ચાલતી પટ્ટી

" જિંદગીમાં જીતની સૌથી સારી તૈયારી એ છે કે આજે સારું કામ કરો.● ‘વિષાદ’ પણ એક યોગ છે. ● એક કામ શરુ કરી લીધા પછી અસફળતાનો ડર ના રાખો, ● અને કામને અધવચ્ચે છોડો પણ નહીં. ● સફળ લોકો કોઈ અલગ કામ નથી કરતા, ● બસ, તે કાંઈક અલગ રીતે કામ કરે છે... ● કોઈ પણ વ્યક્તિ તમને તમારી મરજી વિરુદ્ધ લઘુતાગ્રંથિનો અનુભવ ના કરાવી શકે."
લેબલ ડર. સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ડર. સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

30 મે 2021

ડર એટલે શું?ડરથી ડરશો નહીં, ડર દૂર કરવાનાં પાંચ સૂત્રો

 ડર એટલે શું? 

પ્રસ્તાવનાઃ-

આજે સમગ્ર વિશ્વમાં ચારેબાજુ ડરનો માહોલ છે. કોરોનાની મહામારીએ આજે સમગ્ર માનવજાતને માટે એક મોટું સંકટ ઊભું કર્યું છે. દરેકને ચિંતા છે કે અમારું અને અમારા પરિવારનું શું થશે?  સારવારના પૈસા ક્યાંથી લાવીશું? નોકરી-ધંધા જતા રહે તો પરિવારના સભ્યોનું ગુજરાન કઈ રીતે ચલાવીશું? આ ચિંતાની સાથે -સાથે મનમાં દહેશત રહે છે કે હવે શું થશે, અને તેની સાથે-સાથે મનમાં ડર ઘર કરી જાય છે .આ ડર એટલે શું તેને કઈ રીતે ઓળખીશું, અને ડરથી ડરશો નહીં, ડરની આગળ વિજય છે કહેવાની હિંમત કઈ રીતે કેળવીશું એ માટે ડર દૂર કરવાનાં પાંચ સૂત્રોની વાત આ લખાણમાં  કરવામાં આવી છે.અહીં શું વાંચશો?

 • ડર એટલે શું?
 • ડર કેમ લાગે છે?
 • ડરને દૂર કરવાનાં પાંચ સૂત્રો.
 • ખુદને ચેલેન્જ આપો.            
  

ડર એટલે શું?


ડર એટલે બીક, ભય, કશુંક થઈ જશે, કશુંક છિનવાઈ જશે તેની ચિંતા. ડર અને ચિંતા એ બંને એક સિક્કાની બે બાજુ સમાન છે. તમને કોઈ વાતની ચિંતા સતાવતી હશે તો તેની સાથે ડર લાગવાનો જ છે અને જો મનમાં ડર હશે તો ચિંતા પણ થવાની જ છે એ વાત તો નક્કી છે. ધારો કે, તમે પુષ્કળ ધન કમાઈ લીધું પણ તેની સલામતીની ચિંતા રહેતી હશે તો તેની પાછળ-પાછળ ડર પણ રહેલો જ હોય છે કે કોઈ મારું ધન લૂંટી લેશે તો... ચોરી કરી જશે તો... આ  ડર અને ચિંતામાં તમારું બધું જ સુખ અને શાંતિ છીનવાઈ જતાં હોય છે.
ડર કેમ લાગે છે?


જ્યારે અસલામતી લાગે છે ત્યારે ડર લાગે છે.

આ અસલામતી બે પ્રકારની હોય છેઃ-

1.  આપણે શારીરિક કે માનસિક રીતે સ્વસ્થ ના હોઈએ, ટેન્શન હોય, તણાવ હોય ત્યારે અસલામતી લાગતી હોય છે અને ડરનો અનુભવ થતો હોય છે.

