ચાલતી પટ્ટી

" જિંદગીમાં જીતની સૌથી સારી તૈયારી એ છે કે આજે સારું કામ કરો.● ‘વિષાદ’ પણ એક યોગ છે. ● એક કામ શરુ કરી લીધા પછી અસફળતાનો ડર ના રાખો, ● અને કામને અધવચ્ચે છોડો પણ નહીં. ● સફળ લોકો કોઈ અલગ કામ નથી કરતા, ● બસ, તે કાંઈક અલગ રીતે કામ કરે છે... ● કોઈ પણ વ્યક્તિ તમને તમારી મરજી વિરુદ્ધ લઘુતાગ્રંથિનો અનુભવ ના કરાવી શકે."

29 માર્ચ 2021

ગ્લોબલ ટીચર્સ પ્રાઇઝ વિજેતા-2020 _રણજિતસિંહ ડિસલે

ગ્લોબલ ટીચર્સ પ્રાઇઝ વિજેતા-2020

રણજિતસિંહ  ડિસલે

એક પ્રેરણાત્મક-સ્ટોરીગ્લોબલ ટીચર્સ પ્રાઇઝ વિજેતા:2020, રણજિતસિંહ ડિસલે
ગ્લોબલ ટીચર્સ એવોર્ડ વિજેતા
રણજિતસિંહ  ડિસલેઆજે આમને કોણ નથી ઓળખતું? માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં તેમનું નામ એટલું જાણીતું થઈ ગયું છે કે આજે સમગ્ર વિશ્વ તેમને ઓળખે છે. ચારેબાજુ તેમના નામની ચર્ચા થઈ રહી છે.

તેઓ છે રણજિતસિંહ ડિસલે.

ભારતના મહારાષ્ટ્ર રાજ્યના સોલાપુર જિલ્લાના રહેવાસી છે.

રણજિતસિંહ ડિસલે શા માટે ચર્ચામાં છે?
 • તેમને ગ્લોબલ ટીચર પ્રાઈઝ-2020 મેળવવાનું બહુમાન મળ્યું છે.
 • આ બહુમાન મેળવનારા તેઓ સૌ પ્રથમ ભારતીય છે.
 • 3 ડિસેમ્બર-2020ના રોજ લંડન સ્થિત વાર્કે ફાઉન્ડેશન અને યુનેસ્કોની સહભાગીતામાં આ બહુમાન તેમને મળ્યું છે.
 • ગ્લોબલ ટીચર પ્રાઈઝ માટે વિશ્વના 144 દેશોમાંથી 12 હજાર કરતાં પણ વધુ શિક્ષકોએ અરજી કરી હતી. તેમાંથી ભારતના રણજિતસિંહ ડિસલેની પસંદગી કરવામાં આવી હતી.
 • લંડન સ્થિત વાર્કે ફાઉન્ડેશન 'ચેન્જિંગ લાઇફ થ્રૂ એજ્યુકેશન' ના સિદ્ધાંત સાથે કાર્ય કરી રહ્યું છે.ઇ.સ. 2015થી આ પ્રાઈઝની શરૂઆત કરવામાં આવી હતી.
                               
ગ્લોબલ ટીચર પ્રાઈઝની કુલ રકમ 1મિલિયન અમેરિકન ડોલર એટલે કે અંદાજે 7.38 કરોડની છે.

    રણજિતસિંહ ડિસલેની સિદ્ધિઓ
    કઇ સિદ્ધિઓ માટે તેમનું બહુમાન થયું છે?

 1. ભારતના મહારાષ્ટ્ર રાજ્યના સોલાપુર જિલ્લામાં આવેલા એક નાનકડા ગામ પારિતવાડીમાં આવેલી જિલ્લા પરિષદ-સરકારી સ્કૂલના પ્રાથમિક વિભાગમાં ભણતી છોકરીઓની જિંદગીને તેમણે બદલી નાખી છે. શિક્ષણને કારણે છોકરીઓનાં અંગત જીવનમાં તેમજ શિક્ષણમાં અને સમાજમાં મોટાં પરિવર્તનો આવ્યાં છે.
 2. છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન સ્કૂલમાં છોકરીઓની 100 ટકા હાજરી રહી છે.
 3. પ્રાથમિક શિક્ષણમાં 'ક્યૂઆર કોડ'(QR CODE)ની ક્રાંતિ લઈ આવ્યા.પ્રાથમિક શાળાના પાઠ્યપુસ્તકોમાં સૌ પ્રથમવાર આ ક્યૂઆર કોડ ઉમેરવાની પહેલ રણજિતસિંહ ડિસલેએ કરી.તે પછી સમગ્ર મહારાષ્ટ્રની સ્કૂલોમાં તબક્કાવાર અમલ થયો. કેન્દ્ર સરકારે પણ તેના અમલીકરણ અંગેની જાહેરાત કરી છે.
    

રણજિતસિંહ ડિસલે સામેના પડકારો

તેમનું કહેવું છે કે ઇ.સ.2009માં તેમની નિમણૂક પારિતવાડીની સ્કૂલમાં થઈ ત્યારે ત્યાંથી જ તેમની શિક્ષક તરીકેની યાત્રાની શરૂઆત થઈ. તે વખતે તેમની સામે નીચેના પડકારો હતાઃ-

ગાયોને રાખવાની જગ્યા પર એક સ્કૂલ તૈયાર કરવાની હતી.
 • પારિતવાડી સરકારી પ્રાથમિક સ્કૂલની હાલત જોઇને તેમને ખૂબ જ નવાઈ લાગી હતી. એકબાજુ ગાયો-ભેંસો બાંધવાની જગ્યા હતી અને તેની બાજુમાં સ્ટોરરૂમ જેવી જગ્યા હતી જેની વચ્ચે આવેલી એક નાનકડી જગ્યામાં બ્લેકબોર્ડ લટકતું હતું અને બીજો સામાન વેરવિખેર પડ્યો હતો.આવી જગ્યાને એક શિક્ષણ માટેની જગ્યા બનાવવાનો મોટો પડકાર હતો.
વાલીઓ, બાળકો અને ગામલોકોમાં જાગૃતિ લાવવાની હતી
 • પારિતવાડી એક એવું ગામ હતું જ્યાંનો મુખ્ય વ્યવસાય ખેતી અને મજૂરીકામનો હતો. વાલીઓ બાળકોને પોતાની સાથે કામે લઈ જતા હતા. વાલીઓ કે બાળકો, બંનેમાંથી કોઈનામાં પણ શિક્ષણ પ્રત્યે કોઈ ઉત્સાહ જ નહોતો.એટલે તેમનામાં જાગૃતિ લાવવાની હતી
છોકરીઓમાં લગ્ન-કલ્ચરને બદલીને શિક્ષણ-કલ્ચર લાવવાનું હતું
 • છોકરીઓમાં શિક્ષણનું કોઈ કલ્ચર જ નહોતું. તેમને નાનપણથી જ લગ્ન માટે જ તૈયાર કરવામાં આવતી હતી.અને તેને તે સારી રીતે શીખી લેતી હતી. 12-13 વર્ષની ઉંમરે તેના લગ્ન થઈ જતા હતા. આમ તેમનામાં લગ્નનું કલ્ચર હતું.  આ છોકરીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવીને તેમને ભણતી કરવાની હતી. આ એક મોટો પડકાર હતો.
અંગ્રેજી પાઠ્યપુસ્તકોનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરવાનો હતો.
 • પ્રાથમિક શાળાનાં બધાં જ પાઠ્યપુસ્તકો અંગ્રેજીમાં હતાં. તેનો ત્યાંની સ્થાનિક ભાષામાં અનુવાદ કરીને બાળકો માટે શિક્ષણને સુગમ બનાવવાનો હતો. જેથી બાળકો શાળાએ આવતાં થાય.


