ચાલતી પટ્ટી

" જિંદગીમાં જીતની સૌથી સારી તૈયારી એ છે કે આજે સારું કામ કરો.● ‘વિષાદ’ પણ એક યોગ છે. ● એક કામ શરુ કરી લીધા પછી અસફળતાનો ડર ના રાખો, ● અને કામને અધવચ્ચે છોડો પણ નહીં. ● સફળ લોકો કોઈ અલગ કામ નથી કરતા, ● બસ, તે કાંઈક અલગ રીતે કામ કરે છે... ● કોઈ પણ વ્યક્તિ તમને તમારી મરજી વિરુદ્ધ લઘુતાગ્રંથિનો અનુભવ ના કરાવી શકે."
લેબલ આત્મહત્યાને હરાવો સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ આત્મહત્યાને હરાવો સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

15 ફેબ્રુઆરી 2021

આત્મહત્યા શા માટે? જાન હૈ તો જહાન હૈ.

 આત્મહત્યા શા માટે?

જાન હૈ તો જહાન હૈ 

આત્મહત્યા... શા માટે?
જીવશો તો પામશો...


     અનેક પ્રશ્નો વચ્ચે જીવતો માણસ
આ તો ભાઈ જીવન છે જેનાં અનેક રંગો છે.
અને એમાં પણ આજની ફાસ્ટ લાઈફનાં
કેટલાં બધાં ટેન્શન હોય છે ! કોઈને કેરિયરનું,
તો કોઈને સ્ટેટ્સનું, તો કોઈને વર્કપ્લેસનું, જોબનું.
દરેક જગ્યાએ ગળાકાપ હરીફાઈ છે.
ઘરના પ્રશ્નો, પરિવારના પ્રશ્નો, સંબંધોના પ્રશ્નો,
બાળકોના પ્રશ્નો, રોજનું પેટ ભરવાની દોડધામ,
અસહ્ય ગરીબી, અસહ્ય મોંઘવારી, જાતજાતની જવાબદારીઓ,
ચિંતાઓ, મુશ્કેલીઓ, એકલતા, અસાધ્ય બીમારીઓ !!!

 

        પ્રશ્નોથી થાકી જાય છે ત્યારે...

નિરાશા, અશાંતિ, અનેક મૂંઝવણો તેને ઘેરી વળે છે અને તે સતત ટેન્શન અનુભવે છે, શું કરવું તે તેને ખબર પડતી નથી, અને તે જિંદગીને નફરત કરતો થઈ જાય છે, તેને જિંદગી જીવવા જેવી
નથી લાગતી, દુઃખોથી ભરેલી લાગે છે,
તેને એવું લાગે છે કે કોઈને મારી પરવા નથી, કોઈ મારું નથી,
હું સાવ એકલો પડી ગયો છું, અને ત્યારે તે. . .ભાંગી પડે છે.
આ બધામાંથી છૂટવાનો એક જ માર્ગ દેખાય છે અને તે છે,
આત્મહત્યા. . .અને તે આત્મહત્યા તરફ દોરાઈ જાય છે.

બસ, આ એક પળ એવી હોય છે કે જો તેને કોઈનો
સાથ મળી જાય તો તેની અમૂલ્ય જિંદગી બચી જાય. અંજુબેન શેઠ 
કહે છે તેમ;
"આત્મહત્યાનો પ્રયાસ મૃત્યુ માટેની ઇચ્છા નથી
પરંતુ મદદ માટેની ઝંખના છે."

કોણ છે આ અંજુબેન શેઠ? 
આવો, એમની સાથેની વાતચીતના અંશો દ્વારા તેમને જાણીએઃ
આત્મહત્યા શા માટે? જાન હૈ તો જહાન હૈ.
એવોર્ડ સ્વીકારતાં શ્રીમતી અંજુબેન શેઠ.
સ્ટૂડન્ટ લાઈફ-એલ.ડી.એન્જિનિયરીંગ કોલેજ. 

