ચાલતી પટ્ટી

" જિંદગીમાં જીતની સૌથી સારી તૈયારી એ છે કે આજે સારું કામ કરો.● ‘વિષાદ’ પણ એક યોગ છે. ● એક કામ શરુ કરી લીધા પછી અસફળતાનો ડર ના રાખો, ● અને કામને અધવચ્ચે છોડો પણ નહીં. ● સફળ લોકો કોઈ અલગ કામ નથી કરતા, ● બસ, તે કાંઈક અલગ રીતે કામ કરે છે... ● કોઈ પણ વ્યક્તિ તમને તમારી મરજી વિરુદ્ધ લઘુતાગ્રંથિનો અનુભવ ના કરાવી શકે."

13 જૂન 2021

લાઇફ આફ્ટર કોરોના, સ્ટાર્ટ કરો નવી જિંદગીને...

 લાઇફ આફ્ટર કોરોના, સ્ટાર્ટ કરો નવી  જિંદગીને...


પ્રસ્તાવનાઃ-

કોરોનાની મહામારી પછી હવે સમગ્ર વિશ્વમાં જનજીવન સામાન્ય બની રહ્યું છે અને ધીરે ધીરે લોકો પોતપોતાનાં ધંધા-રોજગાર, અભ્યાસ અને રોજબરોજની પ્રવૃત્તિઓ તરફ પાછાં ફરી રહ્યાં છે ત્યારે સહુને માટે એક નવું જીવન શરૂ કરવાની ઘડી આવી ગણાશે. આટલા લાંબા સમયના લોકોએ  જે અનુભવ્યું તે જીવનને અતિ નિરાશાજનક સ્થિતિમાં લાવનારી સ્થિતિ હતી. એક અતિ મુશ્કેલીભર્યો સમય પસાર થઈ ગયો છે અને હવે સમગ્ર જગત સામે જે નવી પરિસ્થિતિ ઊભી થઈ છે તે સદંતર બદલાઈ ગઈ છે અને તેનો સામનો કરીને એક નવું જીવન શરૂ કરવાનો આ સમય છે. લાઇફ આફ્ટર કોરોના, સ્ટાર્ટ કરો નવી  જિંદગીને..લાઇફ આફ્ટર કોરોના, સ્ટાર્ટ કરો નવી જિંદગીને..
લાઇફ આફ્ટર કોરોના, સ્ટાર્ટ કરો નવી જિંદગીને..    
જરા નજર કરીએ કોરોનાએ કરેલી  સ્થિતિ તરફઃ-


નવા જીવન તરફ આગળ વધીએ તે પહેલાં જરા પાછળ નજર કરીએ કે આપણે કેવી ભયાનક પરિસ્થિતિમાં હતા. આખી દુનિયાએ કેટલું બધું ગુમાવ્યું છે. લાખો અને કરોડો લોકોએ આ ભીષણ મહામારીનો માર ખાધો. આપણાં વહાલાં સ્વજનોનાં દુઃખોને આપણે આપણી નજર સામે જોયાં.કોઇની માતા તો કોઈના પિતા, કોઈનો વહાલસોયો ભાઈ તો કોઇની વહાલસોયી બહેન, વહાલસોયાં સંતાનો, પરિવારજનો હોમાઈ ગયા આ મહામારીની ભીષણ આગમાં...


કોઈએ પોતાની  જોબ ગુમાવી તો કોઈએ વેપારધંધા, રોજનું રળી ખાનારાં લોકોને તો જીવવા જેવું જ ક્યાં રહ્યું છે? અનેક માનવોની સેવામાં દિનરાત જોયા સિવાય ઊભે પગે ઝઝૂમતા ડૉક્ટર્સ-નર્સિસ, સ્વયંસેવકો અને બીજા અનેક સેવાભાવી લોકોને પણ આ મહામારીએ છોડ્યા નહીં. 


15 વર્ષની આશાએ એનાં માતાપિતા ને નાના ભાઈને ગુમાવી દીધાં છે. હવે એ એકલી ક્યાં જશે? દર્શનની સાથે તેની મમ્મી રહેતી હતી પણ તે મૃત્યુ પામી છે તો એ કોની પાસે રહેશે? 70 વર્ષનાં દયાબા ને તેમના પતિ એકલાં જ રહેતાં હતાં. તેમનાં પતિ મૃત્યુ પામ્યાં. દયાબા કોરોના પહેલાં તો બહારગામના વિદ્યાર્થીઓને ઘરે જમાડતાં હતાં પણ હવે ઓનલાઈન શિક્ષણને કારણે એ કામ પણ બંધ થઈ ગયું છે તો હવે દયાબાને રોજીરોટી કોણ આપશે? સમગ્ર દુનિયામાં આવા તો અસંખ્ય લોકો તકલીફોમાં જીવી રહ્યાં છે એ બધાંનું શું થશે? 