  રણજિતસિંહ ડિસલેએ આ પડકારો સામે કઇ રીતે કામ કર્યું?

આ માટે તેમણે કેટલાંક લક્ષ્યાંકો નક્કી કર્યાંઃ-

 1. પારિતવાડી ગામનાં બાળકોનાં વાલીઓનો શિક્ષણ પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવો.
 2. શાળામાં છોકરીઓની હાજરી 100 ટકા હોવી જોઈએ.
 3. શૈક્ષણિક સ્તર સુધારવું.

આ લક્ષ્યાંકો પાર પાડવા માટે તેમણે કેટલાક પ્રોજેક્ટ તૈયાર કર્યા જે નીચે મુજબ છેઃ-

 1. કૉમ્યુનિટી ઍન્ગેજમૅન્ટ પ્રોગ્રામઃ-
 રણજિતસિંહ ડિસલેના કહેવા મુજબ તેમણે સૌથી પહેલા તો


ગ્લોબલ ટીચર્સ પ્રાઇઝ વિજેતા 2020: રણજિતસિંહ ડિસલે
પારિતવાડી ગામની સ્કૂલ 


પારિતવાડીની નાનકડી સ્કૂલ કહેવાતી જગ્યાનું સફાઈ-અભિયાન હાથ ધર્યું. ખૂબ મહેનતનું કામ હતું પણ તેમણે આખી જગ્યાનો નકશો જ બદલી નાખ્યો. આ કામમાં તેમને 6 મહિના જેટલો સમય લાગ્યો.

પારિતવાડી ગામનો ડેટા મેળવ્યો

તે દરમિયાન તેમણે બાકીના સમયમાં ગામની માહિતી અંગેનો ડેટા મેળવ્યો. જેના દ્વારા તેમને ગામ વિશેની પૂરી માહિતી જાણવા મળી. અને આશ્ચર્ય વચ્ચે તેમને જાણવા મળ્યું કે પારિતવાડી ગામમાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ શિક્ષિત હતી.

તે પછી તેમણે ગામના લોકોની મુલાકાત લેવાનું શરૂ કર્યું. ખેતરોમાં, ગામનાં ચોરા પર, પંચાયતમાં, વગેરે સ્થળો પર જઇને તેમણે ગામના લોકો, તેમની ભાષા, આર્થિક સ્થિતિ, ધંધો-વ્યવસાય, બોલવાચાલવાની રીતો, ટેવો, રિવાજો, માન્યતાઓ વગેરે બાબતોનો ઝીણવટથી અભ્યાસ કર્યો. 

આમ કરવાથી સૌની સાથે ઓળખાણ વધી, વિશ્વાસ વધ્યો એટલે તેમનાં ઘરે જવાનું થતું. લોકો તેમને વારતહેવારે કે સારા પ્રસંગોએ તેમને બોલાવતા. આમ, તેમનાં બાળકોના પરિચયમાં તેઓ આવ્યા.

    આમ કરવાથી બાળકોના વાલીઓને સમજવાની તક મળી. તેમની વચ્ચેનું અંતર ઘટ્યું અને નજીક આવ્યા. આનાં કારણે તેમની વચ્ચે બાળકોનાં શિક્ષણ અંગેની વાતો થવા લાગી.
 
ગામમાં શિક્ષણનું કલ્ચર જ નહોતું

    રણજિતસિંહ ડિસલેનું કહેવું છે કે પારિતવાડી ગામમાં શિક્ષણનું કલ્ચર જ નહોતું. બાળકો ભણે કે ના ભણે, વાલીઓને કોઈ જ ફેર પડતો નહોતો. તેઓ તેમનાં ભણતરની ચિંતા નહોતા કરતા. તેમનું કલ્ચર ખેતીનું હતું અને તેમને સૌને એવું લાગતું કે ખેતીથી જ અમને પૈસા મળશે અને સમાજમાં દરજ્જો મળશે.ભણતર કાંઈ કામ લાગવાનું નથી. 

    આ તેમનો માઇન્ડસેટ હતો અને તેમાં પરિવર્તન લાવવાનું બહુ જ કઠીન કામ હતું. ધીરે-ધીરે વિશ્વાસ વધતો ગયો કે શિક્ષણ જ અમને દરજ્જો અપાવશે ત્યારે તેમણે બાળકોને શાળાએ મોકલવાનું શરૂ કર્યું.


શાળાને રમતાં-રમતાં ભણવાની જગ્યા બનાવી

શાળાને સુંદર બનાવી, સજાવી અને પ્રવૃત્તિથી ધમધમતી બનાવી.
બાળકોને શાળાએ આવવાનું મન થાય એટલે તેમણે દરેક વિષયના આકર્ષક પોસ્ટરો તૈયાર કરીને શાળાની દીવાલો પર સજાવ્યાં. રોજના બોલાતા શબ્દોને અંગ્રેજીમાં તૈયાર કરીને તેને ડિજિટલ સ્વરૂપમાં દીવાલો પર ગોઠવ્યા જેથી જતાં-આવતાં બાળકો તેને જોઈ જોઈને યાદ રાખતાં થાય. 


    બાળકો રમતાં-રમતાં શીખે એટલા માટે તેમને રમતો,ગીતો, નાટકો અને આનંદમય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવામાં આવતાં. વચ્ચે-વચ્ચે નાસ્તો પણ મળે એટલે બાળકો ખુશ રહેતાં. આનાથી બાળકોમાં એક એવો પ્રચાર શરૂ થયો કે સ્કૂલે જવું એટલે મજા કરવા જવું. એટલે વધુ ને વધુ બાળકો નિયમિત રીતે શાળામાં આવતાં થયાં.ગ્લોબલ ટીચર્સ પ્રાઇઝ વિજેતા2020:રણજિતસિંહ ડિસલે
રણજિતસિંહ ડિસલે બાળકો સાથે...    
    2. ઍલાર્મ ઓન, ટીવી ઓફઃ-


