ચાલતી પટ્ટી

" જિંદગીમાં જીતની સૌથી સારી તૈયારી એ છે કે આજે સારું કામ કરો.● ‘વિષાદ’ પણ એક યોગ છે. ● એક કામ શરુ કરી લીધા પછી અસફળતાનો ડર ના રાખો, ● અને કામને અધવચ્ચે છોડો પણ નહીં. ● સફળ લોકો કોઈ અલગ કામ નથી કરતા, ● બસ, તે કાંઈક અલગ રીતે કામ કરે છે... ● કોઈ પણ વ્યક્તિ તમને તમારી મરજી વિરુદ્ધ લઘુતાગ્રંથિનો અનુભવ ના કરાવી શકે."

29 માર્ચ 2021

ગ્લોબલ ટીચર્સ પ્રાઇઝ વિજેતા-2020 _રણજિતસિંહ ડિસલે

ગ્લોબલ ટીચર્સ પ્રાઇઝ વિજેતા-2020

રણજિતસિંહ  ડિસલે

એક પ્રેરણાત્મક-સ્ટોરીગ્લોબલ ટીચર્સ પ્રાઇઝ વિજેતા:2020, રણજિતસિંહ ડિસલે
ગ્લોબલ ટીચર્સ એવોર્ડ વિજેતા
રણજિતસિંહ  ડિસલેઆજે આમને કોણ નથી ઓળખતું? માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં તેમનું નામ એટલું જાણીતું થઈ ગયું છે કે આજે સમગ્ર વિશ્વ તેમને ઓળખે છે. ચારેબાજુ તેમના નામની ચર્ચા થઈ રહી છે.

તેઓ છે રણજિતસિંહ ડિસલે.

ભારતના મહારાષ્ટ્ર રાજ્યના સોલાપુર જિલ્લાના રહેવાસી છે.

રણજિતસિંહ ડિસલે શા માટે ચર્ચામાં છે?
 • તેમને ગ્લોબલ ટીચર પ્રાઈઝ-2020 મેળવવાનું બહુમાન મળ્યું છે.
 • આ બહુમાન મેળવનારા તેઓ સૌ પ્રથમ ભારતીય છે.
 • 3 ડિસેમ્બર-2020ના રોજ લંડન સ્થિત વાર્કે ફાઉન્ડેશન અને યુનેસ્કોની સહભાગીતામાં આ બહુમાન તેમને મળ્યું છે.
 • ગ્લોબલ ટીચર પ્રાઈઝ માટે વિશ્વના 144 દેશોમાંથી 12 હજાર કરતાં પણ વધુ શિક્ષકોએ અરજી કરી હતી. તેમાંથી ભારતના રણજિતસિંહ ડિસલેની પસંદગી કરવામાં આવી હતી.
 • લંડન સ્થિત વાર્કે ફાઉન્ડેશન 'ચેન્જિંગ લાઇફ થ્રૂ એજ્યુકેશન' ના સિદ્ધાંત સાથે કાર્ય કરી રહ્યું છે.ઇ.સ. 2015થી આ પ્રાઈઝની શરૂઆત કરવામાં આવી હતી.
                               
ગ્લોબલ ટીચર પ્રાઈઝની કુલ રકમ 1મિલિયન અમેરિકન ડોલર એટલે કે અંદાજે 7.38 કરોડની છે.

    રણજિતસિંહ ડિસલેની સિદ્ધિઓ
    કઇ સિદ્ધિઓ માટે તેમનું બહુમાન થયું છે?

 1. ભારતના મહારાષ્ટ્ર રાજ્યના સોલાપુર જિલ્લામાં આવેલા એક નાનકડા ગામ પારિતવાડીમાં આવેલી જિલ્લા પરિષદ-સરકારી સ્કૂલના પ્રાથમિક વિભાગમાં ભણતી છોકરીઓની જિંદગીને તેમણે બદલી નાખી છે. શિક્ષણને કારણે છોકરીઓનાં અંગત જીવનમાં તેમજ શિક્ષણમાં અને સમાજમાં મોટાં પરિવર્તનો આવ્યાં છે.
 2. છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન સ્કૂલમાં છોકરીઓની 100 ટકા હાજરી રહી છે.
 3. પ્રાથમિક શિક્ષણમાં 'ક્યૂઆર કોડ'(QR CODE)ની ક્રાંતિ લઈ આવ્યા.પ્રાથમિક શાળાના પાઠ્યપુસ્તકોમાં સૌ પ્રથમવાર આ ક્યૂઆર કોડ ઉમેરવાની પહેલ રણજિતસિંહ ડિસલેએ કરી.તે પછી સમગ્ર મહારાષ્ટ્રની સ્કૂલોમાં તબક્કાવાર અમલ થયો. કેન્દ્ર સરકારે પણ તેના અમલીકરણ અંગેની જાહેરાત કરી છે.
    

રણજિતસિંહ ડિસલે સામેના પડકારો

તેમનું કહેવું છે કે ઇ.સ.2009માં તેમની નિમણૂક પારિતવાડીની સ્કૂલમાં થઈ ત્યારે ત્યાંથી જ તેમની શિક્ષક તરીકેની યાત્રાની શરૂઆત થઈ. તે વખતે તેમની સામે નીચેના પડકારો હતાઃ-

