ચાલતી પટ્ટી

" જિંદગીમાં જીતની સૌથી સારી તૈયારી એ છે કે આજે સારું કામ કરો.● ‘વિષાદ’ પણ એક યોગ છે. ● એક કામ શરુ કરી લીધા પછી અસફળતાનો ડર ના રાખો, ● અને કામને અધવચ્ચે છોડો પણ નહીં. ● સફળ લોકો કોઈ અલગ કામ નથી કરતા, ● બસ, તે કાંઈક અલગ રીતે કામ કરે છે... ● કોઈ પણ વ્યક્તિ તમને તમારી મરજી વિરુદ્ધ લઘુતાગ્રંથિનો અનુભવ ના કરાવી શકે."

15 ઑગસ્ટ 2022

સેલ્ફ મોટિવેશન અને પોઝિટિવ એટિટ્યૂડ

 સેલ્ફ મોટિવેશન અને પોઝિટિવ એટિટ્યૂડ । સેલ્ફ- મોટિવેશન એટલે શું? વ્યાખ્યા, ઉદાહરણો અને ટિપ્સ ।

લેખના મુખ્ય મુદ્દાઃ

 • પ્રસ્તાવના
 • સેલ્ફ મોટિવેશન એટલે શું?
 • સેલ્ફ મોટિવેશનના પ્રકારો
 • સિદ્ધિ-પ્રેરણાઃ એક મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ-પ્રો.અશ્વિનભાઈ જન્સારી
 • હંમેશાં મોટિવેટેડ રહેવા માટે શું કરવું જોઈએ?
 • ઉપસંહાર

પ્રસ્તાવનાઃ

જ્યારે જીવનમાં ચારેબાજુની નિષ્ફળતાઓથી હારી જવાય, નિરાશા ઘેરી વળે, જીવનમાં અંધકાર છવાઈ જાય ત્યારે જે આંતરિક પ્રકાશ તમને શક્તિ આપે, જુસ્સો આપે અને તમને તમારા જીવનનાં લક્ષ્ય સુધી પહોંચવાની હિંમત આપે  એનું નામ છે સેલ્ફ મોટિવેશન એટલે કે સ્વ-પ્રેરણા. આજના આ લેખમાં આપણે આ આત્મબળ સેલ્ફ મોટિવેશન વિશે જાણીશું કે જેનું જીવનમાં આચરણ કરીને જીવનને વધુ પોઝિટિવ બનાવવાનું છે, વધુ અર્થપૂર્ણ બનાવવાનું છે.

સેલ્ફ મોટિવેશન અને પોઝિટિવ એટિટ્યૂડ

સેલ્ફ મોટિવેશન અને પોઝિટિવ એટિટ્યૂડ


સેલ્ફ મોટિવેશન એટલે શું?

    મારી જીવનરૂપી ગાડીનો હું જ ડ્રાઈવર.મારા જીવનની સમગ્ર ડિઝાઈન તૈયાર કરનાર ડિઝાઈનર પણ હું. મારા સમગ્ર જીવનનો કન્ટ્રોલ મારા જ હાથમાં. મારી ગાડીનું સ્ટિયરીંગ મારા જ હાથમાં. હું જ મારો તારણહાર.
    એક પ્લેયર જ્યારે રમવા માટે ગ્રાઉન્ડ પર આવે છે ત્યારે એને પોતાને જ રમવું પડે છે અને પોતાનાં લક્ષ્ય સુધી પહોંચીને જીતવું પડે છે. આ રમત તે પોતે પોતાની આંતરિક શક્તિ અને કૌશલ્યો દ્વારા રમતો હોય છે. આ આંતરિક બળ એ તેનાં પ્રેરકબળો હોય છે અને એ પ્રેરકબળો  જ છે સેલ્ફ મોટિવેશન. તમારું લક્ષ્ય પૂરું કરવામાં તે સપોર્ટ કરે  છે.તમારા જીવનની ગાડીનું પેટ્રોલ એટલે કે ચાલકબળ છે આ પ્રેરકો. એ જ છે સેલ્ફ મોટિવેશન.

