ચાલતી પટ્ટી

" જિંદગીમાં જીતની સૌથી સારી તૈયારી એ છે કે આજે સારું કામ કરો.● ‘વિષાદ’ પણ એક યોગ છે. ● એક કામ શરુ કરી લીધા પછી અસફળતાનો ડર ના રાખો, ● અને કામને અધવચ્ચે છોડો પણ નહીં. ● સફળ લોકો કોઈ અલગ કામ નથી કરતા, ● બસ, તે કાંઈક અલગ રીતે કામ કરે છે... ● કોઈ પણ વ્યક્તિ તમને તમારી મરજી વિરુદ્ધ લઘુતાગ્રંથિનો અનુભવ ના કરાવી શકે."
લેબલ મોબાઈલ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ મોબાઈલ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

06 જૂન 2021

મોબાઈલ મારો મિત્ર કે દુશ્મન? મોબાઈલની અસરો, મોબાઈલ મૅનર્સ

 મોબાઈલ મારો  મિત્ર કે દુશ્મન?મોબાઈલની અસરો,મોબાઈલ મૅનર્સ


મોબાઇલ મારો મિત્ર કે દુશ્મન?મોબાઈલની અસરો,મોબાઈલ મેનર્સ
મોબાઈલ મારો મિત્ર કે દુશ્મન?


પ્રસ્તાવનાઃ-
માર્ટિન કૂપરે મોબાઈલ ફોન બનાવ્યો ત્યારે એને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે મારો આ મોબાઈલ એક દિવસ સમગ્ર દુનિયામાં ધૂમ મચાવશે અને લોકોને નચાવશે! પણ એણે એવું પણ નહોતું વિચાર્યું કે એક દિવસ તેના વિશે  લોકોને ગંભીરતાથી વિચારવાની તાતી જરૂર ઊભી થશે! અને જુઓ  તો, આજે એના વિશે સમગ્ર દુનિયા ગંભીરતાથી વિચારવા લાગી છે.

આજે, 21મી સદીમાં ટેકનોલોજીના આ યુગમાં દરેક ક્ષેત્રમાં મોબાઈલે એવી હરણફાળ ભરી છે કે એક ટચૂકડા એવા ટક-ટક કરતા સામાન્ય ફોનમાંથી તેણે સ્માર્ટફોનનું રૂપ ધારણ કરી લીધું છે.આખી દુનિયા મોબાઈલના ટચ-સ્ક્રીન પર આવીને વસી ગઈ છે અને લોકો તેનો એક રમકડાની જેમ ઉપયોગ કરતા થઈ ગયા છે.

આજકાલની જિંદગીમાં મોબાઈલે અંદર સુધી પગપેસારો કરીને એવું સ્થાન જમાવ્યું છે, અને એવું કાઠું કાઢ્યું છે કે તેને માટે હવે દરેક વ્યક્તિએ એવું વિચારવાનો સમય આવી ગયો છે કે મોબાઈલ મારો મિત્ર કે દુશ્મન?

એક પ્રેરક સ્ટોરીઃ-


    રમાકાન્ત એક નિવૃત્ત શિક્ષક હતા. સંયુક્ત કુટુંબ હતું. બે દીકરા ને દીકરી સાથેનો એક સુખી-સંપન્ન પરિવાર હતો. રવિવારનો દિવસ હતો. બધાં સાથે જમ્યાં પછી રમાકાન્ત પોતાના રૂમમાં આરામ કરવા ચાલ્યા ગયા. તેઓ સૂતા હતા પરંતુ તેમને ચેન નહોતું. શરીરમાં થોડી બેચેની હતી અને છાતીમાં થોડો દુખાવો પણ થતો હતો.