કોરોનાએ છેલ્લાં દોઢ-બે વર્ષોમાં દરેક ક્ષેત્રમાં જે પાયમાલી કરી છે તેનો હિસાબ કરવા જઈશું તો પાર નહીં આવે.  નિર્જન રહેઠાણો, અનાથ થઈ ગયેલાં બાળકો, અનાથ થઈ ગયેલી અનેક સ્ત્રીઓ તેમજ પુરુષો ને નિઃસહાય વૃદ્ધો, આ બધાંનું શું થશે? ક્યાં જશે બધાં? મજબૂર થઈને ફરી એકવાર શોષણની આગમાં ધકેલાશે કે પછી રસ્તાને કોઈ ખૂણે ભૂખતરસની પીડા ભોગવી ભોગવીને મૃત્યુ પામશે? 


ચાલો, નવી જિંદગી તરફ આગળ વધીએઃ-


આપણે ક્યાં જાણીએ છીએ કે આ બધાનું શું થશે? બસ, એટલું જાણીએ છીએ કે આ ભયાનકતાને ગળે વળગાડીને બેસી રહેવાથી જિંદગી પસાર નથી થવાની. આપણે બચી ગયા છીએ અને આપણને એક નવી જિંદગી મળી છે તો તે તરફ આગળ વધવાનું છે. હવે, આપણે માત્ર આગળ જ વધવાનું છે. યાદ રાખો,લાઇફ આફ્ટર કોરોના, સ્ટાર્ટ કરો નવી જિંદગીને...


યાદ રાખો, નવા અનુભવોનેઃ-

ભૂતકાળની પીડાજનક યાદોને, સ્મરણોને ભૂલી જવાનાં છે પણ હા, યાદ રાખવાની છે  કેટલીક બાબતોને, કેટલાક અનુભવોને કે જે કોરોનાકાળે આપણને ભેટમાં આપ્યા છે.કટોકટીનો સમય તો આવતો રહેશે પરંતુ આપણે તેમાંથી શું શીખીએ છીએ તે બાબત જરૂરી હોય છે જેથી આપણી આગળની નવા જીવનની સફર વધુ આનંદદાયી બની રહે.


કોરોનાકાળમાં  શું શીખવા મળ્યું ?


1) 'દરેક નિરાશા પાછળ એક આશા છુપાયેલી હોય છે.' તેથી હતાશ થયા વિના હિંમત રાખીને ઊભા થઈ જવાનું. 

એક સરસ પ્રસંગ હમણાં વાંચવામાં આવ્યોઃ- 

જેમાં વાત છે એક ગામની કે જે પૂરમાં બિલકુલ તારાજ થઈ ગયું હતું. લોકો આશ્રયસ્થાનો પર જતા રહેલા અને પૂર ઓસર્યું તે પછી પાછા ફર્યાં. એક ખેડૂત અને તેની પત્નીનું તો આખા ઘર સાથે બધું જ તણાઈ ગયેલું. બંને જણાં નિરાશ થઈને બેસી ગયા કે હવે શું કરવું ?

તે વખતે તેમની પાંચ-સાત વર્ષની દીકરી કાદવમાં પોતાની ઢીંગલીને શોધી રહી હતી તે તેમણે જોયું.  ખૂબ પ્રયત્નો પછી તેને તે ઢીંગલી મળી ગઈ એટલે ખુશ થઈ ગઈ. આ જોઈને ખેડૂતે એની પત્નીને કહ્યું, "જો આટલી નાની છોકરીએ કાદવમાંથી ઢીંગલી શોધી કાઢી તો આપણે પણ મહેનત કરીશું તો ગુમાવી દીધેલું પાછું મેળવી શકીશું."


