ચાલતી પટ્ટી

" જિંદગીમાં જીતની સૌથી સારી તૈયારી એ છે કે આજે સારું કામ કરો.● ‘વિષાદ’ પણ એક યોગ છે. ● એક કામ શરુ કરી લીધા પછી અસફળતાનો ડર ના રાખો, ● અને કામને અધવચ્ચે છોડો પણ નહીં. ● સફળ લોકો કોઈ અલગ કામ નથી કરતા, ● બસ, તે કાંઈક અલગ રીતે કામ કરે છે... ● કોઈ પણ વ્યક્તિ તમને તમારી મરજી વિરુદ્ધ લઘુતાગ્રંથિનો અનુભવ ના કરાવી શકે."

20 જૂન 2021

વિશ્વ યોગ દિવસ-21 જૂન, યોગ દિવસની ભારતમાં શરૂઆત અને ઇતિહાસ, તેની થીમ, આ દિવસનું મહત્ત્વ, તેની ઉજવણી.

વિશ્વ યોગ દિવસ-21 જૂન, યોગ દિવસની ભારતમાં શરૂઆત અને ઇતિહાસ,તેની થીમ,આ દિવસનું મહત્ત્વ, તેની ઉજવણી.

પ્રસ્તાવના-

આગામી-21 જૂન સોમવારના રોજ વિશ્વ યોગ દિવસ  છે. યોગ એ ભારતીય સંસ્કૃતિના પાયામાં પડેલી એક અદ્દભુત વિદ્યા છે, એક અદ્દભુત વિજ્ઞાન છે અને આ ભારતીય વિદ્યાનાં મૂલ્યને ફરી એક વાર સમગ્ર વિશ્વમાં પ્રસ્થાપિત કરવા માટે આ વિશ્વ યોગ દિવસની શરૂઆત કરવામાં આવી છે. આવો, આપણે તેના વિશે વધુ જાણીએ.

આગળ વાંચીશું નીચેના મુદ્દાઃ-
 • વિશ્વ યોગ દિવસ-21જૂન
 • ભારતમાં તેની શરૂઆત અને ઇતિહાસ
 • 21જૂનના દિવસે જ ઊજવવાનું કારણ.
 • વિશ્વ યોગ દિવસની થીમ.
 • કોરોનાકાળમાં અને તે પછી યોગનું મહ્ત્ત્વ.
 • આપણા અમૂલ્ય વારસાને સાચવવા સંકલ્પ લઈએ.
 • 'ફ્લાઈંગ શીખ'નો ફિટનેસ સંદેશ.
 • જાણો, યોગનું રહસ્ય

વિશ્વ યોગ દિવસ-21 જૂનની શરૂઆત અને ઇતિહાસઃ-વિશ્વ યોગ દિવસ-21જૂન,યોગ દિવસની ભારતમાં શરૂઆત અને ઇતિહાસ, તેની થીમ, આ દિવસનું મહત્ત્વ, તેની ઉજવણી

વિશ્વ યોગ દિવસ-21જૂન-2021

 27 સપ્ટેમ્બર-2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભાનું જે 69 સત્ર મળ્યું હતું તેમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા અને તેમણે બધા જ દેશોને વિશ્વ યોગ દિવસ ઊજવવાની વિનંતી કરી હતી, પરિણામે સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્ય દેશોએ 11 ડિસેમ્બર-2014ના રોજ 177 સહપ્રાયોજક દેશોની સાથે સર્વસંમતિથી દર વર્ષે 21 જૂનનો દિવસ ઊજવવા માટેનો ઠરાવ પસાર કર્યો હતો અને તે વખતે સંયુક્ત રાષ્ટ્ર સંઘે તેને મંજૂરી આપતા જણાવ્યું હતું કે યોગ સ્વાસ્થ્ય અને સુખાકારી માટેનું એક સંપૂર્ણ વિજ્ઞાન છે, તે જીવનનાં બધાં જ ક્ષેત્રોમાં સંવાદિતા-સુમેળ પણ લઈ આવે છે અને તેથી જ તે રોગને દૂર કરનાર અને આરોગ્યનું સંવર્ધન કરનાર તરીકે ઓળખાય છે.


વિશ્વ યોગ દિવસ 21 જૂને કેમ ઊજવવામાં આવે છે?