આ પ્રોજેક્ટ હેઠળ દરરોજ સાંજે સાત વાગે એટલે શાળામાં ગોઠવેલો ઍલાર્મ વાગે છે. આ ઍલાર્મ સાંભળીને આખા ગામનાં બાળકો અને તેમના વાલીઓ પોતપોતાનું કામ છોડીને પોતાનાં  ઘરોમાં આવી જાય છે. આ વખતે ઘરમાં પણ બીજું કોઈ જ કામ નહીં કરવાનું. વાલી અને બાળકો સાથે બેસે, આખા દિવસની વાતો કરે, શાળામાં શું શું ભણાવ્યું અને હોમવર્ક શું આપ્યું છે તે વાલીએ જોવાનું અને બાળકને હોમવર્ક કરાવવાનું. બધા વાલીઓને ખબર ના પડે કે  બાળકને હોમવર્ક કેવી રીતે કરાવવું તેની  સમજણ ના પડે એટલે  પ્રોજેક્ટમાં એક બીજી બાબત એ હતી કે બાળકે શાળામાં આખો દિવસ શું શું પ્રવૃત્તિ કરી અને હોમવર્ક શું આપ્યું છે અને કેવી રીતે કરાવવાનું છે તેની વિગતોની એક ટૂંકી નોંધનો ટેક્સ-મેસેજ  બપોરના સમયે વાલી પાસે પહોંચી જાય. દા.ત. બાળક શાળામાં કવિતા શીખ્યું હોય અને તેને મોઢે કરવાનું કામ હોમવર્કમાં આપ્યું હોય તો વાલી તેેને કવિતા મોઢે કરાવડાવે. આ પ્રોજેક્ટનો હેતુ એ હતો કે વાલીઓ પોતાનાં સંતોનો પ્રત્યેની જવાબદારી સમજે, શિક્ષણનું મહત્ત્વ સમજતા થાય. અને શિક્ષણમાં વાલીઓનું પ્રદાન વધે, તેમનો અવાજ વધે. બાળકોમાં  અભ્યાસ પ્રત્યે રસ-રુચિ વધે અને નિયમિત શાળાએ જવાનું મન  થાય.આ પ્રોજેક્ટની અસર એટલી પડી કે સાંજના સાત વાગ્યાનો એલાર્મ થાય તે પહેલાં તો બધાં ઘરમાં હોમવર્ક કરતાં હોય. આમ, આ પ્રવૃત્તિ ગામનું એક કલ્ચર બની ગયું.


    3.  ક્યૂઆર કોડેડ ટેક્સબુક્સઃ-


ક્યૂઆર કોડ શું છે?
ક્યૂઆર કોડ એટલે ક્વિક રિસ્પોન્સ કોડ. તેને બારકોડની આગલી જનરેશન કહેવામાં આવે છે.
આ કોડમાં અનેકગણી સંખ્યામાં જાણકારીઓને સુરક્ષિત રાખી શકાય છે. તેમાં ઝડપથી સ્કેન થાય છે એટલે તેને ક્વિક રિસ્પોન્સ કોડ કહે છે. આ કોડનો આકાર સ્ક્વેર હોય છે, તેમાં જાણકારી સુરક્ષિત રીતે સચવાયેલી હોય છે. કોઈપણ ઉત્પાદન હોય, છાપું કે પુસ્તક હોય કે પછી વેબસાઈટ હોય, તે દરેકનો એક ક્યૂઆર કોડ હોય છે.
ગ્લોબલ ટીચર્સ પ્રાઇઝ વિજેતા 2020:રણજિતસિંહ ડિસલે
રણજિતસિંહ ડિસલે પાસેથી
બાળકો ક્યૂઆર કોડની જાણકારી મેળવે છે.


રણજિતસિંહે આ ક્યૂઆર કોડને સૌ પ્રથમવાર સ્કૂલના પાઠ્યપુસ્તકમાં ઉમેરવાની પહેલ કરી.  તેની શરૂઆત કેવી રીતે કરી તે વિશે જણાવતાં તેમણે કહ્યું છે કે બાળકોને સ્કૂલે આવવાનું મન થાય એટલે ફન-એક્ટિવિટીનું પ્રમાણ વધારવા માટે  પહેલા તો બધા અંગ્રેજી પાઠ્યપુસ્તકોનું ત્યાંની સ્થાનિક ભાષામાં ભાષાંતર કર્યું. પાઠ્યપુસ્તકોના વિષયોના વીડિયો તૈયાર કરાવ્યા અને તેની એક કન્ટેટ લાયબ્રેરી બનાવી જેથી બધા જ તેનો ઉપયોગ કરી શકે. 

પણ એવું થયું કે ઘણીવાર ઇન્ટરનેટની તકલીફ હોય કે અન્ય ટેકનિકલ મુશકેલીઓને કારણે શીખવામાં બાળકોનો રસ જળવાતો નહોતો. 
એ સમયે તેમને  ક્યૂઆર કોડની પ્રેરણા એક દુકાનદાર પાસેથી મળી. અને તેમણે  તેના વિશે જાણકારી મેળવી.  તેના વિશે તેઓ શીખતાં ગયા  અને તેની સમગ્ર જાણકારીને 27 જેટલા ક્યૂઆર કોડમાં સંગ્રહ કર્યો. આમાં લર્નિંગ ટેકનિક હતી એટલે બાળકો માટે એક પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કર્યો. તેમને શીખવામાં બહુ મજા પડી. તેઓ ક્યૂઆર કોડ વિશે જાણતાં થયાં અને તેનો ઉપયોગ કરવાનું શીખ્યાં.


ક્યૂઆર કોડમાં સફળતા મળી તે પછી 2017માં મહારાષ્ટ્ર સરકારના શિક્ષણ વિભાગ પાસે તેનો અમલ કરાવવા માટેનો પ્રસ્તાવ મૂક્યો. 1 વર્ષ માટે એને પ્રાયોગિક ધોરણે મૂક્યો અને તેમાં વાલીઓ, બાળકો અને શિક્ષકોને ખૂબ મજા પડી. એટલે મહારાષ્ટ્ર સરકારે 1થી12 ધોરણનાં પાઠ્યપુસ્તકોમાં ક્યૂઆર કોડિંગ પદ્ધતિ દાખલ કરી અને ત્યારબાદ સમગ્ર ભારતમાં તે અંગેની    જાહેરાત કરવામાં આવી હતી. રણજિતસિંહ ડિસલેનું કહેવું છે કે વિશ્વની જાણીતી કંપની માઇક્રોસોફ્ટે પણ અમારી સ્કૂલના આ ટેકનિકલ શૈક્ષણિક સંશોધન વિશે જાણ્યું અને તેણે દુનિયાના સૌથી ઉત્તમ 300 સંશોધનોમાં તેને સ્થાન આપ્યું. હવે તેઓ અન્ય 11 દેશોની સ્કૂલો માટે આ પ્રકારનાં પાઠ્યપુસ્તકો બનાવી રહ્યાં છે.    4. વર્ચ્યુઅલ ફીલ્ડ ટ્રીપ પ્રોજેક્ટઃ-

 ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઑફ ટેકનિકલ એજ્યુકેશન-દિલ્હીના શિક્ષણશાસ્ત્રીઓ સાથેની એક મુલાકાતમાં રણજિતસિંહ ડિસલેએ જણાવ્યું હતું કે બાળકો અત્યારસુધી અગાઉથી તૈયાર કરેલાં ચિત્રો કે વીડિયો જોતાં હતાં પરંતુ ટોરેન્ટોના એક એજ્યુકેશનલ પ્રોગ્રામમાં મને વર્ચ્યુઅલ ફીલ્ડ ટ્રીપની ટેકનિકનો આઇડિયા મળ્યો. અને મેં બાળકોની શૈક્ષણિક ચેતનાના વિસ્તાર માટે વર્ચ્યુઅલ ફીલ્ડ ટ્રીપ નામથી એક પ્રોજેક્ટ શરૂ કર્યો.


