ચાલતી પટ્ટી

" જિંદગીમાં જીતની સૌથી સારી તૈયારી એ છે કે આજે સારું કામ કરો.● ‘વિષાદ’ પણ એક યોગ છે. ● એક કામ શરુ કરી લીધા પછી અસફળતાનો ડર ના રાખો, ● અને કામને અધવચ્ચે છોડો પણ નહીં. ● સફળ લોકો કોઈ અલગ કામ નથી કરતા, ● બસ, તે કાંઈક અલગ રીતે કામ કરે છે... ● કોઈ પણ વ્યક્તિ તમને તમારી મરજી વિરુદ્ધ લઘુતાગ્રંથિનો અનુભવ ના કરાવી શકે."

11 એપ્રિલ 2021

એક લક્ષ્ય, એક વિશ્વાસ

 એક લક્ષ્ય, એક વિશ્વાસ

પ્રેરણાત્મક વિચાર

એક લક્ષ્ય, એક વિશ્વાસ


વિશ્વાસ એક શક્તિ છે

વિશ્વાસ એક શક્તિ છે. મૃતજીવનમાં પણ પ્રાણ પૂરવાની એક સંજીવની છે, એક જાદૂઈ છડી છે જે ભલભલાને ઉગારી લે છે. વિશ્વાસને નામે પથ્થરો પણ તરી જાય છે અને દિશાઓ પણ બદલાઈ જાય છે. 

એક કવિએ સુંદર કહ્યું છેઃ-

'શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ સુધી મને,
રસ્તો હું ભૂલી ગયો હતો,
દિશાઓ બદલાઈ ગઈ... ...'

વિશ્વાસ સંબંધોમાં સ્નેહ સીંચે છે.
સંબંધોને નવપલ્લવિત બનાવે છે, લીલાં રાખે છે, મહેકતા રાખે છે.

" મુકામ એમને જ મળે છે
જેમનાં સપનાઓમાં જાન હોય છે,
પાંખોથી કશું જ નથી થતું
ઝનૂનથી ઉડાન હોય છે".

પ્રેરણાત્મક ચરિત્ર
આવાં સાહસ અને ઝનૂનનું પરિણામ છે દુનિયાની પહેલી દિવ્યાંગ મહિલા
અરુણિમા સિન્હા.
જેણે એક જ પગ અને મજબૂત ઈરાદાઓ સાથે વિશ્વનું સૌથી ઊંંચું શિખર એવરેસ્ટ સર કર્યું. 

આટલાં વર્ષો પછી આજે હું એને કેમ યાદ કરું છું?
કારણ કે મારા દિલોદિમાગમાં એ મહિલા છવાયેલી છે, એ હંમેશાં મારી પ્રેરણામૂર્તિ રહી છે.એણે દર્દને હરાવ્યું, દર્દને પોતાની તાકાત બનાવી, લોકોની નિંદાને પોતાની તાકાત બનાવી.

 
અને હા... ...આજે છે 11મી એપ્રિલ-2021 અને એ દિવસ પણ હતો 11 એપ્રિલ-2011. એ દિવસે એને એવો ભયંકર અકસ્માત નડ્યો કે એક પગ કપાઈ ગયો અને એ સાથે એની આખી  જિંદગી બદલાઈ ગઈ!!

જો એ મહિલાએ એના આ દર્દને તાકાત બનાવીને પોતાનું મક્કમ લક્ષ્ય પ્રાપ્ત ન કર્યું હોત તો આજે તે ક્યાં હોત!!

હા, એ કહે છે તેમ,"મારાં જ લોકોએ એમ કહ્યું કે આવું સાહસ કરવાનો વિચાર જ છોડી દે, તું હવે લૂલી-લંગડી થઈ ગઈ છે, એક બાજુ પડી રહે."

એક લક્ષ્ય, એક વિશ્વાસને તે વળગી રહી
આમ ના બન્યું, કારણ કે તે પોતાનાં ઝનૂનને, લક્ષ્યને વળગી રહી અને અનેક મુશ્કેલીઓ વચ્ચે તેને પાર પાડ્યું. અને ત્યારે એ નિંદા કરનારાઓને તેમનો અભિપ્રાય બદલવો પડ્યો, તેની સિદ્ધિને નવાજવી પડી.