2. એ રીતે, બાહ્ય રીતે કે બહારથી કોઈએ ધમકી આપી હોય અથવા તો ખોટું કામ કર્યું હોય કે પછી ચારેબાજુ બીમારીનો માહોલ હોય ત્યારે અસલામતી લાગે ને ડરનો અનુભવ થતો હોય છે. આ અસલામતીમાંથી કેવી રીતે બચવું તેની માહિતી કે બચાવનાં સાધનો તમારી પાસે નથી હોતાં અથવા તો તે ક્યાંથી મેળવવાં તેની તમને જાણ નથી હોતી. 

તમારી ચારેબાજુનો માહોલ તમને ડરાવતો હોય છે. 

સોશિયલ મીડિયા, ન્યૂઝ પેપર્સ, વિવિધ પ્રકારની ચેનલો અને વ્યક્તિગત માધ્યમો દ્વારા થતી કેટલીક ભ્રામક વાતો, ડરામણાં દ્રશ્યો, એકનાં એક ફોટોગ્રાફ કે લખાણોને વારંવાર હાઈલાઈટ કરવામાં આવે, આ બધું તમારા મનમાં વારંવાર અથડાયાં કરતું હોય છે, તે તમને ડરાવે છે, ચિંતા કરાવે છે અને આ બધી ઉત્તેજક વાતો અને દ્રશ્યો તેમજ નેગેટીવ વિચારો તમને વધુ ડરાવે છે. અને એને લીધે તમને ચિંતા થાય છે કે મારી કે મારા પરિવારના સભ્યોમાંથી કોઈને આવી બીમારી થઈ જાય અને હોસ્પિટલમાં લઈ જવા ઍમ્બુલન્સ ના મળેે, હોસ્પિટલમાં ઓક્સિજન સાથેના બેડ ના મળે અને ધારો કે મૃત્યુ થાય તો એનો અગ્નિસંસ્કાર કરવામાં પણ આટલી મુશ્કેલીનો સામનો કરવો પડે તો શું થશે? પણ ડરથી ડરશો નહીં.


ડર  દૂર  કરવાનાં  પાંચ  સૂત્રો


 1.  પોઝિટીવ વિચારો ને ડર ભાગી જશે.

                     એક પ્રેરણાત્મક પ્રસંગની વાત કરીએઃ-

            બહુ જૂના સમયની વાત છે. બે મિત્રો હતા. ગામમાંથી શહેરમાં ખરીદી કરવા આવ્યા હતા. ખરીદી કરવામાં સાંજ પડી ગઈ અને એમને તો ઘરે એ જ દિવસે પાછાં ફરવાનું હતું એટલે તેમણે ગામમાં જવાનો ટૂંકો રસ્તો લીધો કે જે  એક જંગલમાંથી પસાર થતો હતો . તેમને લાગ્યું કે રાત પહેલાં તો ઘેર પહોંચી જઈશું. પરંતુ અડધે પહોંચ્યાને અંધારું થવા માંડ્યું. તેમણે વિચાર કર્યો કે આગળ જવાને બદલે અહીં જંગલમાં જ રાત પસાર કરીએ અને સવારે નીકળી જઈશું. 

        
            રાતવાસો કરવા માટે બંનેએ એક ગુફા પસંદ કરી અને અંદર અંધકાર હતો એટલે ત્યાં એક તાપણું સળગાવ્યું. એક મિત્ર તો નિરાંતે સૂઈ ગયો પરંતુ બીજાને તો ઊંઘ જ નહોતી આવતી, ઘડીકમાં જાનવરોના અવાજ સંભળાય તો ક્યારેક અંધકારની બીક લાગે. એણે એના મિત્ર તરફ નજર કરી તો તે ઘસઘસાટ ઊંઘતો હતો. તેણે ફરી વાર સૂવાનો પ્રયત્ન કર્યો અને માંડ-માંડ આંખ મળી ત્યાં તો એક ભયંકર સપનું આવ્યું અને તેમાં તેણે એક વિકરાળ પ્રાણીને જોયું કે જે તેને મારવા માટે આગળ ધસતું હતું. 