આ સાંભળીને ખેડૂતપત્નીને પણ એવું જોશ ચઢ્યું કે તેણે તો સાડીનો વાળ્યો કછોટો અને કાદવમાં પોતાની ઘરવખરી શોધવા લાગી. આ રીતે બંને ફરી એકવાર જીવવા માટે તૈયાર થઈ ગયા. આવા પોઝિટિવ વિચારોથી રસ્તા મળી જ આવતા હોય છે.ચાલો, હિંમતથી ઊભા થઈએ અને આગળ વધીએ..તમે તૈયાર છો ને? યાદ રાખો, લાઇફ આફ્ટર કોરોના, સ્ટાર્ટ કરો નવી જિંદગીને...


2) સંબંધોને ધબકતાં રાખોઃ-


લોકડાઉનના સમયમાં લોકોએ ઘરમાં રહીને પરિવાર સાથે સમય પસાર કર્યો. પરિવાર સાથે બહુ લાંબો સમય વીતાવવાનો મોકો મળ્યો અને બધાએ સાથે બેસીને જાતજાતની પ્રવૃત્તિઓ કરી સમય પસાર કર્યો. કેટલાંક ઘરોમાં પુરુષોએ રસોઈકલા પર હાથ અજમાવ્યો તો સ્ત્રીઓએ બાળકો પાછળ સમય આપ્યો. જાતજાતની રમતો રમીને આનંદ મેળવ્યો. 


ઓનલાઈન પ્રવૃત્તિઓ કરી તો વર્કશોપ કે તાલીમ જેવી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઈ અનેકવિધ વિષયોનું જ્ઞાન મેળવ્યું. સાથે રહેવાથી એકબીજાની મુશ્કેલીઓ અને ખૂબીઓનો પણ ખ્યાલ આવ્યો. અને પરિવારજનો એકબીજાની વધુ નજીક આવ્યા. ઘણા બધા લોકોને એવું પણ લાગ્યું કે અમુક સમય તો પરિવાર સાથે  વીતાવવો જ જોઈએ. આપણા જીવનમાં સંબંધો જીવનને ધબકતું રાખે છે. તેનું કોઈપણ ભોગે જતન કરવું જોઈએ. સાથે રહીને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓને જીતી શકાતી હોય છે. પરિવાર એ આપણી તાકાત બની જતો હોય છે.તો યાદ રાખો, લાઇફ આફ્ટર કોરોના, સ્ટાર્ટ કરો નવી જિંદગીને...


3) પહેલું સુખ તે જાતે નર્યાંઃ-


આપણું સ્વાસ્થ્ય એ હેપ્પી જીવન જીવવા માટેનું  સૌથી અગત્યનું ફેક્ટર છે. આપણું શરીર જ નબળું હોય, આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો આપણને જીવનમાં આનંદ જ નહીં આવે. કોરોનાથી બચવા લોકોએ વિવિધ પ્રયત્નો કર્યા અને ત્યારે સહુને આયુર્વેદ ને નેચરોપથીનું મહત્ત્વ સમજાયું. સ્વસ્થ-આરોગ્યપ્રદ, ઘરમાં બનેલો પૌષ્ટિક ખોરાક, કસરત-યોગ અને નિયમિત લાઈફસ્ટાઈલ સ્વસ્થ જીવન જીવવા માટે કેટલાં અગત્યનાં છે તેની મહત્તા સમજાઈ. 


4) મુશ્કેલીના સમયમાં માનવતા રાખો


કોરોનાકાળમાં આપણે જોયું કે કેટલા બધા લોકોએ માનવતા દાખવી અને જરૂરીયાતમંદ લોકોની મદદે પહોંચી ગયા. બીમાર વ્યક્તિ માટે 108 બોલાવવાની હોય, હોસ્પિટલમાં દાખલ કરવાના હોય, ઓક્સિજનની તકલીફ દૂર કરવાની હોય, પેશન્ટનાં સગાંવહાલાં માટે નાસ્તા-પાણીની વ્યવસ્થા કરવાની હોય કે પગપાળાં પોતાનાં ઘર તરફ જતા શ્રમજીવીઓને માટે રસ્તામાં ખોરાક-પાણીની વ્યવસ્થા કરવાની હોય, ગરીબોને માટે મફત દવા ને ખોરાકની વ્યવસ્થા કરવાની હોય, વૃદ્ધો ને અશક્તોની મદદ કરવાની હોય, આવાં બધાં   જ પ્રકારનાં કામોમાં યુવાનો, બાળકો, સેવાભાવી સંસ્થાઓ અને મંડળોએ ખૂબ જ મદદ કરી. 