આ પ્રોજેક્ટ શું છે?ગ્લોબલ ટીચર્સ પ્રાઇઝ વિજેતા 2020:રણજિતસિંહ ડિસલે
રણજિતસિંહ ડિસલે વર્ચ્યુઅલ ફીલ્ડ ટ્રીપમાં બાળકો સાથે ...આ યોજના હેઠળ જુદા જુદા દેશના વિદ્યાર્થીઓ ડિજિટલ-પ્લેટફોર્મ પરથી એકબીજાને જુએ છે, વાત કરે છે, એકબીજાનો પરિચય મેળવે છે. પારિતવાડી શાળાનાં બાળકો તેમની સાથે અંગ્રેજીમાં વાતચીત કરતાં શીખી ગયાં. 

આ ઉપરાંત, બાળકોને તેમનાં પુસ્તકોમાં કેટલીક જાણકારી ચિત્રો દ્વારા આપવામાં આવતી હોય છે. તો તેમને એ ચિત્રની માહિતી વર્ચ્યુઅલ રીતે લાઇવ જોવા મળે તે માટે તેમને એ  જગ્યાની વર્ચ્યુઅલ મુલાકાતે લઈ    જઈએ છે. દા.ત. દુનિયાની સાત અજાયબીઓની વાત પુસ્તકમાં  આવતી હોય તો તેઓ તેને લાઈવ જોઈ શકે તેવું આયોજન કર્યું છે.


બાળકોને  તાજમહાલ બતાવવો હોય તો  ત્યાંના ટૂરિસ્ટ ગાઈડ અને નજીક રહેતા શિક્ષકોનો સંપર્ક કરી એક વર્ચ્યુઅલ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવે છે જેમાં તે લોકો પોતાના સ્થળ પરથી તાજમહાલ વિશેની લાઈવ માહિતી આપે છે બાળકો પ્રશ્નો પણ પૂછી શકે છે.


આ ઉપરાંત, વિજ્ઞાનના પ્રયોગો કે ઇતિહાસ-ભૂગોળની વાતો વર્ચ્યુઅલ પ્લેટફોર્મ દ્વારા શિખવવામાં આવે છે.


આમ, શિક્ષણ ચાર દીવાલોમાંથી બહાર નીકળીને વિસ્તાર પામતું જાય છે. બાળકોનું શેરીંગ વધે છે અને નિષ્ણાત વ્યક્તિઓ પાસેથી જાણવા-શીખવા મળે છે. એટલે  જ રણજિતસિંહ ડિસલે કહે છેઃ-


              "વર્લ્ડ ઇઝ માય ક્લાસરૂમ"


2018માં શરૂ થયેલા આ પ્રોજેક્ટ હેઠળ વિદ્યાર્થીઓએ એક વર્ષમાં સાત કરતાં વધુ દેશોનાં લગભગ 70 જેટલાં જાણીતાં સ્થળોની વર્ચ્યુઅલ-ટ્રીપ કરી છે. 


વધુ જાણવા જેવી બાબત એ છે કે આપણે પરદેશ ટ્રીપ પર જતાં હોઈએ અને જે રીતે બધી પ્રક્રિયા કરવાની હોય તે જ રીતે વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ ટૂરમાં પણ કરવાનું હોય છે એટલે કે, વર્ચ્યુઅલ પાસપોર્ટ તૈયાર કરવાનો, ટૂરનો આખો રેકોર્ડ વર્ચ્યુઅલી રાખવાનો વગેરે. આ બાબત તેમને વાસ્તવિક જીવનમાં કામ લાગતી હોય છે. આ છે, 'ભણતર સાથે ગણતર'.5. લેટ્સ ક્રોસ ધ બોર્ડર પ્રોજેક્ટઃ-


રણજિતસિંહ ડિસલેને એવો વિચાર આવ્યો કે ઘણા દેશો પાસે ઘણા પૈસા હોવા છતાં પણ એ બધો પૈસો યુદ્ધ પાછળ ખર્ચ થઈ જતો હતો. જો તે દેશો આમાંના 50 ટકા પણ શિક્ષણ પાછળ વાપરે તો ઘણું સારું કામ થઈ શકે.  
આ વિચારમાંથી 2018માં શરૂ થયો એક પ્રોજેક્ટ,
જેનું નામ હતુંઃ-

લેટ્સ ક્રોસ ધ બોર્ડર

તેઓ કહે છે કે આ પ્રોજેક્ટ, શિક્ષણ દ્વારા વિશ્વ-શાંતિ લાવવામાં એક મહત્ત્વનું યોગદાન આપી શકે તેમ છે. 

આવો, પ્રોજેક્ટ વિશે જાણીએઃ-

આ પ્રોજેક્ટ 2018થી શરૂ થયો છે. દુનિયાના જે દેશો વચ્ચે સતત યુદ્ધ ચાલ્યા કરે છે અને સતત યુદ્ધની પરિસ્થિતિ રહેતી હોય છે તેવા આઠ દેશો, ભારત-પાકિસ્તાન, પેલેસ્ટાઇન-ઇઝરાયેલ, ઇરાન-ઇરાક, નોર્થ કોરીયા-યુએસના વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટમાં પસંદ કરીને લેવામાં આવે છે. આ બધું જ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર જ ચાલતું હોય છે.

 
આ પ્રોજેક્ટ છ અઠવાડિયાંનો હોય છે. 

પ્રથમ સ્ટેજમાં પસંદગી પામેલા વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાત કરે છે અને પોતાની વ્યક્તિગત માહિતીનું શેરીંગ કરે છે. એકબીજાથી પરિચિત થાય છે.
 

બીજા સ્ટેજમાં તેઓ પોતાના દેશમાં ચાલતા યુદ્ધ વિશે વાતચીત કરે છે અને તેનું શેરીંગ કરે છે. વિચારે છે કે આ લોકો શા માટે લડે છે અને તેનો કોઈ ઉપાય છે કે કેમ, તે વિશે આદાનપ્રદાન કરે છે.
 

ત્રીજા સ્ટેજમાં પોતાનો દેશ બીજા દેશ કરતાં કઈ રીતે જુદો છે અને સમાનતાઓ કઇ કઇ છે તેની માહિતી મેળવે છે, સંવાદ કરે છે.


છેલ્લે, વિકસિત દેશો જેવા કે, કેનેડા, ઓસ્ટ્રેલિયાના નેતાઓને આમંત્રણ આપવામાં આવે છે કારણ કે આ દેશો પણ ઘણાં વર્ષોનાં યુદ્ધ પછી શાંતિ મેળવી શક્યા છે, તો આ શાંતિ કઈ રીતે લાવી શકાય તેના વિશે નેતાઓ વિદ્યાર્થીઓ સાથે વાત કરે છે. 


આ બધા સ્ટેજ પતી જાય તે પછી વિદ્યાર્થીઓએ નક્કી કરવાનું હોય છે કે તેઓ આ પ્રોજેક્ટને છોડવા માગે છે કે જોડાઈ રહેવા માગે છે.


