ટિએ તેઓ તદ્દન એકલા પડી ગયા છે. મોટાભાગના વૃદ્ધો એકલવાયું જીવન જીવી રહ્યા છે અથવા તો તેમના જેવા લોકોની સાથે રહે છે. આવા વૃદ્ધોને કોઈ બોલાવતું નથી કે નથી કોઇ તેમની સંભાળ લેતું. ઉપરાંત, સમગ્ર વિશ્વમાં મેડિકલ સવલતો એટલી મોંઘી છે કે કોઇ માનસિક કે શારીરિક બીમારી આવી જાય તો તેઓ રસ્તે રઝળતાં થઈ જાય છે. 

વૃદ્ધાશ્રમોઃ સમાજનું કલંક કે આશીર્વાદ?
જીવનસંધ્યા ઘરડાઘરમાં વડીલો બર્થ-ડે કેપ કાપી રહ્યા છે. 

 • આજકાલ વડીલો પોતાની સ્વતંત્રતાને મહત્ત્વ આપતા થઈ ગયા છે
વૃદ્ધાશ્રમોમાં વધારો થવાનું એક મહત્ત્વનું કારણ એ છે કે સમાજમાં શિક્ષણ વધ્યું છે, પાશ્ચાત્ય જીવનશૈલી અપનાવવાની હવા ચાલી છે એટલે નવા જમાનાનાં માતા-પિતા એટલે કે વડીલો પણ હવે સ્વતંત્ર વિચારસરણી ધરાવે છે.તેમની સારી જીવનશૈલીને કારણે તેમનું આયુષ્ય પણ વધ્યું છે અને તેઓ સારું સ્વાસ્થ્ય ધરાવતાં થયાં છે એટલે તેમને પણ નિવૃત્તિ પછી પણ સામાજિક વાતાવરણ, મિત્રો, મોજશોખ, આનંદપ્રમોદ કરવા હોય છે . પોતાની રીતે જીવવાનું ચલણ વધ્યું છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ તો હોય છે પરંતુ દરેકને સ્વતંત્ર રીતે જીવવું હોય છે. એટલે પછી વડીલો પણ વૃદ્ધાશ્રમમાં આવવાનું પસંદ કરતા હોય છે.

આજકાલ ડિજિટલ માધ્યમો પર વૃદ્ધાશ્રમોની માહિતી પણ એટલી આકર્ષક રીતે શેર થતી હોય છે કે લોકો તેને શેર કરે છે, પ્રશંસા કરે છે અને તેમાં પોતાનું યોગદાન પણ આપે છે. ધીરે-ધીરે સમાજમાંથી વૃદ્ધાશ્રમો વિશેનો છોછ ઓછો થતો જાય છે. લોકો સ્વીકારતા થયા છે કે જેમ સમાજમાં અનાથાશ્રમો, વનિતાવિશ્રામો, અપંગ માનવમંડળો, મહિલાગૃૃહો, વિધવાઆશ્રમો હોય છે તેમ વૃદ્ધાશ્રમો પણ હોઇ શકે અને તે સમાજની જરૂરિયાત છે. 

આ બધાં કારણોસર વૃદ્ધજનોની  જરૂરિયાત મુજબના વૃદ્ધાશ્રમો બનતા જાય છે જેમ કે; 

- એવા વૃદ્ધાશ્રમો કે જ્યાં એવા લોકો છે કે જેઓ તદ્દન ગરીબ છે, અશક્ત થઇ ગયા છે, બીમાર છે અને કોઈ છે નહીં, તેમને અહીં નિઃશુલ્ક રાખવામાં આવે છે.

- કેટલાક એવા વૃદ્ધાશ્રમો છે કે જ્યાં એવાં માતા-પિતા અને વડીલો રહે છે કે જેમનાં સંતાનો પરદેશમાં છે અને તેઓ એકલા હોય છે. સ્વસ્થ હોય છે અને સંતાનો પાસે આવ-જા કરતાં હોય છે.આવાં લોકો આશ્રમમાં રહીને પરદેશ આવ-જા કરતાં હોય છે.

- હમણાં-હમણાં વૃદ્ધાશ્રમો માટેનાંં ટાઉનશિપ બનતાં હોય છે. જે સંતાનોને પૈસાની કમી ના હોય અને  પરદેશ જાય છે તેઓ અહીં તેમના માતાપિતા કે જેઓ બહુ ઉંમરવાળાં છે કે બીમાર છે તેમને માટે રહેવાની વ્યવસ્થા કરે છે જેથી બધા જ પ્રકારની સુવિધા તેમને મળી રહે અને સાથે કંપની પણ મળી રહે. હવે તો જેમની પાસે પૈસા છે તેઓ તો નિવૃત્તિ પછી પણ આવાં ટાઉનશિપમાં રહેવાનું પસંદ કરે છે.

- મહિલાઓ અને પુરુષોના અલગ-અલગ વૃદ્ધાશ્રમો પણ હોય છે.

- કેટલાક વૃદ્ધાશ્રમોમાં ડે-કેર સેન્ટર હોય છે અથવા તો સ્વતંત્ર ડે-કેર સેન્ટર હોય છે. આ પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર છે. આવાં સેન્ટરમાં બધું જ ફ્રી હોય છે. સંતાનો બહાર જાય અને પછી વડીલો એકલા પડી જાય એટલે આ સેન્ટરમાં આખો દિવસ ગાળે છે અને પોતાનાં સમવયસ્કો સાથે આનંદ કરે છે.અહીં લાયબ્રેરી હોય છે, મનોરંજન માટેની રમતો, અન્ય પ્રવૃત્તિઓ હોય છે. અહીં તેમને માટે રોજબરોજના મેડીકલ ચેકઅપની વ્યવસ્થા પણ હોય છે. તેમને લાવવા-મૂકવા માટે બસની વ્યવસ્થા પણ હોય છે. 

આનાથી શું થાય છે કે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો અને બહારથી આવતા વડીલો વચ્ચે એક સામાજિક સેતુ બંધાય છે. તેઓ મિત્રો બને છે.રજા કે તહેવારના દિવસે તેમના ઘરે લઈ જાય છે. 
આ વ્યવસ્થામાં પરિવારમાં સંતાનો અને વડીલો બંનેને આખો દિવસ પોતાની સ્વતંત્રતા મળી જાય છે.  માનસિક રીતે સ્વસ્થ રહે છે એટલે ઘરમાં આનંદ જળવાઇ રહે છે.
હવે તો એવી પ્રથા વિકસી રહી છે કે કોલેજના યુવાનો, સુખી ઘરની મહિલાઓ, વિવિધ કાર્યક્રમો કરતા લોકો વાર-તહેવારનો દિવસ વૃદ્ધાશ્રમમાં ગાળે છે અને પ્રવૃત્તિઓ કરાવે છે.

હવે ખ્યાલ આવે છે ને કે વર્તમાન સમયમાં ઘણાં કારણોસર વૃદ્ધાશ્રમો એ સમાજની જરૂરિયાત બની ગયાં છે. જરા વિચાર કરીએ કે જો વૃદ્ધાશ્રમો ના હોત તો જરૂરિયાતવાળા લોકો ક્યાં જાત? એવા આશ્રમો કે જેઓ રસ્તે રઝળતાં વૃદ્ધોને પણ આશ્રમમાં લાવીને તેમની સેવા કરે છે તેમને ભોજન આપે છે અને આખી જિંદગી પાળેપોષે છે, તે ન હોત તો એવા નિરાધાર વૃદ્ધોનું શું થાત? 

એટલે એમ કહેવું કેટલું યોગ્ય ગણાશે કે વૃદ્ધાશ્રમો સમાજનું કલંક છે?ના,ના, એ કલંક નથી પણ તે આજની જરૂરિયાત છે એટલે કે સમાજને માટે આશીર્વાદરૂપ છે.


વૃદ્ધાશ્રમોઃ સમાજનું કલંક કે આશીર્વાદ?આપણે વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી ભાવનાબેન પરમાર પાસેથી નીચેના કેટલાક પ્રશ્નો વિશેના પ્રતિભાવો જાણીએઃ-

1) કેવાં કારણોસર વડીલો અહીં આશ્રમમાં આવે છે અને છેલ્લાં વર્ષો દરમિયાન તે કારણોમાં કોઇ ફેરફાર થયો છે?

આપણા સમાજમાં એવુું હોય છે કે તરછોડાયેલાં લોકો જ આશ્રમમાં આવતાં હોય છે. એવું બને પણ છે કે પરિવારજનો તરફથી તેમની જરૂરિયાતો ન સંતોષાતી હોય તેના કરતાં પણ વધુ તો તેમની લાગણી દુભાતી હોય છે, માનસિક ત્રાસ અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોય છે. 

પણ છેલ્લાં બે વર્ષમાં ફેરફાર એ આવ્યો છે કે માત્ર દીકરાનું કારણ નથી હોતું પરંતુ તેઓ  પોતાની એકલતાને દૂર કરવા માટે આવો આશરો શોધતાં હોય છે. આપણાં પરિવારો હવે નાનાં થતાં ગયાં છે. પહેલાના જમાનામાં તો મોટાં પરિવારોમાં વડીલોને કંપની આપનાર કોઈ ને કોઇ તો મળી રહેતું હતું પરંતુ હવે દીકરાઓ અલગ રહેતા હોય છે અથવા નોકરી-ધંધો કરતા હોય છે અને વડીલો પાસે 24 કલાક તો કોઈ હોતું નથી એટલે મારા આટલાં વર્ષોના અનુભવમાં એક કારણ ખાસ શોધ્યું છે કે તેમને એકલતા બહુ સાલતી હોય છે.તેઓ ઘણીવાર મને કહેતા હોય છે કે 'મને મારા દીકરા-વહુ સાથે કોઈ પ્રોબ્લેમ નથી પણ મને એકલાં ડર લાગે છે, ગમતું નથી, ખોટા વિચારો આવે છે.' આવી એકલતા તેમને વધુ બીમાર બનાવી દે છે.

અમારા વાત્સલ્યધામમાં એવો માહોલ છે કે અમે તેમને એકલા પડવા જ નથી દેતા. એક પાઠશાળા જેવું છે. એમાં સવારથી સાંજ સુધી અનેક જાતની પ્રવૃત્તિઓ કરાવાય છે જેમાં તેમને માનસિક-શારીરિક શ્રમ નથી પડતો. આને કારણે આ વૃદ્ધાશ્રમમાં વડીલોને આવવું ગમતું હોય છે. તેમને પણ આ ઉંમરે કોઈ 'સાથી' મિત્રની જરૂર હોય છે.

2) શું વૃદ્ધાશ્રમો એ સમાજની સમસ્યા કે કલંક છે?

વૃદ્ધાશ્રમો એ સમસ્યા કે કલંક નથી પણ સમાજની જરૂરિયાત છે.
હવેનો જે જમાનો છે એ સમય સાથે આપણે તાલ મિલાવવો જોઈએ. આપણે સમજીએ છીએ કે આજે વિભક્ત કુટુંબો થઈ ગયાં છે, ઘરમાં હસબન્ડ-વાઈફ બંને જોબ કરતા હોય છે અને આજની જનરેશનનાં સંતાનોમાં એજ્યુકેશન બહુ હાવી થયેલું હોય છે એટલે બાળકોનો પણ વધુ પડતો ટાઇમ ભણવામાં જ જતો હોય છે એટલે તેમની પાસે પણ ટાઇમ નથી. આવા સંજોગોમાં વૃદ્ધાશ્રમો એ સમસ્યા કે કલંક નહીં પણ સમાજની જરૂરિયાત બની ગયા છે.