            
            એણે મિત્રને ઊઠાડ્યો અને વાત કરી કે મને તો આવું પ્રાણી સપનામાં દેખાયું  અને તે મને મારવા આવતું હતું. પેલા મિત્રએ તેને સમજાવીને સૂવાડી દીધો. ફરી વાર પેલો સફાળો જાગી ગયો અને ખૂબ ડરી ગયો, ચીસાચીસ કરી મૂકી. તેની ચીસોથી પેલો બીજો મિત્ર જાગી ગયો, તેને શાંત પાડ્યો અને કહ્યું કે તું તારા મનમાં ને મનમાં એવું બોલ કે, 'આવું કોઈ પ્રાણી છે જ નહીં અને હું એકદમ સલામત છું સાથે- સાથે સૂવાનો પ્રયત્ન કર'. પેલા મિત્રએ એ વાક્યનું રટણ શરૂ કર્યું અને તે પછી તેને કોઈ જ પ્રકારનું સ્વપ્ન ના આવ્યું.

આ સ્ટોરી શું કહે છે?

તમે જેવું વિચારશો તેવું પામશો. 'જેવું અન્ન તેવો ઓડકાર'. માટે હંમેશા પોઝિટીવ વિચારો. તમારા મનમાં ડર હશે તો તમને ચારેબાજુ ડરનો માહોલ  જ દેખાશે. તમારા મનમાં ચિંતા હશે, પ્રશ્નો હશે, મૂંઝવણ હશે, અશાંતિ હશે તો તમારા વિચારો પણ તેવા જ હશે. અને આજુબાજુનો માહોલ પણ એવો જ જોવા મળશે. 
               આજે વિશ્વમાં ચારેબાજુ સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને ભારતમાં કોરોનાને કારણે ડરનો માહોલ પેદા થયો છે, તેમાં ડર અને ચિંતા બંને સમાયેલાં છે. સાપ નજર સામે જ હોય પણ જો આપણે પેનિક ના થઈએ, દોડાદોડ ના કરીએ અને એવું વિચારીએ કે એ મને કશું જ કરવાનો નથી પણ હમણાં જ ચાલ્યો જશે તો તે તરત જ ત્યાંથી ચાલ્યો જશે. તમારી અંદર ડર હશે તો તે જાણી જશે. આ રીતે ભલભલી બીમારી પણ પોઝિટીવ વિચારોથી દૂર થઈ જતી હોય છે. પોઝિટીવ વિચારોથી મનને ભરેલું રાખો તો તમારામાં હિંમત આવશે અને તેનાથી સામનો કરવાની તાકાત પણ આવશે. 


            તમારા વિચારોને વધુને વધુ પોઝિટીવ રાખવા માટે ખોટા ભ્રામક સમાચારો, તસવીરો, વાતો ને ડર ફેલાવતા મીડિયાથી દૂર રહો. માન્ય ચેનલો અને મીડિયા દ્વારા આપવામાં આવતા જરૂરી સમાચારો જુઓ અને સાંભળો અને તમારે જરૂરી માહિતી મેળવતા રહો. ડર દૂર કરવાનાં પાંચ સૂત્રોમાંનું આ એક સૂત્ર છે.        2.  સાચી અને પૂરેપૂરી જાણકારી મેળવો--


             એમ કહેવાય છે કે કોઈપણ બાબતની અધૂરી, અધકચરી કે ખોટી માહિતી ડર ને ચિંતાનો માહોલ પેદા કરતી હોય છે. એટલા માટે જો કોરોનાની વાત કરીએ તો તે બીમારી અંગેની સાચી, પૂરી ને વૈજ્ઞાનિક માહિતી મેળવો. એ કેવી  જાતની બીમારી છે, કેવી રીતે ફેલાય છે, તે શું નુકસાન કરી શકે છે, તેની સાચો ઇલાજ શું છે અને તે ક્યાં અને કેવી રીતે મેળવી શકાય તેની પૂરેપૂરી અને સાચી માહિતી સરકારી માહિતી કેન્દ્રો, સામાજિક આરોગ્ય કેન્દ્રો કે અન્ય સરકારી સંસ્થાઓ અને અન્ય સામાજિક પ્લેટફોર્મ દ્વ ારા ઉપલબ્ધ કરી શકાય છે. 


