ચાલતી પટ્ટી

" જિંદગીમાં જીતની સૌથી સારી તૈયારી એ છે કે આજે સારું કામ કરો.● ‘વિષાદ’ પણ એક યોગ છે. ● એક કામ શરુ કરી લીધા પછી અસફળતાનો ડર ના રાખો, ● અને કામને અધવચ્ચે છોડો પણ નહીં. ● સફળ લોકો કોઈ અલગ કામ નથી કરતા, ● બસ, તે કાંઈક અલગ રીતે કામ કરે છે... ● કોઈ પણ વ્યક્તિ તમને તમારી મરજી વિરુદ્ધ લઘુતાગ્રંથિનો અનુભવ ના કરાવી શકે."
લેબલ સફળતા. સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ સફળતા. સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

28 ફેબ્રુઆરી 2021

સફળ થવું છે ?

 સફળ થવું છે ?

હા...તો સફળ થતાં પહેલાં એ તો જાણી લઈએ કે સફળતા એટલે શું ?
સફળતા એટલે શું?


 • સફળતા = પૈસો?
 • સફળતા = બેંક-બેલેન્સ?
 • સફળતા = સત્તા, હાઈ-સ્ટેટસ્?
 • સફળતા = મનગમતી વસ્તુઓને મેળવી લેવાની તાકાત?

આ ચાર બાબત હોય એ માણસ સફળ માણસ કહેવાય? હા, દુનિયાદારીની દ્રષ્ટિએ એ માણસ જરૂર સફળ કહેવાય કારણ કે સારી  જોબ, સારું સ્ટેટ્સ, સારી પ્રતિષ્ઠા, આ બધી મહત્ત્વની બાબતો છે, જીવનનાં ભૌતિક સુખો, બાહ્ય સુખો મેળવવા માટે એ ચોક્કસપણે જોઈએ જ છે.

પરંતુ સફળતા એટલે  માત્ર બાહ્ય  સુખ નહીં -

 • પૈસાથી મળતું સુખ છે બાહ્ય-સુખ.
 • મનગમતી વસ્તુઓ મેળવવાની તાકાત છે બાહ્ય-સુખ.
 • સારી જોબ અને પ્રતિષ્ઠા આપે છે બાહ્ય, ભૌતિક સુખ.
 • ગાડી,બંગલા,નોકર-ચાકર, સારું બેંક-બેલેન્સ આપે છે ભૌતિક સુખ.

આ ભૌતિક વસ્તુઓ આંતરિક સુખ આપી શકે?
આ આંતરિક સુખ એટલે શું?

 • જે પૈસાથી ખરીદી શકાતું નથી.
 • જે સારી જોબ, પ્રતિષ્ઠાથી મેળવી શકાતું નથી.
 • જે હાઈ-સ્ટેટ્સથી મેળવી શકાતું નથી.
 • જે અપેક્ષાઓ પાછળ દોડવાથી મેળવી શકાતું નથી.

આંતરિક જીવનમાં સુખ, શાંતિ, આનંદ અને સંતોષ હોવાં જરૂરી છે અને એ છે આંતરિક સુખ. 

આમ,
 • સફળતા = સારા સંબંધો, સુખી પરિવાર.
 • સફળતા = પરિશ્રમથી મેળવેલી સંપત્તિ.
 • સફળતા = પરોપકારી વૃત્તિ, નૈતિકતા, આધ્યાત્મિકતા
 • સફળતા = લક્ષ્યપ્રાપ્તિ.

સફળતાને પ્રાપ્ત કરવા માટે જરૂરી છેઃ-
સફળતાનાં આ સાત સોનેરી સૂત્રો--

    1. જીવનમાં એક લક્ષ્ય હોવું જરૂરી છેઃ-

આપણે આપણને પૂછીએ કે મારા જીવનનું લક્ષ્ય શું છે, મારે મારા જીવનમાં શું પ્રાપ્ત કરવાનું છે?