સેલ્ફ મોટિવેશનના પ્રકારોઃ

સેલ્ફ મોટિવેશન બે પ્રકારના હોય છેઃ
    1) બાહ્ય મોટિવેશનઃ
જ્યારે-જ્યારે આપણે હારી જઈએ, નિરાશ થઈ જઈએ અને કોઇક જોશ, ઉત્સાહની જરૂર પડે ત્યારે આપણે આપણી જાતને રિચાર્જ કરવા માટે બહારની તરફ નજર કરતા હોઈએ છીએ.
    બાહ્ય મોટિવેશન એટલે બહારનાં પ્રેરકબળો. મોટિવેશનલ-સ્પીચ, સુવાક્યો,મહાનપુરુષોનાં જીવનચરિત્રોનાં પુસ્તકો, આ બધું આપણે વાંચીએ કે સાંભળીએ ત્યારે આપણને પ્રેરણા મળતી હોય છે પણ તે બિલકુલ ટેમ્પરરી હોય છે. 

    2) બાહ્ય મોટિવેશન

જો તમે તેને વાંચીને જીવનમાં તેનું આચરણ કરો તો તે તમારું આંતરિક મોટિવેશન બની જતું હોય છે જે પરમેનન્ટ હોય છે અને તમારી અંદરની પ્રેરણા બનીને તમારા લક્ષ્યને શક્તિ આપતું હોય છે. આને કહેવાય સેલ્ફ મોટિવેશન.
    દા.ત. તમને એવી જાણ થાય કે સવારે વહેલા ઊઠવાથી ઘણાં ફાયદા થતાં હોય છે તો તમે તેની ટેવ પાડવાનો પ્રયત્ન કરવા લાગો છો. પણ જો તમારામાં ધીરજ, મહેનત અને શક્તિ નહીં હોય તો તમને વહેલાં ઊઠવામાં મુશ્કેલી પડશે અને તમે પ્રયત્નો કરવાનું છોડી દેશો.
    પણ જો તમે તમારી ધીરજ, મહેનત અને શક્તિથી એ ટેવ પાડશો તો તે તમારી અંદરનું એક આત્મબળ બની જશે અને હંમેશને માટે તમને દોડતાં રાખશે.આ  આત્મબળ એટલે કે જુસ્સો બની જાય છે સેલ્ફ મોટિવેશન.

સેલ્ફ મોટિવેશન એટલે આત્મશોધઃ

તમારી અંદર અનેક પ્રકારનાં પ્રેરકબળો છુપાયેલાં હોય છે અને તેને આપણે જાતે જ શોધી કાઢવાનાં હોય છે. ખુશી, શાંતિ, સંતોષ જેવાં પરિબળોને આપણે બહાર શોધતાં હોઈએ છીએ પરંતુ તેની આપણી અંદર શોધ કરીએ તો તે અંદર જ હોય છે. બહારનો આનંદ, ખુશી, શાંતિ, સંતોષ, એ બધું જ ટેમ્પરરી હોય છે, અંદરથી મળે ત્યારે તે આપણું પરમ ધન બની જાય છે.
એમ કહેવાય છે કે કસ્તૂરીમૃગની નાભિમાં કસ્તૂરી રહેલી હોય છે અને તેની માદક સુગંધથી આકર્ષાઈને તે તેની શોધમાં આખું જંગલ ખૂંદી વળે છે પરંતુ કશું જ મળતું નથી કારણ કે એને ખબર નથી હોતી કે જેને તે શોધે છે તે તેની અંદર જ છે. 
    આપણે પણ આપણી અંદરના આપણા ગુણોને શોધી કાઢવા પડે છે, અવગુણોને પણ શોધી-શોધીને સુધારવા પડે છે અને ત્યારે જ એ આપણી અમૂલ્ય સંપત્તિ બની જતી હોય છે જે આપણને સતત પ્રેરણા આપતી રહે છે. આ આપણી સંપત્તિ જ આપણને સેલ્ફ મોટિવેટેડ રાખતી હોય છે. આપણને સતત આનંદિત, ઉત્સાહિત અને જૂસ્સા તેમજ શક્તિથી ભરપૂર રાખતી હોય છે. આમ, સેલ્ફ મોટિવેશન એક શક્તિ છે.