બીજું, કે વડીલોના સ્વભાવ સંતાનો સાથે મેચ નથી થતા હોતા. ઘરમાં કજિયા-કંકાસ થાય અને ઘણાં વડીલોને ઘરમાં રિબાઈ-રિબાઈને જીવવું પડતું હોય છે. ઘર નાનું હોય, સવારથી રાત સુધી ઘરમાં ટીવી ચાલતું હોય, આવન-જાવન ચાલતી હોય એટલે મેઇન બારણાંનો વારંવાર અવાજ થતો હોય, ત્યારે સતત ઘોંઘાટવાળા વાતાવરણમાં આરામ થઈ શકતો નથી, એકલા બહાર જઇ શકતા નથી એટલે તેઓ માનસિક રીતે સંતુલન ગુમાવી બેસે તેવું બનતું હોય છે. 

હું તો એમ કહું છું કે આવા સંજોગોમાં રિબાઈ-રિબાઈને મરવું એવું કોણે કહ્યું? તેમને પણ સારી રીતે જીવવાનો અધિકાર છે. આખી જિંદગી તો પરિવારની જાળવણી કરી, બાળકોને ઉછેર્યાં. હવે તો તેમને પોતાની રીતે જમવાનું મળવું જોઇએ, પોતાને અનુકૂળ આવે તેવું જમવાનું મળવું જોઇએ, પોતાને સમયે જમવાનું મળવું જોઇએ.  ઘરમાં ત્રણ જનરેશન રહેતી હોય છે. નાનાં બાળકોને ફાસ્ટ-ફૂડ ફાવે જે વડીલોને ન ફાવે. તેમના દરેક ટાઇમ સચવાતા નથી, તેમને ગમતું વાતાવરણ મળતું નથી. 

જ્યારે વૃદ્ધાશ્રમોમાં એક સ્કૂલ કે હૉસ્ટેલ જેવું વાતાવરણ હોય છે. તેમને અનુકૂળ આવે તેવું જમવાનું, અનુકૂળ વાતાવરણ, તેમના વિચારો પ્રમાણેનો માહોલ અને સગવડો મળતી હોય છે. અહીં  આશ્રમમાં તેમને રહેવાનાં મકાનો એવાં છે કે ક્યાંય સીડી ચડવાની આવતી જ નથી, પલાંઠી વાળીને બેસવું પડે કે નીચે બેસવું પડે તેવી કોઇ સમસ્યા નથી હોતી. વેસ્ટર્ન-ટૉયલેટની વ્યવસ્થા હોય છે એટલે તેમને અનુકૂળ આવે છે.
અત્યારની ફાસ્ટ લાઇફ અને કલ્ચરને ધ્યાનમાં લઇએ તો આ વૃદ્ધાશ્રમો તેમની આજની જરૂરિયાત છે.

3) ઘડપણમાં કોણ મહત્ત્વનું છે, પૈસો કે 'સાથી'?

મારા વિચાર મુજબ તો પૈસો પણ થોડેઘણે અંશે મહત્ત્વનો છે ને 'સાથી' પણ જરૂરી હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે વડીલોમાં પતિ કે પત્નીમાંથી કોઈ એક જીવિત હોય(ખાસ કરીને સિત્તેર વર્ષની ઉંમર પછી) છે. બહુ ઓછા એવા ભાગ્યશાળી હોય છે કે જે સિત્તેર વર્ષની ઉંમર પછી પણ સાથે  જીવતાં હોય. એટલે આવા સમયે એકલી વ્યક્તિને લાગણીના ટેકાની જરૂર રહેતી હોય છે. કોઇ તેની કાળજી લે, તેની પાસે બેસે, આખો દિવસ સમય કાઢીને વાતો કરે,તેવી વ્યક્તિની જરૂર પડતી હોય છે. વૃદ્ધાશ્રમોમાં તેમની આ જરૂરિયાત સારી રીતે સંતોષાઈ જતી હોય છે. પોતાની ઉંમરના મિત્રો સાથે તેમને ગમે છે.

આમ, ઘડપણમાં સાથી હોવો જરૂરી છે. મને લાગે છે કે આ સમયે પૈસો ગૌણ છે. આવા આશ્રમોમાં માનવતાનાં ધોરણે સેવા થતી હોય છે એટલે ઘણાં વડીલો તો આ કારણસર જ અહીં રહેવા માટે આવતા હોય છે.

4) સમાજને મારો મેસેજ છે કે અત્યારે જે જનરેશનના વડીલો છે અને વૃદ્ધ થયા છે તેઓ હંમેશાં સંઘર્ષમાં જીવેલા હોય છે. કોઇ સુખ માણ્યું નથી હોતું.સુખ મળે તો પણ પોતાના પરિવારનો જ વિચાર કર્યો હોય છે.
મારું તો કહેવું છે કે તેમને જે વૃદ્ધત્વનો સમય મળ્યો છે તેમાં તેમણે 24 કલાક માળા જ કરવી જોઈએ, ભજન જ કરવા જોઈએ?તેમણે તો એક નાનાં બાળકની જેમ, એક પંખીની જેમ કલરવ કરતાં-કરતાં જીવન જીવવું જોઈએ. 

સમાજમાં કોઈની બીક રાખવાની જરૂર નથી. જે સમાજે, જે પરિવારે તેમને સંભાળ્યા નથી તેમનો ડર રાખવાની જરૂર નથી. ઘણાં વડીલો મને એવું કહેતા હોય છે કે 'અમે આમ ડાન્સ કરીશું અને અમારાં દીકરો-વહુ તેનો વિડીયો જોશે તો અમને કેવું કેવું બોલશે?' હું તેમને કહું છું કે આપણે તેમની બીક શા માટે રાખવી જોઈએ? આનંદ કરો. હું માનું છું કે મૃત્યુની નજીકનો આ સમય આનંદથી પસાર થયો હોય તો જીવની સદ્દગતિ થાય. 

એટલે માટે અમારો પ્રયાસ છે કે અમારે  એમને એવી સારી સુવિધા આપવી જોઈએ.વ્યક્તિને પોતાને પોતાની રીતે જીવવાનો અધિકાર છે તો વડીલો પણ પોતાની રીતે જીવી શકે એટલે અમે દરેક વડીલને અહીં આવકારીએ છીએ અને અમારા તરફથી તેમને વધુને વધુ સંતોષ મળે તેવી કોશિશ કરીએ છીએ.

[વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમમાં હાલમાં 44 વડીલો રહે છે જેમાં 20 બહેનો, 08 પુરુષો અને 06 દંપતીઓ છે].


વૃદ્ધાશ્રમોઃ સમાજનું કલંક કે આશીર્વાદ?
જીવનસંધ્યા ઘરડાઘરનાં મેનેજિંગ ટ્રસ્ટી ડિમ્પલબેન

હવે, આપણે ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલા બહુ પ્રખ્યાત અને વર્ષો જૂનાં એવા 'જીવનસંધ્યા ઘરડાગૃહ' ના મેનેજિંગ ટ્રસ્ટી ડિમ્પલબેન પાસેથી આ પ્રસ્તુત વિષય અંગેના પ્રતિભાવો  જાણીએઃ-

1) ડિમ્પલબેન, તમને એવું લાગે છે કે કોરોનાને કારણે વૃદ્ધાશ્રમોમાં સંખ્યા વધી છે?

હા, જરૂર, એક કારણ એવું છે કે કોરોના દરમિયાન ઘણાં લોકોનાં કામધંધા છૂટી ગયાં છે, પૂરા પગાર મળ્યા નથી, પરિણામે ઘરમાં રોજના ઝઘડા વધી ગયા છે એટલે વડીલોને ઘરમાં ગમતું નથી, ઘરમાંથી નીકળી જવાનું મન થાય છે.

બીજું, કોરોનામાં વડીલો ઘરની બહાર નીકળી શકે તેમ નહોતું, અને વડીલો ઘરમાં બેસી રહે બીજા સભ્યોને ના ગમે, તેમને તેમનું બોલવાનું ટકટક જેવું લાગે, આમ, આંતરિક ઝઘડા વધી ગયા અને શાંતિ જતી રહી. આમાં કેટલાક વડીલોનું કહેવું એવું છે કે આ તો એક બહાનું છે. આ સંતાનોની માનસિકતા એવી હોય છે કે પૈસા આપીને જવાબદારીમાંથી મુક્ત થઈ જવું. 

એક કેસ તો એવો આવેલો કે મા અને સંતાનો ભેગાં થઈને ઘરના વડીલને મૂકવા આવેલા. તેમનાં પત્નીનું  કહેવું હતું કે આખી જિંદગી મારા પર અને  સંતાનો  પર શારીરિક-માનસિક અત્યાચાર કર્યાં અને હવે રિટાયર્ડ થઈ ગયા એટલે ઘરે બેઠા વધુ હેરાન કરે છે એટલે એમને અહીં મૂકી  જવા છે.

2) તમને એવું લાગે છે કે હાલમાં આ પારિવારિક ક્લેશ-કંકાસનાં કારણો સિવાય પણ અન્ય કારણો છે કે  જેના લીધે વડીલોની સંખ્યા વધી છે?

 હા, ચોક્કસ. સૌથી મોટો ફેરફાર થયો છે વડીલોની માનસિકતામાં. બસ, એ વડીલો એમ કહે છે કે બસ, બહુ થયું. અમારી પાછલી જિંદગી શાંતિથી પસાર થાય અને અમે સરખી ઉંમરના સાથે અમે આનંંદથી રહીએ તેવું અમારે જોઈએ છીએ. અને એ લોકોને અહીં ગમે છે. આનંદમાં રહે છે. એટલે કોઈ વડીલ અમારી પાસે અઠવાડિયાની રજા લઈને ઘરે રહેવા જાય પણ જલદી પાછા આવી જાય છે. તેમનું કહેવું છે કે અમને તો અમારા ઘર કરતાં પણ અહીં વધુ ગમે છે.

3) વૃદ્ધાશ્રમો સમાજની સમસ્યા કે કલંક છે?

ના, એ સમાજની સમસ્યા પણ નથી કે કલંક પણ નથી. પરિવાર માટે, વડીલો અને સ્ત્રી-પુરુષો માટે જે કાયદા સરકાર દ્વારા ઘડવામાં આવ્યા છે તેનું કડકાઈથી પાલન થવું   જોઇએ અને બધાને જ આ કાયદાની સમજ હોવી જરૂરી છે. મોટાભાગના લોકો આ કાયદા વિશે જાણતા જ નથી હોતા. અને જાણતા હોય તો લાગણીમાં આવીને પોતાનાં જ સંતાનો પર તેનો ઉપયોગ કરવાનું ટાળતા હોય છે. દરેક વડીલો પોતાને મળતા કાયદા વિશે જાણે અને જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરીને પરિવારની અંદર જ પોતાનું સ્થાન જાળવી શકે છે અને પરિવારમાં જ રહી શકે છે.


વૃદ્ધાશ્રમોઃ સમાજનું કલંક કે આશીર્વાદ?
જીવનસંધ્યા ઘરડાઘરઃ અમદાવાદ,ગુજરાત


4) તમે માનો છો કે વૃદ્ધાશ્રમો ઘર જેવાં જ હોવા જોઇએ?

 હા, વૃદ્ધાશ્રમોમાં સંખ્યા પર ધ્યાન આપવાને બદલે તેમને આપવામાં આવતી સુખસુવિધાઓ પર ધ્યાન આપો. અમારે ત્યાં અમે બહુ જ નજીવી રકમ લઈએ છીએ જેથી મોટાભાગે ગરીબ કે મધ્યમ વર્ગના વડીલો જ આવે છે. તેનાં કારણે, લગભગ સરખી વિચારસરણીવાળા વડીલો જ હોય છે જેઓ સાથે રહી શકે છે. તેમની ખાવાપીવાની, બેસવાઊઠવાની, હસવાબોલવાની ટેવો એકસરખી હોય છે. અમારે ત્યાં પરદેશ જતાં સંતાનો તેમના માતાપિતાને લઈને આવતાં હોય છે અને જોઈએ તેટલાં પૈસા આપવા તૈયાર હોય છે પણ અમે આ કારણોસર જ એમને એડમિશન આપતા નથી. વડીલોને માટે માહોલ બહુ અગત્યની બાબત હોય છે.