ગાયોને રાખવાની જગ્યા પર એક સ્કૂલ તૈયાર કરવાની હતી.
 • પારિતવાડી સરકારી પ્રાથમિક સ્કૂલની હાલત જોઇને તેમને ખૂબ જ નવાઈ લાગી હતી. એકબાજુ ગાયો-ભેંસો બાંધવાની જગ્યા હતી અને તેની બાજુમાં સ્ટોરરૂમ જેવી જગ્યા હતી જેની વચ્ચે આવેલી એક નાનકડી જગ્યામાં બ્લેકબોર્ડ લટકતું હતું અને બીજો સામાન વેરવિખેર પડ્યો હતો.આવી જગ્યાને એક શિક્ષણ માટેની જગ્યા બનાવવાનો મોટો પડકાર હતો.
વાલીઓ, બાળકો અને ગામલોકોમાં જાગૃતિ લાવવાની હતી
 • પારિતવાડી એક એવું ગામ હતું જ્યાંનો મુખ્ય વ્યવસાય ખેતી અને મજૂરીકામનો હતો. વાલીઓ બાળકોને પોતાની સાથે કામે લઈ જતા હતા. વાલીઓ કે બાળકો, બંનેમાંથી કોઈનામાં પણ શિક્ષણ પ્રત્યે કોઈ ઉત્સાહ જ નહોતો.એટલે તેમનામાં જાગૃતિ લાવવાની હતી
છોકરીઓમાં લગ્ન-કલ્ચરને બદલીને શિક્ષણ-કલ્ચર લાવવાનું હતું
 • છોકરીઓમાં શિક્ષણનું કોઈ કલ્ચર જ નહોતું. તેમને નાનપણથી જ લગ્ન માટે જ તૈયાર કરવામાં આવતી હતી.અને તેને તે સારી રીતે શીખી લેતી હતી. 12-13 વર્ષની ઉંમરે તેના લગ્ન થઈ જતા હતા. આમ તેમનામાં લગ્નનું કલ્ચર હતું.  આ છોકરીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવીને તેમને ભણતી કરવાની હતી. આ એક મોટો પડકાર હતો.
અંગ્રેજી પાઠ્યપુસ્તકોનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરવાનો હતો.
 • પ્રાથમિક શાળાનાં બધાં જ પાઠ્યપુસ્તકો અંગ્રેજીમાં હતાં. તેનો ત્યાંની સ્થાનિક ભાષામાં અનુવાદ કરીને બાળકો માટે શિક્ષણને સુગમ બનાવવાનો હતો. જેથી બાળકો શાળાએ આવતાં થાય.


  રણજિતસિંહ ડિસલેએ આ પડકારો સામે કઇ રીતે કામ કર્યું?

આ માટે તેમણે કેટલાંક લક્ષ્યાંકો નક્કી કર્યાંઃ-

 1. પારિતવાડી ગામનાં બાળકોનાં વાલીઓનો શિક્ષણ પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવો.
 2. શાળામાં છોકરીઓની હાજરી 100 ટકા હોવી જોઈએ.
 3. શૈક્ષણિક સ્તર સુધારવું.

આ લક્ષ્યાંકો પાર પાડવા માટે તેમણે કેટલાક પ્રોજેક્ટ તૈયાર કર્યા જે નીચે મુજબ છેઃ-

 1. કૉમ્યુનિટી ઍન્ગેજમૅન્ટ પ્રોગ્રામઃ-
 રણજિતસિંહ ડિસલેના કહેવા મુજબ તેમણે સૌથી પહેલા તો


ગ્લોબલ ટીચર્સ પ્રાઇઝ વિજેતા 2020: રણજિતસિંહ ડિસલે
પારિતવાડી ગામની સ્કૂલ 


પારિતવાડીની નાનકડી સ્કૂલ કહેવાતી જગ્યાનું સફાઈ-અભિયાન હાથ ધર્યું. ખૂબ મહેનતનું કામ હતું પણ તેમણે આખી જગ્યાનો નકશો જ બદલી નાખ્યો. આ કામમાં તેમને 6 મહિના જેટલો સમય લાગ્યો.

પારિતવાડી ગામનો ડેટા મેળવ્યો

તે દરમિયાન તેમણે બાકીના સમયમાં ગામની માહિતી અંગેનો ડેટા મેળવ્યો. જેના દ્વારા તેમને ગામ વિશેની પૂરી માહિતી જાણવા મળી. અને આશ્ચર્ય વચ્ચે તેમને જાણવા મળ્યું કે પારિતવાડી ગામમાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ શિક્ષિત હતી.

તે પછી તેમણે ગામના લોકોની મુલાકાત લેવાનું શરૂ કર્યું. ખેતરોમાં, ગામનાં ચોરા પર, પંચાયતમાં, વગેરે સ્થળો પર જઇને તેમણે ગામના લોકો, તેમની ભાષા, આર્થિક સ્થિતિ, ધંધો-વ્યવસાય, બોલવાચાલવાની રીતો, ટેવો, રિવાજો, માન્યતાઓ વગેરે બાબતોનો ઝીણવટથી અભ્યાસ કર્યો. 

આમ કરવાથી સૌની સાથે ઓળખાણ વધી, વિશ્વાસ વધ્યો એટલે તેમનાં ઘરે જવાનું થતું. લોકો તેમને વારતહેવારે કે સારા પ્રસંગોએ તેમને બોલાવતા. આમ, તેમનાં બાળકોના પરિચયમાં તેઓ આવ્યા.

    આમ કરવાથી બાળકોના વાલીઓને સમજવાની તક મળી. તેમની વચ્ચેનું અંતર ઘટ્યું અને નજીક આવ્યા. આનાં કારણે તેમની વચ્ચે બાળકોનાં શિક્ષણ અંગેની વાતો થવા લાગી.
 
ગામમાં શિક્ષણનું કલ્ચર જ નહોતું

    રણજિતસિંહ ડિસલેનું કહેવું છે કે પારિતવાડી ગામમાં શિક્ષણનું કલ્ચર જ નહોતું. બાળકો ભણે કે ના ભણે, વાલીઓને કોઈ જ ફેર પડતો નહોતો. તેઓ તેમનાં ભણતરની ચિંતા નહોતા કરતા. તેમનું કલ્ચર ખેતીનું હતું અને તેમને સૌને એવું લાગતું કે ખેતીથી જ અમને પૈસા મળશે અને સમાજમાં દરજ્જો મળશે.ભણતર કાંઈ કામ લાગવાનું નથી. 