આ પ્રોજેક્ટનું ધ્યેય સમાજ અને યુવાનો વચ્ચે શાંતિ લાવવાનું છે એટલે આ વિદ્યાર્થીઓની આ સેનાને શાંતિ-સેના કહેવામાં આવે છે તેમાં એક કર્નલ પણ હોય છે અને આ સેના પોતાની આજુબાજુ અને સમગ્ર વિશ્વ સમાજમાં શેરીંગ દ્વારા શાંતિ પ્રસરાવવાનું કામ કરે છે. 

આ પ્રોજેક્ટ 2018થી શરૂ થયો છે અને અત્યારસુધીમાં આઠ વિકાસશીલ દેશોના 19,000 જેટલા વિદ્યાર્થીઓ તેમાં જોડાઈ ચુક્યા છે. 

રણજિતસિંહ ડિસલેનું ધ્યેય છે કે 2030 સુધીમાં આ પ્રોજેક્ટ હેઠળ 50,000 વિદ્યાર્થીઓની શાંતિ-સેના બનાવવી કે જે સમગ્ર સમાજમાં શાંતિ ફેલાવવાનું કામ કરશે. એટલે ગોલ્ડન ટીચર પ્રાઈઝ-2020માં તેમને જે ઇનામી રકમ મળી છે તેનો 20ટકા ભાગ આ પ્રોજેક્ટ પાછળ ખર્ચ કરવા માગે છે. 


            
ગ્લોબલ ટીચર્સ પ્રાઇઝ વિજેતા 2020:રણજિતસિંહ ડિસલે
વર્ચ્યુઅલ- ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ પ્રવૃત્તિનો આનંદ માણે છે.


પાંચ પ્રોજેક્ટ દ્વારા સિદ્ધિ મેળવી

આ પાંચ પ્રોજેક્ટની રણનીતિ બનાવીને રણજિતસિંહ  ડિસલેએ પોતાનાં લક્ષ્યાંકોને છેલ્લાં પાંચ વર્ષમાં પૂરાં કર્યાં અને તે તેમની અજોડ સિદ્ધિ ગણાય.


રણજિતસિંહ ડિસલે સાથેની મુલાકાત

રણજિતસિંહ ડિસલેને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઑફ ટેકનિકલ એજ્યુકેશન-દિલ્હીના શિક્ષણશાસ્ત્રીઓએ મુલાકાત દરમિયાન કેટલાક પ્રશ્નો પૂછ્યા તે આપણે જો નહીં જાણીએ તો રણજિતસિંહ ડિસલને મળેલી સિદ્ધિને આપણે કદાચ યોગ્ય રીતે મૂલવી નહીં શકીએ.

પ્રશ્નોત્તરી
 • તમને આ કાર્ય કરવાની પ્રેરણા-ઊર્જા ક્યાંથી મળી રહે છે?
મારે તો શિક્ષક બનવું જ નહોતું  પરંતુ પિતાજીના કહેવાથી ટીચર્સ ટ્રેનિંગ કૉલેજમાં ગયો શિક્ષક બનવા, ત્યારે ત્યાંના શિક્ષકોએ મને એવો તો  બદલી નાખ્યો કે હું શિક્ષણને એન્જોય કરવા લાગ્યો. શિક્ષણ મારો આત્મા છે. હવે મને લાગે છે કે મારા જીવનનું ધ્યેય આ જ છે.


આજે પણ હું મારા ક્લાસરૂમમાં પ્રવેશું છું ત્યારે મારા વિદ્યાર્થીઓમાં મને એ શિક્ષકોના આનંદિત ચહેરા દેખાય છે અને મને ઊર્જા મળી રહે છે.
મને અપેક્ષા છે કે ભવિષ્યમાં મારા વિદ્યાર્થીઓને પણ મારી પાસેથી પ્રેરણા મળતી રહે. હું તેમને આનંદિત જોવા માગું છું. મારાં બાળકોનાં સ્માઈલ મને પ્રેરિત કરે છે અને કહે છે કે 'ચાલો, આજે કાંઈક નવું કરીએ'.


મારા વિદ્યાર્થીઓને મારા ક્લાસરૂમમાં કંટાળો ના આવે તે માટે હું તેમના ચહેરા પર હંમેશાં આનંદ જોવા ઇચ્છું છું.

 • આજની સરકારી સ્કૂલોની વ્યવસ્થામાં કાર્ય કરવા માટે ઘણી સમસ્યાઓ નડતી હોય છે, તેમાં સુધારો લાવીને પ્રગતિ કરવાનું કેટલું શક્ય છે?

આપણે હંમેશાં પ્રોબ્લેમ્સની વાતો કરવાને બદલે સોલ્યુશનની વાત કરવી   જોઈએ. વિકાસશીલ દેશોમાં ઇનોવેટર અને પ્રોબ્લેમ-સોલ્વર જરૂરી  છે. શિક્ષણમાં પ્રગતિ માટે શૈક્ષણિક ક્ષેત્રના સંશોધકો, નીતિઘડવૈયાઓ, વિદ્વાનો અને સામાજિક સંસ્થાઓએ સાથે મળીને એક જ દિશામાં સાથે ચાલીને ધ્યેય પ્રાપ્ત કરવું જોઈએ.

 • સમાજ, સરકારી સ્કૂલો તરફ નકારાત્મક દ્રષ્ટિકોણથી કેમ  જુએ છે?
હું નથી જાણતો પરંતુ એ જાણું છું કે આજે માત્ર અમારા રાજ્યની જ નહીં પરંતુ અન્ય રાજ્યોની ઘણી સ્કૂલોના અધ્યાપકો બહુ જ મહેનત સાથે કામ કરે છે અને તેમને સાથ આપવો  જોઈએ. અધ્યાપકે પણ બદલાતાં પરિવર્તનને ધ્યાનમાં રાખીને-સમજીને શિક્ષણમાં ટેકનિકની મદદ લેવી જોઈએ.

 • નવી શિક્ષણનીતિ વિશે આપનું શું માનવું છે?
એને તૈયાર કરતી વખતે અમે પણ અમારા અભિપ્રાયો આપેલા છે. હું માનું છું કે એજ્યુકેશન-સિસ્ટમને સુધારવા માટે આપણે આ નવી શિક્ષણનીતિ લાવવાના છીએ ત્યારે તેમાં સૌથી મહત્ત્વનો રોલ શિક્ષકનો જ રહેવાનો છે એટલે આ શિક્ષકોને યોગ્ય તાલીમ અપાય, ઇનોવેટિવ સોલ્યુશન શોધવામાં મદદ આપવામાં આવે, તે માટેનાં શૈક્ષણિક-સાધનો પૂરતાં પ્રમાણમાં આપવામાં આવે તે બહુ જ જરૂરી બાબત બની રહેશે. 


શિક્ષક પૂરેપૂરો નિષ્ણાત અને સજ્જ હોવો જોઈએ તો જ 21મી સદીના વિદ્યાર્થીઓની સામે ટકી રહેવા સક્ષમ હશે. આ નવી નીતિનું અમલીકરણ કઇ રીતે કરવામાં આવે છે તે જોવાનું છે. સફળતાનો આધાર તેના પર છે.


આજકાલ તો શિક્ષણની  પરિસ્થિતિ એવી છે કે આપણી પાસે વિદ્યાર્થીઓ 21મી સદીના છે, તેમને શિખવનારા શિક્ષકો 19મી સદીના છે અને તેમનો અભ્યાસક્રમ તો વર્ષોનાં વર્ષોથી બીબાંઢાળ રીતે ચાલતો આવ્યો છે. 