    તેમણે ફેમિલી ડૉક્ટરને ફોન જોડવા પ્રયત્ન કર્યો પણ બિઝી હતો. તેમણે વિચાર્યું કે ચાલો, હું જ મળી આવું. આમ વિચારીને તેઓ ડ્રોઈંગરૂમમાં આવ્યા તો જોયું કે ટીવી પર કોઈ સિરીયલ ચાલી રહી હતી અને સામે બંને દીકરાઓ અને પુત્રવધૂ પોતપોતાના ફોનમાં બિઝી હતા. તેમનાં શ્રીમતીજી ફોન પર કોઈની સાથે વાતોમાં મશગૂલ હતાં એટલે તેમણે સૌને સંબોધીને મોટેથી કહ્યું કે મને થોડું બેચેની જેવું લાગે છે એટલે ડૉક્ટરને મળીને આવું છું. દીકરાઓએ મોબાઈલમાંથી માથું ઊંચું કર્યા સિવાય જ કહી દીધું કે હા પાપા, જઈ આવો, અને ફરી બિઝી થઈ ગયા. શ્રીમતીજીએ માથાથી ઇશારો કર્યો અને વાતોએ વળગી ગયાં.

રમાકાન્ત બહાર આવ્યા. બપોરનો ભર તડકો હતો. એમણે સ્કૂટર બહાર કાઢ્યું અને ચાલુ કર્યું ત્યારે તેનો અવાજ સાંભળીને બાજુના પડોશીના ઘરમાંથી એક યુવતી, જેનું નામ કાનન હતું તે દોડતી આવી અને પૂછવા લાગી, "અંકલ, આવા તડકામાં ક્યાં ચાલ્યા?" રમાકાન્તનો એક હાથ છાતી પર હતો એટલે કાનને તેમની નજીક આવતાં પૂછ્યું, "તમારી તબિયત સારી નથી?" રમાકાંતે કહ્યું, "બેટા, ખાસ કાંઈ નથી પણ ડૉક્ટરને મળવા જાઊં છું. થોડી બેચેની લાગે છે."

કાનનને કાંઈ બરોબર ના લાગ્યું એટલે તેણે પોતાનું સ્કૂટર કાઢ્યું અને બોલી, "તમે પાછળ બેસી જાઓ. હું આવું છું તમારી સાથે." થોડી આનાકાની પછી તેઓ માની ગયા અને હોસ્પિટલ આવ્યા. ડૉક્ટરે તપાસીને કહ્યું કે આમને દાખલ કરવા પડશે. તમે બહુ જ સમયસર લઈ આવ્યા છો. 

કાનને પરિવારના એક સભ્યની જેમ જ તેમના ફોર્મમાં સહી કરી અને રમાકાન્તની સારવાર શરૂ થઈ ગઈ ને તેમનો જીવ બચી ગયો. 

કાનને રમાકાન્તના પરિવારને ફોન કરીને જાણ કરી અને સહુ આવી પહોંચ્યા. કાનનને  જોઈને સહુનાં મોઢાં વિલાઈ ગયાં કારણ કે કાનનનાં કુટુંબ સાથે તેમને બોલવાનો પણ સંબંધ નહોતો છતાં કાનને તેમને મદદ કરી અને સમયસર સારવાર મળી.

એમને સહુને પસ્તાવો થયો અને રમાકાન્તની માફી માગતા કહ્યું કે અમારી ભૂલ થઈ ગઈ. અમે મોબાઈલનાં ચેટિંગમાં એટલાં મશગૂલ હતાં કે એટલું કહેવાની પણ અમે દરકાર ના કરી કે અમે તમારી સાથે આવીએ છીએ.

આને કહેવાય મોબાઈલની લત, મોબાઈલનું વળગણ કે જે સિવાય તમે બીજું કાંઈ પણ વિચારી ના શકો. સતત સર્ફિંગ...સતત ચેટિંગ...થતું જ રહેતું હોય છે. સોશિયલ મીડિયામાં લાઈક-કૉમેન્ટ્સનાં પ્રલોભનમાં ડુબેલા લોકો સોશિયલ મીડિયા પર રાતોરાત મહાન બની જવાની ઇચ્છામાં મોબાઈલને એક રમકડાની જેમ રમાડ્યા કરતા હોય છે અને પછી અઠંગ જુગારીની જેમ એની પણ લત લાગી જતી હોય છે. અહીંથી શરૂઆત થાય છે મોબાઈલની નેગેટિવ અસરોની કે જે એક દુશ્મનની જેમ આપણું અહિત કરે છે અને નુકસાન પહોંચાડ્યા કરે છે.