5) સમાજને માટે કોઇ ખાસ મેસેજ છે?

આજે, વૃ્દ્ધાશ્રમો એ એક જરૂરિયાત બની ગયા છે અને એટલે તેમની સંખ્યા વધતી જાય છે,સંતાનોને આજે વડીલો માટે એક ઓપ્શન મળ્યો છે. વિચારો, કે આવા વૃદ્ધાશ્રમો ના હોત તો માબાપની શું હાલત થાત? આ સંજોગોમાં વૃદ્ધાશ્રમો એ આશીર્વાદ સમાન છે. વડીલોનું આયુષ્ય અહીં વધી જાય છે.
હું કહેવા માગું છું કે તમારાં માતાપિતા એ તમારું જ લોહી છે. તમારી ફરજ એ છે કે તેમનું પાછલું જીવન હસતાં-રમતાં વીતે. માબાપની હયાતીમાં જ તેમની સેવા કરો અને તેમને સાચવીને રાખો. તેનાથી સમાજ પણ હેલ્ધી બનશે.
અમારી આ સંસ્થા 65 વર્ષ જૂની છે જેની શરૂઆત 4 સભ્યોથી થઈ હતી જેમાં આજે 150 જેટલા વડીલો છે, જેમાં બહેનો કરતાં ભાઈઓની સંખ્યા વધારે છે. સમગ્ર ટ્રસ્ટીમંડળ ખાસ સમય ફાળવીને નિઃસ્વાર્થ ભાવનાથી સાથે રહીને નિર્ણય કરે છે જેનાથી સંસ્થાનું કાર્ય દીપી ઊઠે છે.  ઓપિનિયન પોલ
   વિષયઃ   વૃદ્ધાશ્રમોઃ સમાજનું કલંક કે આશીર્વાદ?

   ''વૃદ્ધાશ્રમ સમાજ માટે જરૂરી પણ છે'' રાજુલ કૌશિક

વૃદ્ધાશ્રમોઃ સમાજનું કલંક કે આશીર્વાદ?
રાજુલ કૌશિકઃફ્રીલાન્સ-કૉલમિસ્ટ,ઍડ્મિન ઑફ સાહિત્ય-સંગીતનું વિશ્વ-બોસ્ટન,યુ.એસ.એ.


દરેક સિક્કાની બે બાજુ હોય  એમ આ વૃદ્ધાશ્રમ વિશે વિચારીએ તો બે અલગ દિશાએથી એના પણ બે અલગ પાસાં છે.
પાણીનો ગ્લાસ અડધો ભરેલો છે અને અડધો ખાલી છે. કોણ કઈ દ્રષ્ટિથી વિચારે છે એના પર આધાર છે. કોઈને ખાલી ગ્લાસમાં પાણી નથી એ વિચાર આવશે અને કોઈને હજુ આ ગ્લાસમાં પાણી ભરી શકાશે એવી શક્યતા દેખાશે.
વૃદ્ધાશ્રમને જરા અલગ દ્રષ્ટિથી જોઈએ. વૃદ્ધ+આશ્રમ=વૃદ્ધાશ્રમ. વૃદ્ધ માટેનો આરામદાયી આશ્રમ. જ્યાં સૌ શક્ય હોય એવી અને એટલી પ્રવૃત્તિ કરીને સમાન ઉંમરવાળા લોકો સાથે પોતાના નિવૃત્તિકાળને આનંદપૂર્વક માણી શકે. 
આપણે જાણીએ છીએ કે આદિકાળથી ગૃહસ્થાવસ્થાની જવાબદારી પૂર્ણ કર્યાં પછી સૌ સ્વેચ્છાએ,સમજપૂર્વક વાનપ્રસ્થાન સ્વીકારી લેતાં. એમાં ક્યાંય કોઈનાંય મન પર ભાર કે ત્યજાયાની ભાવના રહેતી નહીં.
આજે પણ જો સમજણપૂર્ણ સ્વેચ્છાએ નિવૃત્ત અવસ્થામાં, કોઇનેય ન નડવાની ઇચ્છાથી, સ્વસ્થતાથી વૃદ્ધાશ્રમમાં રહેવાની સ્વીકૃતિ હોય તો એમના માટે વૃદ્ધાશ્રમ આશીર્વાદ છે.
પણ જે મા-બાપે સ્નેહથી સંતાનોને ઉછેર્યાં હોય એ જ મા-બાપને નડતર ગણીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાની વાતથી વૃદ્ધો જે તરછોડાયાંની ભાવના અનુભવે છે એનાથી આખી વ્યવસ્થા વગોવાઈ ગઈ છે અને આ વાત પણ એટલી સાચી છે કે જ્યાં મા-બાપ ખુશ નથી એવા વૃદ્ધાશ્રમો સમાજનું કલંક છે.
જેને સંતાનો નથી અથવા વિદેશમાં રહેતાં સંતાનો સાથે રહેવાની મા-બાપની માનસિક-શારીરિક અવસ્થા નથી એવા વૃદ્ધોની ઉત્તરાવસ્થા સચવાય કે એમની જવાબદારી લઈ શકે એવી એક સ્વસ્થ વ્યવસ્થા તરીકે સ્થપાયેલા વૃદ્ધાશ્રમ સમાજ માટે જરૂરી પણ છે.


''વૃદ્ધાશ્રમો એ આત્મસન્માનનું પ્રતીક છે'' માયા દેસાઈ

વૃદ્ધાશ્રમોઃ સમાજનું કલંક કે આશીર્વાદ?
માયા નીતિન દેસાઈ, ઑથર ઑફ સોશિયલ મિડીયા ગ્રૂપ્સ,'યુગવંદના', મુંબઈ-મહારાષ્ટ્ર


વૃદ્ધાશ્રમ શબ્દ આવતાં જ ભવાં ઊંચા થઈ જાય છે. વગર વિચાર્યે આ સ્થિતિનું દોષારોપણ સંતાન પર થઈ જાય છે. વસ્તુસ્થિતિ વ્યક્તિદીઠ બદલાતી હોય છે. દર વખતે સંતાનો જ દોષી નથી હોતાં. 

આપણી હાલની સામાજિક વ્યવસ્થામાં એક કે બે સંતાનોનું ચલણ છે, મેડિકલ ક્ષેત્રે થતી પ્રગતિથી સરેરાશ આયુષ્ય વધ્યું છે પણ સંતાનો ત્રીસી વટાવ્યા બાદ થતાં હોવાથી તેમની સામાજિક,વ્યવસાયિક કારકિર્દી જ્યારે ટોચ પર હોય ત્યારે પાલકોની સંભાલ લેવાની જરૂર પડે છે.

આવે સમયે સંતાનો પોતે અથવા તેમનાં સંતાનો પરદેશ હોવાના સંજોગો સર્જાય છે. તે વખતે વડીલોની લાંબા સમય માટે કાળજી લેવાય એ અનિવાર્ય હોય છે, ત્યારે વૃદ્ધાશ્રમ એક ટૂંકા સમયનાં પર્યાય તરીકે ઉત્તમ સાબિત થાય છે. હાલમાં, ભારત ખાતે સારી સંભાળ લેનારા વૃદ્ધાશ્રમ વિકસી રહ્યા છે. એ ઘરનો પર્યાય ન હોઈ શકે પણ જ્યાં એક માત્ર સંતાન તેમની સાથે રહી શકે એમ ન હોય ત્યારે ઘરમાં ચાકરોની અનિશ્ચિતતા ભોગવવા કરતાં વૃદ્ધાશ્રમ સલામત ગણી શકાય. 

પતિ-પત્ની બંને જીવિત હોય ત્યારે વધુ અઘરું નથી હોતું પણ બેમાંથી એક રહી જતાં સંતાનોનાં જીવનમાં વડીલ અને સંતાનો બંનેને અનુકૂળ થવું અઘરું લાગે છે. તેથી આર્થિક સ્થિતિ અનુસાર ઉપલબ્ધ જુદાં જુદાં વૃદ્ધાશ્રમોમાંથી પસંદ કરી શકાય.

'સંતાનો જ વડીલોને સંભાળી નથી શકતાં' એવું વિચારતાં પહેલાં વડીલોએ પણ સમયાનુસાર 'સ્વીકાર' અને 'જતું કરવાની ભાવના' કેળવવી જરૂરી છે.વૃદ્ધાશ્રમ એ શરમનું ચિહ્ન નહીં પણ આત્મસન્માનનું પ્રતીક માનવામાં આવે એ જરૂરી છે. પોતાની જ રીતે, બાંધછોડ કર્યા વિના જીવવાનું તો ત્યાં પણ શક્ય નથી તેથી વૃદ્ધાશ્રમને એક માનભર્યાં મથકની ઓળખ મળે એ જરૂરી છે, નહીં કે વણજોઈતા વડીલોનું વામણું સ્થાન !


''વૃદ્ધાશ્રમોની જરૂર જ ના પડે તો કેવું ઉત્તમ''!!! નિશા બુટાણી

વૃદ્ધાશ્રમોઃ સમાજનું કલંક કે આશીર્વાદ?
નિશા બુટાણી(ઇન્ટરનેશનલ ટ્રાન્સફૉર્મેશનલ કોચ, સ્વિટ્ઝરલેન્ડ)


મારી માન્યતા મુજબ વૃદ્ધાશ્રમની જરૂર જ ના પડે તો કેટલું સરસ!!
જે બાળકોનાં માતા-પિતા જીવંત હોય તેમને ક્યારેય અનાથાશ્રમમાં જોયાં છે? તેવી જ રીતે જે માતા-પિતાને સંતાનો હોય તે વૃદ્ધાશ્રમમાં હોવાં જ ના જોઈએ. પણ અત્યારે ચાર સંતાનો હોય તેવાં માતા-પિતાને પણ આપણે વૃદ્ધાશ્રમમાં જોઈએ છીએ, તે ખૂબ જ દુઃખદ વાત છે. છતાં આવું બને છે અને આપણે તે સ્વીકારવું જ રહ્યું.

હું સૌરાષ્ટ્રના કેટલાક વૃદ્ધાશ્રમો સાથે ઘણાં વર્ષોથી જોડાયેલી છું એના આધારે એક વાત કહી શકું છું કે જે માતા-પિતાને તરછોડી દેવામાં આવે છે તેમનાં માટે આવા વૃદ્ધાશ્રમો આશીર્વાદરૂપ સાબિત થાય છે. જ્યાં તે લોકો જીવનનો છેલ્લો પડાવ માનભેર અને શાંતિથી જીવી શકે છે, પોતાની ઇચ્છા પ્રમાણે જિંદગીના બાકીના દિવસો વ્યતિત કરી શકે છે. જ્યારે પણ હું કોઈ વૃ્દ્ધાશ્રમની મુલાકાતે જાઉં છું ત્યારે એકવાર તો એમ થાય કે સારું છે કે આવી કોઈ જગ્યા છે જ્યાં વડીલો પોતાના બાકીના દિવસો સ્વમાન સાથે પસાર કરી શકે છે, જો વૃદ્ધાશ્રમો ના હોત તો આ લોકોને કદાચ રસ્તે રઝળવાનો વારો આવ્યો હોત.