      

પ્રેરણાત્મક સ્ટોરીઃ અંજુબેનનું ઉદાહરણ પણ આપણા માટે પ્રેરણારૂપ છે અને અનેકોને માટે પ્રેરણારૂપ બન્યું છે. 
અંજુબેન કહે છે," આમ તો મારા જીવનમાં કાંઈ જ ખૂટતું નહોતું. મારા જીવનની શરૂઆત પણ સામાન્ય જ રહી. એક પરિવારમાં બનતું હોય છે તેમ જ મારી સાથે પણ બન્યું. મેં કોલેજનું  શિક્ષણ પૂરું કર્યું અને સાઇકલોજીના વિષય સાથે અભ્યાસ પૂરો કર્યો. આમ તો મારો રસનો વિષય ફાઈન આર્ટસ્, પરંતુ પરિવારનું એવું વલણ ખરું કે પહેલાં એક ડિગ્રી લઈ લો  પછી પરણીને તમારે ઘરે જાઓ તે પછી જે કરવું હોય તે કરજો. એટલે અભ્યાસ દરમિયાન જેની સાથે મન મળી ગયું તેવા એક મિત્ર સાથે લગ્ન કર્યાં. સુખી પરિવાર, બે સંતાનો થયાં, કોઈ વાતની કમી નહોતી, પરંતુ વર્ષો પછી બાળકો જ્યારે મોટાં થઈને પોતપોતાનાંમાં વ્યસ્ત થઈ ગયાં  ત્યારે મારી સામે શૂન્યાવકાશ સર્જાયો. 
પ્રશ્ન થયો કે હવે શું કરવું?
આ સમય હતો 1975-76નો. 

વસ્ત્રોની બનાવટ અને સજાવટનું કામ શરૂ થયુંઃ-

અહીં ફાઈન-આર્ટ્સનો મારો શોખ કામમાં લાગ્યો અને આમ શરૂ થયું વ્યક્તિની બાહ્ય સજાવટનું કાર્ય. એ જમાનામાં કોઈ આવું કાર્ય કોઈ કરતું નહોતું એટલે જોતજોતામાં મારી હોબીએ એક બિઝનેસનું સ્વરૂપ ધારણ કરી લીધું અને એક બ્યૂટિકની શરૂઆત પણ થઈ ગઈ. . .  . . . 
 
" આ બધું સરસ ચાલતું હતું પણ કુદરત મારી પાસે કાંઈક જુદું 
કરાવવા માગતી હતી...

"હવે વાત આવે છે 1990ના સમયગાળાની કે જ્યારે અચાનક, 
એક દિવસ, મારા બહુ જ નજીકના આત્મીયજન અને બહુ જ સજ્જન એવા મિત્રએ યુવાન વયે આત્મહત્યા કરી લીધી. હું અંદરથી હચમચી ગઈ,
મનમાં ગડમથલ શરૂ થઈ કે આવું કેમ થાય? શું આવુું પગલું લેતાં પહેલાં વ્યક્તિને બચાવી ના શકાય???. . .
હજુ તો આ વિચારો શાંત જ નહોતા થયા ત્યાં એવું બન્યું કે કોઈ કારણોસર મારે મારા બ્યૂટિકની જગ્યા બદલવી પડી અને એક નવા  વિસ્તારમાં કામ શરૂ થયું. અહીં આવતી બહેનોમાંની એક બહેન સાથેની
વાતચીતમાં જાણવા મળ્યું કે તેના પતિને માનસિક બીમારી હતી 
અને વળી તેણે જણાવ્યું કે અમારી આજુબાજુના વિસ્તારમાં તો ઘણાં
લોકોને આવી બીમારી છે, મિત્રવર્તુળમાં અને ખુદ પોતાને પણ.
પરંતુ કોઈ આ વાતને જાહેર નથી કરતું કે નથી સારવાર કરાવતું.

બસ, આ એક પળ એવી હતી કે મને લાગ્યું કે આટલા લોકો હેરાન
થાય પણ દવા ના કરાવે? આ દિશામાં શું કરી શકાય? 

મેં મારા એક ડૉક્ટરમિત્રની સલાહ લીધી. એ દરમિયાન એક મેગેઝિનમાં ચેન્નાઈમાં ચાલતા એક માનસિક સારવાર માટેનાએક કેન્દ્રની વિગતો વાંચવામાં આવી. બસ, અહીંથી મારા કામને ડાયવર્ઝન મળ્યું અને મેં નક્કી કરી લીધું કે હું માત્ર ને માત્ર આ દિશામાં જ કામ કરીશ. એટલે ચેન્નાઈ રૂબરૂમાં જઈને સેન્ટર વિશેની વિગતો મેળવી અને અમદાવાદ પાછી ફરું તે પહેલાં તો મેં અને મારા પરિવારે અમદાવાદમાં જ આવું એક સેન્ટર સ્થાપવાનું નક્કી કરી લીધું અને તેનું નામ, ટ્રસ્ટીઓનાં નામ અને અન્ય વિગતો પણ નક્કી થઈ ગઈ...
 