આજે હું તેને યાદ કરું છું અને તેની સિદ્ધિને નવાજું છું. અને સુયોગ એવો સાંપડ્યો છે કે આ દિવસોમાં મારા હાથમાં તેની જીવનકથાનું પુસ્તક આવ્યું અને એ વાંચવાની તક મળી છે ત્યારે તેના લક્ષ્ય અને વિશ્વાસના કેટલાક પ્રેરણાત્મક વિચારો શેર કરવા માગું છું.આ પ્રેરણાત્મક નારીનું પ્રેરણાત્મક પુસ્તક એટલે
'વિશ્વાસનું એવરેસ્ટ'
મૂળ અંગ્રેજીમાં ... 'Born Again On Mountain'-Arunima Sinha
હિન્દીમાં...'એવરેસ્ટ કી બેટી'--અરુણિમા સિન્હા
ગુજરાતીમાં.'વિશ્વાસનું એવરેસ્ટ'--ભાવાનુવાદ-સુધા મહેતા
(ગૂર્જરપ્રકાશન)


એક લક્ષ્ય, એક વિશ્વાસ
અરુણિમા સિન્હા
                                                                    


પ્રેરણાત્મક વિચારો
પુસ્તકની પ્રસ્તાવનામાં જ અરુણિમા સિન્હા કહી દે છે કે મને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોમાંથી ભરપૂર પ્રેરણા મળી છે. ખાસ કરીને તેમણે યુવાનોને આપેલો સંદેશઃ

' ઊઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્ત થાય ત્યાં સુધી મંડ્યા રહો.'

"કહે છે કે આપણું ભાગ્ય અગાઉથી  લખેલું હોય છે...આપણે તો આપણી ભૂમિકા નિભાવવાની છે. કોઈ રહસ્યમય રીતે નસીબ એ ઠરાવે છે કે કોઈ કલાકાર તેને માટેની ભૂમિકામાંથી વિચલિત ન થાય."


"અમને વી.વી.આઈ.પી. વૉર્ડમાં જે અખબારો મળતાં તેના વડે બહારની દુનિયામાં શું થઈ રહ્યું હતું તે અમે જોતાં રહેતાં...
"એક સવારે અચાનક સાહેબે મને પૂછ્યું, એવરેસ્ટ ચડોગી?... ...
"મને વાત પસંદ ન પડી એટલે પૂછ્યું, "મારો એક પગ નથી, ને તમે એવરેસ્ટ ચડવાની વાતો કરો છો?"
સાહેબ હસ્યા, "હા, અને એટલે જ હું એવરેસ્ટ ચડવાની વાત કરું છું.


"એવરેસ્ટ ચડવાની વાત તો એક દૂરના સ્વપ્ન સમાન ભાસતી હતી. પણ સાહેબ તો મંડી પડ્યા હતા...અને એક દિવસ મેં સાહેબને એ પડકાર ઝીલવાની તૈયારી જણાવી દીધી, 'ઠીક હૈ હમ કરેંગે'.
મેં તેમને કહ્યું કે હવે મારી પાસે ભાવિમાં કશુંક પોઝિટીવ જોવાની બાબત આવી ગઈ. એક લક્ષ્ય, એક મિશન,સ્વપ્નાં જોવાનું એક કારણ...
આમ તો આ બાબત એક પડકાર હતી તો સાથેસાથે એક તક પણ હતી..કોઈ ગ્લાસ કાં તો અડધો ખાલી હોય છે કે પછી અડધો ભરેલો. ..પ્રયત્ન એ બાબતનો રહે કે બાકીનો ગ્લાસ કઈ રીતે પૂરો ભરી દેવો. આપણે હંમેશાં આશા સાથે જ જીવવું જોઈએ... મને થયું કે જાણે મારો પુનર્જન્મ થયો છે...