એકવાર એક વૃદ્ધાશ્રમની મુલાકાત દરમિયાન મારી મુલાકાત 76 વર્ષનાં એક બા સાથે થઈ, પગે સાવ થાકી ગયેલાં. એમની સાથે વાત કરતા ખબર પડી કે એ અહીં આવ્યાં તે પહેલાં પોતાના દીકરા સાથે કોઈ મોટા શહેરમાં બે રૂમના ફ્લેટમાં રહેતાં હતાં. એક રૂમ દીકરા-વહુનો અને બીજો રૂમ તેમનાં બે પૌત્રનો. પોતે સાવ નાનકડા રસોડામાં સૂતાં. એમને તેનાથી પણ કાંઈ વાંધો નહોતો પણ ઘરમાં કોઈ ને કોઈ વાતે ઝઘડા થયા કરતા, જેનાથી તેમને બહુ દુઃખ થતું. બીજું, તેઓ ફ્લેટમાં ચોથા માળે રહેતાં હતાં, લિફ્ટ નહોતી એટલે તેઓ થોડીવાર ખુલ્લી હવામાં બેઘડી શ્વાસ લેવા પણ જઈ શકતાં નહોતાં. 

હવે તેઓ આ વૃદ્ધાશ્રમમાં બીજા એક બેન સાથે એક રૂમમાં રહેતાં હતાં. આશ્રમમાં મોટો બગીચો છે, ત્યાં બેસીને અમે વાતો કરતાં હતાં, ત્યારે તેમણે મારો હાથ પકડીને કહ્યું, ''દીકરી, અહીં બધું સારું છે, બધાં સાથે મળી દરરોજ સત્સંગ કરીએ , બેઠાં-બેઠાં ક્યારેક નાનું-મોટું કામ કરી દઈએ. અહીં બધાં અમારું બહુ ધ્યાન રાખે છે, જમવાનું પણ ખૂબ સરસ હોય છે, પણ માને તો દીકરાની યાદ આવે ને!!'' એટલું કહેતાં તો તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યાં.

એ આંસુ સુખનાં હતાં કે દુઃખનાં, એ સમજવું મારા માટે અઘરું હતું. સુખ એ વાતનું કે પોતે માનભેર પોતાના અંતિમ વર્ષો ખૂબ સારી રીતે વિતાવી રહ્યાં હતાં અને દુઃખ એ વાતનું કે પોતાનાં બાળકોથી દૂર હતાં. 

આ વાત પરથી એટલું તારણ નીકળી શકે કે વૃદ્ધાશ્રમોની જરૂર જ ના પડે તો અતિ ઉત્તમ. પણ જો પડે અને વૃદ્ધાશ્રમો જ ના હોય તો આ મંજુબેન અને એમનાં જેવાં બીજા ઘણાં વડીલો જાય તો જાય ક્યાં?

''સંંતાનોને સંપત્તિ નહીં આપો તો ચાલશે પણ મૂલ્યોનો વારસો જરૂર        આપો''વૈભવી જોષી

વૃદ્ધાશ્રમોઃ સમાજનું કલંક કે આશીર્વાદ?
વૈભવી જોષીઃ લેખક,વક્તા,સામાજિક  કાર્યકર, સિડની-ઓસ્ટ્રેલિયા

મારા મતે, વૃદ્ધાશ્રમ એટલે વરવા સમાજની વરવી વાસ્તવિકતા કે જે આજના સાંપ્રત સમયમાં સ્વીકાર્યા વગર છૂટકો નથી. પણ આજે મારે એક અલગ જ વાત કરવી છે. આજે મારે ખાસ વડીલોને એક નમ્ર વિનંતી કરવી છે. આપણા સમાજમાં વર્ષોથી એક રીત ચાલતી આવી છે કે માતા-પિતાને હંમેશાં બસ પોતાનાં સંતાનોને બધું જ આપી દેવું હોય છે. તેઓ એક જ આશા રાખતા હોય છે કે એમનાં જીવતે જીવ એમનાં સંતાનો થાળે પડી જાય કે સારા ઠેકાણે ગોઠવાઈ જાય. 

વડીલોની આ લાગણીની હું અંતરમનથી કદર કરું છું પણ એ સાથે જ એટલું ચોક્કસ કહીશ કે તમે તમારા વ્યવસાયમાંથી નિવૃત્ત થાઓ એ પછીનાં વર્ષો કેવી રીતે પસાર કરશો તેનું સુદ્રઢ આયોજન ચોક્કસ કરશો. પાછલાં વર્ષોમાં સંતાનો કે બીજા કોઈની સામે હાથ ન લંબાવવો પડે અને તમારું પેન્શન કે અન્ય વ્યાજે મૂકેલી રકમથી તમને તકલીફ ન પડે એનું ધ્યાન રાખશો.
 
ખાસ કરીને, જેમ-જેમ ઉંમર વધશે તેમ તેમ આરોગ્ય સંબંધિત ખર્ચાઓ પણ વધશે. તમારી જે કોઈ પણ સંપત્તિ કે વીમા-પોલીસીની રકમ વગેરે હોય તે બધું જ તમારી પાસે હાથવગું રાખશો. હા, વસિયતનામું કરીને રાખવું એ સારી વાત છે પણ એ બધાનો અમલ આપની વિદાય પછી જ થાય એવી ગોઠવણ કરવાનો આગ્રહ રાખશો.

આવાં અમુક પગલાં લેશો તો કદાચ વૃદ્ધાશ્રમમાં જવાની જરૂર નહીં પડે. જો કે, હું છેલ્લા ઘણા સમયથી સાંભળું છું કે આવા કિસ્સાઓમાં મોટાભાગે દીકરાને દોષ દેવામાં આવે છે પણ હું એટલું ચોક્કસ કહીશ કે એમાં આવનારી વહુનો પણ એટલો જ ફાળો ગણવો રહ્યો. કેમ કે દીકરો કોઈ દિવસ લગ્ન પહેલાં આવું પગલું નથી ભરતો તો શા માટે આવા કિસ્સાઓ લગ્ન પછી જ બનતા હોય છે? એ વાત પણ એટલી જ વિચાર માગી લે તેવી છે. જો કે, આ વાત દરેક કિસ્સામાં લાગુ ન પણ પડે અને દરેક વખતે વહુનો કે સંતાનોનો જ વાંક હોય એ પણ જરૂરી નથી, તેમ છતાં ઘણીવાર અમુક કિસ્સામાં કે જેમને આગળપાછળ કોઈ ના હોય એમને માટે વૃદ્ધાશ્રમ આશીર્વાદ સમાન પણ સાબિત થતા હોય છે અને ઘણીવાર વડીલો એમની મરજીથી ત્યાં રહેવાનું પસંદ કરતા હોય છે.

છેલ્લે, એટલું ચોક્કસ કહીશ કે સંતાનોને તમારો સંપત્તિનો વારસો નહીં આપો તો ચાલશે પણ સંસ્કારો અને જીવનનાં મૂલ્યોનો વારસો ચોક્કસ આપજો જેથી ઘડપણમાં સંતાનો માતા-પિતાનો આધાર બને.

યુએસએમાં ઍડલ્ટ્સ માટેનાં ડે-કેર સેન્ટરની વ્યવસ્થા

વૃદ્ધાશ્રમોઃ સમાજનું કલંક કે આશીર્વાદ?
પ્રો.ડૉ.દીપિકાબેન શાહઃ નિવૃત્ત અધ્યાપક,ન્યૂજર્સી,યુએસએ.

 • યુએસએમાં સરકાર ઍડલ્ટ્સને માટે કઈ રીતે ઉપયોગી બને છે?

હું ન્યૂજર્સીમાં રહું છું. અહીં સરકાર દ્વારા ઍડલ્ટ્સની સંભાળ કેવી રીતે લેવાય છે તે મેં જોયું છે. 55 વર્ષની ઉંમર પછી દરેક નાગરીક સરકારની સંભાળ હેઠળ આવે છે.
અહીં સરકાર તેમની સંભાળ લે છે. તેમની આર્થિક જરૂરિયાતો તેમ જ મેડિકલ સમસ્યાઓમાં મદદ કરે છે. અહીં ત્રણ અલગ-અલગ પ્રકારની વ્યવસ્થા હોય છેઃ-
1) નર્સિંગ હોમ  (2) સિનિયર સેન્ટર (3) ઍડલ્ટ મેડિકલ ડે-કેર સેન્ટર.
(1) નર્સિંગ હોમમાં મોટાભાગે વધુ મોટી ઉંમરના અશક્ત વૃદ્ધજનોની સ્વાસ્થ્ય સંભાળ સાથેનાં રહેઠાણોની વ્યવસ્થા હોય છે.
(2) આ વ્યવસ્થામાં સિનિયર્સ અને ઍડલ્ટ લોકો માટેની સામાજિક સેવાઓ હોય છે.
(3) ઍડલ્ટ મેડિકલ ડે-કેર સેન્ટરમાં રહેઠાણ સિવાયની આખા દિવસ માટેની સેવાઓ આપવામાં આવતી હોય છે. આ બધી સેવાઓ પ્રોફેશનલ સ્ટાફ દ્વારા આપવામાં આવતી હોય છે. ઍડલ્ટ્સની રોજની જરૂરિયાતો જેવી કે, સ્વાસ્થ્યપ્રદ પોષક ખોરાક, સામાજિક અને મનોરંજન કાર્યક્રમો અને મેડિકલ-ચેકિંગ તેમ જ દવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે.
આ સેન્ટર દ્વારા સેન્ટરની સભ્ય હોય તેવી વ્યક્તિઓને ટ્રાન્સપોર્ટેશનની સેવા આપવામાં આવે છે. 

અહીં ડૉક્ટરની મુલાકાત માટેની વ્યવસ્થા હોય છે અને નર્સિંગ સેવા મળે છે જે ડૉક્ટર્સ દ્વારા સૂચવવામાં આવી હોય છે. જરૂર પડે તો નિષ્ણાત ડૉક્ટર્સ પાસે લઈ જવાની વ્યવસ્થા પણ હોય છે. 

અહીં એડમિશન માટે તમારે એક તૈયાર ફોર્મ ભરવાનું હોય છે અને તે માટે તમારા કાઉન્ટીની પરમિશન લેવાની હોય છે તે પછી પ્રવેશ મળી શકે છે અને તમે તેના સત્તાવાર રીતે સભ્ય બની  જાઓ છો
 
હું પણ અમારા મિડલેક્સ કાઉન્ટીમાં આવેલા સેન્ટરની સભ્ય છું . તેઓ કઈ રીતે કાર્ય કરે છે અને સંભાળ રાખે છે તે મેં જોયેલું છે. આભાર.
                              

જાણો, વૃદ્ધજનો વિશેની કેટલીક હકીકતો...