"આમાં એવું બન્યું કે એક બાજુ પ્રેરણા મળતી ગઈ અને બીજી બાજુ
કામ થતું ગયું. કોઈ લાંબો વિચાર કર્યો નહોતો". આ રીતે, 27નવેમ્બર-1998માં અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં
શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ અને અરવિંદભાઈ લાલભાઈના હસ્તે 'સાથ' નામના આત્મહત્યા નિવારણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી.

'સાથ' એ એક સ્વૈચ્છિક સંસ્થા છે જે બિનસાંપ્રદાયિક અને બિનરાજકીય સંસ્થા છે જે નિઃશુલ્ક, વિશ્વસનીય, માનસિક હૂંફ આપે છે. આ સંસ્થા બીફ્રેન્ડર્સ વર્લ્ડવાઈડની સભ્ય-સંસ્થા છે, જેના ભારતમાં સોળ કેન્દ્રો
છે અને સમગ્ર વિશ્વના 38 દેશોમાં 401 જેટલા સભ્ય-કેન્દ્રો ધરાવે છે, જે સમગ્ર વિશ્વમાં તેના 31,000 જેટલાં ટ્રેઈન્ડ વોલેન્ટિયર્સ ધરાવે છે.

પ્રાથમિક લક્ષ્યઃ- 'ક્રાય ફૉર હેલ્પ' ને  સમજવી.

'સાથ'નું પ્રાથમિક લક્ષ્ય છે આત્મહત્યા નિવારણ. જે વ્યક્તિ જીવન-મરણ વચ્ચે અટવાયેલી છે, જે ડિપ્રેશનમાં છે અને જેને જીવન અકારું લાગે છે, આત્મહત્યાના પ્રયાસ કરે છે તેની મદદ માટેની ઝંખનાને ઓળખવી,સમજવી, સાંભળવી. તેની ભાવનાને સમજીને ટેકો આપવો, અને તેનો બિનશરતી સ્વીકાર કરવો જેથી વ્યક્તિ તેની પીડામાંથી મુક્તિ મેળવીને જીવનની મુખ્યધારામાં પાછી આવી શકે."

'આ સમગ્ર કામ કેવી રીતે થાય છે?' તેવા એક પ્રશ્નના જવાબમાં અંજુબેને જણાવ્યું કે આ સમગ્ર કેન્દ્ર અમારા ટ્રેઈન્ડ વોલેન્ટિયર્સ દ્વારા ચાલે છે. ખૂબ કાળજીપૂર્વક તેમની પસંદગી કરી તેમને 3 દિવસની તાલીમ આપવામાં આવે છે જેથી મુશ્કેલીના સમયમાં પીડા અનુભવતી વ્યક્તિની સાંવેદનિક જરૂરિયાતને કેવી રીતે હેન્ડલ કરવી તે બાબતને જાણે છે. તેઓ સમર્પિત, સારા શ્રોતા, પોતાના નિર્ણયો નહીં ઠોકનારા, ઉષ્માભર્યાં અને સહાનુભૂતિવાળા બને છે.

આત્મહત્યા શા માટે? જાન હૈ તો જહાન હૈ.
'સાથ'ના સ્વયંસેવકો મોબાઈલ-વાન
લઈને ફીલ્ડમાં સેવા આપે છે.

અત્યારસુધીના લગભગ 22-23 વર્ષના ગાળા દરમિયાન દસ હજાર જેટલી હતાશ વ્યક્તિઓએ અમારો સંપર્ક કર્યો છે. દર વર્ષે, ભારતમાં લગભગ 1,12,320 જેટલી વ્યક્તિઓ આત્મહત્યા કરી લે છે.

મદદ માટે કેવી વ્યક્તિઓ આવતી હોય છે?
આના અનુસંધાનમાં અંજુબેનનું કહેવું છે કે કોઈપણ હતાશ કે નિરાશ સ્ત્રી કે પુરુષ, બાળક, યુવાન કે વૃદ્ધ, ગૃહિણી કે ધંધાદારી, વિદ્યાર્થી કે વ્યવસાયી વ્યક્તિને કોઈપણ જાતના ભેદભાવ વગર સેવા આપીએ છીએ....ફોન દ્વારા કે રૂબરૂમાં મળીને અથવા પત્રો કે ઇ-મેલ દ્વારા વ્યક્તિ અમારી પાસે મદદ માગી શકે છે.
સમગ્ર વિશ્વમાં માનવીય સંવેદના એકસમાન હોય છે, પીડા અને સંવેદનાઓ એકસમાન હોય છે પરંતુ પરિસ્થિતિઓ અલગ-અલગ હોય છે. ચિંતા, પીડા, એન્ઝાઈટી, એકલતા અને આત્મહત્યાને કોઈ ભૌગોલિક મર્યાદાઓ નથી હોતી.