        
        વિશ્વ યોગ દિવસ દર વર્ષે 21 જૂનના દિવસે ઊજવવામાં આવે છે.કારણ કે, 21 જૂનનો દિવસ એક રીતે સંક્રાંતિનો દિવસ ગણાય છે. સંક્રાંતિનો સમય એટલે વચગાળાનો સમય. એક જગ્યાએથી કે સ્થિતિમાંથી બીજી જગ્યા કે સ્થિતિમાં જવા સુધીનો વચ્ચેનો ગાળો. 21 જૂને ગ્રીષ્મ-સંક્રાંતિ હોય છે એટલે કે સૂર્ય પૃથ્વીથી દક્ષિણ તરફ જવાની શરૂઆત કરતો હોય છે, ઉત્તર ગોળાર્ધથી દક્ષિણ ગોળાર્ધમાં વૃદ્ધિ પામવાનો સમય હોય છે.

         આ દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ ગણાય છે અને યોગની દ્રષ્ટિએ એ સંક્રમણનો સમય છે એટલે કે પરિવર્તન માટેનો યોગ્ય સમય છે.

વિશ્વ યોગ દિવસની ભારતમાં શરૂઆત અને ઇતિહાસઃ-


વર્ષ-2015માં 21 જૂને નવી દિલ્હી ખાતે આયુષ મંત્રાલય દ્વારા ભારતના પ્રથમ વિશ્વ યોગ દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે 84 દેશના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ સમયે આયોજિત યોગના કાર્યક્રમમાં 35,985 જેટલા લોકોએ ભાગ લીધો હતો. 190 જેટલા દેશોમાં ખૂબ ઉત્સાહપૂર્વક આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

        

વિશ્વ યોગ દિવસની થીમઃ-


વર્ષ-2015થી 2020 સુધી એટલે કે કુલ છ વર્ષથી સમગ્ર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરતું આવ્યું છે.
ભારતમાં વર્ષ-2015થી 2019 દરમિયાન ઊજવાયેલા કુલ-છ વિશ્વ યોગ દિવસની થીમ આ પ્રમાણે હતીઃ-

 • વર્ષ-2015 > સદ્દભાવ અને શાંતિ.
 • વર્ષ-2016 > યુવાનોને જોડો.
 • વર્ષ-2017 > સ્વાસ્થ્ય માટે યોગ.
 • વર્ષ-2018 > શાંતિ માટે યોગ.
 • વર્ષ-2019 > પર્યાવરણ માટે યોગ.
 • વર્ષ-2020 > યોગા એટ હોમ એન્ડ યોગા વીથ ફેમિલી.

વિશ્વ યોગ દિવસનું મહત્ત્વઃ-


    આમ તો, દર યોગા દિવસે જે થીમ પસંદ કરવામાં આવી તે થીમ પ્રમાણે  જ યોગનું મહત્ત્વ છે અને સૌ જાણે છે પરંતુ આપણે કોરોના મહામારીનો બહુ મોટો કપરો સમય પસાર કર્યો એટલે આપણે એ જાણવા પ્રયત્ન કરીએ કે કોરોના કાળમાં અને તે પછી પણ આજે યોગ દિવસનું શું મહત્ત્વ છે અને તે કઈ રીતે આપણા જીવનમાં ઉપયોગી બની શકે તેમ છે.

કોરોનાકાળમાં યોગનું મહત્ત્વઃ-


    વર્ષ-2020 તો સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી શરૂ થઈ ગઈ હતી એટલે 21મી જૂને એટલે કે છઠ્ઠા વિશ્વ યોગ દિવસે  વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ દિવસને ઉદ્દેશીને આપેલા વ્યાખ્યાનમાં નીચેની બાબતો જણાવી હતી-

 • શ્રી નરેન્દ્ર મોદીએ આ દિવસની થીમ આપી હતી, 'યોગા એટ હોમ એન્ડ યોગા વીથ ફેમિલી'.
 • એટલે કે બધા લોકોએ ઘરમાં જ રહીને અંતર જાળવીને પરિવાર સાથે યોગ કરવાનો. આ રીતે પરિવારના સભ્યો એકબીજાની નજીક આવે.એકબીજા સાથે યોગ દ્વારા જોડાય અને ઘરમાં પણ યોગને કારણે નવો ઉત્સાહ, નવી ઉર્જાનો સંચાર થાય.