            એ પણ જાણી લેવું જોઈએ કે કેવા સંજોગોમાં હોસ્પિટલનો સંપર્ક કરવો જરૂરી હોય છે અને જો ઘરમાં જ રહેવાનું હોય તો કેવા નિયમોનું પાલન કરવાનું હોય છે, કેવા પ્રકારની ઘરગથ્થુ  દવાઓ લેવાની હોય છે . દરેક પેશન્ટને માટે  હોસ્પિટલમાં જવાનું  જરૂરી નથી હોતું એટલે ડરના માર્યા હોસ્પિટલ ભેગા થઈ જવાની જરૂર નથી હોતી. ડર દૂર કરવાનાં પાંચ સૂત્રોમાંનું આ બીજું સૂત્ર છે.        3.   સુરક્ષા માટેનાં ઉત્તમ પગલાં લોઃ-


            સુરક્ષા એ બચાવનો સૌથી મોટો ઉપાય હોય છે. એટલે સમાજમાં જ્યારે બીમારી ફેલાય ત્યારે તેનાથી બચવા માટે સુરક્ષાના કેવા ઉપાયો કરવા જરૂરી હોય છે તે જાણવું જોઈએ અને તેનું પૂરેપૂરું પાલન કરવું 
 જોઈએ. 
            કોરોના માટે તો ઘરમાં રહો અને સ્વસ્થ રહો, આમતેમ ભાગો નહીં, માસ્ક પહેરો અને સામાજિક અંતર જાળવો. સ્વચ્છતા જાળવો અને રોજેરોજ બહાર પડતી માહિતીઓનું ચુસ્તપણે પાલન કરો.તમારા પરિવારના દરેક સભ્યની સાથે આ માહિતીને શેર કરો અને દરેકની સુરક્ષાનું ધ્યાન રાખો. ડર દૂર કરવાનાં પાંચ સૂત્રોમાંનું આ ત્રીજું સૂત્ર છે.           4.  તમારા દૈનિક જીવનને નિયમિત રાખોઃ-


            યોગ્ય, પૌષ્ટિક ખોરાક, નિયમિત કસરત-યોગ-મેડિટેશન, ઘરમાં બેસીને પણ પ્રવૃત્તિમય જીવન, જેવી બાબતો બીમારીના ખોટા વિચારો અને તેમાંથી ઊભા થતાં ડર અને ચિંતાને દૂર રાખે છે. તમને ગમતી પ્રવૃત્તિમાં પરોવાયેલા રહો અને ખુશ રહો. એકની એક પ્રવૃત્તિ ના કરો પરંતુ તેમાં ફેરફાર કરતા રહો. ઉપરાંત કોઈક નવી ભાષા શીખવી, સંગીત શીખવું, નવી વાનગી બનાવતા શીખવું, માનસિક ધ્યાન વધે અને શક્તિ વધે તેવી રમતો શીખવી અને રમવી. ઘરમાં પરિવાર સાથે સમય વીતાવો અને કોઈપણ રીતે આનંદમાં રહેવાનો પ્રયત્ન કરતા રહો.ડર દૂર કરવાનાં પાંચ સૂત્રોમાંનું આ ચોથું સૂત્ર છે.             5.    સેવાકાર્યમાં જોડાઈ જાઓઃ-


