ચાલતી પટ્ટી

" જિંદગીમાં જીતની સૌથી સારી તૈયારી એ છે કે આજે સારું કામ કરો.● ‘વિષાદ’ પણ એક યોગ છે. ● એક કામ શરુ કરી લીધા પછી અસફળતાનો ડર ના રાખો, ● અને કામને અધવચ્ચે છોડો પણ નહીં. ● સફળ લોકો કોઈ અલગ કામ નથી કરતા, ● બસ, તે કાંઈક અલગ રીતે કામ કરે છે... ● કોઈ પણ વ્યક્તિ તમને તમારી મરજી વિરુદ્ધ લઘુતાગ્રંથિનો અનુભવ ના કરાવી શકે."

25 ઑગસ્ટ 2021

ઘરેલુ હિંસા-ડૉમેસ્ટિક વાયલન્સ । હિંસા એટલે શું? । ઘરેલુ હિંસા એટલે શું? । ઘરેલુ હિંસાના પ્રકાર । કોરોનાકાળ અને ઘરેલુ હિંસા ।
ઘરેલુ હિંસા-ડૉમેસ્ટિક વાયોલન્સ, હિંસા એટલે શું? ઘરેલુ હિંસા એટલે શું? તેના પ્રકારો, ઉપાયો, કોરોનાકાળ અને ઘરેલુ હિંસા.
"અમને અમારા અધિકારો વિશે જાણવા દો"

પ્રસ્તાવનાઃ 

સામાન્ય રીતે, સમગ્ર વિશ્વમાં સ્ત્રીઓની સ્થિતિ હંમેશાં ચિંતાજનક રહી છે કારણ કે સ્ત્રીઓ અસંખ્ય પ્રકારની સમસ્યાઓનો સામનો કરતી હોય છે. આ પરિસ્થિતિમાં કોરોનાકાળમાં સ્ત્રીઓનું સંકટ ઘણું વધી ગયું અને સમગ્ર વિશ્વની સ્ત્રીઓને અનેક રીતે ઘરેલું હિંસાનો ભોગ બનવું પડ્યું છે. તેમને માટે આ સમય પડકારજનક બની રહ્યો છે. કોરોનાકાળ અને ઘરેલુ હિંસા એ બંને બાબતો આજે ચર્ચામાં રહેલી છે અને પ્રસ્તુત લેખમાં આપણે એ વિશે વાત કરવાના છીએ.

આ લેખમાં વાંચવાના મુદ્દાઃ

1. હિંસા એટલે શું?
2. ઘરેલુ હિંસા એટલે શું?
3. ઘરેલુ હિંસાના પ્રકારો.
4. ઘરેલુ હિંસા અને સ્ત્રી.
5. કોરોનાકાળ અને ઘરેલુ હિંસા.
6. કોરોનાકાળમાં ઘરેલુ હિંસા વધવાનાં કારણો અને ઉપાયો.
7. ઘરેલુ હિંસા સામેનાં રક્ષણાત્મક પગલાં કેવી રીતે લેશો?
8. ઘરેલુ હિંસા અંગેની કેટલીક હકીકતો.

હિંસા એટલે શું?

કોઈપણ જીવને હણવો કે તેને પીડવો તે હિંસા ગણાય છે. આ પીડા કોઈપણ પ્રકારની હોઈ શકે છે; શારીરિક, માનસિક, સાંવેદનિક કે આર્થિક.

ઘરેલુ હિંસા એટલે શું?

 • ઘરેલુ હિંસા એટલે ઘરના સભ્યો તથા સગાંસંબંધીઓ  દ્વારા ઘરમાં કરવામાં આવતી શારીરિક, માનસિક, જાતીય, આર્થિક, શાબ્દિક અને ભાવનાત્મક હિંસા. જે એક પ્રકારનું શોષણ છે.
 • ઘરેલુ હિંસામાં તમામ પ્રકારનું અપમાન,શરમજનક વર્તન-વ્યવહાર, મશ્કરી કે મહેણાં-ટોણા, તેમ જ મારામારી અને શારીરિક નુકશાન જેવી બાબતોનો સમાવેશ થતો હોય છે.ઉપરાંત, દહેજ કે અન્ય માગણીઓ માટે સતત દબાણ કરવું,વારસાગત મિલકત, સ્ત્રીધન, તેમજ ભરણપોષણ જેવાં વળતરથી વંચિત રાખવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. 
 • આમ તો, પરિવારમાં પતિ-પત્ની, સંતાનો, વૃદ્ધ માતા-પિતા કે અન્ય સભ્ય આવી હિંસા કે શોષણનો ભોગ બની શકે છે. પરંતુ, અહીં આપણે 'ઘરેલુ હિંસા અને સ્ત્રી' વિષય અંગે વાત કરવાની છે.

     આ વિષયમાં એક કેસ સ્ટડીની વાત કરે છે ગુજરાત સરકારના મહિલા બાળ વિકાસ વિભાગ અને ગૃહવિભાગના સંકલનથી 2013માં શરૂ કરવામાં આવેલા કાઉન્સિલિંગ પરામર્શ પોલિસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર(મહિલા સહાયતા કેન્દ્ર)બોપલ-અમદાવાદના  એક કર્મચારી કાઉન્સિલર શ્રીમતી અલ્પાબેન ઠક્કર. 