મોબાઈલની અસરો

મોબાઈલની નૅગેટિવ અસરોઃ-
મોબાઈલની નેગેટિવ અસરોમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ-

    1) શારીરિક અસરોઃ-
 • મોબાઈલના ટચ-સ્ક્રીન પર આંગળીઓ સતત સર્ફિંગ કર્યા જ કરતી હોય છે અને તેથી લાંબા ગાળે અંગૂઠાની પાછળના ભાગમાં હાડકાં પર સતત દુખાવો રહે છે જે મોટી બીમારીનું કારણ બની શકે છે.

 • ગરદન, ડોક, માથું સતત નીચે નમેલાં રહેવાથી તે ભાગના સ્નાયુઓ પર અસર થતી હોય છે અને દુખાવો રહેતો હોય છે.

 • મોબાઈલ એટલે કે સ્માર્ટફોનમાંથી બ્લૂ રંગનો જે પ્રકાશ નીકળતો હોય છે તે આંખોને નુકસાન કરી શકે છે. આંખો સતત સ્થિર રહેવાથી અનેક સમસ્યા થઈ શકે છે. ગ્લુકોમાની સમસ્યા પણ થઈ શકે છે.

 • વ્યક્તિ ઊંધું ઘાલીને ચેટિંગમાં ડૂબેલી રહે છે પરિણામે રોજબરોજની દૈનિક ક્રિયાઓ જેવી કે, સમયસર ઊઠવું, સ્નાન કરવું, નિયમિત જમવું, અભ્યાસ કરવો, જોબ પર જવું, જેવી બાબતોમાં તે અનિયમિત બની જાય છે. તેથી આળસુ બની જાય છે. મન પડે ત્યારે જમવું અથવા ના જમવું, કોઈક વાર અકરાંતિયાની જેમ ભોજન કરવું, એક જ જગ્યાએ બેસી રહેવું જેવી ટેવોથી વ્યક્તિ બેઠાડુ બની જાય છે. તેનામાં સ્ફૂર્તિ નથી રહેતી. શરીરમાં ચરબી જમા થઈ જાય છે એટલે શરીર સ્થૂળ થઈ જાય છે અને અંતે અનેક જાતના રોગોનો ભોગ બની જાય છે.

    2) માનસિક અસરોઃ-

 • મોબાઈલના વધુ વપરાશથી લાંબા ગાળે જુદી જુદી બીમારીઓ થઈ શકે છે. રેડિએશનને કારણે કેન્સર, બ્રેન-ટ્યૂમર થવાનું જોખમ રહે છે.

 • હોર્મોન્સના સ્તરમાં વધઘટ થવાથી સ્ટ્રેસ વધે છે જેનાથી હતાશાનું પ્રમાણ વધે છે. ક્યારેક વ્યક્તિ આત્મહત્યા કરવા પ્રેરાય છે.

 • ઘણાં લોકો પથારીમાં પણ ફોન સાથે લઈને સૂઈ જતા હોય છે અને વચ્ચે વચ્ચે મેસેજ કે કોલ ચેક કર્યા કરતા હોય છે. આને કારણે તેમની ઊંઘમાં ખલેલ પડતી હોય છે પરિણામે લાંબે ગાળે વ્યક્તિ અનિદ્રાનો ભોગ બને છે અને અનેક જાતની માનસિક બીમારીઓનો ભોગ બને છે. 

    3) પારિવારિક અને સામાજિક અસરોઃ-

 • આપણે ઉપર રમાકાન્તના ઉદાહરણ દ્વારા જોયું કે મોબાઈલની લત લાગી જાય તો વ્યક્તિ પોતાની કાલ્પનિક દુનિયામાં જીવતી થઈ જાય છે. તેને એકાંત ગમે છે. તેને વર્ચ્યુઅલ ગેમ્સ, કાર્ટૂન, પોર્ન સાહિત્ય, હોરર ફિલ્મો અને અન્ય મનોરંજન પીરસતી સાઈટોમાં એટલો રસ પડી જતો હોય છે કે તે પોતાના પરિવાર અને સામાજિક સંબંધોથી કટ-ઓફ થઈ જતી હોય છે. તેને મોબાઈલ સિવાય કશામાં રસ નથી પડતો . 