    આ તેમનો માઇન્ડસેટ હતો અને તેમાં પરિવર્તન લાવવાનું બહુ જ કઠીન કામ હતું. ધીરે-ધીરે વિશ્વાસ વધતો ગયો કે શિક્ષણ જ અમને દરજ્જો અપાવશે ત્યારે તેમણે બાળકોને શાળાએ મોકલવાનું શરૂ કર્યું.


શાળાને રમતાં-રમતાં ભણવાની જગ્યા બનાવી

શાળાને સુંદર બનાવી, સજાવી અને પ્રવૃત્તિથી ધમધમતી બનાવી.
બાળકોને શાળાએ આવવાનું મન થાય એટલે તેમણે દરેક વિષયના આકર્ષક પોસ્ટરો તૈયાર કરીને શાળાની દીવાલો પર સજાવ્યાં. રોજના બોલાતા શબ્દોને અંગ્રેજીમાં તૈયાર કરીને તેને ડિજિટલ સ્વરૂપમાં દીવાલો પર ગોઠવ્યા જેથી જતાં-આવતાં બાળકો તેને જોઈ જોઈને યાદ રાખતાં થાય. 


    બાળકો રમતાં-રમતાં શીખે એટલા માટે તેમને રમતો,ગીતો, નાટકો અને આનંદમય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવામાં આવતાં. વચ્ચે-વચ્ચે નાસ્તો પણ મળે એટલે બાળકો ખુશ રહેતાં. આનાથી બાળકોમાં એક એવો પ્રચાર શરૂ થયો કે સ્કૂલે જવું એટલે મજા કરવા જવું. એટલે વધુ ને વધુ બાળકો નિયમિત રીતે શાળામાં આવતાં થયાં.ગ્લોબલ ટીચર્સ પ્રાઇઝ વિજેતા2020:રણજિતસિંહ ડિસલે
રણજિતસિંહ ડિસલે બાળકો સાથે...    
    2. ઍલાર્મ ઓન, ટીવી ઓફઃ-


આ પ્રોજેક્ટ હેઠળ દરરોજ સાંજે સાત વાગે એટલે શાળામાં ગોઠવેલો ઍલાર્મ વાગે છે. આ ઍલાર્મ સાંભળીને આખા ગામનાં બાળકો અને તેમના વાલીઓ પોતપોતાનું કામ છોડીને પોતાનાં  ઘરોમાં આવી જાય છે. આ વખતે ઘરમાં પણ બીજું કોઈ જ કામ નહીં કરવાનું. વાલી અને બાળકો સાથે બેસે, આખા દિવસની વાતો કરે, શાળામાં શું શું ભણાવ્યું અને હોમવર્ક શું આપ્યું છે તે વાલીએ જોવાનું અને બાળકને હોમવર્ક કરાવવાનું. બધા વાલીઓને ખબર ના પડે કે  બાળકને હોમવર્ક કેવી રીતે કરાવવું તેની  સમજણ ના પડે એટલે  પ્રોજેક્ટમાં એક બીજી બાબત એ હતી કે બાળકે શાળામાં આખો દિવસ શું શું પ્રવૃત્તિ કરી અને હોમવર્ક શું આપ્યું છે અને કેવી રીતે કરાવવાનું છે તેની વિગતોની એક ટૂંકી નોંધનો ટેક્સ-મેસેજ  બપોરના સમયે વાલી પાસે પહોંચી જાય. દા.ત. બાળક શાળામાં કવિતા શીખ્યું હોય અને તેને મોઢે કરવાનું કામ હોમવર્કમાં આપ્યું હોય તો વાલી તેેને કવિતા મોઢે કરાવડાવે. આ પ્રોજેક્ટનો હેતુ એ હતો કે વાલીઓ પોતાનાં સંતોનો પ્રત્યેની જવાબદારી સમજે, શિક્ષણનું મહત્ત્વ સમજતા થાય. અને શિક્ષણમાં વાલીઓનું પ્રદાન વધે, તેમનો અવાજ વધે. બાળકોમાં  અભ્યાસ પ્રત્યે રસ-રુચિ વધે અને નિયમિત શાળાએ જવાનું મન  થાય.આ પ્રોજેક્ટની અસર એટલી પડી કે સાંજના સાત વાગ્યાનો એલાર્મ થાય તે પહેલાં તો બધાં ઘરમાં હોમવર્ક કરતાં હોય. આમ, આ પ્રવૃત્તિ ગામનું એક કલ્ચર બની ગયું.


    3.  ક્યૂઆર કોડેડ ટેક્સબુક્સઃ-


ક્યૂઆર કોડ શું છે?
ક્યૂઆર કોડ એટલે ક્વિક રિસ્પોન્સ કોડ. તેને બારકોડની આગલી જનરેશન કહેવામાં આવે છે.
આ કોડમાં અનેકગણી સંખ્યામાં જાણકારીઓને સુરક્ષિત રાખી શકાય છે. તેમાં ઝડપથી સ્કેન થાય છે એટલે તેને ક્વિક રિસ્પોન્સ કોડ કહે છે. આ કોડનો આકાર સ્ક્વેર હોય છે, તેમાં જાણકારી સુરક્ષિત રીતે સચવાયેલી હોય છે. કોઈપણ ઉત્પાદન હોય, છાપું કે પુસ્તક હોય કે પછી વેબસાઈટ હોય, તે દરેકનો એક ક્યૂઆર કોડ હોય છે.
ગ્લોબલ ટીચર્સ પ્રાઇઝ વિજેતા 2020:રણજિતસિંહ ડિસલે
રણજિતસિંહ ડિસલે પાસેથી
બાળકો ક્યૂઆર કોડની જાણકારી મેળવે છે.