    2. લક્ષ્યપ્રાપ્તિનો અભિગમ પોઝિટિવ હોવો જોઈએ.
પોઝિટિવ વિચારો, પોઝિટિવ બોલો અને પોઝિટિવ કાર્ય કરો.
તમારા વિચારો, શબ્દો અને કાર્ય વચ્ચે સંવાદિતા હોવી જોઈએ. 
પોઝિટિવ અભિગમ આપે છે, કરેંગે યા મરેંગેનો જુસ્સો-જોશ.

એક સફળ વ્યક્તિત્વની કહાણીઃ-

સફળ થવું છે?
   

    એમનું નામ છે નિક...

    નિક વુજીસિસ... ... ...એમને જન્મજાત શારીરિક ખામી છે,
    જેનું નામ છે, Melancholia-Life without Limbs-
    જન્મથી જ હાથ-પગ ન હોય એવી એ ખામી છે.
    આમ છતાં, આજે દુનિયાભરમાં તેમનું નામ છે,
    તેઓ એક ઑસ્ટ્રેલિયન-અમેરિકન મોટિવેશનલ સ્પીકર છે.
    તેઓ કહે છે,

જે લોકોએ કાંઈક સિદ્ધિ મેળવી છે, મહાન બન્યાં છે, તેમાંનાં મોટાભાગનાં જીવનમાં સમસ્યાઓ, અવરોધો હતા જ પરંતુ તેમના પોઝિટિવ અભિગમને લીધે તેમણે સફળતા પ્રાપ્ત કરી લીધી.

તેમની પ્રેરક વાતો તેમણે તેમના પુસ્તક 'અનસ્ટોપેબલ' માં લખી છે.

    3. આત્મવિશ્વાસથી છલોછલ રહો.
તમારી તાકાતને ઓળખો, તમારી અંદર રહેલી શક્તિઓને ઓળખો અને એ પછી એ દિશામાં આગળ વધશો તો તમે હંમેશાં આત્મવિશ્વાસથી છલોછલ ભરેલા રહેશો.
 

તમે જાણો છો આ વ્યક્તિત્વને?

 

સફળ થવું છે?
     

આ છે અરુણિમા સિન્હા...સફળતાની અનેરી કહાણી


એમની સાથે અત્યંત કરુણ ઘટના ઘટી. એક રાત્રે ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે મધરાતે ટ્રેનમાં ચડેલા કેટલાક લૂંટારાઓની સાથે થયેલા સંઘર્ષમાં તેઓ તેમની લાતથી ચાલતી ટ્રેને બહાર ફેંકાઈ ગયાં અને તે પછી તે અકસ્માતમાં તેમનો એક પગ તેમણે ગુમાવ્યો. 


અહીંથી તેમના સંઘર્ષની કહાણી શરૂ થઈ. અને તે પછી તેમના પોતાના સાહસ, શ્રદ્ધા અને ઇશ્વરકૃપાથી તેમણે વિશ્વના સર્વોચ્ચ શિખર એવરેસ્ટને સર કરી બતાવ્યું અને એક સૌ પ્રથમ વાર એવરેસ્ટ સર કરનાર એક વિકલાંગ મહિલા તરીકેનું બહુમાન મેળવ્યું. તે પછી તો સમગ્ર વિશ્વમાં અનેક ઍવૉર્ડથી તેમને નવાજવામાં આવ્યાં.


તેમની સફળતાનું રહસ્ય છે તેમનામાં ભરેલો અખૂટ વિશ્વાસ. 
તેમને માટે શ્રી રતન તાતા લખે છે, ' જે પરિસ્થિતિઓમાં અન્યોએ ચોક્કસ પરાજય સ્વીકારી લીધો હોત તેમાં અરુણિમાએ પોતાની દ્દઢતા અને વીરતાનો પરિચય આપ્યો.'