 • આજકાલ ઘરમાં બધા જ સભ્યો પાસે મોબાઈલ હોય છે જ. બાળકો પાસે પણ હોય છે એટલે આજે મોબાઈલની સૌથી મોટી નૅગેટિવ અસર સંબંધો પર થઈ છે.દરેક વ્યક્તિને મોબાઈલ ગમે છે કારણ કે એ વર્ચ્યુઅલ દુનિયામાં તેમને કોઈ રોકનારું-ટોકનારું નથી હોતું, તેમના ઉપર કોઈ આધિપત્ય જમાવનાર પણ નથી હોતું. દરેક વ્યક્તિ પોતાની રીતે મોબાઈલની દુનિયામાં ખોવાઈ જતી હોય છે પરિણામે આજે સમગ્ર દુનિયામાં છૂટાછેડા, ઘરેલું હિંસા, ગૃહત્યાગ કે લગ્ન બહારના સંબંધોના કેસોમાં વધારો થવા પામ્યો છે.

 • આની અસર બાળકોમાં પણ જોવા મળતી હોય છે. લોકડાઉન દરમિયાન અને તે પછી પણ શિક્ષણ ઓનલાઈન થઈ જવાને કારણે બાળકોમાં તેની વધુ અસર જોવા મળી રહી છે. પ્યૂ રિસર્ચ સેન્ટર દ્વારા કરાયેલા એક સર્વે મુજબ 12થી 17 વર્ષની ઉંમરનાં 78% કિશોરો પાસે મોબાઈલ છે. 

 • બાળકોના હાથમાં મોબાઈલ, કમ્પ્યુટર, લેપટોપ આવી જવાથી તેમને તો મનોરંજનનો અઢળક ખજાનો હાથ લાગી ગયો છે. ઘણીવાર ઓનલાઈન અભ્યાસમાં રસ ના પડે તો યુટ્યૂબની ચેનલ બનાવે છે, ગમે તેવી કઢંગી ફિલ્મો, કાર્યક્રમો જુવે છે, પોર્ન-સાહિત્યના બંધાણી થઈ જાય છે, વ્યસનની લત લાગી જાય છે, ચેટ કરતાં-કરતાં ખરાબ મિત્રોની સોબત થઈ જતી હોય છે. 

 • આનાં પરિણામે બાળકોનો વિકાસ જ રુંધાઈ જતો હોય છે. તેમને એવું લાગતું હોય છે કે આ વર્ચ્યુઅલ દુનિયા એ જ ખરી દુનિયા છે અને એમાં મારે જીવવાનું છે. 

 • આજકાલ તો મોબાઈલનું ચલણ એટલું વધી ગયું છે કે તેનો બેફામ રીતે ઉપયોગ થતો હોય છે. લોકો રસ્તા પર ચાલતાં-ચાલતાં, વાહનો ચલાવતાં-ચલાવતાં પણ મોબાઈલ પર વાતો કરતાં જતાં હોય છે.પરિણામે અકસ્માતો વધી ગયા છે. 

 • ઓફિસોમાં તો ચાલુ કામકાજના સમય દરમિયાન પણ મોબાઈલનો છૂટથી ઉપયોગ થતો હોય છે. દરેક પાંચ-દસ મિનિટે મોબાઈલ ચેક કરતા રહેવાની લોકોને ટેવ પડી જતી હોય છે.

મોબાઈલ મારો મિત્ર કે દુશ્મન?

મોબાઈલની પોઝિટિવ અસરોઃ-

મોબાઈલની પોઝિટિવ અસરોમાં નીચેની બાબતો મુખ્ય હોય છેઃ-

    1) મોબાઈલ કોમ્યુનિકેશન માટેનું ઉત્તમ માધ્યમ છેઃ-

 • આજે મોબાઈલને લીધે રોજબરોજનાં મોટાભાગનાં કામકાજ ઓનલાઈન જ પતી જતાં હોય છે. લોકડાઉનના સમયમાં લોકોને ઘરવપરાશની જરૂરિયાતની ચીજવસ્તુઓ, શાકભાજી, ખાવાપીવાની વસ્તુઓ, દવાઓ વગેરે પણ ઓનલાઈનની સગવડને કારણે મોબાઈલ દ્વારા ઘરે બેઠાં જ મળી જતી હતી. અને એ પછી તો મોટાભાગનાં કામકાજ મોબાઈલ દ્વારા ઓનલાઈન જ કરી નાખવાનું ચલણ વધી ગયું છે.
 