ઘરેલુ હિંસા-ડૉમેસ્ટિક વાયોલન્સ, હિંસાની વ્યાખ્યા, ઘરેલુ હિંસા એટલે શું?કોરોનાકાળ અને ઘરેલુ હિંસા.
મહિલા સહાયતા કેન્દ્ર-અમદાવાદના કાઉન્સિલર શ્રીમતી અલ્પાબેન ઠક્કર

શ્રીમતી અલ્પાબેને મહિલા સહાયતા કેન્દ્ર વિશે ટૂંકમાં માહિતી આપતા જણાવ્યું કે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ  વિભાગ અને ગૃહવિભાગના સંકલનથી આ કાઉન્સિલિંગ પરામર્શ પોલિસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટરની યોજના કાર્યરત છે. આનો ઉદ્દેશ્ય એ છે કે મહિલાઓને પોલિસ સ્ટેશનની અંદર જ સપોર્ટ મળી રહે. 

સૌ પ્રથમ 2013માં અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાં આ સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું. તે પછી અમદાવાદ જિલ્લામાં શરૂઆત થઈ. અને એની સફળતાને ધ્યાનમાં લઈને 2017થી આ યોજનાને નવું રૂપ આપીને 2019માં અમદાવાદમાં સીટી લેવલ ખાતે  વસ્ત્રાપુર,બોપલ ખાતે અને ઓઢવમાં એક સેન્ટર ગ્રામ્ય સ્તરે, એમ કુલ ત્રણ સેન્ટર શરૂ કરવામાં આવ્યાં હતાં. ગુજરાત રાજ્યમાં બધાં જ 33 જિલ્લાઓમાં આ સેન્ટર કાર્યરત છે. 

એક કેસ સ્ટડીની વાતઃ-

'ઘરેલુ હિંસા અને સ્ત્રી' સંદર્ભમાં વાતચીત કરતી વખતે તેમને પૂછવામાં આવ્યું કે તમે કોઇ આવા કેસ વિશે વાત કરશો કે જે તાજેતરમાં જ બન્યો હોય.

તેમણે આ કેસ અંગે વાત કરતા જણાવ્યું કે એક દિવસ એક મહિલા ખૂબ જ રડમસ હાલતમાં તેની મમ્મીના સહારે પોલિસ સ્ટેશનમાં આવી. તે મહિલાને  સવારે જ પતિ સાથે થયેલી મારપીટના સંદર્ભમાં અરજી લખાવવી હતી. 

તેણે મને પોતાની આપવીતી વર્ણવતાં કહ્યું, "બેન, મારું દસ વર્ષનું લગ્નજીવન છે. 9વર્ષનો દીકરો અને 3વર્ષની દીકરી છે. છેલ્લાં દોઢેક વર્ષથી પતિ તરફથી શારીરિક અને માનસિક ત્રાસ વધી ગયો છે. આજે સવારે તો મારપીટ પણ કરી છે. બસ, મારે હવે એમની સાથે નથી રહેવું. મને છૂટાછેડા અપાવી દો." આ બોલતાં-બોલતાં તેની હાલત એટલી દયનીય થઈ ગઈ કે તે બેભાન થઈને ઢળી પડી. 

થોડીવાર પછી, તેને સાંત્વના આપીને તેનાં મમ્મી સાથે તેના પિયર મોકલી દીધી. 

તે પછી, તેના પતિ અનીલભાઈને બોલાવીને તેમની સાથે વાતચીત કરતા પૂછ્યું કે તેઓ તેમની પત્નીને શા માટે મારે છે અને ટોર્ચર કરે છે? 
આના  જવાબમાં તેમણે કબૂલ્યું હતું કે 'હા બેન, શરૂઆતમાં આક્રોશમાં મારો હાથ તેની પર ઉપડી જતો હતો અને આવેશમાં બોલતો પણ હતો પણ મારી પીડા... ...' એમ કહીને તે થોડા અટકી ગયા અને પછી કહ્યું, 'કાંઈ નહીં બેન, જવા દો, તમે તો એનું જ સાંભળશો...' એમ કહેતાં અનીલભાઈનું ગળું રુંધાઈ ગયું અને આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. મેં પછી વધુ વાત ના કરી.

થોડીવાર પછી અનીલભાઈને મેં પૂછ્યું,'ભાઈ, તમે શું કરો છો?'

" હું એક કંપનીમાં ડ્રાઈવર છું. આ મારી નવી નોકરી છે. છેલ્લા 2-4 મહિનાથી માંડ-માંડ મળી છે. કોરોનાને કારણે જૂની નોકરી છૂટી ગઈ. અને વળી, મને અને મારા દીકરાને કોરોના થયો એટલે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું એટલે એ પછી મને બહુ જ અશક્તિ આવી ગઈ છે અને 8 કલાક કામ કરવાનું બહુ અઘરું લાગે છે." આટલું બોલતાં તો તેના અવાજમાં ડૂમો ભરાઈ ગયો. 

"બેન, શું કરું? કોરોનાની માંદગીને કારણે થોડું દેવું થઈ ગયું છે. જૂની નોકરી કરતાં નવી નોકરીમાં મારો પગાર અડધો છે. ઘરની જરૂરિયાત ખબર હોવા છતાં પણ આર્થિક તંગીને કારણે ઘરનું ભરણપોષણ કરવા અસમર્થ છું તેવો સંકોચ મને મારી અંદર થયા કરે છે. હું તો એમ કહી દઉં કે ઘરમાં ચીજવસ્તુઓ આવી જશે પણ અંદરથી તો  મને   ખબર જ હોય છે કે હું ક્યાંથી લાવી શકવાનો હતો.!" એ પછી અનીલભાઈ ઘરે ગયા.

થોડા દિવસ પછી નીતાબેન જ્યારે મળવા આવ્યાં ત્યારે પહેલાં કરતાં વધુ સ્વસ્થ હતાં. મેં તેમને પૂછ્યું, "તમારા અને તમારા પતિ વચ્ચેના ઝઘડા કેવા હોય છે કે વાત મારઝૂડ સુધી પહોંચી જાય છે?"