અરુણિમા સિન્હાના અદ્દભુત સાહસની વાતો જાણવા માટે તો તમારે તેમણે લખેલું પુસ્તક Born Again on the Mountain(પેગ્વિન પ્રકાશન) વાંચવું રહ્યું. તે પુસ્તકનો ગુજરાતીમાં ભાવાનુવાદ કર્યો છે સુધા મહેતાએ. 'વિશ્વાસનું એવરેસ્ટ' નામના આ પુસ્તકના પ્રકાશક છે, ગૂર્જર સાહિત્ય પ્રકાશન.


    4. તમારા કાર્યમાં ઇમાનદારી રાખો અને યોગ્ય દિશામાં મહેનત કરો.
'ઇમાનદારી એ સફળતાની કૂંચી છે'. સફળતાના શિખર સુધી પહોંચવા માટે દરેક પગલે મહેનત કરવી જરૂરી હોય છે. ઇમાનદારીપૂર્વકની મહેનત તમને સફળતાની સાથે સજ્જનતાની ભેટ આપશે. જો સફળતાની સાથે સાથે સજ્જનતામાં પણ વધારો થતો રહે તો જીવનમાં ખુશી અને આનંદ, સુખ વધશે. 


    5. દરેક પરિસ્થિતિમાં ખુશ રહો
તમારી આંતરિક ખુશી અને સંતોષ તમને વધુ પોઝિટિવ, વધુ ઉત્સાહી અને વધુ ઊર્જાવાન બનાવશે. બાહ્ય ભૌતિક વસ્તુઓમાં આનંદ અને ખુશી શોધવાને બદલે તમારી અંદર છુપાયેલી ખુશીને શોધી કાઢો. ભવિષ્ય્ની ચિંતા છોડીને વર્તમાન ક્ષણમાં જીવો અને તેમાં ખુશ રહેતા શીખો.
કોરોનાના ભયંકર જંગ વચ્ચે પણ આખી દુનિયાએ પોતાની રીતે ખુશ રહેવાના પોઝિટિવ રસ્તા શોધી કાઢ્યા એ આપણે જોયું અને અનુભવ્યું.  એ રીતે ઘરમાં, બહાર,નોકરી-ધંધામાં, અભ્યાસમાં, અને કોઈ પણ પરિસ્થિતિમાં ખુશ રહેવાનું છે. ખુશી શક્તિ આપે છે અને મુશ્કેલ પરિસ્થિતિ સામે પોઝિટિવ રહેતા શીખવે છે. 


સાહસ કરવામાં પ્રોબ્લેમ જરૂર આવશે અને એ જ સાચું સાહસ ગણાય. બસ, પ્રોબ્લેમને સાહસમાં કન્વર્ટ કરતા શીખી જાઓ. 
નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે.

    " પડી જાઉં છું એટલે માની ના લેશો કે નિષ્ફળ છું હું,
      ફરી ઊભો થઈ શકું એટલો સફળ છું હું...
                                                       -- 'જીગર'

ખુશી એ સફળતાનું દ્વાર છે. ખુશ રહો અને ખુશીનું શેરીંગ કરો.


    6. પરિવર્તનને સ્વીકારો અને આગળ વધો
પરિવર્તન એ જ જીવન છે. સફળતા માટે જરૂરી પરિવર્તનનો સ્વીકાર કરો. આપણે જોયું કે લોકડાઉન દરમિયાન બહારની પ્રવૃત્તિઓ ભલે અટકી ગઈ પણ ઓનલાઈન કૉન્સેપ્ટને કારણે આજે ડિજિટલ-સોશિયલ માધ્યમો દ્વારા નવાં-નવાં પરિવર્તનો આવતાં ગયાં અને આજે એક નવો ડિજિટલ યુગ આવી પહોંચ્યો છે. સ્માર્ટ-ફોનની કે કમ્પ્યુટરની એબીસીડી પણ નહીં  જાણનારા લોકો આજે ઓનલાઈન થઈ ગયા છે. 
પરિવર્તન આપણને તરોતાજા અને ગતિશીલ રાખે છે. 