રણજિતસિંહે આ ક્યૂઆર કોડને સૌ પ્રથમવાર સ્કૂલના પાઠ્યપુસ્તકમાં ઉમેરવાની પહેલ કરી.  તેની શરૂઆત કેવી રીતે કરી તે વિશે જણાવતાં તેમણે કહ્યું છે કે બાળકોને સ્કૂલે આવવાનું મન થાય એટલે ફન-એક્ટિવિટીનું પ્રમાણ વધારવા માટે  પહેલા તો બધા અંગ્રેજી પાઠ્યપુસ્તકોનું ત્યાંની સ્થાનિક ભાષામાં ભાષાંતર કર્યું. પાઠ્યપુસ્તકોના વિષયોના વીડિયો તૈયાર કરાવ્યા અને તેની એક કન્ટેટ લાયબ્રેરી બનાવી જેથી બધા જ તેનો ઉપયોગ કરી શકે. 

પણ એવું થયું કે ઘણીવાર ઇન્ટરનેટની તકલીફ હોય કે અન્ય ટેકનિકલ મુશકેલીઓને કારણે શીખવામાં બાળકોનો રસ જળવાતો નહોતો. 
એ સમયે તેમને  ક્યૂઆર કોડની પ્રેરણા એક દુકાનદાર પાસેથી મળી. અને તેમણે  તેના વિશે જાણકારી મેળવી.  તેના વિશે તેઓ શીખતાં ગયા  અને તેની સમગ્ર જાણકારીને 27 જેટલા ક્યૂઆર કોડમાં સંગ્રહ કર્યો. આમાં લર્નિંગ ટેકનિક હતી એટલે બાળકો માટે એક પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કર્યો. તેમને શીખવામાં બહુ મજા પડી. તેઓ ક્યૂઆર કોડ વિશે જાણતાં થયાં અને તેનો ઉપયોગ કરવાનું શીખ્યાં.


ક્યૂઆર કોડમાં સફળતા મળી તે પછી 2017માં મહારાષ્ટ્ર સરકારના શિક્ષણ વિભાગ પાસે તેનો અમલ કરાવવા માટેનો પ્રસ્તાવ મૂક્યો. 1 વર્ષ માટે એને પ્રાયોગિક ધોરણે મૂક્યો અને તેમાં વાલીઓ, બાળકો અને શિક્ષકોને ખૂબ મજા પડી. એટલે મહારાષ્ટ્ર સરકારે 1થી12 ધોરણનાં પાઠ્યપુસ્તકોમાં ક્યૂઆર કોડિંગ પદ્ધતિ દાખલ કરી અને ત્યારબાદ સમગ્ર ભારતમાં તે અંગેની    જાહેરાત કરવામાં આવી હતી. રણજિતસિંહ ડિસલેનું કહેવું છે કે વિશ્વની જાણીતી કંપની માઇક્રોસોફ્ટે પણ અમારી સ્કૂલના આ ટેકનિકલ શૈક્ષણિક સંશોધન વિશે જાણ્યું અને તેણે દુનિયાના સૌથી ઉત્તમ 300 સંશોધનોમાં તેને સ્થાન આપ્યું. હવે તેઓ અન્ય 11 દેશોની સ્કૂલો માટે આ પ્રકારનાં પાઠ્યપુસ્તકો બનાવી રહ્યાં છે.    4. વર્ચ્યુઅલ ફીલ્ડ ટ્રીપ પ્રોજેક્ટઃ-

 ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઑફ ટેકનિકલ એજ્યુકેશન-દિલ્હીના શિક્ષણશાસ્ત્રીઓ સાથેની એક મુલાકાતમાં રણજિતસિંહ ડિસલેએ જણાવ્યું હતું કે બાળકો અત્યારસુધી અગાઉથી તૈયાર કરેલાં ચિત્રો કે વીડિયો જોતાં હતાં પરંતુ ટોરેન્ટોના એક એજ્યુકેશનલ પ્રોગ્રામમાં મને વર્ચ્યુઅલ ફીલ્ડ ટ્રીપની ટેકનિકનો આઇડિયા મળ્યો. અને મેં બાળકોની શૈક્ષણિક ચેતનાના વિસ્તાર માટે વર્ચ્યુઅલ ફીલ્ડ ટ્રીપ નામથી એક પ્રોજેક્ટ શરૂ કર્યો.


આ પ્રોજેક્ટ શું છે?ગ્લોબલ ટીચર્સ પ્રાઇઝ વિજેતા 2020:રણજિતસિંહ ડિસલે
રણજિતસિંહ ડિસલે વર્ચ્યુઅલ ફીલ્ડ ટ્રીપમાં બાળકો સાથે ...આ યોજના હેઠળ જુદા જુદા દેશના વિદ્યાર્થીઓ ડિજિટલ-પ્લેટફોર્મ પરથી એકબીજાને જુએ છે, વાત કરે છે, એકબીજાનો પરિચય મેળવે છે. પારિતવાડી શાળાનાં બાળકો તેમની સાથે અંગ્રેજીમાં વાતચીત કરતાં શીખી ગયાં. 

આ ઉપરાંત, બાળકોને તેમનાં પુસ્તકોમાં કેટલીક જાણકારી ચિત્રો દ્વારા આપવામાં આવતી હોય છે. તો તેમને એ ચિત્રની માહિતી વર્ચ્યુઅલ રીતે લાઇવ જોવા મળે તે માટે તેમને એ  જગ્યાની વર્ચ્યુઅલ મુલાકાતે લઈ    જઈએ છે. દા.ત. દુનિયાની સાત અજાયબીઓની વાત પુસ્તકમાં  આવતી હોય તો તેઓ તેને લાઈવ જોઈ શકે તેવું આયોજન કર્યું છે.