            મહામારીના આ સમયમાં એ વાત નક્કી રાખો કે આપત્તિના આ સમયમાં સમગ્ર  વિશ્વના લોકો એકસાથે, એકબીજાની સાથે ઊભા રહીને એકબીજાની મદદ કરી રહ્યાં છે. ડૉક્ટર્સ, નર્સો, સામાજિક સંસ્થાઓ,  વ્યક્તિગત મંડળો, પત્રકારો, સહુ કોઈ પોતપોતાની રીતે બહુ સરસ સેવા કરી રહ્યાં છે એ જુઓ અને મનમાંથી ખોટા નકારાત્મક વિચારો, ડર, ચિંતા, ભયની લાગણીને દૂર કરો. 'તમે જેવું વિચારશો તેવું પામશો', યાદ રાખો આ સૂત્રને અને આપણી આજુબાજુ લોકો પોતાને સાચવીને એકબીજાની કેટલી બધી મદદ કરી રહ્યાં છે તેને જાણવા પ્રયત્ન કરો અને તેમાંથી હિંમત મેળવો. 


            કોરોનાના પેશન્ટો અને તેમનાં સગાંવહાલાંની મદદ કરો . સખત   ઉનાળામાં પાણી અને ભોજન માટે મુશ્કેલીઓનો સામનો કરતા લોકોને યોગ્ય રીતે મદદ કરો. જેમને ખબર  નથી હોતી કે મુશ્કેલીના સમયમાં શું કરવું, વાહન ક્યાંથી મેળવવું, હોસ્પિટલ કેવી રીતે પહોંચવું , કોની મદદ  લેવી, ક્યાંથી દવા લેવી વગેરે બાબતોની જાણકારી આપીને તેમની મદદ કરો. ડર દૂર કરવાનું આ પાંચમું સૂત્ર છે.


અવિરત ચાલતા રહેલા કેટલાક સેવા-યજ્ઞ            લોકોએ કોરોનાકાળમાં જુદી જુદી રીતે કાર્યો કરીને સેવા-યજ્ઞને અવિરતપણે ચાલુ રાખ્યો છે જેથી પોઝિટીવ માહોલ રહે.  આવી સેવાનાં કેટલાંક ઉદાહરણ જોઈએ--