 • આજકાલ યુવાનો શિક્ષકનો વ્યવસાય પસંદ નથી કરતા. કોઈ કામ ના મળે ત્યારે શિક્ષક બની જાય છે આવું કેમ છે?

તમારી વાત સાચી છે. શિક્ષકના વ્યવસાય પ્રત્યે એટલું માન નથી રહ્યું કે જે પહેલાના જમાનામાં હતું. આજકાલ લોકો દરેક વસ્તુને પૈસાથી તોલે છે એ રીતે વ્યવસાય પસંદ કરવામાં પણ કમાણી કેટલી થશે, એ ફેક્ટર મહત્ત્વનું કામ કરી જાય છે. છતાં પણ, હવે શિક્ષકોને પણ અઢળક ઇનામો આપીને સન્માનવામાં આવે છે એટલે તે  જોઈને પણ કેટલાંકને આ વ્યવસાયમાં આવવાનું ગમે તેવું બની શકે છે. 'વિશ્વગુરુ' બનીને ઊભરેલા ભારતના આ સિતારા રણજિતસિંહ ડિસલેના કેટલાક પ્રેરણાદાયી વિચારો કે જે આજના સમયમાં માઇલસ્ટોન બની આપણને હંમેશાં દિશા ચીંધતા રહેશેઃ-


 • રણજિતસિંહ ડિસલેને 1 મિલિયન અમેરિકન ડોલર એટલે કે લગભગ 7.38 કરોડ જેટલા રૂપિયાનું પ્રાઈઝ જાહેર કરવામાં આવ્યું કે તરત જ તેમણે આ રકમની 50ટકા રકમ અન્ય 9 વિજેતાઓને સરખે ભાગે વહેંચવામાં આવશે, 30 ટકા રકમમાંથી ટીચર્સ ઇનોવેશન ફંડ બનાવવામાં આવશે અને 20 ટકા રકમ લેટ્સ ક્રોસ ધ બોર્ડર પ્રોજેક્ટ પાછળ ખર્ચ કરવામાં આવશે, તેવી જાહેરાત કરી હતી.
 
 
આમ કરવા પાછળના તેમના વિચારો મનનીય  છે. તેમણે કહ્યું કે શિક્ષકો બદલાવ લાવનારાં લોકોમાંના હોય છે. તેઓ વિદ્યાર્થીઓની જિંદગી બદલતા હોય છે અને અમે સહુ શિક્ષકો સાથે મળીને દુનિયાને બદલીશું. 
ટીચર્સ એક ચેન્જમેકર હોય છે. અહીં આવેલા બાકીના 9 ફાઇનલિસ્ટો પણ પોતાના વિદ્યાર્થીઓની પ્રગતિ કરે જેથી અમે સાથે ચાલીને બાળકો માટેની એક સુંદર દુનિયા બનાવી શકીએ. શિક્ષક એ ચૉક અને ચેલેન્જિસનું મિશ્રણ છે.
મારાં બાળકો માટે એક લર્નિંગ ઍન્વાયરમેન્ટ ઊભું કરવાનું છે. પોતાના પ્રશ્નોના ઉકેલ માટે તેઓ નવા-નવા ઉપાયો તરફ દોરાય તે માટે આપણે માર્ગદર્શક બનવાનું છે. હવે શિક્ષણ પરીક્ષાલક્ષી અને શિક્ષકલક્ષી નહીં પરંતુ વિદ્યાર્થીલક્ષી બનવા તરફ જઇ રહ્યું છે. જો તમે કાંઈક અલગ વિચારો છો તો દુનિયા જીતી શકો છો.         
ગ્લોબલ ટીચર્સ પ્રાઈઝ વિજેતા 2020:રણજિતસિંહ ડિસલે
રણજિતસિંહ ડિસાલે વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિમય શિક્ષણમાં મગ્ન છે. • પાઠ્યપુસ્તક નહીં પણ સર્વાંગીણ શિક્ષણ, પ્રયોગશીલ શિક્ષણ.

 • રણજિતસિંહ ડિસલેને આપવામાં આવેલા અન્ય ઍવોર્ડ
2016માં> તેમની પારિતવાડીની સરકારી પ્રાથમિક શાળાને જિલ્લાની બેસ્ટ સ્કૂલનો ઍવોર્ડ મળ્યો  હતો.

2017માં> કેન્દ્ર સરકાર દ્વારા ઇનોવેટિવ રિસર્ચ ઑફ ધ યરનો ઍવોર્ડ મળ્યો હતો.

2018માં> નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનનો ઇનોવેટેડ ઑફ ધ યરનો ઍવોર્ડ મળ્યો હતો.
 
એક સૂચક વાત

આજે જ્યારે કોરોનાની મહામારી અને વારંવાર આવતી લોકડાઉનની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે અને બાળકોને ક્યાં, કેવી રીતે, કેવું શિક્ષણ આપવું તે વાલી, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મૂંઝવણનો પ્રશ્ન બની ગયો છે ત્યારે ભારત દેશની એક સરકારી સ્કૂલના પ્રાયમરી ટીચરને તેના ઇનોવેટીવ કાર્ય માટે ગ્લોબલ ટીચર્સ પ્રાઇઝથી નવાજવામાં આવે તે એક બહુ જ સૂચક બાબત ગણાય. 

શિક્ષણમાં પરિવર્તન આવી રહ્યું છે

તે બાબત સંકેત કરે છે કે શિક્ષણમાં હવે પરિવર્તનનાં શંખ ફૂંકાઈ ગયા છે.અને તેમાં આ શિક્ષકે અજોડ કાર્ય કરીને બતાવ્યું છે. લોકડાઉન દરમિયાન મહારાષ્ટ્રમાં લગભગ 22 લાખ બાળકોએ ક્યૂઆર કોડ દ્વારા પોતાનું એજ્યુકેશન ચાલુ રાખ્યું. આ અંગે રણજિતસિંહ ડિસલે જણાવે છે કે મારા ઓફલાઇન વર્ગોમાં છેલ્લાં પાંચ વર્ષમાં બાળકોની હાજરી 100 ટકા રહી છે અને લોકડાઉનમાં એ જ વર્ગો ઓનલાઇન લેવામાં આવ્યા ત્યારે પણ બાળકોની હાજરી 100ટકા રહી. એમને મોબાઇલ કે ઇન્ટરનેટનો ખર્ચ નથી કરવો પડતો. તેમાં પણ તેમને સુવિધા આપવામાં આવતી હોય છે.

 
ભણાવવાની રીત બદલાઈ રહી છે

લર્નિંગ એપ બાયજૂસના સંસ્થાપક અને સીઇઓ બાયજુ રવીન્દ્રનનું કહેવું છે કે બાળકોને ભણાવવાની રીત કદાચ છેલ્લાં 100 વર્ષમાં પ્રથમ વખત બદલાઈ રહી છે. ઓફલાઇન-ક્લાસની અસ્થાયી ગેરહાજરીમાં સ્માર્ટફોન અને ડીવાઇસ લર્નિંગના પ્રાથમિક સાધન બન્યાં છે. આ પ્રક્રિયામાં  જાતે ભણવાનો રસ્તો બનાવવા માટે વિદ્યાર્થીઓ નવી-નવી રીતો શોધી રહ્યા છે.હવે લર્નિંગ વિદ્યાર્થીકેન્દ્રિત બની રહ્યું છે અને બાળકો પોતે શીખવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યાં છે જેથી તેઓ  શીખવામાં રસ અને જિજ્ઞાસા લેતાં થયાં છે.