બાળકોને  તાજમહાલ બતાવવો હોય તો  ત્યાંના ટૂરિસ્ટ ગાઈડ અને નજીક રહેતા શિક્ષકોનો સંપર્ક કરી એક વર્ચ્યુઅલ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવે છે જેમાં તે લોકો પોતાના સ્થળ પરથી તાજમહાલ વિશેની લાઈવ માહિતી આપે છે બાળકો પ્રશ્નો પણ પૂછી શકે છે.


આ ઉપરાંત, વિજ્ઞાનના પ્રયોગો કે ઇતિહાસ-ભૂગોળની વાતો વર્ચ્યુઅલ પ્લેટફોર્મ દ્વારા શિખવવામાં આવે છે.


આમ, શિક્ષણ ચાર દીવાલોમાંથી બહાર નીકળીને વિસ્તાર પામતું જાય છે. બાળકોનું શેરીંગ વધે છે અને નિષ્ણાત વ્યક્તિઓ પાસેથી જાણવા-શીખવા મળે છે. એટલે  જ રણજિતસિંહ ડિસલે કહે છેઃ-


              "વર્લ્ડ ઇઝ માય ક્લાસરૂમ"


2018માં શરૂ થયેલા આ પ્રોજેક્ટ હેઠળ વિદ્યાર્થીઓએ એક વર્ષમાં સાત કરતાં વધુ દેશોનાં લગભગ 70 જેટલાં જાણીતાં સ્થળોની વર્ચ્યુઅલ-ટ્રીપ કરી છે. 


વધુ જાણવા જેવી બાબત એ છે કે આપણે પરદેશ ટ્રીપ પર જતાં હોઈએ અને જે રીતે બધી પ્રક્રિયા કરવાની હોય તે જ રીતે વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ ટૂરમાં પણ કરવાનું હોય છે એટલે કે, વર્ચ્યુઅલ પાસપોર્ટ તૈયાર કરવાનો, ટૂરનો આખો રેકોર્ડ વર્ચ્યુઅલી રાખવાનો વગેરે. આ બાબત તેમને વાસ્તવિક જીવનમાં કામ લાગતી હોય છે. આ છે, 'ભણતર સાથે ગણતર'.5. લેટ્સ ક્રોસ ધ બોર્ડર પ્રોજેક્ટઃ-


રણજિતસિંહ ડિસલેને એવો વિચાર આવ્યો કે ઘણા દેશો પાસે ઘણા પૈસા હોવા છતાં પણ એ બધો પૈસો યુદ્ધ પાછળ ખર્ચ થઈ જતો હતો. જો તે દેશો આમાંના 50 ટકા પણ શિક્ષણ પાછળ વાપરે તો ઘણું સારું કામ થઈ શકે.  
આ વિચારમાંથી 2018માં શરૂ થયો એક પ્રોજેક્ટ,
જેનું નામ હતુંઃ-

લેટ્સ ક્રોસ ધ બોર્ડર

તેઓ કહે છે કે આ પ્રોજેક્ટ, શિક્ષણ દ્વારા વિશ્વ-શાંતિ લાવવામાં એક મહત્ત્વનું યોગદાન આપી શકે તેમ છે. 

આવો, પ્રોજેક્ટ વિશે જાણીએઃ-

આ પ્રોજેક્ટ 2018થી શરૂ થયો છે. દુનિયાના જે દેશો વચ્ચે સતત યુદ્ધ ચાલ્યા કરે છે અને સતત યુદ્ધની પરિસ્થિતિ રહેતી હોય છે તેવા આઠ દેશો, ભારત-પાકિસ્તાન, પેલેસ્ટાઇન-ઇઝરાયેલ, ઇરાન-ઇરાક, નોર્થ કોરીયા-યુએસના વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટમાં પસંદ કરીને લેવામાં આવે છે. આ બધું જ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર જ ચાલતું હોય છે.

 
આ પ્રોજેક્ટ છ અઠવાડિયાંનો હોય છે. 

પ્રથમ સ્ટેજમાં પસંદગી પામેલા વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાત કરે છે અને પોતાની વ્યક્તિગત માહિતીનું શેરીંગ કરે છે. એકબીજાથી પરિચિત થાય છે.
 

બીજા સ્ટેજમાં તેઓ પોતાના દેશમાં ચાલતા યુદ્ધ વિશે વાતચીત કરે છે અને તેનું શેરીંગ કરે છે. વિચારે છે કે આ લોકો શા માટે લડે છે અને તેનો કોઈ ઉપાય છે કે કેમ, તે વિશે આદાનપ્રદાન કરે છે.
 

ત્રીજા સ્ટેજમાં પોતાનો દેશ બીજા દેશ કરતાં કઈ રીતે જુદો છે અને સમાનતાઓ કઇ કઇ છે તેની માહિતી મેળવે છે, સંવાદ કરે છે.


છેલ્લે, વિકસિત દેશો જેવા કે, કેનેડા, ઓસ્ટ્રેલિયાના નેતાઓને આમંત્રણ આપવામાં આવે છે કારણ કે આ દેશો પણ ઘણાં વર્ષોનાં યુદ્ધ પછી શાંતિ મેળવી શક્યા છે, તો આ શાંતિ કઈ રીતે લાવી શકાય તેના વિશે નેતાઓ વિદ્યાર્થીઓ સાથે વાત કરે છે. 


આ બધા સ્ટેજ પતી જાય તે પછી વિદ્યાર્થીઓએ નક્કી કરવાનું હોય છે કે તેઓ આ પ્રોજેક્ટને છોડવા માગે છે કે જોડાઈ રહેવા માગે છે.