 • કોરોનાકાળમાં તો ઘણી જગ્યાએ હોમકોરેન્ટાઈન થયેલા લોકોને ડૉક્ટરની અને દવાની સેવા ઓનલાઈન જ મળી રહેતી હતી. ઇમરજન્સી સારવાર મળી રહે તે માટે ઘણી  જગ્યાએ તો ડૉક્ટરોએ ઓડિયો-વીડિયો દ્વારા પણ માર્ગદર્શન પહોંચાડ્યું હતું. 


 • દૈનિક ભાસ્કર ન્યૂઝ પેપરના એક રિપોર્ટ મુજબ ઝીંઝુવાડાના વિસનગર રણમાં અગરિયા પરિવારો સાથે કામ કરતી એક સામાજિક સંસ્થાએ હેલ્થ-કેમ્પ કરીને અનેક બીમારીઓથી પીડાતા અગરિયાઓની બીમારીનો રિપોર્ટ તૈયાર કરીને અમદાવાદ શહેરના જાણીતા ડૉક્ટર્સને મોકલીને વીડિયો-કોલિંગ દ્વારા ટેલી-મેડીસીનથી બીમારીમાં નિઃશુલ્ક સારવાર અને દવા મેળવ્યાં હતાં. આ રીતે ઇમરજન્સીમાં દૂર રહીને પણ સારવાર કરવાનું શક્ય બની રહ્યું છે તેનો યશ મોબાઈલ ડિવાઈસને જ આપવો રહ્યો. 

 • મોબાઈલમાં જુદા જુદા એપ્સ અને ટેકનિક દ્વારા ઓનલાઈન કાર્ય કરવાની એટલી બધી સુવિધાઓ મળતી જાય છે કે આજકાલ તો મોબાઈલ દ્વારા કોમ્યુનિકેશન માટેની સુવિધાઓ ઉપરાંત સોશિયલ મીડિયા જેવા પ્લેટફોર્મ પર અનેક  પ્રકારની પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન થઈ શકે છે. આ રીતે, મોબાઈલ એક કમ્પ્યુટર બની ગયું છે.

 • મોબાઈલનાં જુદાં જુદાં ફિચરો અને એપ્સને કારણે આજકાલ તો ખોવાઈ ગયેલી વ્યક્તિઓ, રસ્તામાં ભૂલી પડી ગયેલી વ્યક્તિઓ, ભાગી છૂટેલા અપરાધીઓની શોધખોળ પણ થઈ શકે છે.જૂના મિત્રો કે સહાધ્યાયીઓને વર્ષો પછી પણ શોધીને વાતચીત કરી શકાય છે. આ ઉપરાંત, દુનિયાના કોઈપણ છેડે બેઠેલા આપણા સગાંસંબંધીઓ, મિત્રો સાથે ફોન દ્વારા કે વીડિયો ચેટિંગ દ્વારા સાક્ષાત સ્વરુપે મળ્યા હોય એટલો આનંદ મેળવી શકાય છે. આજકાલ યુવાન દીકરા-દીકરીઓ અભ્યાસ કરવા વિદેશ ગયા હોય કે લગ્ન કરીને ઠરીઠામ થયા હોય અને પોતાના દેશમાં પોતાનાં માતાપિતા એકલાં હોય તો દરરોજ તેમની સાથે વીડિયો ચેટિંગ દ્વારા વાતચીત કરી શકે છે. 

 • તમારે દુનિયાના કોઈપણ દેશમાં ફરવા જવું હોય અને તમારી પાસે કોઈ જ માહિતી ના હોય કે તમારે માટે બધું અજાણ્યું હોય તો પણ તમે ઇન્ટરનેટના ગૂગલ-મેપ દ્વારા બધી જ માહિતી ઘેરબેઠાં મેળવી શકો છો. 