 • સમગ્ર વિશ્વમાં વૃદ્ધજનોની સંખ્યામાં વધારો થયો છે. એક સર્વે અનુસાર, 2015માં સમગ્ર વિશ્વમાં વૃદ્ધજનોનું પ્રમાણ અંદાજે 900 મિલિયનનું હતું, જે વધીને 2050માં લગભગ 2 બિલિયન થઈ જશે તેવું માનવું છે.
 • ભારતમાં કેન્દ્રિય સ્વાસ્થ મંત્રાલયના એક રિપોર્ટ અનુસાર 2011ની ગણતરી મુજબ આપણા દેશમાં વૃદ્ધજનોનું પ્રમાણ અંદાજે 10 કરોડનું હતું જ્યારે એક ગણતરી મુજબ 2050 સુધીમાં તે વધીને અંદાજે 31 કરોડથી વધુ થઈ જશે. 
 • આર્થિક દ્રષ્ટિએ ગરીબ  અને મધ્યમ દેશોના વૃદ્ધજનો વધુ મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે.
 • બાળકોની જેમ વૃદ્ધોને પણ વાતાવરણમાંથી પણ જલદી ચેપ લાગતો હોય છે. 
 • સમગ્ર વિશ્વમાં વૃદ્ધો માટે તબીબી-સારવાર બહુ મોંઘી છે અને એટલી સુગમ અને સારી નથી. 
 • સમગ્ર વિશ્વમાં કેટલાક વૃદ્ધાશ્રમો, ઑલ્ડ-એજ સેન્ટરો, નર્સિંગ હોમ અને કેર સેન્ટરોમાં વૃદ્ધોની શારીરિક-માનસિક સતામણી થતી હોય છે.
 • સમગ્ર દુનિયામાં વૃદ્ધજનો બહુ એકલવાયું જીવન જીવી રહ્યા છે.
 • સમાજમાં વૃદ્ધજનોનું માન-સન્માન વધે અને બાળકોના સંસ્કાર-ઘડતરમાં તેમનો સહયોગ વધે તે માટે દર વર્ષે 1 ઑક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ ઉજવવામાં આવે છે જેની જાહેરાત 14 ડિસેમ્બર-1990માં યુએનએ દ્વારા કરવામાં આવી હતી.
 • આ બધાં કારણોસર, ખાસ કરીને વૃદ્ધોનું સ્વાસ્થ્ય સચવાઇ જાય તે દ્રષ્ટિએ 14ડિસેમ્બર-2020ના રોજ ધ યુનાઇટેડ નેશન્સ જનરલ ઍસેમ્બ્લી દ્વારા 2021થી 2030ના દસકાને 'ડેકેડ ઑફ હેલ્ધી એજિંગ'-'સ્વસ્થ વૃદ્ધાવસ્થા' તરીકે જાહેર કરવામાં આવ્યો છે.  આ દસકો જાહેર થયો ત્યારે કોવિદ-19ની શરૂઆત થયેલી એટલે આ મહામારી દરમિયાન પણ વૃદ્ધોના સ્વાસ્થ્યને કેવી રીતે સાચવવું તેની ગાઈડલાઇન દરેક દેશની સરકાર, સમાજ, સામાજિક,ખાનગી સંસ્થાઓ, પ્રાયમરી આરોગ્ય કેન્દ્રો તેમજ વૃદ્ધોની સંભાળ લેતાં કેન્દ્રો માટે બહાર  પાડવામાં આવી હતી. 
 • આ દરમિયાન એવું પણ નક્કી થયું કે આ દસકા દરમિયાન સમગ્ર વિશ્વમાં વૃદ્ધજનો વિશે વિચાર કરવામાં આવશે અને વૈશ્વિક સ્તરે બધા દેશો સંગઠિત થઇને એક ગ્લોબલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે કે જ્યાંથી કોઈપણ દેશના વૃદ્ધજનો અંગેની માહિતી મળી રહે. 
 • આને કારણે, સમગ્ર વિશ્વમાં વૃદ્ધજનોની સંભાળ માટે જાગૃતિ આવી છે. પાશ્ચાત્ય દેશોમાં તો વૃદ્ધોની જવાબદારી સરકાર ઉપાડે છે અને બાળકો તો 18 વર્ષ પછી પગભર થતાં જ અલગ રહેતાં હોય છે.ઘરના વડીલો પોતે સ્વસ્થ હોય ત્યાં સુધી તો કામકાજ કરીને જીવન પસાર કરતા હોય છે પરંતુ નિવૃત્ત થઈ ગયા પછી તેઓ એકલા પડી જતા હોય છે એટલે ત્યાં તેમને માટેની વિવિધ પ્રકારની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે જેના વિશે તમે આ લેખના ઓપિનિયન સેક્શનમાં વાંચશો.

        વૃદ્ધાવસ્થા એ સમગ્ર વિશ્વ માટે એક પડકાર છે...
        તમે એ પડકારને ઝીલવા તૈયાર છો ?
        તો આવો, આપણે સહુ વચન લઈએ,
        ''કોઈપણ સંજોગોમાં 
         આપણે આપણાં માતા-પિતાની સંભાળ લઈશું''. 
        

        
11 જુલાઈ 2021

માન એટલે શું? માન કેવી રીતે મેળવીશું?માન-સ્વમાન વચ્ચેનો ફેર શું છે? માન આપશો તો માન મળશે.

 માન એટલે શું?માન કેવી રીતે મેળવીશું?માન-સ્વમાન વચ્ચેનો ફેર શું છે? માન આપશો તો માન મળશે.
માન એટલે શું?માન કેવી રીતે મેળવીશું?માન-સ્વમાન વચ્ચેનો ફેર શું છે? માન આપશો તો માન મળશે.
માન આપશો તો માન મળશે.

                                                     


પ્રસ્તાવના

આજકાલનો આ એક બહુ મોટો અને પેચીદો પ્રશ્ન બની ગયો છે. યુવાનો એવી ફરિયાદ કર્યા કરતા હોય છે કે અમને મમ્મી-પપ્પા સમજતા નથી, ઘરમાં કે બહાર, કોઈ જ અમને સમજતું નથી, અમને બધી વાતની ખબર પડતી હોય છે છતાં પણ સતત સલાહ-સૂચનો આપ્યાં કરતાં હોય છે.

સામે પક્ષે, ઘરના વડીલોની ફરિયાદ એવી હોય છે કે આજની પેઢી નકામી છે, એ બેજવાબદાર છે, એમને અમારું માન રાખતાં નથી આવડતું, બસ, આખો દિવસ મોબાઈલ લઈને બેસવાનું, ટીવી સામે બેસી રહેવાનું કે પછી મિત્રો સાથે રખડ્યા કરવાનું. કોઈ જવાબદારી સમજતા જ નથી.

આવો, આજે આપણે માન એટલે શું? સન્માન એટલે શું? માન કેવી રીતે મેળવી શકાય? અને જીવનમાં માન કોને કોને આપીશું? આ પ્રશ્નોને સમજવા પ્રયત્ન કરીએ.


માન એટલે શું?

એક પ્રેરક-પ્રસંગ દ્વારા આ  પ્રશ્નને સમજવા પ્રયત્ન કરીએઃ-

એક પ્રેરક-પ્રસંગઃ-

એક સંયુક્ત કુટુંબમાં બે ભાઈઓના પરિવાર સાથે  રહે છે. બંને ભાઈઓનાં માતા-પિતા પણ સાથે છે. લોકડાઉનના સમયમાં બધાં એટલે કે આખો પરિવાર એટલે કે દસ સભ્યો ઘરમાં સાથે જ આખો દિવસ પસાર કરતા હતા. સમય કેવી રીતે પસાર કરવો એ બધા માટે એક પ્રશ્ન હતો કારણ કે બંને ભાઈઓના દીકરાઓ પણ યુવાન હતા અને કૉલેજમાં ભણતા હતા. 

એ યુવાન છોકરાંઓએ નક્કી કર્યું કે આપણે શાસ્ત્રીય સંગીતના ઓનલાઇન ક્લાસ દ્વારા ગાતાં શીખીએ. તેમણે આ વિચાર મમ્મી-પપ્પા સામે મૂક્યો એટલે તરત જ તેમણે વાતને વચ્ચેથી  એક જ ઝાટકે કાપી નાખતા કહ્યું કે તમને ભણતાં પણ નથી આવડતું તો ગાતાં તો ક્યાંથી આવડશે? બસ,આખો દિવસ  ટી.વી. જોયા કરો એટલે બધું આવડી જશે.આ તો એ યુવાનો માટે અપમાન સમાન હતું. 

આ વાત દાદી સાંભળતા હતાં. તેમણે એ બંને છોકરાઓને નજીક બેસાડ્યા ને કહ્યું કે ચાલો, કાલથી આપણે ક્લાસ શરૂ કરીએ. હું પણ તમારી સાથે બેસીશ અને ગાતાં શીખીશ. છોકરાંઓને હસવું તો આવ્યું  કે દાદી પણ ગાતાં શીખશે! તેમ છતાં દાદીએ ટેકો આપ્યો એટલે તેમણે પ્રેમથી દાદીનો હાથ પકડી લીધો અને તેમના ગળે વળગીને તેમને વહાલ કરવા લાગ્યા. 

કોરોનાકાળમાં તેમણે લોકડાઉન દરમિયાન સંગીત ક્લાસ શરૂ કરેલા અને લગભગ દોઢ-બે વર્ષ પછી આજે તેઓ બંને  હાર્મોનિયમ વગાડીને સ્વતંત્ર રીતે ગાઈ શકે છે. તેમનો અવાજ કુદરતની દેન હતી અને તૈયાર અવાજ હતો  એટલે દાદીએ તેમને દિવસ-રાત મહેનત કરાવીને  તૈયાર કર્યા.અને બહાર સ્ટેજ-પ્રોગ્રામ શરૂ કર્યાં. બંનેએ પરિવારના વિરોધ વચ્ચે દાદીના સહયોગથી  સંગીતમાં જ કેરિયર બનાવવાનું નક્કી કર્યું. 

અને પછી તો એવું બન્યું કે બંને ભાઈઓએ તેના ઍડવાન્સ સ્ટડી માટે કેનેડા જવાનું નક્કી કર્યું. હજુ પણ માતા-પિતા તો વિરોધ જ કરતા હતા અને કહેતા હતા કે તમે બંને સંગીત પાછળ પડ્યા છો. એનાથી તમારી કેરિયર બનવાની નથી અને પૈસા તો મળશે જ નહીં. એવી લાઇન પકડો કે જેમાં પ્રતિષ્ઠા ને પૈસો મળે. પરંતુ દાદીએ સહુનાં વિરોધ વચ્ચે બંનેને ટેકો કર્યો અને તે બંને ઉપડી ગયા કેનેડા.

અચાનક એવું બન્યું કે દાદી માંદાં પડ્યાં અને તેની ખબર બંને ભાઈઓ સુધી પહોંચી. બધું છોડીને તેઓ દાદી પાસે આવી ગયા ને તેમની સેવામાં લાગી ગયા. થોડા સમયમાં જ દાદી મૃત્યુ પામ્યાં અને તે પછી જ તે બંને કેનેડા ગયા અને ત્યાંજ સ્થાયી થઈ ગયા. 

આ પ્રસંગને સમજવા પ્રયત્ન કરીએ તો નીચેની બાબતો જાણવા મળે છેઃ-

માતાપિતાએ સંતાનોની ઉંમરને ધ્યાનમાં રાખી પણ તેમના વિચારોને માન ના આપ્યું. ઉંમર ગમે તે હોય પણ દરેક વ્યક્તિ માનની અધિકારી હોય છે. બાળકને તેનાં રસ-રુચિ પ્રમાણે આગળ વધવા દો, તેના પર તમારો અધિકાર ના જમાવો. તમારા કહ્યા પ્રમાણે તમારું સંતાન કેરિયર બનાવે તેવો આગ્રહ તેના પર ઠોકી બેસાડવાની જીદ ના કરવી જોઈએ. 
દાદી જૂના જમાનાનાં હતાં, છતાં તેમણે છોકરાઓને પ્રોત્સાહન આપ્યું અને તે રીતે તેમના વિચારોને માન આપ્યું. સામે પક્ષે, છોકરાંઓએ પણ તેમને પૂરતું માન આપ્યું. 

માન એટલે શું?

આ પ્રસંગ પરથી સમજી શકીએ છીએ કે સામી વ્યક્તિને તમે કેવા દ્રષ્ટિકોણથી જુઓ છો, તેને સમજો છો, એ છે માન કે સન્માન. 

જીવનમાં આ બાબત બહુ ઉપયોગી છે. તમારી સામે આવતી વ્યક્તિ નાની હોય કે મોટી, તેને માન આપો, તેની કદર કરો, તેને સમજવા પ્રયત્ન કરો. આમ કરવાથી તેનામાં પણ તમારા પ્રત્યે સદ્દભાવના, સન્માન  જાગશે. એ તમને, તમારા વિચારોને સાંભળશે, તેને માન આપશે.