યોગ અને શારીરિક આરોગ્યઃ-


 કોરોનાકાળમાં યોગ એ સૌથી મહત્ત્વની બાબત છે. તેનાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે એટલે કોરોનાનો પ્રતિકાર કરી શકાય.વિવિધ પ્રકારનાં આસનો જેવાં કે; સૂર્યાસન, ભૂજંગાસન, મત્સ્યાસન જેવાં આસનોથી શરીરનાં વિવિધ અંગો મજબૂત બને છે.
આહાર
પૌષ્ટિક અને સમતોલ આહાર શરીરને નિરોગી અને સ્વસ્થ રાખે છે. ખોરાકમાં વિટામીન-સી અને પ્રોટીનનો જરૂર સમાવેશ કરો. તે માટે લીલાં શાકભાજી, ફળો, દાળ-કઠોળ અને દૂધ-દહીંનો ખાસ ઉપયોગ કરવો જોઈએ.

શ્વસનતંત્રને મજબૂત બનાવો

કોરોનામાં શ્વસનતંત્રની મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. વાયરસ શ્વસનતંત્રને નબળું પાડી દે છે ને ફેફસાંને ખલાસ કરી નાખે છે. પરિણામે, મૃત્યુ પણ આવી શકે છે. 

 શ્વસનતંત્રને મજબૂત કરવા માટે કપાલભાતી, ભ્રસ્તિકા, અનુલોમ-વિલોમ જેવાં પ્રાણાયામ કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

યોગ અને માનસિક આરોગ્ય(તણાવ)


કોરોના મહામારી દરમિયાન લોકડાઉનના સમયમાં લાંબો સમય ઘરમાં રહેવાથી અને પ્રવૃત્તિ વિના નવરા બેસીને વિચારો કર્યા કરવાને કારણે  ઘણા લોકો  થાક, કંટાળો, એકલતા, ચિંતા અનુભવવા લાગ્યા. કોરોના તો નહીં થઈ જાય ને...એવી ચિંતામાં ને ચિંતામાં માનસિક ને શારીરિક બીમારીના પ્રશ્નો ઊભા થઈ શકે છે અને ત્યારે યોગ-મેડિટેશન કરવાથી શરીર અને મન બંનેની તાકાત વધે છે. આત્મવિશ્વાસ વધે છે, ડર ને ચિંતા ભાગી જાય છે.

યોગ અને માનસિક શાંતિ


ગમે તેવી પણ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ યોગ તમને હિંમત આપે છે.તમારા મગજને શાંત અને સમતોલ સ્થિતિમાં રાખે છે જેથી તમારામાં ઉત્સાહ અને શાંતિ ટકી રહે છે.

યોગ અને કર્મ


એમ કહેવાયું છે કે,  'યોગઃ કર્મસુ કૌશલમ્ ' 

એટલે કે કર્મની કુશળતા એ જ યોગ છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં તો કર્મયોગ માટે કહેવાયું છેઃ-


        યુક્ત આહાર-વિહારસ્ય, યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ ।
        યુક્ત સ્વપ્ના-વ-બોધસ્ય, યોગો ભવતિ દુઃખહા ।।

એટલે કે, યોગ્ય આહાર-વિહાર, યોગ્ય રમતગમત, સૂવા-જાગવાની યોગ્ય ટેવો, અને ફરજનિષ્ઠા પણ કર્મયોગ જ છે. 

કોરોનાના સમયમાં અને તે પછી પણ હંમેશાં કર્મયોગની આ ભાવના આપણને સહુને શક્તિ આપશે અને સાથે જોડીને રાખશે.

યોગથી ફાઇન એન્ટ ફીટ રહો


કોરોનાકાળમાં કે તે પછી પણ સંપૂર્ણ જીવન યોગ કરતા રહો. યોગ એક એવી પ્રક્રિયા છે કે જે શરીર, મન અને આત્માનું જોડાણ કરીને આપણાં શારીરિક, માનસિક, સાંવેદનિક, સામાજિક અને આધ્યાત્મિક અંગો વચ્ચેનું સંતુલન જાળવી રાખે છે જેથી આપણે હંમેશાં ફાઇન એન્ડ ફીટ રહી શકીએ છીએ.
 

યોગઋષિઓના દીર્ઘ જીવનનું રહસ્ય
 

ભારતના પ્રાચીનકાળમાં ઋષિમુનિઓ સ્વસ્થ રહીને  દીર્ઘાયુ  આયુષ્ય ભોગવતા હતા તેનું કારણ યોગ છે અને તેનો ઉલ્લેખ આપણા પ્રાચીન ગ્રંથોમાં થયેલો છે. અને તેમાં પણ યોગને એક વિજ્ઞાન તરીકે જ ગણવામાં આવ્યું છે. આ વિજ્ઞાન છે, શરીર અને આત્મા વચ્ચેના સુમેળનું. ભારતીય યોગની પરંપરા 5,000 વર્ષ જુની છે.