જીવનમાં સતત સેલ્ફ મોટિવેટેડ રહેવાની ટિપ્સઃ-

    1) લક્ષ્ય નક્કી કરોઃ-
જીવનમાં શું કરવું છે, ક્યાં જવું છે, શું મેળવવું છે, એ નક્કી કરો. આ એક ટાર્ગેટ ગણાય, જેને તમારે મેળવવાનું હોય છે. જીવનની દિશા નક્કી હોય તો આડાઅવળે રસ્તે જવાને બદલે તમને એક માઇલસ્ટોન મળી જાય છે કે જે સતત તમને દિશા બતાવ્યા કરે છે.
લક્ષ્ય કેવી રીતે નક્કી કરવું ?
 • તમારી પોતાની જરૂરિયાતોને આધારે લક્ષ્ય નક્કી કરો. ધારો કે, પૈસા કમાઈને પગભર થવું હોય તો જોબ શોધી લેવી જોઈએ. 
 • કોઈ વ્યક્તિ રિટાયર્ડ હોય અને સમય પસાર કરવો હોય તો તે પોતાના શોખ કે રસ મુજબ કાર્ય કરીને આનંદમાં રહી શકે છે.
 • શરીરને તંદુરસ્ત રાખવાનું લક્ષ્ય પસંદ કરીએ તો સવારે વહેલા ઊઠવાથી માંડીને કસરત, યોગ, સારો-પૌષ્ટિક ખોરાક, ટાઈમ મેનેજમેન્ટ વગેરે બાબતો પર ધ્યાન આપવું પડતું હોય છે.
 • કેરિયર પસંદ કરતી વખતે જો સારા વૈજ્ઞાનિક બનવાનું લક્ષ્ય રાખીએ તો તેને માટે જે તે વિષયમાં કુશળતા અને જ્ઞાન સંપાદન કરવાં પડે છે અને વિષયમાં રુચિ અને રસ હોય તો જ આગળ જઈ શકાતું હોય છે.
એટલે કે, તમારે તમારી જરૂરિયાત, તમારી અંદર રહેલાં રસ-રુચિ-પેશનને તમારી અંદરથી શોધી કાઢવાં પડે છે અને તે મુજબ લક્ષ્ય નક્કી કરવાથી જીવનની ગાડી યોગ્ય દિશામાં દોડતી રહે છે કારણ કે તેને સેલ્ફ મોટિવેશન સતત મળ્યા કરતું હોય છે.

    2) સફળતાનો  મંત્ર બનાવોઃ-

તમારા લક્ષ્ય તરફ તમે સતત ચાલતાં રહો, તમને તે માટેનો સતત જુસ્સો મળતો રહે અને તમે પૂર્ણ આત્મસંતોષ પ્રાપ્ત કરતાં રહો તે માટે એક એવો મંત્ર બનાવો કે જે તમને દિવસ-રાત, ઊઠતાં-બેસતાં, સતતપણે તમારા લક્ષ્યને યાદ કરાવતો રહે અને તમને સતત ચાલતાં રાખે. તેનો માળાની જેમ દરરોજ જાપ કરો અને જ્યારે જ્યારે નિરાશ થઇ જાઓ અને લક્ષ્ય બહુ દૂર લાગે ત્યારે તેનો જૂસ્સાભેર જાપ કરો શક્તિ મેળવો.
દા.ત. મહેનત કરેગા વો જીતેગા.
          હમ હોંગે કામિયાબ.
           આરામ હરામ હૈ.
           ડૉન્ટ ગિવ અપ.

   3)  સેલ્ફ ઇમ્પ્રૂમેન્ટ- ખુદ પર કામ કરોઃ-

સતત સેલ્ફ મોટીવેટેડ રહેવું હોય, લક્ષ્ય તરફ સતત ચાલતાં રહેવું હોય તો પોતાનાં વ્યક્તિત્વને એવું જોરદાર બનાવો કે તમારાં પોઝિટિવ વિચારો, પોઝિટિવ શબ્દો અને પોઝિટિવ કાર્યોમાં એકસમાનતા હોય અને તે તમારાં એવાં પ્રેરકબળ બની રહે કે જબરજસ્ત જુસ્સો તમને સફળતાના માર્ગ તરફ દોરતો રહે. 
આ વિષયમાં વધુ માહિતી માટે નીચેની લિન્ક પર ક્લિક કરોઃ-

 
https://youtu.be/5S-A_LO-3FQ'સિદ્ધિ પ્રેરણા'
સેલ્ફ મોટિવેશન અને પોઝિટિવ એટિટ્યૂડ સાથે 'સિદ્ધિ પ્રેરણા'ને શું સંબંધ છે અને કેરિયરની સફળતા તેમ જ જીવનની મુશ્કેલીઓમાં કઈ રીતે તેનો ઉપયોગ કરી શકાય તે જાણવું પણ જરૂરી છે અને તે માટે પ્રસ્તુત વિષયના નિષ્ણાત સાથેની વાતચીતના અંશો અહીં મૂકવામાં આવ્યા છે.

