શિક્ષક એટલે શું?એક આદર્શ શિક્ષકની વ્યાખ્યા । શિક્ષણ અને કેળવણી વચ્ચેનો તફાવત । એક શિક્ષકની મુલાકાત.
પ્રસ્તાવનાઃ-
આજે સમગ્ર દુનિયામાં શિક્ષકની ભૂમિકા તપાસવાની જરૂર ઊભી થઈ છે કારણ કે ખાસ કરીને, કોરોનાકાળ પછી શિક્ષક અને શિક્ષણ તેમ જ કેળવણી વિશે લોકો વધુ ને વધુ જાણવા માગે છે. આજે સમયની માંગ છે શિક્ષણ અને કેળવણી અને તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવતો શિક્ષક, તેનું મહત્ત્વ, તેની સજ્જતા વગેરે બાબતો વિશે આજે દરેક માતા-પિતા, વાલીઓ, શિક્ષણવિદ્, શાળા-સંચાલકો તેમ જ સરકારની ચિંતા છે, મૂંઝવણ છે કે આજનું શિક્ષણ ક્યાં જઈને અટકશે?બાળકો માટે કેવું શિક્ષણ જરૂરી છે? અને ત્યારે, સૌની નજર જાય છે એક શિક્ષક તરફ. નવી શિક્ષણ નીતિને લીલી ઝંડી તો મળી ગઈ છે પણ ક્યાં છે એવા શિક્ષકો કે જેઓ ખરેખર પાયાની, જીવનઘડતરની કેળવણી આપવા માટે પૂરેપૂરા સજ્જ હોય!!
આજે, આપણે મળીશું શ્રી દીપિકાબેન ચાવડાને કે જેમને પ સપ્ટેમ્બર-2021ના રોજ શિક્ષક દિન નિમિત્તે એક શ્રેષ્ઠ શિક્ષકનો ઍવોર્ડ પ્રાપ્ત થયો છે. આવો, એમની સાથે ઉપરના દરેક મુદ્દા વિશે વાતચીત કરીએઃ-
![]() |
શિક્ષક તરીકેની શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત શ્રી દીપિકાબેન ચાવડા. |
શ્રી દીપિકાબેન ચાવડા
તમારી વાત તમારા શબ્દોમાં...
તમારો પરિચય આપશો?
હું દીપિકા ચાવડા 'તાપસી' એક નિવૃત્ત શિક્ષિકા છું અને સૌરાષ્ટ્રમાં આવેલા ભાવનગર શ્રી દક્ષિણામૂર્તિ, કુમારમંદિરમાં શિક્ષણક્ષેત્રે 32 વર્ષ કામ કર્યું છે. મને નાનપણથી જ વાંચન, લેખન તેમ જ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ખૂબ રસ રહ્યો છે.
શિક્ષક તરીકે નિવૃત્ત થયા પછી સાહિત્ય પ્રત્યેના મારા ઊંડા રસને કારણે ટૂંકી વાર્તાઓથી લેખનકાર્ય શરૂ કર્યું છે. સૌ પ્રથમ તો હિલેરિયર્સ ગ્રુપમાં જોડાઈ અને એમનાં પુસ્તક 'પરવરિશ', 'અસ્તિત્વનું આત્મવિલોપન', 'હ્રદયઝરુખે'માં મારી વાર્તા અને કવિતા પ્રકાશિત થઈ. લગભગ સાતેક રચનાઓ પ્રકાશિત થઈ છે. આ હિલેરિયર્સ ગ્રુપ અમદાવાદમાં પિન્કીબેન શાહ ચલાવે છે અને તે સાહિત્ય વિષયક પ્રવૃત્તિઓ કરે છે.
હાલમાં, હું ગાંધીનગર દૈનિક ન્યૂઝ-પેપરમાં સાહિત્ય સરિતા ગ્રુપની સભ્ય છું અને તેમની નિયમિત કોલમ-લેખિકા છું. માતૃભારતી, પ્રતિલિપિ અને સોફિઝન જેવાં ઓનલાઇન સામાજિક પ્લેટફોર્મ્સ પર પણ મારી વાર્તાઓ પ્રકાશિત થઈ છે. આમ, હાલમાં સાહિત્યના ક્ષેત્રમાં મારી સફર આગળ વધી રહી છે.