લોકડાઉન દરમિયાન લોકોએ મોબાઈલના જુદાં જુદાં ફિચર્સ દ્વારા પોતાને કેટલી સરસ રીતે એન્ગેજ રાખ્યા તે વાત કાંઈ લોકોથી અજાણી નથી.
લોકોએ વિવિધ પ્રવૃત્તિઓ કરી જેમ કે,

 • નવી-નવી ભાષા શીખવામાં સમય ગાળ્યો.
 • ગાર્ડનિંગ, પેઇન્ટિંગ, ગાયન-વાદન જેવા અનેક પ્રકારના શોખ કેળવ્યા.ઓનલાઈન તાલીમ લઈને રોજગારી પણ મેળવી.
 • સોશિયલ-મીડિયા પર વર્ચ્યુઅલ પ્રોગ્રામોમાં ભાગ લઈને પોતાના રસ-રુચિને જાળવી રાખ્યા. કલાકારોએ પોતાના ઘરોમાં રહીને મીડિયા પર પોતાના કાર્યક્રમો દ્વારા લોકોનો સંપર્ક જાળવી રાખ્યો.
 • બાળકોએ ઓનલાઈન શિક્ષણ દ્વારા પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને વર્ક ફ્રોમ હોમ દ્વારા વ્યવસાયકર્તાઓએ પોતાની જોબને જાળવી રાખી.
 • મોબાઈલના માધ્યમ દ્વારા જ ઓનલાઈન શિક્ષણ આપતી યુનિવર્સિટીઓ જેવી કે ઈંદિરા ઓપન યુનિવર્સિટી, આંબેડકર યુનિવર્સિટી અને દેશ-પરદેશની બીજી અનેક શિક્ષણ સંસ્થાઓ દ્વારા ઓનલાઈન અભ્યાસ કરીને પદવી મેળવી શકાય છે. 
    

મોબાઈલની પોઝિટિવ અસરો
બાળકો માટે આશીર્વાદરૂપ બની શકે છે

આજના બાળકો કે જેઓ આવતીકાલના નાગરિકો છે તેમને માટે તો આ ડિજિટલ યુગ આશીર્વાદરૂપ સાબિત થયો છે કારણ કે આવનારા સમયમાં તેઓ જ એક યુગપરિવર્તક બની રહેવાના છે. આજની જનરેશન અતિ બુદ્ધિશાળી, જિનિયસ સાબિત થતી જાય છે તેની પાછળનું કારણ પણ આ ડિજિટલ યુગ જ છે. આજે ચાર-પાંચ વર્ષનાં બાળકો કમ્પ્યુટર- કોડિંગ ભાષા જાણતા થઈ ગયા છે તેમને માટે આવનારા યુગ પાસે એવું કાંઈક હોવું જોઈએ કે જે તેમને વધુ તેજસ્વી બનાવે.

બાળકોને શિસ્તમાં રાખવાનું કામ માતા-પિતાનું છે.

બાળકોને શિસ્તમાં રાખવાનું કામ તો તેમના માતા-પિતા જ કરી શકે છે. તેમણે પોતે મોબાઈલનો ઉપયોગ વિવેકબુદ્ધિથી કરવાનો છે. બાળકોની સામે માતાપિતા જ આખો દિવસ મોબાઈલમાં માથું નાખીને બેઠાં રહેશે તો બાળકો પણ તેવું જ શીખવાનાં છે. તમે બાળકો પાસેથી  જેવું વર્તન ઇચ્છો  છો તેવું તમે પણ કરો. 

આ હતી મોબાઈલની પોઝિટિવ અસરો.

હવે નક્કી કરો કે મોબાઈલ આપણો મિત્ર કે દુશ્મન?