પ્રા. ડૉ. અશ્વિનભાઈ જનસારી.

સેલ્ફ મોટિવેશન અને પોઝિટિવ એટિટ્યૂડટૂંક પરિચયઃ-
મનોવિજ્ઞાન વિષય સાથે એમ.એ. ડૉ.અશ્વિનભાઈ જનસારીએ અમદાવાદ(ગુજરાત)ની એલ.ડી.આર્ટ્સ કોલેજથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને એ પછી અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગમાં અધ્યક્ષ, માનદ્ નિયામક, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લો. ઇન કાઉન્સેલિંગ સાયકોલોજિસ્ટ તરીકે સેવાઓ આપી. 

તેમના માર્ગદર્શન હેઠળ અનેક વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી પાપ્ર્ત કરી છે.તેઓશ્રીએ 18થી વધુ પાઠ્યપુસ્તકોનું લેખન અને સંપાદનકાર્ય કર્યું છે. તેઓશ્રીએ એવી ઘણી મનોવૈજ્ઞાનિક કસોટીઓની રચના કરી કે જેનો ઉપયોગ સલાહ, માર્ગદર્શન, સંશોધન અને નિદાન ક્ષેત્રમાં સફળતાપૂર્વક થઇ રહ્યો છે. 

તેઓશ્રીના વિચારો પ્રશ્નોત્તરી દ્વારા જાણીએઃ-

પ્રશ્નઃ- સિદ્ધિ પ્રેરણા એટલે શું?

ઉત્તરઃ-

આપણાં વર્તનનું ચાલકબળ પ્રેરણા છે. વિવિધ વર્તન પાછળ શારીરિક, સામાજિક અને મનોવૈજ્ઞાનિક પ્રેરણાઓ કાર્ય કરતી હોય છે.
વિવિધ વૈજ્ઞાનિકો, રાજનેતાઓ, સમાજસુધારકો વગેરેનાં જીવનચરિત્રો જોઈએ તો બાળપણમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરીને સફળતા અને સિદ્ધિ મેળવી હોય છે. 

વ્યક્તિના ધ્યેય સાથે સંકળાયેલી પ્રેરણાને સિદ્ધિ પ્રેરણા કહેવામાં આવે છે.
સિદ્ધિ પ્રેરિત વ્યક્તિઓ જીવનમાં સફળતા મેળવવા માટે પોતાનાં ઉત્તમ ધોરણો નક્કી કરતી હોય છે. તે મેળવવા માટે પોતાની જાત સાથે તેમ જ અન્ય સાથે હરીફાઈ કરતી હોય છે. રમતમાં ખેલાડી પોતાની જાત સાથે તેમજ અન્ય ખેલાડીઓ સાથે પણ સ્પર્ધા કરીને ચંદ્રક મેળવે છે.

સિદ્ધિ પ્રેરિત વ્યક્તિ સ્વ(સેલ્ફ) વિશેની જાણકારી ધરાવતી હોય છે. પોતાની શક્તિઓ અને મર્યાદાને ઓળખીને જાણી લેતી હોય છે.
સિદ્ધિ-પ્રેરણાનો ખ્યાલ મનોવિજ્ઞાનમાં મનોવૈજ્ઞાનિક મૅકર્લેલેન્ડે આપેલો છે. તેમણે જીવનમાં સફળ થયેલા લોકોનો અભ્યાસ કર્યો અને જે દેશોએ આર્થિક તેમજ અન્ય ક્ષેત્રોમાં પ્રગતિ કરી તેનો પણ અભ્યાસ કર્યો. તેના આધારે સિદ્ધિ પ્રેરણા( નીડ ફોર એચિવમેન્ટ)નો ખ્યાલ આપ્યો. આ ખ્યાલને કસોટીઓ દ્વારા માપી શકાય છે તેમજ તેનો વિકાસ કરી શકાય છે. 

વિદ્યાર્થીઓ, કર્મચારીઓ તેમજ અન્ય લોકોની સિદ્ધિ-પ્રેરણા માપી અને જાણી શકાય તો તે દ્વારા તેમને યોગ્ય માર્ગદર્શન આપી સફળતા તરફ લઈ જઈ શકાય છે. આનાંથી વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રને ફાયદો થાય છે.