તમને પમી સપ્ટેમ્બર-2021ના રોજ શિક્ષક દિન નિમિત્તે જે ઍવોર્ડ અને સન્માન પ્રાપ્ત થયાં તેના વિશે થોડું જણાવશો?
તાજેતરમાં જ શિક્ષણ દિન નિમિત્તે મને મૌલાના કલામ આઝાદ ઈન્ટરનેશનલ એજ્યુકેશન ઍક્સલન્સ ઓનર મળ્યું છે. આ સન્માન શિક્ષણક્ષેત્રની મારી અવિરત 32 વર્ષની સેવાઓ બદલ આપવામાં આવ્યું છે.
તમારાં આ વિશિષ્ટ સન્માન પાછળ કઈ સિદ્ધિઓ રહેલી છે?
હા, મેં 32 વર્ષ અવિરતપણે જે શૈક્ષણિક સંસ્થામાં કાર્ય કર્યું તે સંસ્થાનું કેળવણીક્ષેત્રમાં અને ઉત્તમ શૈક્ષણિક સંસ્થાઓમાં આગવું નામ છે અને વિશિષ્ટ પ્રદાન છે. આ સંસ્થાનું નામ છે, 'શ્રી દક્ષિણામૂર્તિ'-ભાવનગર.
આ સંસ્થા બાળકેળવણીના પ્રણેતા એવા શ્રી ગિજુભાઈ બધેકાએ સ્થાપેલી સંસ્થા છે. 'મૂછાળી મા' ના હુલામણા નામથી ઓળખાતા શ્રી ગિજુભાઈની સંસ્થા શ્રી દક્ષિણામૂર્તિ-કુમારમંદિરમાં મને કામ કરવાની તક મળી એ માટે હું ખૂબ જ સદ્દભાગી છું.
![]() |
શ્રી દક્ષિણામૂર્તિના સ્થાપક અને બાળકેળવણીકાર શ્રી ગિજુભાઈ બધેકા |
આ સંસ્થાની વિશિષ્ટતા વિશે જણાવશો?
આ સંસ્થાની વિશિષ્ટતા છે એના સિદ્ધાંતો અને મૂલ્યો. હું આપને કેટલાક પ્રસંગો દ્વારા આ સંસ્થાની વિશિષ્ટતા જણાવું છું.
મને યાદ છે એ દિવસ કે જ્યારે હું આ સ્કૂલમાં ઇન્ટરવ્યૂ આપવા માટે આવી હતી. વાત એમ બની કે હું મારી પાંચ જ દિવસની દીકરીને ઘરે એના પપ્પા પાસે એકલી મૂકીને સ્કૂલમાં ઇન્ટરવ્યૂ આપવા માટે ગઈ હતી. ઇન્ટરવ્યૂ વખતે શ્રી ગિજુભાઈના પુત્ર બચુભાઈ અને તેમનાં પત્ની વિમુબહેન કે જેઓ શ્રી ગિજુભાઈના અવસાન પછી સંસ્થાને સંભાળતા હતા તેઓ સામે બેઠાં હતાં.
અહીં વાત એ કહેવાની કે વિમુબહેને મને જે સ્થિતિમાં ઇન્ટરવ્યૂ માટે આવેલી જોઈ તેથી તેમણે મને એક 'મા' ની જેમ પાસે બેસાડી અને આવી પરિસ્થિતિમાં આવવાનું કારણ પૂછ્યું હતું ઉપરાંત મેં અમદાવાદના સાબરમતી ગાંધીઆશ્રમમાંથી પી.ટી.સી. કર્યું હતું એ વાતને જાણીને તેમનું હ્રદય ભરાઈ આવ્યું હતું અને એટલાં ખુશ થયાં હતાં કે એક માતાની જેમ વહાલથી માથે હાથ ફેરવી મને અભિનંદન આપ્યાં હતાં.