આત્મહત્યા કરનાર વ્યક્તિને જરૂર હોય છે કે કોઈ તેમને સાંભળે અને તેને સમય આપે અને સલાહ કે વિક્ષેપ વિના તેની તરફ ધ્યાન આપે. તેમને એવી વ્યક્તિની જરૂર હોય છે કે જે વિશ્વાસુ હોય અને તેમને પૂરી માન-મર્યાદા-સન્માન આપે અને વિશ્વાસ જાળવે.એવી વ્યક્તિ કે જે તેમની સંભાળ રાખે, એવી વ્યક્તિ કે જે તેમને ફીલ કરાવે કે 'હું એકલી નથી'.
 

અંજુબેનનું કહેવું છે કે અમારી પાસે જે કેસ આવે છે તે મોટાભાગે જિંદગીથી હતાશ થઈ ગયેલા લોકો હોય છે કે જેના આર્થિક-સામાજિક પ્રશ્નો હોય છે પરંતુ સતત ડિપ્રેશનને કારણે થતી માનસિક બીમારીને માટે અમે માનસિક રોગોના નિષ્ણાત ડૉક્ટર પાસે જવાની સલાહ આપીએ છીએ, જેમાં નિયમિત રીતે દવા લેવાથી બીમારી કાબૂમાં
આવી જતી હોય છે, પણ લોકો કોઈપણ જાતની શરમ રાખ્યા વિના ડૉક્ટર પાસે જાય અને સારવાર પૂરી કરાવે તે જરૂરી હોય છે.

બહારનાં ક્ષેત્રો જેવાં કે, શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ સાથે, હોસ્પિટલોમાં બીમાર દરદીઓ સાથે, વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધજનો સાથે, આર્મીમાં વ્યક્તિગત રીતે પણ 'સાથ' હેલ્પ માટે પહોંચી જાય છે.

આત્મહત્યા શા માટે? જાન હૈ તો જહાન હૈ.
 લાઈફ-ટાઈમ  અચિવમેન્ટ
એવોર્ડથી શ્રી.અંજુબેન સન્માનિત થયાં.


 વિશ્વ આરોગ્ય સંસ્થાના એક રિપોર્ટ મુજબ વિશ્વમાં દર વર્ષે દસ 
લાખથી વધુ લોકો આત્મહત્યા કરે છે. ભારતમાં દર વર્ષે 1,12,320 જેટલી વ્યક્તિઓ આત્મહત્યા કરી લે છે. દર 40 સેકંડે એક મૃત્યુ આત્મહત્યાને કારણે થાય છે જેમાં નેવું ટકા કેસોમાં માનસિક બીમારીને કારણે થાય છે. 15 થી 29 વર્ષના યુવાનો વધુ આત્મહત્યા કરે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્ષ-2003થી દર વર્ષે 10સપ્ટેમ્બરના દિવસને આપઘાત નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

અંજુબેનનું માનવું છે કે આત્મહત્યાની બાબતમાં લોકોમાં કેટલીક ગેરસમજો હોય છે તે દૂર થવી જોઈએ જેવી કેઃ-
 • જે વારંવાર મરવાની વાત કરે તે ક્યારેય આત્મહત્યા ના કરે.
 • આત્મહત્યા કરનારને તો મરવું જ હોય છે.
 • વ્યક્તિ સંકેત આપ્યા વિના આત્મહત્યા કરી લે છે.
 • એક વાર તેનો પ્રયાસ કરનાર વ્યક્તિ ફરીવાર તેમ જ કરે છે.
 • શ્રીમંતો કરતાં ગરીબો ને પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ આત્મહત્યા કરે છે
 • માનસિક રોગની દવાઓની આડઅસર બહુ થાય છે.
 • આત્મહત્યા સામાજિક કે આર્થિક કારણોસર થતી હોય છે. 
ના, એમ નથી.ખરેખર તો માનસિક બીમારીઓ વધી રહી છે કારણ કે  હતાશા, ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના એક રિપોર્ટ મુજબ, 2030માં ડિપ્રેશનને કારણે સૌથી વધુ લોકો આત્મહત્યા તરફ ધકેલાશે. 