સમસ્યાઓને બદલે સમાધાન  વિશે વિચારો

વર્તમાન પરિસ્થિતિ અને તેમાં રણજિતસિંહ ડિસલેને આપવામાં આવેલું ટીચર્સ પ્રાઈઝ એ વાતની તરફ સંકેત કરે છે કે લોકડાઉન હોય કે બીજી કોઈપણ પરિસ્થિતિ હોય પરંતુ કોઈપણ કામ અટકવું ન જોઈએ. શાળાએ ન જઈ શકીએ એટલે ભણવાનું છોડી ના દેવાય, જેમ જોબ કરવા ન  જઈ શકીએ તો જોબ ન  છોડી દેવાય. ઓનલાઈન કે ઓફલાઇન કે પછી સંયુક્ત રીતે જે પણ કાંઇ કરી શકાય તે કરવામાં લાગી જવું જોઈએ. આ બધી જરૂરિયાતો જ આપણને નવાં-નવાં સંશોધનો અને એક નવા ડિજિટલ યુગ તરફ દોરી જશે. પરિસ્થિતિનો વાંક કાઢવાને બદલે સોલ્યુશન શોધીને આગળ વધીએ.

ક્યૂઆર કોડ દ્વારા કન્યા-શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર રણજિતસિંહ ડિસાલે


એક એવો શિક્ષક કે જેણે ક્યૂઆર કોડેડ શિક્ષણ દ્વારા કન્યા-શિક્ષણમાં પરિવર્તન આણ્યું. પારિતવાડી ગામમાં લગ્નનું કલ્ચર હતું. 12-13 વર્ષની ઉંમરે બાળકીનાં લગ્ન થઈ જતાં હતાં. એ શિક્ષકે પાંચ જ વર્ષમાં શાળામાં બાળકીઓની હાજરી 100ટકા કરવામાં સફળતા મેળવી. અને પીટીઆઈના એક રિપોર્ટ મુજબ હાલમાં ત્યાં કોઈ બાળલગ્નો થયાં નથી. 
એક રિપોર્ટ મુજબ ભારતમાં દર વર્ષે 39,000 બાળલગ્નો થાય છે ત્યારે આ પારિતવાડી ગામ એક ઉદાહરણરૂપ બની રહે છે. 


ગ્લોબલ ટીચર્સ પ્રાઇઝ વિજેતા 2020:રણજિતસિંહ ડિસલે
રણજિતસિંહ ડિસાલે
લગ્ન-કલ્ચરને બદલે શિક્ષણ-કલ્ચર
                                                                      
   
                    
         

                                   
14 માર્ચ 2021

શિક્ષણઃ ઓનલાઈન કે ઓફલાઈન, એક મૂંઝવતો પ્રશ્ન

 શિક્ષણઃ ઓનલાઈન કે ઓફલાઈન, એક મૂંઝવતો પ્રશ્ન

શિક્ષણ એટલે શું?


શિક્ષણ:ઓનલાઇન કે ઓફલાઈન, એક મૂંઝવતો પ્રશ્ન

 • શિક્ષણ એટલે પુસ્તકિયું જ્ઞાન?
 • શિક્ષણ એટલે ગોખણપટ્ટી?
 • શિક્ષણ એટલે ડિગ્રીઓ મેળવવી?
ના, એ છે ભણતર.
ભણતર એટલે ભણવું, શીખવું, બોલવું, કહેવું. જે ભણતર દ્વારા ડિગ્રીઓ મેળવીને વ્યક્તિ રોટી, કપડાં, મકાન જેવી આવશ્યક જરૂરીયાતો પૂરી કરી શકે છે. ભણતર જરૂરી છે જીવનજરૂરિયાતો પૂરી કરવા માટે.
 • શિક્ષણ એટલે કેળવણી, શિસ્ત કેળવવી.
 • શિક્ષણ એટલે વિદ્યા. જ્ઞાનની પ્રાપ્તિ.
 • શિક્ષણ એટલે ગણતરની પ્રક્રિયા.

 શિક્ષણ એટલે વ્યક્તિનું ઘડતર 

 • શિક્ષણ વ્યક્તિને માનવ બનાવે છે, સંસ્કારી બનાવે છે.
 • શિક્ષણ વ્યક્તિને કેળવે છે અને તેનો શારીરિક, માનસિક, સાંવેદનિક, સામાજિક વિકાસ કરે છે. આ સંસ્કાર છે જે તેને દુનિયાદારીના પાઠ ભણાવે છે.
 • શિક્ષણ દ્વારા વ્યક્તિનું ઘડતર થાય છે. તેની વિચારશક્તિ, નિર્ણયશક્તિ, કલ્પનાશક્તિ, વિવેકબુદ્ધિ ખીલે છે.
સ્વામી વિવેકાનંદે કહ્યું,"માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી."
શિક્ષણ આપે છેઃ-
 • જીવન જીવવાની દ્રષ્ટિ.
 • શિક્ષણ શિખવાડે છે સ્વાવલંબી બનવાની કલા.
 • શિક્ષણ આપે છે નિર્ભયતા. જીવનનાં દુઃખો, મુશ્કેલીઓ સામે સાહસથી સંઘર્ષ કરીને જીવી જવાનું જોશ.
 • શિક્ષણ આપે છે ઉમદા સંસ્કારો, ઉમદા ચારિત્ર્ય.
 • શિક્ષણ સમજાવે છે માનવ-અવતારનું મહત્ત્વ. સમગ્ર પ્રકારના ભેદભાવ ભૂલીને મનુષ્ય-મનુષ્યના કામમાં આવે અને સમગ્ર વિશ્વના માનવો સાથે બંધુત્વની ભાવના કેળવે.
 • શિક્ષણ કે જે મનુષ્યને મુક્તિ અપાવે. 'સા વિદ્યા યા વિમુક્તયે'. જે અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય.
ગાંધીજીએ કહ્યું, "અક્ષરજ્ઞાન એ કેળવણી નથી, એ જ્ઞાનપ્રાપ્તિનું સાધન છે."
ભારતીય શિક્ષણ પદ્ધતિઓઃ-
    પૌરાણિક સમયમાં ભારતમાં પ્રચલિત શિક્ષણ પદ્ધતિ હતી, ગુરુકુળ-આશ્રમ પદ્ધતિ. તેથી જ ભારતને 'વિશ્વગુરુ' તરીકે ઓળખવામાં આવે છે.