ગાંધીવાદી વિચારધારા ધરાવતાં વિમુબહેનને બહુ આનંદ થયો અને મને મારી યોગ્યતા મુજબની નોકરી મળી. મારી દીકરી 21 દિવસની થઈ પછી એને ઘરે મૂકીને હું સ્કૂલે જવા લાગી. તે વખતે એ સમયના આચાર્ય અને વિમુબહેને મારી દીકરીને સ્કૂલમાં જ રાખવાની સગવડ કરી આપી હતી. તેમનું માનવું હતું કે 21 દિવસની દીકરી 'મા' વિના કેવી રીતે રહી શકે!!
તો આ છે સંસ્થાનાં મૂલ્યો અને સિદ્ધાંતો. 'મૂછાળી મા'નું બિરુદ મેળવનાર શ્રી ગિજુભાઈ પણ એક 'મા' નું જ હ્રદય ધરાવતા હતા. બાળકોમાં ભગવાનને જોતાં અને કહેતાં કે, 'જ્યાં સુધી બાળકો, ઘરમાં માર ખાય, શેરીમાં દુર્ગંધ ખાય, ત્યાં સુધી મને જંપ કેમ વળે? માટે મારે એક એવી શાળા ખોલવી છે જ્યાં બાળકો હસતાં-ગાતાં, નાચતાં-કૂદતાં આવે'.
અને એમના આ વિચારને તેમણે શ્રી દક્ષિણામૂર્તિ શાળાની સ્થાપના દ્વારા અમલમાં મૂક્યો કે જેને આજે 101 વર્ષ થયાં છે. આજે પણ એ ટેકરી પર 'શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિર' એક શ્રેષ્ઠ બાલમંદિર સ્વરુપે અડીખમ ઊભું છે.
એક આદર્શ અને સાચા અર્થમાં 'મંદિર' કહી શકાય એવી આ સંસ્થાની હું સહભાગી શિક્ષિકા છું એનો મને ગર્વ છે.
ઈ.સ. 1987ના નવેમ્બર માસમાં હું આ સંસ્થામાં જોડાઈ હતી.આમ તો, ભણતી વખતે જ ગાંધી વિચારધારાને જીવનમાં ઉતારી હતી. ખાદી પહેરી, રેંટિયો કાંત્યો, ગાંધીજીના સ્વદેશી, જાતમહેનત જેવા સિદ્ધાંતોનો ્અમલ કર્યો અને હવે આવા ઉત્તમ સિદ્ધાંતો ધરાવતી શાળામાં મને કામ કરવાની તક મળી અને મારા આનંદનો પાર નહોતો.
આ સ્કૂલના શૈક્ષણિક સિદ્ધાંતો વિશે જણાવશો?
ચોક્કસ, અહીં કામ કરવા માટે પણ શિક્ષણ/કેળવણીના કેટલાક સિદ્ધાંતો હતા જેનો અમલ કરીને શૈક્ષણિક-કાર્ય કરવાનો અહીં નિયમ હતો. આ સિદ્ધાંતો નીચે મુજબ છેઃ-
- સ્વતંત્રતા અને સ્વયંસ્ફૂરણાથી વિદ્યાર્થીઓની જવાબદારી લેવી.
- વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની શિક્ષા(સજા)કરવી નહીં કે કોઇ પણ પ્રકારનાં ઇનામનું પ્રલોભન(લાલચ) આપવું નહીં.
- પરીક્ષાના ડરમાંથી મુક્તિ આપવી અને રોજેરોજનું મૂલ્યાંકન કરવું.
- બાળકોના વાલીઓને પણ પ્રવૃત્તિમાં જોડો. તે માટે વાલી મિટીંગમાં તેમના ઘરે જઈને તેમને કહો કે તેઓ બાળકોને વાર્તા સંભળાવે, ગીતો ગવડાવે. તેના દ્વારા પણ બાળક ઘણું શીખી શકે છે.
- માતૃભાષાને જ શિક્ષણનું માધ્યમ બનાવવું.
- અભ્યાસની સાથે હુન્નર, કારીગરી, લલિતકલા, રમતગમત, પ્રવાસ-પર્યટન, અભિનય-નાટક અને ઇતરવાચનને પણ મહત્ત્વ આપવું.
- વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે નિઃસ્વાર્થ બંધુત્વથી સભર અને મૈત્રીપૂર્ણ આત્મીય સંબંધ રાખવો.