આ પ્રોજેક્ટનું ધ્યેય સમાજ અને યુવાનો વચ્ચે શાંતિ લાવવાનું છે એટલે આ વિદ્યાર્થીઓની આ સેનાને શાંતિ-સેના કહેવામાં આવે છે તેમાં એક કર્નલ પણ હોય છે અને આ સેના પોતાની આજુબાજુ અને સમગ્ર વિશ્વ સમાજમાં શેરીંગ દ્વારા શાંતિ પ્રસરાવવાનું કામ કરે છે. 

આ પ્રોજેક્ટ 2018થી શરૂ થયો છે અને અત્યારસુધીમાં આઠ વિકાસશીલ દેશોના 19,000 જેટલા વિદ્યાર્થીઓ તેમાં જોડાઈ ચુક્યા છે. 

રણજિતસિંહ ડિસલેનું ધ્યેય છે કે 2030 સુધીમાં આ પ્રોજેક્ટ હેઠળ 50,000 વિદ્યાર્થીઓની શાંતિ-સેના બનાવવી કે જે સમગ્ર સમાજમાં શાંતિ ફેલાવવાનું કામ કરશે. એટલે ગોલ્ડન ટીચર પ્રાઈઝ-2020માં તેમને જે ઇનામી રકમ મળી છે તેનો 20ટકા ભાગ આ પ્રોજેક્ટ પાછળ ખર્ચ કરવા માગે છે. 


            
ગ્લોબલ ટીચર્સ પ્રાઇઝ વિજેતા 2020:રણજિતસિંહ ડિસલે
વર્ચ્યુઅલ- ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ પ્રવૃત્તિનો આનંદ માણે છે.


પાંચ પ્રોજેક્ટ દ્વારા સિદ્ધિ મેળવી

આ પાંચ પ્રોજેક્ટની રણનીતિ બનાવીને રણજિતસિંહ  ડિસલેએ પોતાનાં લક્ષ્યાંકોને છેલ્લાં પાંચ વર્ષમાં પૂરાં કર્યાં અને તે તેમની અજોડ સિદ્ધિ ગણાય.


રણજિતસિંહ ડિસલે સાથેની મુલાકાત

રણજિતસિંહ ડિસલેને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઑફ ટેકનિકલ એજ્યુકેશન-દિલ્હીના શિક્ષણશાસ્ત્રીઓએ મુલાકાત દરમિયાન કેટલાક પ્રશ્નો પૂછ્યા તે આપણે જો નહીં જાણીએ તો રણજિતસિંહ ડિસલને મળેલી સિદ્ધિને આપણે કદાચ યોગ્ય રીતે મૂલવી નહીં શકીએ.

પ્રશ્નોત્તરી
 • તમને આ કાર્ય કરવાની પ્રેરણા-ઊર્જા ક્યાંથી મળી રહે છે?
મારે તો શિક્ષક બનવું જ નહોતું  પરંતુ પિતાજીના કહેવાથી ટીચર્સ ટ્રેનિંગ કૉલેજમાં ગયો શિક્ષક બનવા, ત્યારે ત્યાંના શિક્ષકોએ મને એવો તો  બદલી નાખ્યો કે હું શિક્ષણને એન્જોય કરવા લાગ્યો. શિક્ષણ મારો આત્મા છે. હવે મને લાગે છે કે મારા જીવનનું ધ્યેય આ જ છે.


આજે પણ હું મારા ક્લાસરૂમમાં પ્રવેશું છું ત્યારે મારા વિદ્યાર્થીઓમાં મને એ શિક્ષકોના આનંદિત ચહેરા દેખાય છે અને મને ઊર્જા મળી રહે છે.
મને અપેક્ષા છે કે ભવિષ્યમાં મારા વિદ્યાર્થીઓને પણ મારી પાસેથી પ્રેરણા મળતી રહે. હું તેમને આનંદિત જોવા માગું છું. મારાં બાળકોનાં સ્માઈલ મને પ્રેરિત કરે છે અને કહે છે કે 'ચાલો, આજે કાંઈક નવું કરીએ'.


મારા વિદ્યાર્થીઓને મારા ક્લાસરૂમમાં કંટાળો ના આવે તે માટે હું તેમના ચહેરા પર હંમેશાં આનંદ જોવા ઇચ્છું છું.

 • આજની સરકારી સ્કૂલોની વ્યવસ્થામાં કાર્ય કરવા માટે ઘણી સમસ્યાઓ નડતી હોય છે, તેમાં સુધારો લાવીને પ્રગતિ કરવાનું કેટલું શક્ય છે?

આપણે હંમેશાં પ્રોબ્લેમ્સની વાતો કરવાને બદલે સોલ્યુશનની વાત કરવી   જોઈએ. વિકાસશીલ દેશોમાં ઇનોવેટર અને પ્રોબ્લેમ-સોલ્વર જરૂરી  છે. શિક્ષણમાં પ્રગતિ માટે શૈક્ષણિક ક્ષેત્રના સંશોધકો, નીતિઘડવૈયાઓ, વિદ્વાનો અને સામાજિક સંસ્થાઓએ સાથે મળીને એક જ દિશામાં સાથે ચાલીને ધ્યેય પ્રાપ્ત કરવું જોઈએ.

 • સમાજ, સરકારી સ્કૂલો તરફ નકારાત્મક દ્રષ્ટિકોણથી કેમ  જુએ છે?
હું નથી જાણતો પરંતુ એ જાણું છું કે આજે માત્ર અમારા રાજ્યની જ નહીં પરંતુ અન્ય રાજ્યોની ઘણી સ્કૂલોના અધ્યાપકો બહુ જ મહેનત સાથે કામ કરે છે અને તેમને સાથ આપવો  જોઈએ. અધ્યાપકે પણ બદલાતાં પરિવર્તનને ધ્યાનમાં રાખીને-સમજીને શિક્ષણમાં ટેકનિકની મદદ લેવી જોઈએ.

