સુખ એટલે શું? સુખ ક્યાં છે ? ચાલને સુખને શોધીએ ।
સુખ એટલે શું?
સુખ એક પ્રકારનો અનુભવ છે. લાગણી છે, જે આપણાં તન અને મનને આનંદ આપે છે, આરામ, ચેન, શાંતિ, સંતોષ, તૃપ્તિ અને શાતા આપે છે.આપણને આનંદની લાગણીથી છલોછલ ભરી દે છે અને આપણામાં અનેરા ઉત્સાહનો સંચાર કરે છે. આ સમયે આપણે કોઈ પણ અઘરું કામ પણ શક્ય લાગતું હોય છે.
સુખ ક્યાં છે?
આ આનંદની લાગણી ક્યાં હોય છે, તે ક્યાંથી મેળવી શકાય? સુખને શોધવાની વાત છે.કોઈ વસ્તુ ખોવાઈ જાય ત્યારે તેને શોધવી પડે છે. તો આ સુખ ક્યાં ખોવાયું છે તે શોધવાની જરૂર ઊભી થાય છે. પણ એને શોધીશું ક્યાં? એ બહાર છે ખરું કે એને બહાર શોધીએ?
ના, એ બહાર નથી કે તેને શોધવાની જરૂર ઊભી થાય. આ સુખ તો આપણી અંદર જ રહેલું હોય છે. એને આપણી અંદર અનુભવવાનું હોય છે.એ એક અનુભૂતિ છે. આપણા મનની અંદર રહેલી એક લાગણી છે જેનું નામ સુખ છે.
અને બહાર જે સુખ છે તે ભૌતિક સુખ ગણાય છે. એને માટે આપણે એમ કહી શકીએ કે;
ભૌતિક સુખ=સફળતા
ભૌતિક સુખ=પૈસો
ભૌતિક સુખ=સત્તા
ભૌતિક સુખ=ભોગવિલાસ
ઘણીવાર એવું બનતું હોય છે કે આ બધું આપણી પાસે હોય છતાં પણ આપણે સુખી નથી હોતાં.એનું કારણ એ જ છે કે સુખ ભૌતિક વસ્તુઓમાં છે જ નહીં, સાચું સુખ એક અનુભવ છે એટલે જ એમ કહેવાય છે કે;
સાચું સુખ=શાંતિ
સાચું સુખ=આરામ-ચેન
સાચું સુખ=પરમ સંતોષ,સંતુષ્ટી, તૃપ્તિ.
સાચું સુખ=પરમ આનંદ
એટલે કે સુખ નામનો કોઈ પ્રદેશ નથી કે તેને શોધવાનો હોય છે.એ કોઈ વસ્તુ પણ નથી. બહાર પૈસો મળે, સત્તા મળે, મોજશોખ મળે પણ સુખ ના મળે કારણ કે એ ભૌતિક સુખ છે. એની પાછળ દોડવાથી થાકી જવાય પણ સુખ ના મળે. હરણ પોતાની તરસ છીપાવવા માટે મૃગજળની પાછળ દોડતું રહે છે પરંતુ એ તો ભ્રમણા છે એટલે તેની તરસ ક્યારેય છીપાતી નથી.
સાચું સુખ શોધીએ
- સુખ આપણી જોવાની દ્રષ્ટિ પર આધારિત છે. હું દુઃખી હોઉં તો પણ જો તેને દુઃખ માનવાને બદલે સુખ જ માનું તો મારી પાસે પૈસા, સત્તા, સાધનો ન હોય તો પણ હું સુખી રહી શકું.
- આપણી ઇચ્છાઓ, અપેક્ષાઓ,ઇર્ષા, લાલચ,લાલસાઓ આપણને વધુ દુઃખી બનાવે છે.
- અતિશય સુખમાં માણસે છકી જવું નહીં અને દુઃખમાં ભાંગી પડવું નહીં, એ માર્ગ છે સુખ મેળવવાનો.
સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં,
ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુ નાથના જડિયાં.
આ વિષયમાં તૈયાર કરેલો મારો વીડિયો જોવો હોય તો નીચેની લિન્ક પર ક્લિક કરોઃ-
બસ, આપણે એટલું જ કરીએ કે જ્યારે જ્યારે સુખની તલાશ હોય ત્યારે ત્યારે આપણી અંદર નજર કરીએ અને સુખને શોધી કાઢીએ. અસ્તુ.