ડૉક્ટર્સ-નર્સો અને સ્વયંસેવકોએ રાતદિવસ ખડે પગે લોકોની સેવા કરી.આ આપત્તિકાળમાં લોકો જ લોકોની સાથે ઊભા રહ્યા અને માનવસેવાનું મૂલ્ય સમજાવ્યું.
 
5) પ્રકૃતિ ને પર્યાવરણની રક્ષા કરોઃ-
પ્રકૃતિ ને પર્યાવરણની રક્ષા કરો   
 લોકડાઉન દરમિયાન લોકોને સમજાયું કે આપણે પ્રકૃતિ ને પર્યાવરણની રક્ષા કરવી જોઈએ. લોકોની ભીડ જાહેરસ્થળો પર અને પ્રાકૃતિક ધામોમાં સ્વચ્છતાના નિયમોનું પાલન નથી કરતી માટે આપણી નદીઓ, પર્વતો, સાગરોમાં ગંદકી વધી રહી છે, પાણી અસ્વચ્છ બની રહ્યું છે, વૃક્ષો કાપવામાં આવી રહ્યાં છે માટે હવા પ્રદૂષિત બની રહી છે અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી રહ્યું છે. પરિણામે પ્રકૃતિમાં અનેક પ્રકારના રોગો ફેલાઈ રહ્યા છે અને કોરોના જેવી મહામારીને  જન્મ આપી રહ્યા છે. આમ, આપણને પ્રકૃતિ ને પર્યાવરણનું રક્ષણ કરવાની મહત્તા સમજાઈ છે.


6) મેડિકલ ક્ષેત્રમાં નવાં-નવાં રિસર્ચને પ્રાધાન્ય મળ્યું અને આરોગ્ય સેવાઓ વધુ સક્ષમ અને પહોંચવાળી બની

કોરોના જેવી ભયંકર મહામારીને નાથવા માટે આરોગ્ય સંસ્થાઓ અને વૈજ્ઞાનિકોએ  પ્રયોગો હાથ ધરી નવી  નવી શોધખોળ કરી, અનેક પ્રકારની દવાઓ અને સારવારો અસ્તિત્વમાં આવી.નવી-નવી રસીઓ શોધાઈ અને
 મેડિકલ ક્ષેત્રમાં વિવિધ સંશોધન-કાર્યો અસ્તિત્વમાં આવ્યાં. નાનાંમાં નાનાં ગામો સુધી આરોગ્યસેવાઓ પહોંચાડવા માટે સરકારો દ્વારા જે સગવડો ઊભી કરવામાં આવી અને રૂબરૂમાં જ પેશન્ટની સારવાર શક્ય ના હોય તો તે માટે વીડિયો કોલિંગથી પેશન્ટને તપાસીને દવા આપી શકાય તેવી વ્યવસ્થા ડૉક્ટર્સ દ્વારા કરવામાં આવી. આમ, રોગ કાબૂમાં આવતો ગયો છે. આ રીતે, સમગ્ર દુનિયામાં મેડિકલ સાયન્સમાં અને આરોગ્યસેવાઓમાં ધરખમ ફેરફારો અને પ્રયોગો જોવા મળ્યા જેણે આ
 ક્ષેત્રમાં નવી ક્રાંતિ આણી છે.
 

7) એક નવીન ડિજિટલ યુગની શરૂઆત થઈ છે

કોરોનાકાળમાં સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને વિકાસશીલ દેશોમાં ડિજિટલ ક્રાંતિ આવી ગઈ છે.
 
લોકડાઉનને કારણે દરેક વસ્તુની ઓનલાઈન માંગ વધી.ઓનલાઈન ફૂડ-જંક્શનો અસ્તિત્વમાં આવ્યાં. દરેક ક્ષેત્રની કંપનીઓએ ઓનલાઇન બિઝનેસ વધારી દીધો. એક ગ્લોબલ સર્વેક્ષણ મુજબ તો કંપનીઓએ ડિજિટલાઈઝેશનનો વ્યાપ એટલો વધારી દીધો છે કે જે પરિવર્તન પર પહોંચતા 3-4 વર્ષ લાગી શકે તેમ હતાં તે પરિવર્તન 3-4 સપ્તાહમાં શક્ય બની ગયું.
 