આ એક જાતનું પ્રોત્સાહન છે કે જે જીવનમાં જાદૂઇ અસર કરે છે અને વ્યક્તિને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે. માતા-પિતા સંતાનોને ઘરમાં માન આપે, તેમને સાંભળે, સમજે, અનુસરે. તે રીતે શાળામાં શિક્ષક બાળકને ઉતારી પાડવાને બદલે તેને માન આપે, તેના પ્રશ્નો કે વિચારોને વ્યક્ત કરવા તેને પ્રોત્સાહિત કરીને તેને મંચ આપે, જવાબદારીઓ સોંપે. 

સ્વમાન એટલે શું?

વ્યક્તિ પોતાને માટેનો જે દ્રષ્ટિકોણ ધરાવે છે તેને સ્વમાન કહે છે. માનની સાથે સ્વમાન જોડાયેલું છે. જો તેને કોઈ માન નહીં આપે, તેની વાતનો આદર નહીં કરે, તેની મશ્કરી કરશે, તો તેની અંદર હીનતાની ગ્રંથિ જન્મ લેશે. જેનાથી તે  આત્મવિશ્વાસ ગુમાવી બેસશે, પરિણામે તેનો વિકાસ રુંધાશે. વ્યક્તિએ પોતાની જાતનો સ્વીકાર કરવો જોઈએ.પોતાની નબળાઇ અને ખૂબીઓને જાણીને તેનો સ્વીકાર કરવો એ સ્વમાન છે. 

આપણે શેને માન આપીએ છીએ?

ધન-દોલત, પૈસા-ગાડી-બંગલા,સમાજમાં પ્રતિષ્ઠા, સ્ટેટ્સ, વગ ધરાવતું પદ, મોટી-મોટી પદવીઓ, પ્રતિષ્ઠિત કેરિયર, વગદાર મિત્રવર્તુળ વગેરે.
અને એટલે જ માતાપિતા પણ સંતાનોને માટે આવું સુખ જ ઇચ્છતાં હોય છે એટલે સમાજમાં પોતાને પણ પ્રતિષ્ઠા મળી શકે. પરિણામે, યુવાનો પણ એ ચમકતી આબરુદાર વસ્તુઓને માન આપીને તેની પાછળ ભાગતા હોય છે. પોતે કોણ છે, કેવી વ્યક્તિ છે, જીવનમાં શું જોઇએ છે, એ બધું કોઈ વિચારતું જ નથી. કારણ કે આબરુદાર કેરિયરને લોકો માન આપે છે. પૈસાને લોકો માન આપે છે.

આપણે માન આપવું  જોઇએ-

 • વ્યક્તિના વિચારોને માન આપો.
 • વ્યક્તિના જ્ઞાનને માન આપો.
 • વ્યક્તિના ઉમદા ચારિત્ર્યને માન આપો.
 • વ્યક્તિમાં રહેલા સંસ્કારોને માન આપો.
 • વ્યક્તિમાં રહેલી ખૂબીઓ, કૌશલ્યોને માન આપો.
 • ભલે, ઉંમરમાં બાળક હોય પણ જો તેનામાં ઉપરના ગુણો હોય તો તેને જરૂર માન આપો.


 

માન એટલે શું?માન કેવી રીતે મેળવીશું?માન-સ્વમાન વચ્ચેનો ફેર શું?માન આપશો તો માન મળશે.
બાળકોને પણ જરૂર માન આપો.


વિચારોમાં મતભેદ ભલે થાય,

પરંતુ મનભેદ ના થવા જોઈએ.


આજકાલ, કુટુંબોમાં વડીલો અને યુવાનો એટલે કે જૂની અને નવી પેઢી વચ્ચેનું અંતર વધતું જાય છે. એનું કારણ છે એકબીજાને માન-સન્માન ન આપવાનું. જૂના વિચારોને આઉટડેટેડ ગણીને વડીલોનો ઘરમાં તિરસ્કાર-અપમાન થતાં હોય છે. તેને કારણે તેમનું ઘરમાં સ્થાન જ નથી રહેતું. યુવાન સંતાનો તેમનું વારંવાર અપમાન કરતાં હોય છે, તેમની સાથે વાતચીત નથી કરતાં, પોતાના રૂમમાં ભરાઇને સોશિયલ-મિડીયા પર ચેટમાં મગ્ન રહેતા હોય છે.માતા-પિતા એકલાં પડી જતાં હોય છે.

બીજી તરફ, મોટાભાગના માતા-પિતા સંતાન ગમે તેટલાં મોટાં હોય તો પણ તેમને બાળક સમજીને જ તેમની સાથે વ્યવહાર કરતા હોય છે. તે ઘરમાં કોઈ અભિપ્રાય આપવા જાય તો 'તું તો હજુ નાનો છે, પહેલા ઘરમાં કમાઈને લાવ પછી વાતો કરજે' એવું કહીને તેનું અપમાન કરવામાં આવતું હોય છે.

આ પ્રકારના ઉછેરને લીધે યુવાન સંતાનો દબાઈ જતાં હોય છે અને ચૂપ રહીને અપમાન સહન કરી લેતાં હોય છે. આવા સંજોગોમાં તેઓ 'આઉટડેટેડ' માતા-પિતાથી દૂર જવાના જ રસ્તા શોધતા હોય છે.
 
આજકાલ, આટલા બધા વૃદ્ધાશ્રમો કેમ વધી પડ્યા છે? તેની પાછળ પણ મોટાભાગે બંને પેઢી વચ્ચેનું અંતર અને એકબીજાના વિચારોને માન નહીં આપવાની વૃત્તિ જ કામ કરતી હોય છે. માતા-પિતા સમજે છે કે અમે જ સાચાં અને અમારાં સંતાનોએ અમારા કહ્યા પ્રમાણે જ વર્તવું જોઈએ. અને સંતાનો સમજે છે કે એ બધા જૂના વિચારોવાળા અમને સમજી શકતા જ નથી. આવા વ્યવહારને કારણે ઘરમાં બે ભાગ પડી જતા હોય છે. સંતાનો બહાર જ રહેવાનું અથવા તો ઘરમાં એક રૂમમાં પૂરાઈ રહેવાનું જ પસંદ કરતાં હોય છે. 

માન આપો તો માન મળશે

જ્યારે તમે કોઇને માન આપવાનું શરૂ કરો છો ત્યારે આપોઆપ તમને પણ માન મળતું હોય છે. ઘરમાં માતાપિતા પોતાનાં સંતાનોને માન આપશે, તેમના વિચારોને, રસને,તેમની વૃત્તિને સમજીને તેમનો ઉછેર કરશે તો તે સંતાનો પોતાનાં માતા-પિતાને માન આપતાં શીખશે. 

આજે બાળકો બહુ જલદી પુખ્ત થઈ જતાં હોય છે. તેમને આઝાદી આપો ઊડવાની. આજનાં બાળકોની પાંખો એટલી જલદી મજબૂત થઈ જતી હોય છે કે તેને માટે આકાશ પણ નાનું પડે તેમ છે. એટલે જ તેમની આઝાદીને માન આપો. તેમને ઊડવા દો. એ બગડી નહીં જાય એ વિશ્વાસ સાથે ઊડવા દેશો તો દુનિયામાં જ્યાં પણ હશે ત્યાં તમે આપેલા પ્રેમ અને સન્માનને યાદ કરતાં રહેશે અને એ જ આદર- સન્માન  અને પ્રેમની લાગણી સાથે તમારી કેર કરતાં રહેશે.અસ્તુ. 

                                                                             

                                       

27 જૂન 2021

વાચનનું મહત્ત્વ I જીવનઘડતરમાં વાચનનું મહત્ત્વ I કોરોનાકાળમાં વાચનનું મહત્ત્વ I

વાચનનું મહત્ત્વ । જીવનઘડતરમાં વાચનનું મહત્ત્વ । કોરોનાકાળમાં વાચનનું મહત્ત્વ ।
પ્રસ્તાવનાઃ-

જીવનમાં વાચનનું ખૂબ જ મહત્ત્વ છે. જીવનઘડતરમાં વાચનનો એટલો મહત્ત્વનો ફાળો હોય છે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી વાચન ખૂબ જ જરૂરી બની જાય છે. એટલે જ કહેવાય છે કે 'રીડિંગ ઇઝ અ ફૂડ ફોર ધ માઇન્ડ ઍન્ડ સોલ'.
આવો, આપણે વાચનનું મહત્ત્વ જાણીએ અને જીવનઘડતરમાં તે કઈ રીતે મહત્ત્વનું  બની રહે છે તે સમજીએ.


આ લેખમાં વાંચવાના મુદ્દા
 • વાચન એટલે શું?
 • વાચનના પ્રકારો.
 • જીવનઘડતરમાં વાચનનું મહત્ત્વ-તથાગત તંત્રીશ્રી રેણુકા દવેના વિચારો.
 • જીવનમાં પુસ્તકોનું મહત્ત્વ
 • વાચન જાગૃતિ અભિયાનો
 • પુસ્તકાલયનું મહત્ત્વ
 • સુવિચારો

વાચનનું મહત્ત્વ,જીવનઘડતરમાં વાચનનું મહત્ત્વ, કોરોનાકાળમાં વાચનનું મહત્ત્વ
જીવનઘડતરમાં વાચનનું મહત્ત્વ


      

વાચન એટલે શું?

સંસ્કૃત ધાતુ वाच પરથી બનેલો શબ્દ છે વાચન, વાંચવું. લખેલું કે મનમાં વાંચવું તે વાચન. લેખિત કે મુદ્રિત લખાણમાંથી અર્થગ્રહણની પ્રક્રિયા કરવી તે છે વાચન પ્રક્રિયા.

ભાષાનાં ચાર કૌશલ્યો છે

શ્રવણ, કથન, વાચન અને લેખન. 

શ્રવણ અને વાચન દ્વારા અર્થગ્રહણ કૌશલ્યનો વિકાસ થાય છે. એ રીતે, કથન અને લેખન દ્વારા અભિવ્યક્તિ કૌશલ્યનો વિકાસ થાય છે. 
શ્રવણ, કથન, વાચન અને લેખન, આ ક્રમમાં જ આ ચારેય કૌશલ્યો વિકાસ પામે છે. બાળક જન્મે છે ત્યારે તે તેની આજુબાજુનાં વાતાવરણમાંથી અવાજો, ધ્વનિઓ સાંભળે છે અને તે પછી તે બોલતા શીખે છે. આ કારણથી જ જે બાળક સાંભળી નથી શકતું, તે બોલી પણ નથી શકતું. એટલે જ જે બહેરાં હોય તે મૂંગા પણ હોય છે.

 
જેનું અર્થગ્રહણ પ્રભાવશાળી હોય છે તેની અભિવ્યક્તિ પણ પ્રભાવશાળી હોય છે. એટલે કે, શ્રવણ અને વાચન સારાં હોય તો કથન અને લેખન પણ સારાં બને છે.

ટૂંકમાં, સારાં કથન અને લેખન માટે વાચન કૌશલ્ય બહુ જ મહત્ત્વનું હોય છે. આથી, એમ કહેવાય છે કે એક સારા વક્તા કે લેખક બનવું હોય તો તમારાં શ્રવણ અને વાચન કૌશલ્ય સારાં હોવાં જોઈએ. સાંભળો, ધ્યાનથી સાંભળો. જુઓ, ધ્યાનથી જુઓ. વાંચો, ધ્યાનથી વાંચો. ખૂબ વાંચો. અને આ રીતે તમારી પાસે જે માહિતી એકઠી થાય છે તેને વાણી કે શબ્દો દ્વારા અભિવ્યક્ત કરો. જેમ વધુ વાંચશો, તેમ વધુ સારું બોલી શકશો કે લખી શકશો. બોલવા કે લખવા માટેની માહિતી જ તમારી પાસે નહીં હોય તો શું કરશો?