 • નવી શિક્ષણનીતિ વિશે આપનું શું માનવું છે?
એને તૈયાર કરતી વખતે અમે પણ અમારા અભિપ્રાયો આપેલા છે. હું માનું છું કે એજ્યુકેશન-સિસ્ટમને સુધારવા માટે આપણે આ નવી શિક્ષણનીતિ લાવવાના છીએ ત્યારે તેમાં સૌથી મહત્ત્વનો રોલ શિક્ષકનો જ રહેવાનો છે એટલે આ શિક્ષકોને યોગ્ય તાલીમ અપાય, ઇનોવેટિવ સોલ્યુશન શોધવામાં મદદ આપવામાં આવે, તે માટેનાં શૈક્ષણિક-સાધનો પૂરતાં પ્રમાણમાં આપવામાં આવે તે બહુ જ જરૂરી બાબત બની રહેશે. 


શિક્ષક પૂરેપૂરો નિષ્ણાત અને સજ્જ હોવો જોઈએ તો જ 21મી સદીના વિદ્યાર્થીઓની સામે ટકી રહેવા સક્ષમ હશે. આ નવી નીતિનું અમલીકરણ કઇ રીતે કરવામાં આવે છે તે જોવાનું છે. સફળતાનો આધાર તેના પર છે.


આજકાલ તો શિક્ષણની  પરિસ્થિતિ એવી છે કે આપણી પાસે વિદ્યાર્થીઓ 21મી સદીના છે, તેમને શિખવનારા શિક્ષકો 19મી સદીના છે અને તેમનો અભ્યાસક્રમ તો વર્ષોનાં વર્ષોથી બીબાંઢાળ રીતે ચાલતો આવ્યો છે. 


 • આજકાલ યુવાનો શિક્ષકનો વ્યવસાય પસંદ નથી કરતા. કોઈ કામ ના મળે ત્યારે શિક્ષક બની જાય છે આવું કેમ છે?

તમારી વાત સાચી છે. શિક્ષકના વ્યવસાય પ્રત્યે એટલું માન નથી રહ્યું કે જે પહેલાના જમાનામાં હતું. આજકાલ લોકો દરેક વસ્તુને પૈસાથી તોલે છે એ રીતે વ્યવસાય પસંદ કરવામાં પણ કમાણી કેટલી થશે, એ ફેક્ટર મહત્ત્વનું કામ કરી જાય છે. છતાં પણ, હવે શિક્ષકોને પણ અઢળક ઇનામો આપીને સન્માનવામાં આવે છે એટલે તે  જોઈને પણ કેટલાંકને આ વ્યવસાયમાં આવવાનું ગમે તેવું બની શકે છે. 'વિશ્વગુરુ' બનીને ઊભરેલા ભારતના આ સિતારા રણજિતસિંહ ડિસલેના કેટલાક પ્રેરણાદાયી વિચારો કે જે આજના સમયમાં માઇલસ્ટોન બની આપણને હંમેશાં દિશા ચીંધતા રહેશેઃ-


 • રણજિતસિંહ ડિસલેને 1 મિલિયન અમેરિકન ડોલર એટલે કે લગભગ 7.38 કરોડ જેટલા રૂપિયાનું પ્રાઈઝ જાહેર કરવામાં આવ્યું કે તરત જ તેમણે આ રકમની 50ટકા રકમ અન્ય 9 વિજેતાઓને સરખે ભાગે વહેંચવામાં આવશે, 30 ટકા રકમમાંથી ટીચર્સ ઇનોવેશન ફંડ બનાવવામાં આવશે અને 20 ટકા રકમ લેટ્સ ક્રોસ ધ બોર્ડર પ્રોજેક્ટ પાછળ ખર્ચ કરવામાં આવશે, તેવી જાહેરાત કરી હતી.
 
 
આમ કરવા પાછળના તેમના વિચારો મનનીય  છે. તેમણે કહ્યું કે શિક્ષકો બદલાવ લાવનારાં લોકોમાંના હોય છે. તેઓ વિદ્યાર્થીઓની જિંદગી બદલતા હોય છે અને અમે સહુ શિક્ષકો સાથે મળીને દુનિયાને બદલીશું. 
ટીચર્સ એક ચેન્જમેકર હોય છે. અહીં આવેલા બાકીના 9 ફાઇનલિસ્ટો પણ પોતાના વિદ્યાર્થીઓની પ્રગતિ કરે જેથી અમે સાથે ચાલીને બાળકો માટેની એક સુંદર દુનિયા બનાવી શકીએ. શિક્ષક એ ચૉક અને ચેલેન્જિસનું મિશ્રણ છે.
મારાં બાળકો માટે એક લર્નિંગ ઍન્વાયરમેન્ટ ઊભું કરવાનું છે. પોતાના પ્રશ્નોના ઉકેલ માટે તેઓ નવા-નવા ઉપાયો તરફ દોરાય તે માટે આપણે માર્ગદર્શક બનવાનું છે. હવે શિક્ષણ પરીક્ષાલક્ષી અને શિક્ષકલક્ષી નહીં પરંતુ વિદ્યાર્થીલક્ષી બનવા તરફ જઇ રહ્યું છે. જો તમે કાંઈક અલગ વિચારો છો તો દુનિયા જીતી શકો છો.         
ગ્લોબલ ટીચર્સ પ્રાઈઝ વિજેતા 2020:રણજિતસિંહ ડિસલે
રણજિતસિંહ ડિસાલે વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિમય શિક્ષણમાં મગ્ન છે. • પાઠ્યપુસ્તક નહીં પણ સર્વાંગીણ શિક્ષણ, પ્રયોગશીલ શિક્ષણ.

 • રણજિતસિંહ ડિસલેને આપવામાં આવેલા અન્ય ઍવોર્ડ
2016માં> તેમની પારિતવાડીની સરકારી પ્રાથમિક શાળાને જિલ્લાની બેસ્ટ સ્કૂલનો ઍવોર્ડ મળ્યો  હતો.