"બેન, શું કહું!! હમણાં-હમણાં તેઓ બહુ જ ગુસ્સાવાળા અને ચીડિયા થઈ ગયા છે.કાંઈ લાવવાનું કહીએ તો વાયદા કરે છે. પહેલાં ઝઘડા થતા પરંતુ હવે તો હાથ ઉપાડે છે. મને પણ જેમ ફાવે તેમ બોલે છે. અને કહે છે કે તું તારા પિયર જતી રહે તો મારે શાંતિ. જો એ મને રાખવા જ ન માગતો હોય તો મારે પણ રહેવું નથી. એ દિવસે તો ઘરમાં કરિયાણું લાવવાની બાબતમાં મને કેટલું બધું મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. બેન, મારો શું વાંક? ઘર ચલાવવા પૈસા તો માગું ને?"

કેસના મનોવૈજ્ઞાનિક તારણોઃ
 • પુરુષ પ્રકૃતિ મુજબ ઘર ચલાવવાની અને સલામતી આપવાની જવાબદારી હેઠળ જ્યારે પુરુષ માનસિક દબાણ અનુભવે ત્યારે તેનાં વર્તનમાં અને વિચારોમાં હતાશા જન્મે છે. આ હતાશા ધીરે-ધીરે અસલામતી અને ડરમાં પરિણમે છે.
 • પોતાનો સ્વ સાથેનો સંઘર્ષ અને પરિવાર સાથેના સંઘર્ષમાં પુરુષ વાયલન્સ તરફ વળે છે.
 • મહિલા કોરોના પહેલા અને પછી પુરુષના વાયલન્સનો ભોગ બને છે પણ કોરોના પછીનાં આર્થિક પરિબળોને લઈને થતી હિંસાને સમજી શકતી નથી.

તે પછી નીતાબેનના પતિ અનીલભાઈને મળવા બોલાવીને તેમને સમજાવેલું  કે આજકાલ ઘરે-ઘરે લોકો બેકાર છે અને એ પરિસ્થિતિનો હિંમતથી સામનો કરવાનો છે. તમે જે મારઝૂડ કરો છો તે હિંસા છે અને ગુનો બને છે. તમારી પરિસ્થિતિની વાત તમારે તમારી પત્નીને કરવી જોઈએ નહીંતર કહ્યા વિના તો તેને ખબર કઈ રીતે પડે? તમે એને વાત કરશો તો તે ચિંતા નહીં કરે પરંતુ તમને સાથ આપશે.

આમ, અનીલભાઈ સાથે 3-4 મિટિંગ કરવાથી તેમનો દ્રષ્ટિકોણ બદલાયો. પતિ-પત્નીની એક ગ્રુપ મિટિંગ રાખી અને બંનેને એકબીજાની ભૂલો સમજાઈ.નીતાબેને છૂટાછેડાનો નિર્ણય બદલ્યો અને સમાધાન કરી સાસરે ગયાં.
વિનીંગ સ્ટ્રોકઃ-
 • વિવાદ ત્યારે જ શમે જ્યારે સંવાદ થાય.
 • ઘણીવાર, મનની મનોવ્યથા  કે જે કહેવી છે તે કહેતાં નથી અને જે ન કહેવાની હોય તે કહીએ છીએ.
 • પતિ-પત્નીએ એકબીજા સાથે પોતાના મનની વાત ખૂલીને કરવી જોઇએ.
 • કોઈ તટસ્થ વ્યક્તિ પાસે પોતાના પ્રશ્નોની રજૂઆત કરવી જોઈએ.
 • કાઉન્સિલિંગની મદદ લેવી જોઈએ.

ઘરેલુ હિંસાના કેસમાં કાઉન્સિલિંગ ખૂબ મહત્ત્વનું હોય છે.

ઘરેલુ હિંસા-ડોમેસ્ટિક વાયલન્સ, હિંસા એટલે શું, ઘરેલુ હિંસા એટલે શું, કારણો ને ઉપાયો , કોરોનાકાળ અને ઘરેલુ હિંસા
આત્મહત્યા નિવારણ સંસ્થા 'સાથ'ના ફાઉન્ડર
શ્રીમતી અંજુબેન શેઠ કાઉન્સિલિંગ કરી રહ્યાં છે.


ઘરેલુ હિંસા અને સ્ત્રી

આજે, સમગ્ર વિશ્વના બધા જ દેશોમાં મહિલાઓ કોઈને કોઈ પ્રકારની ઘરેલુ હિંસાનો સામનો કરતી આવી છે. આ પ્રકારની ઘરેલુ હિંસા સ્ત્રીઓ સાથે વધુ બનતી હોય છે કારણ કે વિશ્વની કોઈપણ સ્ત્રી અંતે તો એક સ્ત્રી જ હોય છે. આ દ્રષ્ટિએ વિશ્વની બધી જ સ્ત્રીઓ સમાન હોય છે. 


કોરોનાકાળ અને ઘરેલુ હિંસા

કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન અને તે પછી ઘરેલુ હિંસા વધી ગઈ હોવાનું જણાય છે. રાષ્ટ્રિય મહિલા આયોગ(એનસીડબલ્યૂ)નો એક રિપોર્ટ જણાવે છે કે જુલાઈ-2020 દરમિયાન તેમની પાસે ઘરેલુ હિંસાની સૌથી વધુ ફરિયાદો આવી હતી.આ રિપોર્ટમાં જણાવાયું છે કે 2020માં આયોગને 23,722 ફરિયાદો મળી હતી જે છેલ્લાં છ વર્ષમાં સૌથી વધારે છે, જેમાંની 5,294 ફરિયાદો તો માત્ર ઘરેલુ હિંસા સંબંધિત છે.