 • ગુજરાતના રાજકોટ શહેરમાં એક મહિલા સાઈકોલોજિસ્ટ નિલધારા રાઠોડે એક કોવિદ-કેર સેન્ટરમાં પુસ્તકોની એક લાયબ્રેરી શરૂ કરી દીધી જેથી પેશન્ટો ચિંતા ને ડરમાં સમય પસાર કરવાને બદલે પોતાને ગમતા વિષયોમાં પુસ્તકો વાંચે અને પોઝિટીવ રહે. તે પછી તો આ પુસ્તકાલયમાં ઘણાં લોકોએ પુસ્તકોનું દાન કર્યું  હતું. 
 • ગુજરાતના અમદાવાદ શહેરના કેટલાક યુવાનો જેમાં રોહન જરદોશ, ધ્રુવ પંડ્યા, સ્વાતિ ગોસ્વામી, હર્ષલ શાહ, અભિજિત ગોસ્વામી , આલાપ શાહ જેવા યુવાનોનો સમાવેશ થાય છે તેમણે સમગ્ર દેશમાં લોકડાઉન થયું તે દરમિયાન દોઢ લાખથી પણ વધારે માઈગ્રન્ટ-વર્કર્સને ભોજનનાં તૈયાર પેકેટ પહોંચાડ્યાં. ઉપરાંત, જે લોકોને દવા, ડોક્ટર્સ, ઓક્સિજનની જરૂર હોય છે તેને તે સેવા પહોંચાડી રહ્યા છે. આ બધું તેઓ નિઃશુલ્ક કરે છે.
 • કોરોના થયો હોય તેવા પરિવારોમાં જોઈતી ખાદ્ય-સામગ્રી, શાકભાજી અને દવા તેમજ અન્ય  જરૂરિયાતની વસ્તુઓ ઓનલાઈન પહોંચાડનાર સોફ્ટવેર એન્જિનિયર્સનું એક ગ્રુપ નિઃશુલ્ક સેવાઓ આપી રહ્યું છે.
 • ગુજરાતના અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલની બહાર સખત તડકામાં પોતાનાં સગાંવહાલાં કે જેમને કોરોના થયો હોય તેમને માટે લાઈનમાં ઊભા રહેતા લોકોને પાણીની બોટલ અને નાસ્તો પહોંચાડનાર યુવકોનું એક ગ્રુપ છે કે જે સતત આ લોકો માટે કામ કરી રહ્યું છે. 
 • રસીકરણમાં પણ યુવાનોએ હોંશભેર ભાગ લીધો અને પોતાની આજુબાજુ રહેતા લોકોને પણ પ્રેરિત કરે છે અને કહે છે કે રસી લેવી અને તે માટે અન્યને પ્રેરિત કરવા તે કાર્ય દેશસેવાનું કાર્ય છે જે એક સૈનિક જેવું છે.
 • ગુજરાતના ખંભાત શહેરની એક શાળાએ પોતાનાં બાળકોનું શિક્ષણ બગડે નહીં એટલે માટે બધા શિક્ષકોએ સાથે મળીને બાળકોની ફી ભરી દીધી અને મોટી સંખ્યામાં શૈક્ષણિક વીડિયો બનાવીને દૂરનાં અંતરિયાળ ગામોનાં બાળકો સુધી મોકલવામાં આવે છે કે જેથી તેમનું શિક્ષણ બગડે નહીં. તે ઉપરાંત તેમનાં પરિવારને માટે અનાજની કીટનું પણ વિતરણ કરવામાં આવે છે.
 • સ્કૂલો સમગ્ર રીતે બંધ છે તેમ છતાં છત્તીસગઢની આજુબાજુનાં 58 જેટલાં ગામોમાં એક સામાજિક સંસ્થા દ્વારા રોજ ક્લાસ લેવાય છે. જે ગામમાં ક્લાસ હોય છે ત્યાંની શિક્ષિત બહેનો ત્યાંનાં બાળકોને ભણાવે છે જેથી તેને પણ રોજગારી મળી રહે છે. આ મોબાઈલ-સ્કૂલ છે કે જે દરેક ગામમાં દરરોજ 3 કલાક ભણાવે છે, આવાં 58 ગામોનાં 58 સેન્ટર છે અને તેમાં આ કોરોનાકાળ દરમિયાન 5000 જેટલાં બાળકોને શિક્ષણ મળ્યું છે.( ઉપરનાં તમામ ઉદાહરણો માટે સૌજન્ય- દિવ્ય ભાસ્કર દૈનિકનું છે).
    
           
         ખુદને ચેલેન્જ આપો કે...

 • આ ડરવાનો સમય નથી, હું ક્યારેય નહીં ડરું.
 • આ સમય છે સાવચેતીનો હું પૂરેપૂરી સાવચેતી રાખીશ.
 • આ સમય છે ધીરજ ને હિંમત રાખવાનો, હું ધીરજ ને હિંમત રાખીશ. એટલે ડર ભાગી જશે.
 • આ સમય છે ભ્રામક, નેગેટીવ વાતો ને સમાચારોથી દૂર રહેવાનો ને પોઝિટીવ રહેવાનો. હું તેમજ કરીશ.
 • આ સમય છે ચિંતા છોડી ચિંતન કરવાનો, પ્રભુમાં શ્રદ્ધા રાખવાનો અને એકબીજાને હિંમત આપી ટકી રહેવાનો. 
 • અને ખુદને વિશ્વાસ આપો કે આ સમય પણ ચાલ્યો જશે.      
                                                                                    *