હા, ચોક્કસપણે એ આપણો મિત્ર પણ છે અને દુશ્મન પણ છે. દરેક વસ્તુની બે બાજુ હોય છે પોઝિટિવ અને નૅગેટિવ. જીવનમાં આગળ વધવું હોય તો આ બંને બાજુને સ્વીકારવી પડે. આવા સમયે આપણી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય છે. આજના ડિજિટલ યુગમાં મોબાઈલ વિના ચાલવાનું નથી એટલે તેના ઉપયોગમાં આપણે આપણું ડહાપણ,આપણું ગણતર એટલે કે  વિવેકબુદ્ધિને કામે લગાડવાની છે. આજકાલ શબ્દ વપરાય છે 'મોબાઈલ મૅનર્સ'. એનો ઉપયોગ કરીને આપણે મોબાઈલ શોખને લત કે વળગણ બનાવવાને બદલે તેને એન્જોય કરીએ. 


તમે મોબાઈલના ગુલામ બનશો?
ના...ના...ના...
મોબાઈલને મારો  ગુલામ બનાવીશ...પ્રોમિસ આપું છું.


મોબાઈલ મેનર્સ

 • આપણા જીવનમાં સંબંધોને જાળવી રાખવાની બાબત ખૂબ અગત્યની છે.એટલે કે જ્યારે તમે તમારા પરિવાર, મિત્રો સાથે બેસો છો, તેમની સાથે બહાર ફરવા કે પ્રવાસ-પિકનીકમાં જાઓ છો ત્યારે મોબાઇલને સાઈલન્ટ-મોડ પર મૂકીને રાખો. હવે તો આ બાબતને ધ્યાનમાં રાખીને રેસ્ટોરાં કે અન્ય ખાણીપીણીની  જગ્યાઓ પર પ્રવેશ વખતે જ મોબાઈલને કલેક્ટ કરી લેવામાં આવે છે હા, ઈમરજન્સી કોલની સગવડ હોય છે ખરી. આમ કરવાનું કારણ એટલું જ છે કે તમે ફોનમાં બિઝી રહો તેને બદલે ફેમિલી કે મિત્રો સાથે એન્જોય કરો. 

 • તમારા ઘરમાં પણ ચા-પાણી પીતી વખતે કે ભોજન સમયે મોબાઈલ સાથે રાખો જ નહીં. એટલે વારંવાર ચેક કરવાની ટેવ છૂટી જશે.

 • આપણે આખો દિવસ જ્યાં કામ કરીએ છીએ તે વર્ક-પ્લેસ પણ બહુ અગત્યનું સ્થાન ધરાવે છે. આવી જગ્યા પર મોબાઈલનો ક્યારેય ઉપયોગ ના કરવો જોઈએ. હવે તો મોબાઈલ-મૅનર્સ હેઠળ અમુક કંપનીઓ કે સંસ્થાઓમાં નિયમ હોય છે કે મોબાઈલ સાથે લઈને નહીં જવાનું. અથવા તો બહાર રિસેપ્શન-સેન્ટર પર જમા કરાવી દેવાનો. ઇમરજન્સી-કોલ  માટે અલગ વ્યવસ્થા હોય છે.

 • કામમાં ખૂબ જ વ્યસ્ત રહેતી એક વ્યક્તિ છે જેને આખો દિવસ બહાર રહેવાનું હોય છે. આખો દિવસ વ્યસ્ત હોય છે. તેમ છતાં પણ તે કહે છે કે હું મારા સ્માર્ટફોનને સાઇલન્ટ મોડ પર જ રાખું છું અને દિવસમાં બે-ત્રણ વાર ચેક કરી લઉં છું.

 • તો પછી જે આખો દિવસ ઘરે જ રહેતાં હોય તેવા સિનિયર સિટીઝન્સ કે ગૃહિણીઓ પોતાનો સમય કેવી રીતે પસાર કરશે? હા, તેઓ પોતાનાં સમયને અલગ- અલગ પ્રવૃત્તિઓમાં વહેંચી શકે છે. વાંચન, લેખન, ગાર્ડનિંગ, કુકિંગ, પેઇન્ટિંગ, ગાયન-વાદન જેવી અનેક પ્રવૃત્તિઓ છે કે જે તમને આનંદ આપી શકે છે.