આમ, એ સમયે જ્યારે શારીરિક સજા કરવાની પદ્ધતિ હતી ત્યારે શ્રી દક્ષિણામૂર્તિએ શારીરિક સજાને શાળાવટો આપ્યો હતો.
આ રીતે માત્ર બાળકોનાં જ હિતને કેન્દ્રમાં રાખીને બનાવેલા સિદ્ધાંત પર ચાલતી આ સંસ્થાનું નામ દુનિયાભરમાં ગુંજી રહ્યું છે.
એક શિક્ષક 'સફળ શિક્ષક' ક્યારે ગણાય?
મારાં 32 વર્ષનાં કાર્યકાળ દરમિયાન ઘણા શિક્ષકો, આચાર્યો અને વિદ્યાર્થીઓ સાથે કામ કરવા મળ્યું. દરેકની સાથે એક જાતનો ઘરોબો-આત્મીયતા બંધાઈ ગઈ હતી. જાણે મારી માતૃસંસ્થા ના હોય!! મારી સાથે કામ કરતાં શિક્ષકો મારા ભાઈ-બહેન જેવા અને આચાર્ય-ટ્રસ્ટીઓ માતા-પિતા સમાન અને વિદ્યાર્થીઓ તો જાણે પોતાનાં સંતાનો જેવાં જ લાગતાં!!
એક શિક્ષકની આટલી લાંબી શૈક્ષણિક યાત્રા દરમિયાન જાત-જાતની મનોવૃત્તિવાળા વિદ્યાર્થીઓ પણ હોય જ ને! એમને પોતાનાં કરીને ભણાવવા, ન ગમતા વિષયો પ્રત્યે રસ લેતા કરવા, અને વિદ્યાર્થીનું જીવનઘડતર પણ થાય તે બાબતોનું ધ્યાન રાખીને ચાલવું, એ જ શિક્ષકોની સફળ યાત્રાનું પરિણામ હોય છે.
મારી વાત કરું છું ત્યારે હું જરૂર કહીશ કે મારો મુખ્ય વિષય સમાજવિદ્યા, ઇતિહાસ, ભૂગોળ અને નાગરિકશાસ્ત્ર છે, જે બાળકો માટે કંટાળાજનક વિષયો ગણાય. પણ મારી ભણાવવાની પદ્ધતિ એવી કે હું ક્યારેય બાળકોની સામે પુસ્તક ખોલીને કે ફકરા વાંચીને સમજાવતી નથી. હું આ વિષયોને મૌખિક વાર્તા સ્વરૂપે, પરસ્પર આદાનપ્રદાન થાય એવી પ્રશ્નોત્તરી સ્વરુપે, નાટ્યસ્વરુપે અને પ્રોજેક્ટ સ્વરુપે જ ભણાવતી હતી. એ પછી તો આ વિષયો બાળકોની પસંદગીનો વિષય બની જતા હતા.
નબળો વિદ્યાર્થી પણ એને આપેલો પ્રોજેક્ટ એટલી ઉત્તમ રીતે બનાવીને રજૂ કરે કે તેને એ વિષયના મુદ્દા યાદ રહી જાય. ગોખવાની જરૂર ન પડે.
મારી આ શિક્ષણપદ્ધતિએ મને બાળકોની પ્રિય શિક્ષિકા બનાવી દીધી હતી કારણ કે તે દ્વારા તેમને પોતાના વિચારો અને આવડત રજૂ કરવાની તક મળતી હતી.
યાદ રહી ગયો હોય તેવા કોઈ પ્રસંગની વાત કરશો?
હા, એક વખત અમે પાંચ દિવસના પ્રવાસે ગયા હતા. આમાં છોકરાં-છોકરીઓ સાથે હોય એટલે શિક્ષકોની જવાબદારી પણ વધી જતી હોય છે. સાતમા ધોરણની છોકરીઓ હોય એટલે લગભગ તો ઘરમાં તેમની મમ્મી જ બધું કામ કરતી હોય.
પહેલા જ દિવસે રાત્રે એક વિદ્યાર્થિની મારી પાસે આવીને રડવા લાગી. મેં પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે હું તો મમ્મીથી પહેલી જ વાર છૂટી પડી છું. મમ્મી બહુ યાદ આવે છે. રાત્રે તો હું મારી મમ્મીને વળગીને જ સૂઈ જતી હોઉં છું. મેં એને મારી બાજુમાં ગળે વળગાડીને સુવડાવી દીધી. નિરાંતે સૂઈ ગઈ.