આમાં સૌથી વધુ ફરિયાદવાળાં રાજ્યો હતાં; હરિયાણા, યુપી અને દિલ્હી.
ગુજરાતના આંકડા બતાવે છે કે આ સમય દરમિયાન મહિલા સુરક્ષા માટેની હેલ્પલાઈન 'અભયમ્' ( નંબર-181) માં આવેલા ઘરેલુ હિંસાના આંકડામાં સારો એવો વધારો થયો છે તેવું સત્તાવાર સૂત્રો જણાવે છે. જે મુજબ, ડિસેમ્બર-2019માં ઘરેલુ હિંસાના 3,695 જેટલા કેસ અહીં આવ્યા હતા, જ્યારે જાન્યુઆરી-2020માં 3,809 જેટલા કેસો અહીં નોંધાયા હતા. જે એપ્રિલ-2020માં વધીને 4,124 થયા અને મે-2020માં વધીને 4,598 થયા હતા. 

આ સિવાય, બીજી એવી ઘણી સ્ત્રીઓ હશે કે જેમણે ડરના માર્યા કે પછી આબરુને ખાતર કે અજ્ઞાનતાને કારણે ફરિયાદ નોંધાવી નહીં હોય.અમદાવાદમાં બનેલો આયેશાનો કેસ પણ ઘરેલુ હિંસાનો જ કેસ હતો અને તે લોકડાઉન દરમિયાન જ બન્યો હતો.તેણે પોતાની આત્મહત્યાનો વિડીયો તૈયાર કરીને પોતાના પતિને મોકલ્યો હતો અને તે પછી રીવરફ્રન્ટમાં આત્મહત્યા કરી હતી. 

કોરોનાકાળમાં ઘરેલુ હિંસા વધવાનાં કારણો

1. ઘરમાં કેટલાય મહિનાઓ સુધી સાથે રહેવાનું બન્યું.

    લોકડાઉન હોવાને કારણે સ્કૂલો-કોલેજો અને વ્યવસાયનાં ક્ષેત્રો, લારી-ગલ્લા, રેસ્ટોરા, હોટલ્સ,કારખાનાં, ફેક્ટરીઓ, ચાની કે શાકભાજીની કે રોજબરોજની વસ્તુઓની લારીઓ, પાથરણાં બજાર બંધ હોવાને કારણે વેપારીઓ, નાના-મોટા વ્યવસાયમાં કામ કરતાં લોકો, મજૂરીએ જતા છૂટક મજૂરો અન્ય નાની-મોટી જોબ કરતા વેતનધારીઓની રોજીરોટી બંધ થઈ ગઈ અને  કુટુંબના બધા જ સભ્યોને આટલા લાંબા સમય સુધી, 24 કલાક, એક જ ઘરમાં સાથે રહેવાનું બન્યું. આ કારણોસર માનસિક તણાવ વધ્યો. રોજની કમાણી બંધ થઈ એટલે ચીજ-વસ્તુઓ ક્યાંથી લાવવી તે પ્રશ્ન થઈ ગયો. પરિણામે, રોજની ટકટક, ઝઘડાઓ, બોલચાલ અને એમાંથી મારામારી જેવી બાબતો વધી ગઈ. ઘરમાં નવરા બેસવાને કારણે અને કંટાળો કે હતાશાને કારણે પુરુષોમાં દારૂની લત વધી ગઈ અને તેને લીધે પણ ઝઘડા થવા લાગ્યા. પુરુષ આખો દિવસ ઘરમાં બેસીને સ્ત્રીની ખામી કાઢ્યા કરે અને સ્ત્રી પુરુષને આખો દિવસ નજર સામે બેસી રહેલો જોઈને કંટાળે અને ટકટક કર્યા કરે. 

2. વિભક્ત કુટુંબોમાં માતા-પિતાનો સપોર્ટ નથી હોતોઃ-

રાષ્ટ્રિય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ એક મીડિયા સાથેની મુલાકાતમાં જણાવ્યું કે આર્થિક ચિંતા, તણાવ અને માતાપિતાનો ઇમોશનલ સપોર્ટ ના હોવાને કારણે લોકડાઉન દરમિયાન ઘરેલુ હિંસાના કેસ વધી ગયા છે.
આજે, સમાજમાં મોટાભાગે વિભક્ત કુટુંબ જોવા મળે છે. વિભક્ત કુટુંબોને કારણે પરિવારને વડીલોનો ઇમોશનલ સપોર્ટ મળી શકતો નથી.નાની-નાની બાબતોમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય ત્યારે તેમને પ્રેમથી સમજાવીને મનમેળ કરાવનાર વડીલોની ખોટ પડતી હોય છે.

3. લોકડાઉનમાં ઘરની સ્ત્રીઓ પર જવાબદારી વધી ગઈ

લોકડાઉનને કારણે વર્ક ફ્રોમ હોમ અને ઑન લાઇન એજ્યુકેશનને કારણે
ઘરના બધા જ સભ્યો 24 કલાક ઘરમાં જ રહીને કામ કરતા હોવાથી  તે બધાની જવાબદારી એકલી સ્ત્રી પર આવી પડી અને સાથે ઘરમાં કામ પણ વધી ગયું.ઘરના સભ્યોની માગણીઓ પણ વધી જતી હોય છે અને એમને એમ લાગતું હોય છે કે મમ્મી છે ને એટલે તે બધું કામ કરી લેશે. પરિણામે, ઘરની સ્ત્રીનું સ્ટ્રેસ-લેવલ પણ વધી જતું હોય છે અને તે પણ પોતાનો મિજાજ ગુમાવી દેતી હોય છે. 