અને હવે ઘણાં લોકો તો એવું કહે છે કે અમને તો આ ઓનલાઈન વ્યવહાર એટલો ફાવી ગયો છે કે અમે તો કાયમ તેને ચાલુ રાખીશું. એ રીતે વર્ક ફ્રોમ હોમને કારણે પણ ઉત્પાદન વધ્યું છે. 

ઓનલાઈન શિક્ષણમાં વધારો થયો છે અને મોટાભાગના વિદ્યાર્થીઓને તે પસંદ આવ્યું છે તેથી તેમાં પણ 100 ટકા હાજરી આપતા થયા છે. ઓનલાઈન શિક્ષણને કારણે તેને અનુકૂળ અભ્યાસક્રમો, પાઠ્યપુસ્તકો અને નવાં-નવાં શૈક્ષણિક-એપ્સ અસ્તિત્વમાં આવ્યાં છે. 

વર્ક-પ્લેસ પર પણ નવી-નવી સગવડો અને નવાં માળખાં ઊભાં થઇ રહ્યાં છે. આને કારણે ડિજિટલ દુનિયામાં વિકાસની મોટી હરણફાળ ભરવા માટેનાં પ્લેટફોર્મ તૈયાર થયાં છે જે દુનિયામાં ઔદ્યોગિક ક્રાંતિને જબરજસ્ત વેગ આપશે.


8) કોરોનાએ આપણને એ જાણવાની એક અદ્દભુત તક આપી  કે આપણી ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યો તરફ આપણે પાછાં ફરીએ સાથે ઇશ્વર  પ્રત્યેની શ્રદ્ધામાં પણ જબરજસ્ત વધારો થયો છે


કોરોનાકાળે લોકોની  જીવન પ્રત્યેની દ્રષ્ટિમાં જ જબરજસ્ત પરિવર્તન લાવી દીધું છે. લોકો જીવનને વધુ ઊંડાણથી સમજતા થયા છે અને ઇશ્વર પ્રત્યેની તેમની આસ્થામાં અત્યંત વધારો થયો છે.જીવન ક્ષણભંગૂર છે અને ઇશ્વર જ આપણો તારણહાર છે એ વાત પણ કોરોનાકાળમાં જ વધુ શીખવા મળી છે અને આ દ્રષ્ટિ રાખીશું તો ગમે તેવી મહામારીનો પણ સામનો કરી શકીશું.બસ યાદ રાખીએ, લાઈફ આફ્ટર કોરોના, સ્ટાર્ટ કરો નવી જિંદગીને...

ચાલો, એક નવો ડિજિટલ યુગ આપણું સ્વાગત કરવા સજ્જ છે

કોરોનાકાળમાં આપણને જે કાંઈ નવા અનુભવો મળ્યા છે તેને આપણી સાથે લઈને આપણે કોરોના પછીની જિંદગીમાં પ્રવેશ કરવાનો છે. હવે, ધીમે ધીમે આપણું  જીવન સ્પીડ પકડતું જાય છે અને આપણે સહુ સુખ નામના એક પ્રદેશ તરફ પ્રયાણ કરી રહ્યાં છીએ. આ સુખ નામનો પ્રદેશ એટલે એક નવો યુગ, ડિજિટલ યુગ આપણું સ્વાગત કરવા સજ્જ છે, શું આપણે તેને માટે સજ્જ છીએ ખરાં?

  • હા...મને લાગે છે કે જીવન હજુ પણ  જીવવા જેવું છે.
  • હા...મારા જીવનમાં ઉત્સાહ, આશા, હિંમત છે અને વધુ સારો સમય આવશે તેની ખાતરી છે.
  • હા...ડિજિટલ યુગના નવા-નવા પડકારો ઝીલવાની મારામાં શક્તિ છે અને હું કોઈ પણ મુશ્કેલી સામે ટકી રહીશ તેની મને ખાતરી છે.
  • હા...મારી અંદર પ્રગટેલો શ્રદ્ધાનો દીપક મને કોઈપણ સંજોગોમાં પ્રકાશ આપતો રહેશે તેવી ખાતરી છે.
  • તો પછી રાહ કોની જોવાની છે, સહુ સાથે મળીને, હાથમાં હાથ મિલાવીને પડકારોને પહોંચી વળવા સજ્જ થઇએ  અને નવી જિંદગીનું સ્વાગત કરીએ.  અસ્તુ.