" મારામાં શારીરિક ક્ષતિ હતી, પરંતુ એ કારણે મારે કોઈની સહાનુભૂતિ નહોતી જોઈતી. અહીં હું એક સિદ્ધિ મેળવવા આવી હતી. પર્વત તો દરેકની   સાથે સમાન વર્તન રાખે છે. માત્ર જેણે પડકારોને પહોંચી વળવાનો પાકો નિર્ધાર કર્યો હોય તેઓ જ અહીં આવે છે. આવા વિચારો કરી કરીને હું જાતને ઉત્તેજિત કરતી રહી.""એક છોકરી કે જે એવરેસ્ટ ચડવાનો મનસૂબો કરે તે હિંમતવાન તો હોય ને? હું પણ માનું છું કે જો તમારે રડવું હોય તો એકાંતમાં રડવું જોઈએ. જગત તો સફળતા જોવા ઇચ્છે છે, નિષ્ફળતાની કે રોતલની તે સદા મજાક
 ઉડાવે છે.""આ એક વિચિત્ર યોગાનુયોગ હતો. હું એવરેસ્ટના બેઝ કેમ્પ પર પહોંચી ત્યારે મને એ તારીખ યાદ આવી-11એપ્રિલ,2013. બરાબર બે વર્ષ એ વાતને વીત્યાં હતાં જ્યારે મને ચાલતી ટ્રેને બહાર ફેંકી દેવામાં આવેલી. ....તો યાદ રાખો, કોઈ તમને પરાજિત કરી શકે નહીં, જ્યાં સુધી તમે જ ઝૂકી ન જાઓ. અલબત્ત, ક્યારેક નિષ્ફળતા પણ મળે તેની ના નહીં, પરંતુ તમારા પ્રયત્નો ચાલુ રહેવા જોઈએ અને કોઈને કોઈ તકના દરવાજા ખૂલી જ જશે, જોજો!""અહીં માનસિક સ્વસ્થતા જાળવવી મહત્ત્વની છે, અહીં કુદરત તમારી સંકલ્પશક્તિની કસોટી કરે છે અને તેથી દરેક ડગલે તમારે મનની એકાગ્રતા સાચવવાની છે. આ કામ સરળ નથી....
"એક ક્ષણ એવી આવી કે જ્યારે બધા કહેતા હતા અરુણિમા, હવે મહેરબાની કરીને પાછા વળો. પણ મારા કાનમાં મારા ગુરુ બચેન્દ્રી પાલના શબ્દો ગુંજતા હતા, "અરુણિમા, જ્યારે પણ તને એવું લાગે કે હવે વધુ આગળ ધપાશે નહીં ત્યારે સહેજ પાછળ જોઈને એમ વિચારજે કે તું કેટલી બધી આગળ આવી ગઈ છે અને હવે તારું લક્ષ્ય પૂર્ણ કરવા માટે કેટલું ઓછું અંતર જ કાપવાનું રહ્યું છે...""સવારે 10-55વાગ્યે અને 21મે2013ના રોજ હું દુનિયાના સહુથી ઊંચા સ્થળે ઊભી હતી!...
"મને એકસાથે નાચવાનું અને હસવાનું ઘણું મન થઈ આવ્યું... ...મને બૂમો પાડીને કહેવાની ઇચ્છા થઈ આવી કે જુઓ, હું આવી પહોંચી છું! દરેકને જીવવા માટે કોઈ એક કારણ હોય છે. એક ભૂમિકા પાર પાડવાની હોય છે. શક્ય છે કે આ મારી ભૂમિકા હતી...


"જ્યારે હું ઇજાગ્રસ્ત હતી અને સારવાર લઈ રહી હતી ત્યારે મેં ઘણાં લોકોનાં પ્રેમ અને પ્રોત્સાહન જોયાં હતાં. એ સમયે જ મને થયેલું કે મારે પણ વિકલાંગ વ્યક્તિઓ માટે એવું કશું કરવું જોઈએ જેથી એવાં યુવાનો માત્ર અવગણના અને અસુરક્ષાની ભાવના અનુભવતું જીવન ન વિતાવે....મારી આ ઇચ્છાને કારણે જ એક 'ઇન્ટરનેશનલ સ્પૉર્ટ્સ અકેડમી ફોર હૅન્ડિકેપ્ડ' નો વિચાર આવ્યો હતો."

અરુણિમાએ સાત મહાદ્વીપોમાંનાં સાત ઉચ્ચતમ પર્વતશિખરો પર ચઢવાનો સંકલ્પ કર્યો છે. અદભુત છે તેમની સંકલ્પશક્તિ...


તેમણે કહ્યું છે-

'અભી તો એક પરિન્દેકા ઇંતહા બાકી હૈ,
અભી અભી તો લાંઘા હૈ મૈંને સમૂદ્રોંકો,
અભી તો પૂરા આસમાન બાકી હૈ...'


અરુણિમાની નજરે સાત નિયમ સફળતાનાઃ-
  1.  તમારી નબળાઈને તમારી શક્તિ બનાવો.
  2.  લક્ષ્યને અધૂરું ના છોડો.
  3.   તમારા મનનાં જીતનું એક સંપૂર્ણ ચિત્ર તૈયાર હોવું જોઈએ.
  4.  મહેનત કરવાનું છોડશો નહીં.
  5.  તમે તમારી પ્રેરણા બનો.
  6.  જીવનમાં જોખમો ઊઠાવો
  7.  એક જ લક્ષ્ય રાખો અને તેની પાછળ સતત મંડ્યા રહો.
'જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે.'