    7. સફળતા માટે જરૂરી છે શારીરિક, માનસિક, સાંવેદનિક અને આધ્યાત્મિક સ્થિતિ વચ્ચેનું  બેલેન્સ, તેમની વચ્ચેની સંવાદિતા.

સફળતાનું રહસ્ય આ સાત સોનેરી સૂત્રોમાં સમાયેલું છે. અને તેનું નિષ્ઠાપૂર્વકનું આચરણ જીવનમાં સુખ, શાંતિ, સંતોષ અને આનંદને આમંત્રણ આપે છે.
આપણે સફળતા વિશે વાત કરી રહ્યાં છીએ ત્યારે જેણે માતાના ગર્ભમાં રહીને જ પોતાનો સંઘર્ષ શરૂ કરી દીધો હતો અને આજે  કિશોરવયે અમેરિકામાં એક ટોચનો સિંગર, રેંપર અને મોટિવેશનલ સ્પીકર તરીકે જાણીતો થયો છે તે સ્પર્શ શાહને તો કેમ ભુલાય!!!

આ છે સ્પર્શ શાહ...માંડ અઢારેક વર્ષનો હશે.

સ્પર્શને જન્મથી જ ઑસ્ટિયોજેન્સિસ ઇમ્પરફેકટા નામની બીમારી છે. તે માતાના ગર્ભમાં હતો ત્યારે જ તેનાં 35 જેટલાં હાડકાં તૂટી ગયાં હતાં. આજે તેના શરીરમાં 150 કરતાં પણ વધુ ફ્રેક્ચર થયેલાં છે. પરંતુ પોઝિટિવ અભિગમને લીધે તેની આજે એક સફળ વ્યક્તિત્વમાં ગણના થાય છે. તેને હંમેશાં વ્હિલચેર પર જ રહેવું પડે છે. તેને ઊંચકીને ફેરવવો પડે છે.


સફળ થવું છે?

    
  આ છે સફળતાનું સાચું રહસ્ય
 જુઓ એ કિશોર બાળકની  કમાલ! એના મુખ પરનું હાસ્ય એના અંતરમાં રહેલા આનંદ અને સંતોષની ઝાંખી કરાવે છે, એનું હાસ્ય અને એની ચમક આપણને સંદેશ આપે છે કે 'હું કરી શકું છું' એ શબ્દોને તમારી તાકાત બનાવો.

હમણાં તાજેતરમાં જ મિસ ઇન્ડિયા-ઉત્તર પ્રદેશ-2021નો ખિતાબ મેળવનારી માન્યા સિંહ એક સામાન્ય રીક્ષાચાલકની દીકરી છે અને એક વખત તે લોકોનાં ઘરનાં વાસણ ઘસતી હતી. પણ એણે એક જ લક્ષ્યને પોતાનું નિશાન બનાવીને મહેનત કરી અને આજે એક સફળ વ્યક્તિ તરીકેની નામના મેળવી લીધી.

તમારો પરિવાર, સંબંધો, તમારું સ્વાસ્થ્ય, સામાજિક-કાર્યો પાછળ જરૂર સમય આપો અને તેને પણ ધબકતાં રાખો. તમારી સાથે કાર્ય કરતાં કર્મચારીઓ, મિત્રો પ્રત્યે સંવેદનાપૂર્ણ વ્યવહાર રાખો, તેમનાં સુખદુઃખનો ખ્યાલ કરો.
 હંમેશાં, આપણા કરતાં જે લોકો વધુ મુશ્કેલી, પીડા અને વેદના ભોગવી રહ્યા છે તેમનો વિચાર કરીશું  તો આપણાં દુઃખો અને મુશ્કેલીઓની વચ્ચે આપણને આગળ વધવા માટે વધુ શક્તિ અને પ્રોત્સાહન મળી રહેશે.