ઘણીવાર એવું બનતું હોય છે કે સંયુક્ત કુટુંબ હોય પણ માતા-પિતા પુત્રને જ સાથ આપતા હોય છે એટલે ઘરની સ્ત્રી કંટાળીને ટેન્શનમાં ખોટું પગલું પણ ભરી લેતી હોય છે. 

4. ઘરમાં સાથે રહીને એકબીજા પર આધિપત્ય જમાવવાની ટેવમાં વધારો

પુરુષો લગભગ આખો દિવસ ઘરની બહાર  જ રહેતા હોય છે અને પત્ની પણ જો જોબ કરતી હોય તો તે પણ ઘરનું કામકાજ પતાવીને બહાર  જ જતી હોય છે.લોકડાઉન દરમિયાન પતિ-પત્ની બંનેને ફરજિયાતપણે ઘરમાં બેસવાનો વારો આવ્યો એટલે બંનેની એકબીજા પ્રત્યેની અપેક્ષાઓ અને ફરિયાદોમાં વધારો થઈ ગયો. આ અપેક્ષાઓ અને ફરિયાદો કેવી હોય છે તે જોઈએઃ-

 •  સામાન્ય સંજોગોમાં કામ પર જતાં હોવાને કારણે પતિ-પત્ની બંને એકબીજાને સમય નથી આપી શકતા એટલે આવા સંજોગોમાં પત્નીની માગણી હોય છે કે પતિ ઘરમાં હોય ત્યારે વધુ ને વધુ સમય મારી સાથે વિતાવે. વર્ક ફ્રોમ હોમને કારણે પતિ ઘરમાં પોતાનું કામકાજ કરે છે, લોકો સાથે ફોન પર વાતચીત કરતા રહે છે,અને ત્યારે પત્ની કંટાળે છે અથવા તો જેટલા ફોન આવે તેના પર શંકા કરતી રહે છે અને પતિ પર વોચ રાખ્યા કરે છે.

 •  પરિણામે પતિને એમ લાગે છે કે મારા જીવનમાં તે માથું મારે છે એટલે તે વારંવાર આક્રમક બની જાય છે અને પત્નીની અપેક્ષાઓ પૂરી ન થતાં તે પણ મૂડ બગાડી નાખે છે, ઝઘડા કરે છે અને આમ બંને વચ્ચે ટેન્શન રહે છે, જે બોલાચાલીમાંથી ક્યારેક મારામારી સુધી પહોંચી જાય છે.

 • જો પત્ની પણ ઘરમાં પોતાની ઓફિસનું કામ લઈને બેસી જાય તો  પતિને તે પસંદ નથી પડતું અને તેમનો ઇગો ઘવાય છે  અને પત્નીની માનહાનિ કરવાના પ્રયાસો કરે છે. આમાંથી વાત વધી જતી હોય છે.

 • સામાન્ય રીતે, મોટાભાગના પતિઓના મનમાં એવું હોય છે કે હું કહું તે પત્નીએ માનવું જ જોઈએ, હું ઘરમાં હોઉં ત્યારે તો મારી પત્નીએ મારી બધી જ ફરમાઇશો પૂરી કરવી જોઈએ.આમ પણ, હું બહાર હોઉં ત્યારે તો તેને આરામ જ આરામ હોય છે ને! અને પત્ની પણ જો જોબ કરતી હોય અને લોકડાઉનને કારણે ઘરમાં હોય ત્યારે તેની પણ એવી અપેક્ષા જરૂર હોય છે કે પતિ ઘરનાં કામકાજમાં થોડી મદદ કરે, બાળકોને એન્ગેજ રાખવામાં મદદ કરે તો તેનું એટલું કામ ઓછું થઈ જાય. આમ, એકબીજા પ્રત્યેની આ અપેક્ષાઓ અને ઇગો તેમની વચ્ચે ખટરાગનું કારણ બની જાય છે.આવું મોટાભાગે,  શિક્ષિત અને મધ્યમ વર્ગના પરિવારોમાં બનતું હોય છે. આજે પણ, પુરુષપ્રધાન સમાજમાં પુરુષો પોતાનું આધિપત્ય જમાવવા પ્રયત્ન કરતા હોય છે. 

 • જ્યારે નાની-મોટી જોબ કરતા અને રોજેરોજનું રળીને ખાનારા વર્ગમાં કોરોનાકાળ દરમિયાન રોજની આવક બંધ થવાને કારણે ઘરમાં રોજી-રોટીના પ્રશ્નો ઊભા થયા. રોજનો ખર્ચ કેવી રીતે ચલાવવો તે પ્રશ્ન હતો. સ્ત્રીને તો ઘર ચલાવવા પૈસા જોઈએ પણ પુરુષ તેને આપી ન શકે ત્યારે તેનું સ્વમાન ઘવાય, તેનો ઇગો ઘવાય અને તે કોઈને કહે નહીં પણ તણાવમાં રહે, ઝઘડા કરે, ગમે તેમ બોલે, આવી બોલાચાલીમાંથી મારઝૂડ સુધી વાત પહોંચી જાય અને અંતે સ્ત્રીને ઘરની બહાર કાઢી મૂકે. સામાન્ય સંજોગોમાં તો સ્ત્રી પિયર જતી રહે પરંતુ લોકડાઉનમાં તે ક્યાં જાય!  એટલે પછી ફરિયાદ નોંધાવે. 

લોકડાઉનમાં મહિલાઓની સ્થિતિ વધુ બગડી છે.