કુકસવાડામાં જન્મેલ, મેટ્રિક ભણેલ અને શનિ-રવિ ગિરનાર પર્વત પર આવતાં યાત્રીઓને ભજિયાં વેચી પોતાની સાહસિકતા શરૂ કરનાર અને પછીથી દેશ અને દુનિયાના બેતાજ ઉદ્યોગપતિ બનનારા ધીરુભાઈ અંબાણીને કોણ નથી ઓળખતું !

નાવિક પરિવારમાં રામેશ્વર ખાતે જન્મેલા અને મિસાઈલ મેન તરીકે જાણીતા અને ભારતના પૂર્વ સ્વ. રાષ્ટ્રપતિ ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામના નામથી આપણે બિલકુલ અજાણ નથી.

આવી અનેક વ્યક્તિઓનાં ઉદાહરણો છે કે જેઓ ખૂબ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી માર્ગ કરીને જીવનને સફળ રીતે ઘડનાર વ્યક્તિત્વ તરીકે જાણીતા બન્યાં. તેમના ગુણોનો વૈજ્ઞાનિક રીતે વિશ્લેષણાત્મક અભ્યાસ કરીને તેઓની સફળતાનું રહસ્ય જરૂર શોધી શકાય.અને આ ખ્યાલ મૅકર્લેલેન્ડ નામના મનોવૈજ્ઞાનિકને આવ્યો અને તેમણે દુનિયાની વિવિધ વ્યક્તિઓનો અભ્યાસ કર્યો અને જે કૉન્સેપ્ટ મળ્યો તેને સિદ્ધિ-પ્રેરણા(નીડ ફોર એચિવમેન્ટ)તરીકે ઓળખવામાં આવે છે.

સિદ્ધિ-પ્રેરણા ધરાવનાર વ્યક્તિમાં આ ત્રણ લક્ષણો જોવા મળે છેઃ-

1) શ્રેષ્ઠતાનાં ધોરણો સાથે હરીફાઈ એટલે કે નહીં માફ નીચું નિશાન.    હંમેશાં નિશાન ઊંચું રાખવાનું.
2) બધી મુશ્કેલીઓને અવગણીને લાંબા સમય સુધી પ્રયત્નો કરવાના.
3) અદ્વિતિય સફળતા.

કારકિર્દીમાં સફળતા માટે યુવાનોએ નીચેની બાબતો કરવી જોઈએઃ-

 • પોતાનું ધ્યેય નક્કી કરવું
 • સ્વ(સેલ્ફ)વિશેની પૂરેપૂરી જાણકારી મેળવવી.
 • પોતાનાં ઘરનું, બહારનું વાતાવરણ તપાસવું. તે પોઝિટિવ હોવું જોઈએ. મિત્રો પોઝિટિવ અભિગમ ધરાવતાં હોવાં જોઈએ.
 • હરીફાઈ સ્વની સાથે અને અન્ય સાથે, બંને રીતે કરવી. 
 • સફળતામાં મિત્રો, શિક્ષકો, વાંચન, એ સમગ્ર બાબતોનો ફાળો રહેલો હોય છે એટલે એ બધાંનો સહકાર જરૂર લેવો જોઈએ.

ઉપસંહારઃ-

સેલ્ફ મોટિવેશન અને પોઝિટિવ એટિટ્યૂડ જીવનને સમૃદ્ધ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે જે વ્યક્તિ સેલ્ફ મોટિવેટેડ હોય તેનામાં સકારાત્મકતા ભરપૂર હોય છે . એ વિભિન્ન અંગો નથી પરંતુ એકબીજાની સાથે સંકળાયેલાં છે. આવો, આપણે પણ સેલ્ફ મોટિવેશન અને પોઝિટિવ એટિટ્યૂડનો જીવનમાં ભરપૂર ઉપયોગ કરીને આપણાં જીવનને  વધુ ઉર્જાવાન અને મૂલ્યવાન બનાવવા તરફ આગળ વધીએ.અસ્તુ.

             
સેલ્ફ મોટિવેશન અને પોઝિટિવ એટિટ્યૂડ
આખું આકાશ મારી પાંખમાં...
સેલ્ફ મોટિવેટેડ પક્ષીની ઉડાન