આત્મહત્યાથી બચવું હોય તો ડિપ્રેશનથી બચો અને તે માટે અંજુબેને પોતાના લાંબા સમયના અનુભવો પરથી સમસ્ત માનવજાત માટે 10 આજ્ઞાઓ બતાવી છે જેને અનુસરવાથી અનેક લાભ થઈ શકે છે
ડિપ્રેશનથી બચવાની 10 આજ્ઞાઓઃ-
 1. પોઝિટિવ એપ્રોચ રાખો.
 2. લાગણીઓને કાબૂમાં રાખો.
 3. વધુ પડતી આશા, અપેક્ષાઓનો ત્યાગ કરો અને અનુકૂલન સાધો.
 4. સહનશીલ બનો પણ જડ નહીં.
 5. સંતોષી બનો ને આત્મનિરીક્ષણ કરતાં શીખો.
 6. વર્તમાનમાં જીવતાં શીખો.
 7. જીવનમાં રસ ટકાવી રાખવા હંમેશાં એક્ટિવ રહો.
 8. સારી ટેવો કેળવો.
 9. સારા શ્રોતા બનો.
 10. આત્મવિશ્વાસ અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખો.
અને, 'સાથ' કેન્દ્રના સ્થાપક અને ડાયરેક્ટર શ્રીમતી અંજુબેન 
શેઠનો એક સંદેશ સૌને માટે...
"મારી સૌને અપીલ છે કે દરેક વ્યક્તિ એક સારો શ્રોતા બને. વ્યક્તિને સમજવા પ્રયત્ન કરો અને તે પછી તેનો બિનશરતી સ્વીકાર કરો તો દુનિયા આખી બદલાઈ જશે. એક આમ વ્યક્તિ તરીકે પણ તમે આ 
કાર્ય સારી રીતે કરી શકો છો".

નિરાશાના કે આત્મહત્યાના વિચાર આવે છે?
સામાજિક સંસ્થાઓ અને કેન્દ્રોનો સંપર્ક કરો-ઃ

આજે વિશ્વમાં ચારેબાજુ ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ઘણી સામાજિક સંસ્થાઓ અને કેન્દ્રો આ અંગે લોકોને જાગૃત કરવા માટે પ્રયત્નશીલ છે જેમાં આત્મહત્યા નિવારણ માટેની એક વૈશ્વિક હોટલાઈન છે જેની દરેક દેશમાં શાખાઓ હોય છે અને કોઈપણ વ્યક્તિને તેની સેવાનો લાભ મળી શકે છે. જેમાં પુરુષો, સ્ત્રીઓ, યુવાનો, બાળકો માટે
અલગ-અલગ લાઈન હોય છે તેણે Help-App પણ શરૂ કર્યાં છે જે મોબાઈલ કે પીસી પર ચાલે છે.તે જરૂરિયાતમંદ વ્યક્તિને તેની નજીકના હેલ્પસેન્ટરની માહિતી આપે છે. આમાં બધી જ માહિતી ગુપ્ત રાખવામાં આવતી હોય છે.


આંતરરાષ્ટ્રિય સ્તરે કામ કરતું ફેસબુકનું આંતરરાષ્ટ્રીય હેલ્પ સેન્ટર 
પણ છે. ગુજરાતમાં પણ તેનું એક સેન્ટર છે.

ભારતમાં બીજી એક હેલ્પલાઈન છે-
AASRA

સાથ
saath12@yahoo.com  
-ફોન-079-26305544,  079-26300222

અમદાવાદ પોલીસની  હેલ્પલાઈન છે--
1096-'જિંદગી'(જે લવિંગ ફાઉન્ડેશન સાથે જોડાયેલી છે).
આ હેલ્પલાઈને 3 વર્ષમાં લગભગ 800 લોકોને આત્મહત્યાથી બચાવ્યા છે.
તેમના ફાઉન્ડર ડૉ. રોનક ગાંધીનું કહેવું છે કે દેશમાં આત્મહત્યા કરનારા લોકોમાં 80ટકા લોકો શિક્ષિત હોય છે જ્યારે સ્ત્રીઓમાં ગૃહિણીઓનું
પ્રમાણ વધારે હોય છે.
અને 'સાથ' સંસ્થાની હેલ્પલાઈન છે 'જીવનઆસ્થા'(ગાંધીનગર).
'સહેજ ઓછો નિરાશ, સહેજ વધુ સંતોષી
સહેજ ઓછો હતાશ, સહેજ વધુ આનંદિત
સહેજ ઓછો નાદાન, સહેજ વધુ સમજુ
એવા એક સમાજના સ્વપ્નને સાકાર કરવાના
અમારા પ્રયત્નોમાં આપના સહકારની અપેક્ષા છે' 
                                                           -'સાથ'