કોરોના પછીના સમયમાં યોગ એક માઇલસ્ટોન ગણાશે.


કોરોનાકાળમાં સમગ્ર દુનિયાને યોગનું મહત્ત્વ સમજાયું છે. એક જીવલેણ  મહામારી અને મુશ્કેલ સમયની સામે તન અને મનની તંદુરસ્તી કેટલી અગત્યની છે  તેનો પરચો દુનિયાને મળી ચુક્યો છે. એટલે હવે બદલાતા યુગની સાથે સાથે  લોકોનો જીવન પ્રત્યેનો ખાસ કરીને સ્વાસ્થ્ય તરફનો દ્રષ્ટિકોણ બદલાવા લાગ્યો છે.

         કોરોના પછીનો યુગ કે જે જબરજસ્ત મોટાં પરિવર્તનો લઈને આવી રહ્યો છે તે છે ટેકનિકલ યુગ, નવી-નવી શોધોનો યુગ. આ સમય દરમિયાન અનેક જાતની અદ્યતન મશીનરી, ડિવાઇસનું આગમન માર્કેટમાં થઈ ગયું છે અને હજુ પણ દરેક ક્ષેત્રમાં નવી-નવી અદ્યતન ટેકનોલોજી શોધાઈ રહી છે.
 
        આનાંથી લોકોને માટે સગવડો અને સુગમતા વધશે પરંતુ પ્રકૃતિ પરનું જોખમ વધતું જશે. હવામાં પોલ્યુશનનું પ્રમાણ વધતું જશે, જોખમી વાયરસોને કારણે સ્વાસ્થ્ય પરનાં જોખમો વધતાં જશે. આપણાં પંચતત્ત્વો પૃથ્વી,આકાશ, જળ,હવા અને અગ્નિને નુકસાન પહોંચાડનારાં તત્ત્વો એટલાં વધી જશે કે તેમનાં અસમતોલને કારણે સમગ્ર પૃથ્વીનું અસ્તિત્વ જોખમમાં આવી શકે છે. 

    આવા સમયે, યોગ નામનું એક અતિ શક્તિશાળી સાધન આપણી પાસે છે અને તેનો પ્રચાર-પ્રસાર કરીને આપણી આ સમગ્ર પૃથ્વીને વધુ સુંદર, વધુ સ્વસ્થ અને વધુ શક્તિશાળી બનાવીએ. આ રીતે આપણે આપણી ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય વારસા તરફ પાછાં ફરીએ.


ચાલો, આ વિશ્વ યોગ દિવસે સંકલ્પ લઇએ કે..


   - આપણે યોગ દ્વારા સમગ્ર વિશ્વના એક-એક માનવને બંધુત્વની ભાવનાથી   જોડીશું.
    -આપણે સમગ્ર વિશ્વમાંથી કોઈપણ પ્રકારના ભેદભાવને દૂર કરીશું જેથી એકબીજા પ્રત્યેની પ્રેમભાવના વધે અને લોકો એકબીજા સાથે પ્રેમથી જોડાતા જાય.
    -આપણી ધરતી,  આકાશ, હવા,જળનું રક્ષણ કરીને તેને વધુને વધુ શુદ્ધ બનાવીશું અને તેને શાંતિથી સારી રીતે રહી શકાય તેવી બનાવીશું. આ રીતે પૃથ્વીને 'સત્યમ્, શિવમ્, સુંદરમ્' ના પથ તરફ દોરી જઈશું.


ફ્લાઇંગ શીખનો ફિટનેસ મંત્ર
'ફ્લાઈંગ શીખ'નો ફિટનેસ મંત્ર

 
દોડવીર મિલ્ખા સિંહને યોગ્ય અંજલિ આપીએ 
  'ફ્લાઇંગ શીખ'નો ફિટનેસ મંત્ર

-  સ્વાસ્થ્ય માટે 10 મિનિટ કાઢવી ખૂબ જ જરૂરી.
-  પાર્ક હોય કે રસ્તો, 10 મિનિટ ઝડપથી ચાલો.  -  થોડું કૂદી લો અને હાથ-પગનો ઉપયોગ કરો. --  ફિટનેસ દ્વારા જીવનમાં ફેરફાર આવશે.