વાચન કેવી રીતે કરશો?

'વાચન એક કલા છે' તેને હસ્તગત્ કરવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખોઃ-

 •  રસ અને શોખ મુજબ વાચનના વિષયની પસંદગી કરો.તેનાથી વાંચવામાં તમારો રસ જળવાઈ રહેશે અને કંટાળો નહીં આવે. એક વાત ધ્યાનમાં રાખો કે વાચન અશ્લીલ ન હોવું જોઈએ. થોડા સમય અગાઉ, યુએસની ઓહાયો યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ્સને સંબોધિત કરતા જેપી મોર્ગન, કે જેઓ ચેજ એન્ડ કંપનીના સીઇઓ છે તેમણે કહ્યું કે હું મારો અડધો સમય લર્નિંગ અને રીડિંગને આપું છું. ઇતિહાસ વાંચવું બહુ રસપ્રદ છે. શેક્સપિયર વાંચીને માનવીય સ્વભાવ સમજી શકાય છે, જ્યારે ન્યૂઝપેપર તમને અપડેટેડ રાખે છે. રીડિંગ નોલેજ વધારવાની સાથે સહાનુભૂતિ રાખવાનું, લોકો સાથે કામ કરતા પણ શીખવાડે છે (સંદર્ભ-દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપર).

 • વાચનની ટેવ ના હોય તો શરૂઆતમાં મોટેથી વાંચો, તેનાથી વાંચવામાં આનંદ જળવાઈ રહે છે અને રસ પડવાથી વાંચેલું સમજાઈ જાય છે. જાહેરસ્થળોમાં મોટેથી ના વાંચવું જોઈએ. વાચનની ટેવ પડે તે પછી ધીમેથી કે મનમાં વાંચો. તેનાથી વાંચવાની ઝડપ વધે છે, અર્થગ્રહણની ઝડપ વધે છે અને થોડા સમયમાં વધુ વાંચી શકાય છે.
 • શરૂઆતમાં થોડું-થોડું વાંચો અને સમજવા પ્રયત્ન કરો. જરૂરી મુદ્દા એક ડાયરીમાં નોંધતા જશો તો કથન કે લેખનમાં તેનો ઉપયોગ કરી શકાશે. 
 • પૂરતા પ્રકાશવાળી અને શાંત જગ્યામાં વાચન કરો. સૂતાં-સૂતાં ના વાંચો. 
 • તમને વાંચવામાં રસ હોવો જોઈએ. 
 • વાચન માટે આંખો અને સ્વાસ્થ્ય સ્વસ્થ હોવાં જોઈએ. 
 • પ્રખ્યાત લેખકોની વાચનસામગ્રી વાંચવી જોઈએ.
 • વાંચતી વખતે માત્ર એક-એક શબ્દ તરફ નહીં પણ સમગ્ર વાક્યને ધ્યાનમાં રાખીને વાંચવાનું હોય છે. વાંચતી વખતે આંખો સમગ્ર વાક્યને જોતી જાય અને સાથે-સાથે અર્થગ્રહણ થતું જાય તે રીતે વાચન થવું જોઈએ. એક આખો ફકરો વાંચો અને ના સમજાય તો ફરી વાંચો. લેખક એક ફકરામાં શું કહેવા માગે છે તે સમજો પછી આગળ વધો. 
 • દરરોજ વાચનનો સમય વધારતા જાઓ. આખા દિવસમાં એકાદ કલાકનું વાચન તો કરવું જોઇએ. સૂતી વખતે થોડું પણ વાંચીને સૂવાની ટેવ પાડો. તેનાથી આખા દિવસના વિવિધ પ્રકારના વિચારો શાંત થઈ જાય છે અને ઊંઘ સારી આવે છે. આ રીતે સારું વાચન મન અને આત્મા માટેનો ઉત્તમ ખોરાક બની શકે છે.


વાચનના પ્રકારોઃ-

1. હળવું વાચનઃ- 

તમે ટ્રાવેલ પર હો કે કોઈના માટે વેઇટ થતાં હો કે પછી મનને રીલેક્સ કરવું હોય તો આ પ્રકારનું વાચન થઇ શકે છે, જેમાં કોમિક્સ, શોર્ટ-સ્ટોરીઝ, મોટિવેશનલ કોલમ કે સ્ટોરી જેવું સાહિત્ય વાંચી શકાય, કે જેને ટાઇમ-પાસિંગ રીડિંગ કહી શકાય, જેનાથી ફ્રેશ થઈ જવાય.

2. માહિતીલક્ષી વાચનઃ-

તમારે કોઈ વિષય પર વાત કરવાની હોય, શીખવવાનું હોય, લેખન કરવાનું હોય ત્યારે સંદર્ભ-સામગ્રીની જરૂર પડતી હોય છે. ધારો કે, જવાહરલાલ નહેરુ વિશે લખવું હોય તો તેમના વિશેની માહિતી એકઠી કરવાની હોય છે. જો માહિતી જ ના હોય તો શું લખી શકાય?

3. સમીક્ષા કે વિવેચનલક્ષી વાચનઃ-

કોઈ લેખનસામગ્રી કે પુસ્તકની સમીક્ષા કે વિવેચન કરવાનું હોય તો તેને માટે જે તે લેખનસામગ્રી કે પુસ્તક વાંચવું પડે છે. આ પ્રકારનું વાચન વિવેચનલક્ષી વાચન કહેવાય છે.

4. શૈક્ષણિક હેતુ

તમારે કોઈને કાંઈ શીખવવાનું હોય કે પછી તાલીમ-વર્કશોપનું આયોજન કરવાનું હોય ત્યારે જે તે વિષયનું માર્ગદર્શન આપતું વાચન કરવાનું હોય છે.

5. પ્રેરણાત્મક અને માર્ગદર્શન હેતુઃ-

આજકાલ આ પ્રકારનું સાહિત્ય બહુ લખાય છે અને વંંચાય છે. જીવનમાં જ્યારે આપણે મૂંઝાઈ જઈએ, કોઈ સમસ્યાને કારણે તણાવ પેદા થાય, જીવનમાં નિષ્ફળતા મળે અને નિરાશા જન્મે અને પ્રશ્ન થાય કે હવે શું કરવું જોઈએ? ત્યારે પ્રેરણાત્મક સાહિત્ય રસ્તો બતાવે છે. એટલે જ આજે નેપોલિયન હિલ, ટોની રોબિન્સ ને ડેલ કાર્નેગીનાં પુસ્તકો બેસ્ટ સેલર બન્યાં છે.


વાચનનું મહત્ત્વઃ-

આગળ જોયું કે વાચન એ આપણાં મન અને આત્માનો ખોરાક છે, તે જીવનનું ઘડતર કરે છે.
 
વાચનનું મહત્ત્વ અંગે 'તથાગત' મેગેઝિનના તંત્રીશ્રી રેણુકા દવેના વિચારો જાણીએઃ-

વાચનનું મહત્ત્વ અંગે 'તથાગત' તંત્રીશ્રી રેણુકા દવેના વિચારો જાણીએ.
વાચનનું મહત્ત્વ અંગે 'તથાગત' ના તંત્રીશ્રી રેણુકા દવેના વિચારો 

તંત્રીશ્રી  રેણુકા દવે કહે છેઃ-
'તમે જ્યારે કોઈ વ્યક્તિને પુસ્તક આપો છો ત્યારે માત્ર થોડાક કાગળો પરનું લખાણ નથી આપતા, પરંતુ તમે તેમને એક નવી જિંદગીની ભેટ આપી રહ્યા છો'.
-ક્રિસ્ટોફર મોરલ-

સાવ સાચી વાત છે આ. કેટલું બધું આપ્યું છે આ વાંચને!!અનેક પ્રકારની ગેરસમજની ગાંઠો ખોલી છે વાંચને... ...લાગણીઓનો સાક્ષાત્કાર કરાવ્યો છે વાંચને. સમજણના અગણિત રસ્તાઓ વાંચન થકી જ ખૂલ્યા છે. ઇતિહાસનાં બંધ બારણાઓ પુસ્તકનાં પાનાંઓ વચ્ચે ખુલી જતાં જોયાં છે. વિજ્ઞાનનાં પુસ્તકોની સાથે સાથે માનવજાતના વિકાસક્રમને સાક્ષાત અનુભવ્યો છે. વાર્તાઓ અને નવલકથાઓનાં પાત્રસમાજે સંબંધોની અનેક આંટીઘૂંટીઓને ઉકેલી આપી છે. 

સલામ છે એ બધાં જ પુસ્તકોને...!!! પણ એથીય વધુ સલામ એ મા-બાપને, જેમણે ચાલતાં, બોલતાં, ખાતાં કે સ્નાન કરતાં જેટલી કાળજીથી શીખવ્યું, વાચન માટે વાતાવરણ આપ્યું અને આપ્યો અઢળક આનંદ, જે તેના સિવાય બીજે ક્યાંયથી મેળવવો શક્ય નથી. 

આ વાંચનાર દરેકને વિનંતીપૂર્વક કહેવું છે કે આવનારી પેઢીને આ સુખથી વંચિત ના રાખશો. ભલે, અત્યારે કેટલાંક કારણોસર વાચનની ટેવ પાડવાનું કામ અઘરું લાગી રહ્યું છે, પણ તેથી શું? આ આવડો મોટો લાભ તેમની જિંદગીમાંથી છીનવી લેવાનો આપણને શું અધિકાર છે !!!

સહુ મિત્રોને વાંચનની ઘણી ઘણી ભૂખ મુબારક...વાંચનનું ઘણું ઘણું સુખ મુબારક. અસ્તુ.
-રેણુકા દવે- તંત્રી 'તથાગત'.


વાચન જીવનઘડતર કરે છે.

જીવન માટે પ્રેરણાત્મક અને માર્ગદર્શક બની રહે તેવું સાહિત્ય એટલે કે મહાનપુરુષોનાં જીવનચરિત્રો, આત્મકથાઓ, પ્રેરક વાર્તાઓ, પ્રસંગોનું વાચન જીવનનું ઘડતર કરે છે. 
    
આ પ્રકારનાં વાચનથી વ્યક્તિનું જીવન ઉદાત્ત, સંસ્કારી બને છે. જીવનમાં
દયા, પ્રેમ, કરુણા,ધીરજ, માનવતા જેવા ગુણોનો વિકાસ થાય છે.

જીવનમાંથી હતાશાને દૂર કરે છેઃ-કોરોનાકાળમાં વાચનનું મહત્ત્વ

વ્યક્તિ કોઈ કારણોસર હતાશ, નિરાશ કે દુઃખી થઈ ગઈ હોય, ચિંતામાં રહેતી હોય, ત્યારે પ્રેરણાત્મક વાચન તેનામાં ઉત્સાહ વધારે છે. મુશ્કેલીમાં પણ માર્ગ કાઢીને જીવી શકાય તેવી પ્રેરણા પૂરી પાડે છે.
કોરોનાકાળમાં લોકડાઉન સમયે ઘણા લોકોએ વાચન દ્વારા જ પોતાની જાતને તણાવથી બચાવીને રાખી. આ સમય દરમિયાન લોકોમાં વાચનની રૂચિ કેળવાઈ અને પુસ્તકોની માંગ પણ વધી. એમ સર્વે જણાવે છે  કે તમે પાંચ મિનિટ વાચન કરો ત્યારે 60થી70 જેટલું ટેન્શન ઓછું થઈ જતું હોય છે.