 • તેની પાછળનું એક મહત્ત્વનું કારણ એ પણ છે કે સામાન્ય દિવસોમાં ઘરમાં કજિયાકંકાસ થાય તો સ્ત્રી પોતાના મિત્રો કે પિયરીયાં સાથે વાતચીત કરીને પોતાનો ગુસ્સો કે તણાવ શાંત કરતી હોય છે અથવા તો ત્યાં જઈને વાતચીત કરીને શાંત થઈ જતી હોય છે  અને ક્યારેક પતિ બહુ બળજબરી કરે તો પિયર જતી રહે અને પતિ લેવા ન આવે ત્યાંસુધી પાછી નથી આવતી પરંતુ લોકડાઉનના દિવસોમાં પત્ની પોતાને પિયર નહીં જતી રહે કે કોઈને ફરિયાદ કરવા બહાર પણ નહીં જઈ શકે એ વાત પતિને બરાબર ખબર હોય છે એટલે તેનો લાભ લઈને પત્ની સાથે દુર્વ્યવહાર કરે છે. આ બાબતને ધ્યાનમાં લઈને લોકડાઉન દરમિયાન અભયમ્-હેલ્પલાઇન(નં.181)દ્વારા મહિલાઓને માટે એક વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો હતો જેથી મહિલા બહાર ગયા સિવાય મોબાઈલ દ્વારા ફરિયાદ નોંધાવી શકે અથવા ફોન કરી શકે. આ નંબરની સુવિધા ફક્ત લોકડાઉન પૂરતી જ હતી.

ઘરેલુ હિંસાની સીધી અસર પતિ-પત્નીના સંબંધો ઉપર થઈ છે

 • કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન સમગ્ર વિશ્વમાં ઘરેલુ હિંસામાં વધારો થયો અને પરિણામે પતિ-પત્નીના સંબંધોમાં પણ બદલાવ જોવા મળ્યો છે. આ વિષયના નિષ્ણાતોનું કહેવું છે કે ઘરેલુ હિંસાને પગલે ડિવોર્સ માટેની પૂછપરછ પણ વધી ગઈ છે અને તેમનું કહેવું છે કે વર્ષ-2019ની સરખામણીએ વર્ષ-2020માં ડિવોર્સ અંગેની પૂછપરછનું પ્રમાણ 30થી40 ટકા વધ્યું છે('દિવ્ય ભાસ્કર' ના એક રિપોર્ટને આધારે). 
 • તેમનું કહેવું છે કે અગાઉનાં વર્ષોમાં તો  ગંભીર કારણોસર ડિવોર્સ લેવાની વાતચીત થતી હતી પરંતુ લોકડાઉન દરમિયાન તો નાની-નાની બાબતોને મોટું સ્વરુપ આપીને ડિવોર્સ માટે કપલ્સ આવતાં હોય છે. તેમનું માનવું છે કે ઘરના સભ્યો સાથે બેસીને અથવા તો વડીલોની સાથે તેમની સમસ્યાની ચર્ચા કરીને તેનો ઉકેલ લાવવો જોઈએ.
 •  પરંતુ, આજકાલ તો વિભક્ત કુટુંબો વધી ગયાં છે. આજની         જનરેશનમાં ધીરજ, સહનશીલતા, ખમી ખાવાની વૃત્તિ, પડ્યું પાનું     નિભાવી લેવાની વૃત્તિ, ત્યાગની ભાવના, સમર્પણ જેવા ગુણો તો         ભાગ્યે જ જોવા મળે છે. ઇગો એટલો બધો હોય છે કે તડ ને ફડ કરીને  છેડો ફાડી નાખવામાં જ માનતા હોય છે.

ઘરેલુ હિંસા માટે સ્ત્રી પણ જવાબદાર હોય છે.

વર્તમાન સમયમાં ઘરેલુ હિંસા થવા પાછળ માત્ર પુરુષો જ કારણભુત હોય છે તેવું નથી. મલ્ટિમિલિયન કંપનીઓમાં પુરુષોની સાથે ખભેખભા મિલાવીને વ્હાઇટકોલર જોબ કરતી અને અઢળક પૈસા કમાતી સ્ત્રીઓ પણ જવાબદાર હોઈ શકે છે. પુરુષસમોવડી બનવાની હોડમાં તે પુરુષની બધી ટેવો પણ અપનાવી લેતી હોય છે અને તેનો ઇગો તેને પણ આક્રમક બનાવતો હોય છે અને ત્યારે તે પતિની સામે દલીલબાજી, મહેણાં-ટોણા અને મારામારી કરવા લાગતી હોય છે.

ઘરેલુ હિંસા સમયે બચવાના ઉપાયોઃ-
પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર(મહિલા સહાયતા કેન્દ્ર)જામનગરના કાઉન્સેલર શ્રીમતી ભાવિષા રાદડિયા પાસેથી આપણે ઘરેલુ હિંસા સમયે બચવાના ઉપાયો વિશે જાણીએઃ-


ઘરેલું હિંસા-ડૉમેસ્ટિક વાયોલન્સ, હિંસા એટલે શું?ઘરેલુ હિંસા એટલે શું?કારણો અને ઉપાયો, કોરોનાકાળ અને ઘરેલુ હિંસા
        