સવારે ઊઠાડી એટલે નાહીધોઈને આવી. પછી મને કહે કે મને કપડાં સંકેલતાં નથી આવડતું. મેં એને શીખવાડ્યું. વાળ ઓળતા નહોતું આવડતું એ પણ શીખવાડ્યું. અને જમતી વખતે પણ મમ્મીના હાથનું ખાવાનું જ ભાવે છે એમ કહીને ના જમી. મેં એને પાસે બેસીને જમાડી. આમ, પાંચ દિવસમાં તેનું જીવનઘડતર પણ થયું અને તે બધું શીખતી ગઈ. આમ, એક 'માતા' ની ભૂમિકા ભજવતાં-ભજવતાં પ્રવાસનો આનંદ લેવાની મજા જ અલગ હતી.
મને વાર્તા કહેવાનો શોખ ખરો એટલે આજે પણ મારા શિક્ષકભાઈબહેનો, વિદ્યાર્થીઓ જરૂર યાદ કરીને કહે ખરાં કે બહેન, પેલી અષાઢી બીજની વાર્તા કહેવા આવોને!
આ બધું જ યાદ આવે છે અને એક સફળ-આદર્શ શિક્ષક હોવાનો સંતોષ પ્રાપ્ત થાય છે.
મને યાદ છે કે મારી શાળામાં કે ક્લાસરૂમમાં બાળકો હંમેશાં આનંદમાં હસતાં-રમતાં હોય. આજે હું એ બધું યાદ કરું છું અને મન થાય છે કે ફરીથી એકવાર બાળકોની વચ્ચે કામ કરું, તેમની સાથે મોજમસ્તી કરું. હસતાં-હસાવતાં ઘણું બધું શીખવું છે અને શીખવાડવું છે.
આજે પણ એ વિદ્યાર્થીઓ સારી જગ્યાઓ પર કામ કરવા છતાં આપણને ક્યાંક મળી જાય ત્યારે પગે લાગે, ત્યારે આપણને આપણું શિક્ષણ સાર્થક થતું લાગે અને એક શિક્ષક તરીકે ગર્વ અનુભવાય છે. આપણે વિદ્યાર્થીઓને માત્ર ભણાવતાં જ નથી પણ સાથે જીવન જીવવાની ઉપયોગી કલા પણ શીખવીએ છીએ, તેમને કેળવણી આપીએ છીએ એટલે તેઓ જીંદગીની કોઈપણ મુસીબતમાં પાછાં ના પડે.
એક શિક્ષક તરીકેની આટલી લાંબી સફરમાં આપના કુટુંબનો કેવો ટેકો રહ્યો?
આજે મને મળેલો આ ઍવોર્ડ મેં મારી દીર્ઘ શૈક્ષણિક સેવાઓ બદલ અપાયો છે અને તે ઍવોર્ડ હું સૌ પ્રથમ તો મારાં સંતાનો અને પતિને અર્પણ કરું છું કારણ કે કપરામાં કપરી પરિસ્થિતિમાં પણ એ બધાં જ મારી સાથે હતાં અને તો જ હું નોકરી કરી શકી છું. ત્યારબાદ મારી શાળાના સાથી શિક્ષકભાઈબહેનો અને મારા વહાલા વિદ્યાર્થીઓને અર્પણ કરું છું કે જેમને માટે હું આ સેવાનું કાર્ય કરી શકી છું.એમનાં વિના તો બધું અશક્ય જ હતું.
તમે શિક્ષણક્ષેત્રમાં 32 વર્ષ કાર્ય કર્યું તો તમારું લર્નિંગ શું? તમે સમાજને શું મેસેજ આપશો?
બાળશિક્ષણના પ્રણેતા અને મૉન્ટેસરી શિક્ષણની પદ્ધતિથી પ્રભાવિત શ્રી ગિજુભાઈ બધેકાએ બાળકોના મુક્ત વિકાસની દિશામાં કાર્ય કર્યું હતું. એમના જ શબ્દોમાં હું કહીશ કે,
બાલદેવો ભવઃ
- બાળકોમાં ભગવાન વસે છે તેમને નમન કરીએ.