2017માં> કેન્દ્ર સરકાર દ્વારા ઇનોવેટિવ રિસર્ચ ઑફ ધ યરનો ઍવોર્ડ મળ્યો હતો.

2018માં> નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનનો ઇનોવેટેડ ઑફ ધ યરનો ઍવોર્ડ મળ્યો હતો.
 
એક સૂચક વાત

આજે જ્યારે કોરોનાની મહામારી અને વારંવાર આવતી લોકડાઉનની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે અને બાળકોને ક્યાં, કેવી રીતે, કેવું શિક્ષણ આપવું તે વાલી, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મૂંઝવણનો પ્રશ્ન બની ગયો છે ત્યારે ભારત દેશની એક સરકારી સ્કૂલના પ્રાયમરી ટીચરને તેના ઇનોવેટીવ કાર્ય માટે ગ્લોબલ ટીચર્સ પ્રાઇઝથી નવાજવામાં આવે તે એક બહુ જ સૂચક બાબત ગણાય. 

શિક્ષણમાં પરિવર્તન આવી રહ્યું છે

તે બાબત સંકેત કરે છે કે શિક્ષણમાં હવે પરિવર્તનનાં શંખ ફૂંકાઈ ગયા છે.અને તેમાં આ શિક્ષકે અજોડ કાર્ય કરીને બતાવ્યું છે. લોકડાઉન દરમિયાન મહારાષ્ટ્રમાં લગભગ 22 લાખ બાળકોએ ક્યૂઆર કોડ દ્વારા પોતાનું એજ્યુકેશન ચાલુ રાખ્યું. આ અંગે રણજિતસિંહ ડિસલે જણાવે છે કે મારા ઓફલાઇન વર્ગોમાં છેલ્લાં પાંચ વર્ષમાં બાળકોની હાજરી 100 ટકા રહી છે અને લોકડાઉનમાં એ જ વર્ગો ઓનલાઇન લેવામાં આવ્યા ત્યારે પણ બાળકોની હાજરી 100ટકા રહી. એમને મોબાઇલ કે ઇન્ટરનેટનો ખર્ચ નથી કરવો પડતો. તેમાં પણ તેમને સુવિધા આપવામાં આવતી હોય છે.

 
ભણાવવાની રીત બદલાઈ રહી છે

લર્નિંગ એપ બાયજૂસના સંસ્થાપક અને સીઇઓ બાયજુ રવીન્દ્રનનું કહેવું છે કે બાળકોને ભણાવવાની રીત કદાચ છેલ્લાં 100 વર્ષમાં પ્રથમ વખત બદલાઈ રહી છે. ઓફલાઇન-ક્લાસની અસ્થાયી ગેરહાજરીમાં સ્માર્ટફોન અને ડીવાઇસ લર્નિંગના પ્રાથમિક સાધન બન્યાં છે. આ પ્રક્રિયામાં  જાતે ભણવાનો રસ્તો બનાવવા માટે વિદ્યાર્થીઓ નવી-નવી રીતો શોધી રહ્યા છે.હવે લર્નિંગ વિદ્યાર્થીકેન્દ્રિત બની રહ્યું છે અને બાળકો પોતે શીખવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યાં છે જેથી તેઓ  શીખવામાં રસ અને જિજ્ઞાસા લેતાં થયાં છે.


સમસ્યાઓને બદલે સમાધાન  વિશે વિચારો

વર્તમાન પરિસ્થિતિ અને તેમાં રણજિતસિંહ ડિસલેને આપવામાં આવેલું ટીચર્સ પ્રાઈઝ એ વાતની તરફ સંકેત કરે છે કે લોકડાઉન હોય કે બીજી કોઈપણ પરિસ્થિતિ હોય પરંતુ કોઈપણ કામ અટકવું ન જોઈએ. શાળાએ ન જઈ શકીએ એટલે ભણવાનું છોડી ના દેવાય, જેમ જોબ કરવા ન  જઈ શકીએ તો જોબ ન  છોડી દેવાય. ઓનલાઈન કે ઓફલાઇન કે પછી સંયુક્ત રીતે જે પણ કાંઇ કરી શકાય તે કરવામાં લાગી જવું જોઈએ. આ બધી જરૂરિયાતો જ આપણને નવાં-નવાં સંશોધનો અને એક નવા ડિજિટલ યુગ તરફ દોરી જશે. પરિસ્થિતિનો વાંક કાઢવાને બદલે સોલ્યુશન શોધીને આગળ વધીએ.

ક્યૂઆર કોડ દ્વારા કન્યા-શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર રણજિતસિંહ ડિસાલે


એક એવો શિક્ષક કે જેણે ક્યૂઆર કોડેડ શિક્ષણ દ્વારા કન્યા-શિક્ષણમાં પરિવર્તન આણ્યું. પારિતવાડી ગામમાં લગ્નનું કલ્ચર હતું. 12-13 વર્ષની ઉંમરે બાળકીનાં લગ્ન થઈ જતાં હતાં. એ શિક્ષકે પાંચ જ વર્ષમાં શાળામાં બાળકીઓની હાજરી 100ટકા કરવામાં સફળતા મેળવી. અને પીટીઆઈના એક રિપોર્ટ મુજબ હાલમાં ત્યાં કોઈ બાળલગ્નો થયાં નથી. 
એક રિપોર્ટ મુજબ ભારતમાં દર વર્ષે 39,000 બાળલગ્નો થાય છે ત્યારે આ પારિતવાડી ગામ એક ઉદાહરણરૂપ બની રહે છે. 


ગ્લોબલ ટીચર્સ પ્રાઇઝ વિજેતા 2020:રણજિતસિંહ ડિસલે
રણજિતસિંહ ડિસાલે
લગ્ન-કલ્ચરને બદલે શિક્ષણ-કલ્ચર