  
   બચવાના ઉપાયોઃ-
 • હિંસાનો ભોગ બનેલી વ્યક્તિ 100 નંબર ડાયલ કરી પોલીસ મદદ લઈ શકે છે.
 • 181-અભયમ્-મહિલા હેલ્પ લાઇનની મદદ દ્વારા ક્યાંય પણ ગયા વગર સ્થળ પર જ સલાહ, મદદ, માર્ગદર્શન મેળવી શકાય છે.પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર(મહિલા સહાયતા કેન્દ્ર), કે જે દરેક જિલ્લાના પોલીસ સેન્ટરમાં કાર્યરત છે ત્યાં જઈ પોતાનો પ્રશ્ન ઉકેલીને સ્વમાનભેર રહી શકે છે. આ હેલ્પલાઈન પર 24 કલાક(ટોલ ફ્રી નંબર)સંપર્ક કરી શકાય છે.
 • સખી વન સ્ટોપ સેન્ટરમાં જઈ આશ્રય, સલાહમાર્ગદર્શન, તબીબી સેવા, પોલીસ-કાનૂની સેવા મેળવી શકે છે.
 • તરછોડાયેલી કે કાઢી મૂકેલી મહિલા પોતાના પિયર કે સાસરે જવા ન માગતી હોય તો સ્ત્રી-સંરક્ષણ ગૃહમાં આશ્રય મેળવી પોતાની જિંદગી જીવી શકે છે.
 • નારી અદાલત, કુટુંબ સલાહ-કેન્દ્ર, વિવિધલક્ષી મહિલા મંડળોમાં પણ મદદ માગી શકે છે.
 •   રાજ્ય,જિલ્લા, તાલુકા કાનૂની સહાયતામાં જઈ કાનૂની પરામર્શ, નિઃશુલ્ક વકીલ વ્યવસ્થા, મધ્યસ્થીકરણ કે સીધી ઘરેલુ હિંસા અધિનિયમ-200પ હેઠળ રક્ષણ, રહેઠાણ, ભરણપોષણ, બાળક-કસ્ટડી, વળતર માગી શકે છે.
 લગ્નજીવનમાં શાંતિ કઇ રીતે લાવીશું ?

 •  સૌ પ્રથમ એ વાતને સમજી લેવાની જરૂર છે કે કોરોના અને લોકડાઉન જેવી તકલીફો જીવનમાં આવતી રહેવાની છે  અને તે સમયે એમ સમજીને ચાલવું જોઈએ કે કુટુંબ એ આપણી બધી તકલીફોની દવા છે. એમ કહેવાયું છે કે, 'પરિવાર એ એક એવો મેડિકલ સ્ટોર્સ છે કે જ્યાં દરેક દર્દની દવા નિઃશુલ્ક મળે છે.' આમ સમજીને કુટુંબના આધારસ્તંભ એવાં પતિ-પત્નીએ પોતાનું કુટુંબ હળીમળીને સુખચેનથી રહે તે માટે પોતાના અંગત પ્રશ્નોને બહુ મહત્ત્વ આપ્યા સિવાય કુટુંબની શાંતિ જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવા જોઈએ.પરિવારમાં સંપ હોય તો તેની શક્તિ અનેકગણી વધી જતી હોય છે.
 • કુટુંબમાં આવતી દરેક સમસ્યાને કુટુંબની ગણીને તેનો સાથે મળીને ઉકેલ લાવવો જોઈએ.
 • સ્ત્રી એ કોઇ વસ્તુ કે સંપત્તિ નથી કે તેની પર નિયંત્રણો કરવાનાં પ્રયત્નો કરવામાં આવે. કુટુંબમાં દરેક વ્યક્તિનું તેનું સ્વમાન  અને સ્વતંત્રતા હોય છે. એટલે પરસ્પર એકબીજાનું માન જાળવવામાં આવે તે જરૂરી હોય છે.
 • કુટુંબનાં દરેક નિર્ણય અને કાર્યમાં કુટુંબના દરેક સભ્યની સરખી જવાબદારી અને ભાગીદારી હોવા જરૂરી છે.
 •  ગરીબ, મધ્યમ કે ઝૂંપડપટ્ટીમાં રહેતાં કુટુંબોમાં જે ક્લેશ અને ઘરેલુ હિંસા થતી હોય છે તેની પાછળનાં મુખ્ય કારણોમાં સખત ગરીબી, બેકારી, નિરક્ષરતા,અને વ્યસનોની આદત જેવી બાબતો રહેલી હોય છે. શિક્ષિત, હાઇ-મિડલ ક્લાસ કુટુંબોમાં આચરવામાં આવતી  ઘરેલુ હિંસા પાછળ અપેક્ષાઓ, ખોટી શંકાઓ, અન્ય સ્ત્રી કે પુરુષ સાથેના અનૈતિક સંબંધો, સત્તાનો નશો, પૈસાનો નશો, ખોટી આદતો, ઇગો, અને આક્રમક વલણ તેમ જ મનનો મેળ નહીં હોવાની બાબતો ભાગ ભજવતી હોય છે. અહીં 'એડજેસ્ટમેન્ટ' જરૂરી બને છે. એકમેકને અનુકૂળ થઈને રહેવાની બાબતમાં એક અડિયલ ટટ્ટુ જેવો એક દુર્ગુણ છે 'અભિમાન'.
 • આજની સ્ત્રીઓએ આગળ જરૂર વધવાનું છે, પોતાનો વિકાસ કરવાનો છે,પોતાનું સશક્તિકરણ કરવાનું છે પરંતુ પુરુષના હરીફ બનીને નહીં પરંતુ તેના મિત્ર બનીને.સાચા અર્થમાં તેની સહધર્મચારિણી બનવાનું છે.