- બાળકોનું સન્માન કરીએ.
- બાળકોની સ્વતંત્રતાનું માન જાળવીએ.
- બાળકોની ખુશી, એમની પ્રસન્નતાને જાળવી રાખીએ
આજના સંદર્ભમાં આ શિક્ષણ કેટલું ઉપયોગી છે?
બહેન, હાલમાં નવી શિક્ષણ નીતિને કેન્દ્ર સરકારની લીલી ઝંડી મળી ગઈ છે અને આ નીતિમાં બુનિયાદી કેળવણી, જીવનઘડતરની જ વાત કરવામાં આવી છે કે જે માત્ર ડિગ્રી જ નહીં પરંતુ જીવનઉપયોગી અને પૂર્ણ મનુષ્ય બનવા તરફની કેળવણી છે. બાળપણમાં આપેલી તાલીમ, ઘડતર, અને સંસ્કાર જ સમગ્ર સમાજ અને રાષ્ટ્રને ઘડે છે.
નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટે આ પ્રકારના શિક્ષકોની જરૂર ઊભી થવાની છે કે જે સાચા અર્થમાં શિક્ષક છે. આ યુગ છે શિક્ષણનો યુગ. એક શિક્ષક આખા વિશ્વને બદલી શકે છે. કોઈ પણ દેશની પ્રગતિનો મુખ્ય આધાર છે તેનું શિક્ષણ, તેની કેળવણી.
'સા વિદ્યા યા વિમુક્તયે' જે તમને ખરેખર મુક્ત કરે છે તે છે વિદ્યા.
શ્રી દીપિકાબેન સાથેની વાતચીતમાંથી શિક્ષક, શિક્ષણ અને કેળવણી વિષે નીચેના મુદ્દા તારવી શકાય છેઃ-
- એક સાચો શિક્ષક ક્લાસરૂમમાં આવીને માત્ર ભણાવતો જ નથી પરંતુ પ્રેમ,ધીરજ,સંભાળ અને આત્મવિશ્વાસ જેવા ગુણો દ્વારા શરીર,મન અને આત્માની કેળવણી આપે છે જેથી તેનો સ્વસ્થ વિકાસ થાય અને તેના પર માનવીય મૂલ્યોની મજબૂત ઇમારત બંધાય.
- શિક્ષણ એટલે સ્વ-સુધારણાની પ્રક્રિયા. શિક્ષણનું ધ્યેય છે ચારિત્ર્યનો વિકાસ, નૈતિક શિક્ષણ, વ્યક્તિત્વનો વિકાસ, એટલે કે સમગ્ર રીતે જીવનઘડતરની પ્રક્રિયા. ભણતરની સાથે સાથે ગણતરની પ્રક્રિયા.જેનું નામ છે જીવનલક્ષી કેળવણી.પાયાની કેળવણી.
સમાપનઃ-
આ લેખમાં આપણે દીપિકાબેન સાથેની વાતચીત દ્વારા એક આદર્શ શિક્ષક, આદર્શ શિક્ષણ અને આજના યુગમાં એની વધેલી માંગ વિષે ચર્ચા કરી. આપણે એ પણ જાણ્યું કે આજે સંપૂર્ણ વિશ્વને ગુણવત્તાસભર શિક્ષણનું મૂલ્ય સમજાયું છે અને તે તરફ ઘણી નવી દિશાઓ ખુલતી જાય છે.
આપણા દેશમાં પણ શિક્ષણની નવી નીતિના પાયામાં આ ગુણવત્તાસભર શિક્ષણ જ રહેલું છે. આ નીતિનું અમલીકરણ જલદીથી થાય અને સમાજ માટે ઉત્તમ કક્ષાના નાગરિકોનું નિર્માણ થાય એમાં જ સૌનું શ્રેય રહેલું છે. શિક્ષણ અને શિક્ષણની નવી નીતિ અંગે વધુ જાણવા માટે નીચેની લિંક પર ક્લિક કરોઃ-https://www.prernanaparijat.com/2021/03/blog-post.html