 • મોબાઈલમાં ચેટિંગ-સર્ફિંગ માટેનો એક અલગ ટાઈમ નક્કી કરો. એ સમય દરમિયાન બીજુંં કશું જ નહીં કરવાનું. અને ટાઈમર ઓન રાખવાનું એટલે તમારો સમય પૂરો થઈ ગયો છે તેવી એલર્ટ તમને આપશે.
 • આજકાલ એવું કહેવાની ફેશન થઈ ગઈ છે કે મને સમય જ નથી મળતો પણ જરા ચેક કરી લેજો કે આખા દિવસમાં તમે મોબાઈલને કેટલો સમય આપો છો. આનાથી તમને ખ્યાલ આવશે કે તમે બીજી બધી બાબતોને છોડીને માત્ર ને માત્ર મોબાઇલમાં જ રસ ધરાવો છો. 

 • તમે કોઈ એક ચોક્કસ સમયે મોબાઈલ વાપરશો તો તમારી પાસે તમારા પરિવાર, મિત્રો, સગાંસંબંધીઓ માટે ટાઈમ જ ટાઈમ હશે. એ ઉપરાંત, તમે તમારા શોખ અને રસના વિષયો પ્રત્યે ધ્યાન આપી શકશો અને નવા શોખ કેળવી પણ શકશો.

મોબાઈલને બદલે પુસ્તકો વાંચવાનો શોખ કેળવો

 • સૂતી વખતે મોબાઈલને બીજા રૂમમાં જ રાખો. તમારાં બાળકોમાં પણ આ ટેવનું પાલન કરાવો. અને જુઓ કે બાળક કોઈ સરસ વાર્તા સાંભળતાં-સાંભળતાં કે વાંચતાં-વાંચતાં સૂવે. રાત્રે બેડરૂમમાં પણ મોબાઈલને બદલે પુસ્તકો રાખવાનાં કે ઓડિયો-સંગીત સાંભળવાનું અથવા તો આખા દિવસની વાતો કરતાં-કરતાં સૂઈ જવાનું. આજે તો પતિ-પત્ની પણ એક જ બેડરૂમમાં એક જ પલંગ પર અલગ-અલગ મોબાઈલ પર ચેટ કરીને સમય પસાર કરતા હોય છે! 

નો મોબાઈલ ચેલેન્જ આપો

 • એક દિવસ 'નો મોબાઈલની ચેલેન્જ'  તમને પોતાને અને બાળકોને આપો. આ દિવસે મોબાઈલ વાપરવાનો જ નહીં. આ પણ અઠવાડિયાનો એક ઉપવાસ જ ગણાશે. આવું કરી જોજો, હું તમને ખાતરી આપું છું કે તમારું મન એટલું બધું ક્રિએટીવ બની જશે કે તમને બીજું ઘણું સૂઝશે, આખો દિવસ મોબાઈલમાં જ રોકાઈને ડલ-શુષ્ક બની ગયેલું તમારું મન ખૂબ જ હળવાશ અને તાજગી અનુભવશે. તમને તમારા જૂના-નવા મિત્રોને મળવાનું મન થશે, નવું-નવું કાંઈક કરવાનું મન થશે, બહાર ફરવા જવાનું મન થશે. બસ, આ ચેલેન્જ માત્ર એક મહિનો પણ કરશો તો તમને પછી કામ વિના મોબાઈલને અડવાનું મન નહીં થાય. આ રીતે તમારા જીવનમાં મેનર્સ-શિસ્ત હશે તો તમને કોઈ વસ્તુ એની ગુલામ કે દુશ્મન નહીં બનાવી શકે. અને તમને તમારી જિંદગી સાથે પ્રેમ થઈ જશે. તણાવ, ચિંતા, હતાશા, અશાંતિ જેવા પ્રશ્નો નહીં સતાવે. આ પ્રયોગ કરવા જેવો છે. આનાથી તમને એક નવી ખુશનુમા જિંદગી ભેટમાં મળી જશે. 

મોબાઈલ મારો મિત્ર કે દુશ્મન?મોબાઈલની અસરો, મોબાઈલ મૅનર્સ
મોબાઈલની પોઝિટિવ અસરોઃ-પરિવાર સાથે સમય ગાળો