ઘરેલુ હિંસા અંગેનાં કેટલાંક તથ્યો


 • સંયુક્ત રાષ્ટ્રસંઘના એક અંદાજ મુજબ વિશ્વના ઘણા દેશોમાં આ મહામારી દરમિયાન ઘરેલુ હિંસાના બનાવોમાં 40 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. સમગ્ર વિશ્વમાં લગભગ દોઢ કરોડ જેટલી મહિલાઓને હિંસાનો ભોગ બનવું પડ્યું છે. આ અંગે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા દરેક દેશની સરકારોને સ્ત્રી-સુરક્ષા માટેની અપીલ કરવામાં આવી છે.
 • વર્લ્ડ હેલ્થ ઓરગેનાઈઝેશનના એક ન્યૂઝ-લેટરમાં જણાવાયું છે કે મહિલાઓ સામે ખાસ કરીને ઇન્ટિમેટ પાર્ટનર વાયલન્સ અને સેક્સ્યુઅલ વાયલન્સ એ બહુ મોટો જાહેર આરોગ્ય પ્રશ્ન છે. તેમાં તેના માનવીય અધિકારોનું હનન થઈ રહ્યું છે.
 • 'ગુજરાત સમાચાર'ની વેબસાઈટના એક રિપોર્ટ મુજબ છેલ્લાં 6 વર્ષમાં ગુજરાત રાજ્યમાં 8.25 લાખ મહિલાઓએ મદદ માટે મહિલા હેલ્પ લાઈનનો સંપર્ક કર્યો છે.આમાં અમદાવાદની 1.19 લાખ મહિલાઓએ મદદ લીધી જેમાંથી 21,819 મહિલાઓને સ્થળ પર જઈને મદદ આપવામાં આવી. આ હેલ્પ લાઈનને 2014માં 13,490 કોલ મળ્યા હતા જ્યારે તે વધીને 2020માં 1,36,654 જેટલા કોલ મળ્યા હતા. 
 • ભારતમાંથી લગ્ન કરીને અન્ય દેશોમાં જતી સ્ત્રીઓનું પ્રમાણ વધ્યું છે અને સાથે સાથે તેમની સાથેની ઘરેલુ હિંસાનું પ્રમાણ પણ વધ્યું છે. ખાસ કરીને, ગુજરાત,પંજાબ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં આવી ફરિયાદો વધુ નોંધાઈ છે જેની માહિતી વિદેશ મંત્રાલયો પાસે હોય છે.
 • અગાઉના સમય કરતાં આ દિશામાં જાગૃતિ આવી છે છતાં પણ ઘણા સહિયારા પ્રયત્નો છતાં પણ ઘરેલુ હિંસા વધતી જાય છે તેનું એક માત્ર કારણ છે કે મહિલાઓ આધુનિક બનતી જાય છે પરંતુ તેનામાં આ માટેની જાગૃતિ નથી આવતી અને બીજું કે સમાજમાં આબરૂ જવાનો ડર હોય છે એટલે તે સહન કરતી રહે છે પરંતુ બોલતી નથી.
 • દર વર્ષે ઓક્ટોબર મહિનાને ઘરેલુ હિંસા જાગૃતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે.
 • દરેક મહિલાએ મહિલા માટેના અધિકારો, કાયદાઓ, સુરક્ષા વ્યવસ્થાઓ અને સવલતો તેમ જ મુશ્કેલ સંજોગોમાં શું કરવું, કોની મદદ લેવી તે વિશે જાગૃતિ કેળવવાની જરૂર છે. 
 • કુદરતે સ્ત્રીને  સ્ત્રીત્વની જે મૂડી આપી છે કે જે પુરુષ પાસે નથી, એ એવી અજોડ ભેટ છે કે જે પતિના હૈયામાં હામ જગાડે છે,સંતાનોનાં કોમળ જીવનમાં મમતાની લહાણી કરે છે,વૃદ્ધજનો અને અશક્તો માટે સંવેદના ને કરુણા ધરાવે છે,સમગ્ર સંસાર માટે કરુણાની દેવી બની માંગલ્યની કામના કરે છે, તે ભેટને  તેણે સાચવીને રાખવાની છે. સ્ત્રીનાં શક્તિસ્વરુપમાં જ્યારે પુરુષનાં પુરુષત્વની, તેના સહયોગની સુવાસ ભળે છે ત્યારે  સોનામાં સુગંધ ભળ્યા જેવું પરિણામ જોવા મળે છે.
 • સંબંધોને સાચવીએ, એકબીજાને માન આપીએ.
       ભારતીય સમાજમાં હજુ પણ સંયુક્ત કુટુંબની અને પારિવારિક ભાવના ટકી રહી છે એટલે આપણાં માટે હજુ મોડું નથી થયું. આટલો મોટો સમાજ છે એટલે પ્રશ્નો તો રહેવાના છે પરંતુ આપણે તે તરફ જાગૃતિ કેળવવાના પ્રયત્નો કરતા રહીએ.
        ક્ષમા,સહનશીલતા,ધીરજ, કરુણા,ઔદાર્ય, ગંભીરતા,શાંતિ, એ એવા ગુણો છે કે જે સંબંધરૂપી પુષ્પની પાંખડીઓ બની સંબંધને પ્રફુલ્લિત અને સુવાસિત રાખી વાતાવરણને મહેકતું રાખે છે.સંબંધ નામના મહામૂલા છોડનું જતન કરીને તેને હંમેશાં નવપલ્લવિત રાખવાનો હોય છે.

          આવો, સંબંધોને સાચવીએ અને સજાવીએ.

         આપણાં સહુનાં જીવનમાં સંબંધોના સરવાળા થતાં રહે, બાદબાકી નહીં, એટલે માટે જીવનમાં મળી આવેલા સંબંધોને સંવારીએ, સજાવીએ અને ઘાટ આપીએ. સંબંધોની એક એવી મીઠી તરજ બનાવીએ કે જેમાં સૂરોના સુમેળથી સૂરીલું ગાન ગુંજી ઊઠે અને તેનાં માધુર્ય તથા સંવાદિતાથી ચારે દિશાઓમાં અનોખી ચેતના ઝંકૃત થઈ ઊઠે.
ઘરેલુ હિંસા-ડોમેસ્ટિક વાયલન્સ,હિંસા એટલે શું,ઘરેલુ હિંસા એટલે શું, કારણો ને ઉપાયો,કોરોનાકાળ અને ઘરેલુ હિંસા.
આવો, સંબંધોને સાચવીએ અને સજાવીએ.