સર્જનશક્તિનો વિકાસ થાય છેઃ-

ભાષાશુદ્ધિ વધે છે. વ્યક્તિ વાંચતી થાય છે એટલે તેનામાં કથન અને લેખન જેવાં કૌશલ્યો વિકસે છે. સારા લેખકોનાં પુસ્તકો વાંચવાથી ભાષામાં સુધારો થાય છે. લેખન માટેની કલ્પનાશક્તિ, વર્ણનકલા, શબ્દપ્રયોગોની વિવિધતા અને સર્જનશક્તિ વિકસે છે. શબ્દભંડોળ વધે છે. અભિવ્યક્ત થવાની કલા વિકસે છે. 

કોઈ પણ વ્યક્તિ જન્મથી મહાન નથી હોતી પરંતુ સારાં વાચનથી તેના વ્યક્તિત્વનો વિકાસ થતો હોય છે. એટલે જ બાળકને શરૂઆતથી જ સારું સાંભળવાની ને વાંચવાની ટેવ પાડો. હિતોપદેશ, પંચતંત્રની વાર્તાઓ સંભળાવો, તેનાથી વાંચવાના સંસ્કાર વધશે અને તેને વિવેકપૂર્ણ રીતે બોલવાની ટેવ પડશે. તેનામાં દયા, કરુણા, મમતા, પ્રેમ, સાહસ જેવા માનવીય ગુણો વિકાસ પામશે.

વાચન ભણતર અને ગણતર બંને કરે છેઃ-

વાચનથી વ્યક્તિ વિચાર કરતી થાય છે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની શક્તિમાં વધારો થાય છે. વિચારોમાં મુક્તતા આવે છે.નવા-નવા હુન્નરો, નવી-નવી ભાષાઓ શીખી શકાય છે. વ્યક્તિ વ્યવહારુ બને છે અને તેની બુદ્ધિ ખીલે છે.

મનને આનંદ મળે છેઃ-

સારાં પુસ્તકો મિત્રોની ગરજ સારે છે. હળવું સાહિત્ય, ટૂંકી વાર્તાઓ, સાહસકથાઓ, પ્રવાસવર્ણનો, જીવનકથાઓ જેવું સાહિત્ય વ્યક્તિને કલ્પનાના પ્રદેશોમાં ઉડ્ડયન કરાવીને મનને રીલેક્સ કરે છે, શાંતિ આપે છે.

સંદર્ભ-સામગ્રીની જાણકારી મળે છે

વિદ્યાર્થીઓ માટે તેમનો નિયત અભ્યાસક્રમ અને પુસ્તકો હોય છે પરંતુ તેમને જે તે વિષયમાં સંદર્ભ-સામગ્રીની જરૂર હોય તો તેમને એકસ્ટ્રા-રીડિંગ દ્વારા જ મળે છે.

જીવનમાં પુસ્તકોનું મહત્ત્વ
'આ યુગમાં તમે નહીં વાંચો તો ફેંકાઈ જશો'.

આ ઇન્ફર્મેશનનો યુગ છે અને માહિતીનો વિસ્ફોટ થયેલો છે.નવી-નવી ટેકનોલોજી દ્વારા સોશિયલ-મીડિયા પર દર મિનિટે અઢળક માહિતીનો ખજાનો ઠલવાતો રહે છે. અનેક પ્રકારના ગ્રુપ્સ દ્વારા વિવિધ પ્રકારનું સાહિત્ય લખાતું રહે છે. ત્યારે પ્રશ્ન થાય છે કે શું જીવનમાં પુસ્તકોનું મહત્ત્વ રહેશે ખરું?

100% રહ્યું છે અને રહેશે. પુસ્તકોની અને પુસ્તક-વાચનની ખાસિયતો હોય છે જે તેનું મૂલ્ય ક્યારેય ઘટવા નહીં દે. ઇન્ફર્મેશન અને ટેકનોલોજીનો યુગ આગળ વધતો જાય છે તેમ તેમ લોકોમાં અદ્યતન જ્ઞાનથી સુસજ્જ રહેવાનો ટ્રેન્ડ વધતો જાય છે અને તેમાં આજે પુસ્તક ટોપ પર છે. બેસ્ટ સેલિંગમાં ટોપ પર રહેતાં પોપ્યુલર પુસ્તકોને ખરીદીને પણ વાંચવાનો ટ્રેન્ડ વધ્યો છે.

આજકાલ ડ્રોઇંગરૂમમાં કે ટેબલ પર પુસ્તકો, મેગેઝિન્સ સજાવવાનો શોખ વધી ગયો છે, તે ફેશન-આઇકન ગણાય છે. અને એટલે જ પ્રકાશકો પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એટલાં સુંદર, રૂપકડાં ને મનમોહક કવરપેજ ને લેઆઉટ-ડિઝાઈન ધરાવતાં પુસ્તકો તૈયાર કરતા થઈ ગયા છે કે તે જોઈને આપણું મન પણ કહેતું હોય છે, 'આ મારા બુકશેલ્ફમાં હોય તો...'! આ ટ્રેન્ડ વધવાની સાથે પુસ્તકોનું માર્કેટ પણ ઉછાળા પર છે. પ્રકાશકોને વેચાણ માટેનાં ઓનલાઈન પ્લેટફોર્મ મળી ગયાં છે એટલે વેચવાનું ને ખરીદવાનું સહેલું બની ગયું છે.  
 

સદાબહાર ગુજરાતી પુસ્તકો કે જે વાંચવાં જ જોઈએઃ-
1. સત્યના પ્રયોગો અથવા આત્મકથા-- મોહનદાસ કરમચંદ ગાંધી
2. સરસ્વતીચંદ્ર--ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
3. ભવની ભવાઇ---પન્નાલાલ પટેલ
4. મળેલા જીવ-----પન્નાલાલ પટેલ
5. સૌરાષ્ટ્રની રસધાર---ઝવેરચંદ મેઘાણી
6. વેવિશાળ-----ઝવેરચંદ મેઘાણી
7. જય સોમનાથ--કનૈયાલાલ મુનશી
8. પાટણની પ્રભુતા--કનૈયાલાલ મુનશી
9. પૃથ્વીવલ્લભ---કનૈયાલાલ મુનશી
10. હિમાલયનો પ્રવાસ--કાકા કાલેલકર
11. ભદ્રંભદ્ર----રમણભાઈ નીલકંઠ
12. અમૃતા----રઘુવીર ચૌધરી
13. ઓથાર---અશ્વિની ભટ્ટ
14. નિરજાભાર્ગવ---અશ્વિની ભટ્ટ
15. પીળા રૂમાલની ગાંઠ----હરકિસન મહેતા

 આ ઉપરાંત રામાયણ, મહાભારત,ગીતા, અન્ય પુરાણો અને વેદ-ઉપનિષદો જેવા ભારતીય સંસ્કૃતિના મુગટ સમાં પુસ્તકો એક વાર તો જરૂર વાંચવા જોઈએ. 
સ્વામી વિવેકાનંદ, મહામાનવ સરદાર, શ્રી રામકૃષ્ણ પરમહંસ, અબ્દુલ કલામ જેવા મહાન પુરુષોનાં જીવનચરિત્રો જરૂર વાંચવા જોઈએ. 

વાચન સંવર્ધન માટેની પ્રવૃત્તિઓઃ-
 • પુસ્તકાલય એ જ્ઞાનમંદિર છે 

પુસ્તકાલય એ જ્ઞાનમંદિર છે.
પુસ્તકાલય એ જ્ઞાનમંદિર છે.
  

 • દરેક ગામ કે શહેરમાં એક નાનું એવું પણ પુસ્તકાલય હોવું જોઈએ.
 • દરેક સોસાયટીમાં અને મહોલ્લામાં પુસ્તકાલય હોવું જોઈએ.
 • પુસ્તકાલય પ્રવૃત્તિ હેઠળ પુસ્તક વાચન અંગેની વિવિધ સ્પર્ધાઓ યોજી શકાય. પુસ્તક-પરબ, ગ્રંથમંદિર, સાહિત્યકારોની બેઠક પ્રવૃત્તિ, તરતાં પુસ્તકોની પ્રવૃત્તિ, વાચન-શિબિરો જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરી શકાય. 
 • શાળા-કોલેજોમાં આ પ્રકારની વાચન પ્રવૃત્તિઓ કરાવી શકાય અને દરેક વિદ્યાર્થીના ઘરમાં એક નાનકડું પુસ્તકાલય હોય તે બાબતની કાળજી લેવાથી વાલીઓમાં પણ જાગૃતિ વધશે અને વાંચતા થશે.
 • એ ઉપરાંત, કોઈ જાહેર પ્રસંગો કે ખાનગી પાર્ટી કે મેળાવડા દરમિયાન 'બુકે' ને બદલે 'બુક' ભેટમાં આપવામાં આવે તેવો ટ્રેન્ડ વધવો જોઈએ. 


કેટલાંક સફળ જનજાગૃતિ અભિયાનોઃ-

છેલ્લાં વર્ષો દરમિયાન વ્યક્તિગત રીતે અને સામાજિક સંસ્થાઓ  તેમજ રાજ્ય સરકારો દ્વારા પણ આ દિશામાં જાગૃતિ અભિયાનો શરૂ કરવામાં આવ્યાં હતાં જે આજે પણ સફળતાપૂર્વક કામ કરી રહ્યાં છે. જેની વિગત આ પ્રમાણે છેઃ-
 • વર્ષ-2010માં ગુજરાતની સ્થાપનાનાં 50 વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકો વાંચતા થાય તે હેતુથી 'વાંચે ગુજરાત'  નામથી એક જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું.
 • આ અભિયાન હેઠળ સમગ્ર ગુજરાતનાં નાનાં-નાનાં ગામડાંઓથી માંડીને મોટાં શહેરો સુધી વ્યક્તિગત ધોરણે તેમ જ પુસ્તકાલયો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
 • સમાજમાં વૈચારિક ક્રાંતિ લાવવા માટેનો આ એક મહાજ્ઞાનયજ્ઞ હતો, જેનો હેતુ '21મી સદીને જ્ઞાનની સદી' બનાવવાનો હતો. 
 • 'વાંચે ગુજરાત' અભિયાન હેઠળ વાચન-શિબિરો, વાર્તાલાપો, ઝોળી પુસ્તકાલયો, ગ્રંથમંદિરો, પુસ્તકાલયો, શેરી પુસ્તકાલયો, તરતાં  પુસ્તકો, પુસ્તક પરબ જેવી વિવિધ પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.
 
આ બધી પ્રવૃત્તિઓ આજે પણ સારી રીતે ચાલે છે અને લોકો વાંચતાં થયા છે. નિયમિત રીતે થતી સાહિત્યપ્રવૃત્તિઓમાં પણ વધારો થયો છે. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે આજે પાશ્ચાત્ય દેશોમાં વસતા ગુજરાતીઓ પણ ગુજરાતી સાહિત્યના પ્રચાર-પ્રસાર અને સંવર્ધનમાં ઉત્સાહપૂર્વક આગળ વધી રહ્યા છે જે બાબત ગુજરાતની યશકલગીમાં એક નવું પિચ્છ ઉમેરે છે. જે પ્રશંસનીય છે.
 
એમ કહેવાયું  છે કે," જેટલું વધુ વાંચશો એટલું વધુ જાણશો, જેટલું વધુ જાણશો એટલું વધું શીખશો, જેટલું વધુ શીખશો એટલાં વધુ સ્થળોએ તમે ફરશો. આ જાદુ માત્ર પુસ્તકો જ કરી શકે છે".---(સંદર્ભ-બુક્સ બડી).


વાચનનું મહત્ત્વ,જીવનઘડતરમાં વાચનનું મહત્ત્વ,કોરોનાકાળમાં વાચનનું મહત્ત્વ
વાચનનું મહત્ત્વ, જીવનઘડતરમાં વાચનનું મહત્ત્વ,