શિક્ષણ:ઓનલાઇન કે ઓફલાઇન, એક મૂંઝવતો પ્રશ્ન
ગુરુકુળ આશ્રમ શિક્ષણ પદ્ધતિ
                                                                               

ગુરુકુળ આશ્રમ પદ્ધતિનાં લક્ષણોઃ-
 1. આ પદ્ધતિ મનુષ્યની ઉત્પત્તિ થઈ ત્યારથી અસ્તિત્વમાં આવી છે.
 2. આ છે ગુરુ-શિષ્ય પરંપરા. આઠ વર્ષની ઉંમરથી વિદ્યાર્થી ઘર છોડીને ગુરુકુળમાં આવી ગુરુ પાસે રહી શિક્ષણ મેળવે છે. તે દરેક વિદ્યામાં પારંગત બને તે પછી ઘરે પાછો ફરે છે.
 3. રાજા-મહારાજાઓનાં સંતાનોથી માંડીને શ્રીમંત-ગરીબોનાં બાળકો કોઈપણ ભેદભાવ વિના ત્યાં ભણવા આવતાં હતાં.
 4. શિક્ષણ મફત હતું અને કન્યાઓ માટે પણ હતું. તેમની વ્યવસ્થા અલગ કરવામાં આવતી હતી.
 5. તેમની દિનચર્યામાં સવારે બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને પ્રાતઃકર્મથી પરવારી, પ્રાણાયામ, કસરત, અન્ય અભ્યાસ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી.
 6. અભ્યાસમાં ભારતીય પૌરાણિક શાસ્ત્રો વેદ, ઉપનિષદ્,વ્યાકરણ વગેરેનો અભ્યાસ થતો. તેની સાથે-સાથે ન્યાયશાસ્ત્ર, રાજકારણ, અર્થશાસ્ત્ર, યુદ્ધકલા, ધનુર્વિદ્યા, કૃષિઉત્પાદન જેવા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું.
 7. અભ્યાસની ભાષા સંસ્કૃત હતી.
 8. અભ્યાસ, ક્યારેક વર્ગખંડમાં, ક્યારેક મેદાનમાં તો ક્યારેક વૃક્ષ નીચે બેસીને કુદરતના સાંનિધ્યમાં ચાલતો હતો.
 9. સવારથી સાંજ સુધી વિવિધ પ્રવૃત્તિઓ ચાલતી, જેમાં આશ્રમનાં અન્ય કાર્યો  જેવાં કે, ગુરુપત્નીને ઘરકામમાં મદદ કરવી, જંગલમાં લાકડાં કાપવાં, ઢોર ચરાવવાં માટે જવું, અશ્વોની સંભાળ રાખવી વગેરે.
 10. ભોજન સાત્ત્વિક રહેતું અને ફળો-શાકભાજીનો વધુ ઉપયોગ કરવામાં આવતો હતો.
 11. આપણાં પૌરાણિક પાત્રો જેવાં કે, રામ,કૃષ્ણ,સુદામા, અર્જુન, ભીમ, ગૌતમ, દ્રૌપદીએ ગુરુકુળોમાં શિક્ષણ લીધું હતું.
 12. તે સમયે વલ્લભીપુર, નાલંદા, વિક્રમશીલા જેવી વિદ્યાપીઠો પ્રચલિત હતી. પછીના ગાળામાં શાંતિનિકેતન વિદ્યાપીઠ પણ પ્રચલિત બની હતી.
 13. ગુરુકુળોનું શિક્ષણ હતું સર્વાંગીણ શિક્ષણ, જીવનઘડતરનું શિક્ષણ.


આજનાં આધુનિક ગુરુકુળોનાં લક્ષણોઃ-
આજે, શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ, તપોવન સંસ્કૃતિ ધામ જેવી સંસ્થાઓ ઇન્ટરનેશનલ લેવલ પર ગુરુકુળ પદ્ધતિથી અભ્યાસ કરાવે છે
તેમની શિક્ષણ પ્રક્રિયામાં પૌરાણિક ગુરુકુળ પદ્ધતિનાં લક્ષણો તો છે જ, જેથી બાળકમાં ભારતીય સંસ્કારોનું જતન થાય.
સમયની માંગ મુજબ આ ગુરુકુળો પાશ્ચાત્ય શિક્ષણ પદ્ધતિથી પ્રભાવિત થયેલાં છે અને વિદ્યાર્થીઓને ઇન્ટરનેટની દુનિયાથી પરિચિત કરવા માટે શિક્ષણ સાથે કમ્પ્યુટરના અભ્યાસને પણ જોડી દેવામાં આવ્યો છે. ઇ-બુક, વીડિયો-ચેટ, વીડિયો વ્યાખ્યાન દ્વારા ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી લોકડાઉનના સમયમાં પણ વિદ્યાર્થીઓ ઘરે બેસીને અભ્યાસ કરી શકે. આ કહેવાય છે આધુનિક ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ.ક્લાસરૂમ શિક્ષણ પદ્ધતિનાં લક્ષણોઃ-
આ આપણું પરંપરાગત શિક્ષણ કહેવાય છે.
 • શિક્ષણ ક્લાસરૂમમાં આપવામાં આવે છે.
 • શિક્ષક 'ચૉક અને ટૉક' દ્વારા શિક્ષણ આપે છે.
 • વિવિધ ભાષાઓ, વિજ્ઞાનો, સમાજવિદ્યા, ભૂગોળ, ગણિત, વિવિધ કલાઓ, રમતગમત જેવા વિષયોનું શિક્ષણ આપવામાં આવે છે.
 • નિયત પાઠ્યપુસ્તકો દ્વારા નિયત અભ્યાસક્રમ, નિયત સમયગાળામાં પૂરો કરવાનો હોય છે.
 • આ શિક્ષણ પરીક્ષાલક્ષી હોય છે એટલે ગોખણપટ્ટી પર ચાલતું હોય છે. વિદ્યાર્થીઓનું લક્ષ્ય ડિગ્રીઓ મેળવીને જોબ કરવાનું હોય છે.
 • સૈદ્ધાંતિક જ્ઞાનનું પ્રમાણ વધુ હોવાથી વ્યવહારુ કે પ્રાયોગિક જ્ઞાનને ઓછો અવકાશ મળે છે.
 • વિદ્યાર્થીઓનું શિક્ષણ ક્લાસની ચાર દીવાલોમાં કેદ થઈ જતું હોય છે. એટલે તે શુષ્ક અને રસવિહીન બને છે.
ઓનલાઈન શિક્ષણનાં લક્ષણોઃ-
 • ઇન્ટરનેટના માધ્યમ દ્વારા આપવામાં આવતું શિક્ષણ કે જેને ઇ-લર્નિંગ પણ કહેવામાં આવે છે.
 • જેમાં ઓનલાઇન ક્લાસિસ અને ડિજિટલ-મીડિયા દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.
 • વિદ્યાર્થીઓ ઘરે બેઠાં શિક્ષણ લઈ શકે છે એટલે સ્કૂલો સુધી જવું નથી પડતું, સમય-શક્તિ બચી જાય છે. ટ્રાન્સપોર્ટનો ખર્ચ બચી જાય છે. ભણતર ભાર વિનાનું બને છે.
 • વિદ્યાર્થી ઘરે બેસીને પોતાના રસ-રુચિ અનુસાર, પોતાના અનુકૂલ સમયે શિક્ષણ લઈ શકે છે. તેથી તેનો સમય બચી જાય છે.
 • જોબ કરતા વિદ્યાર્થીઓ પોતાના સમયે આગળ ભણી શકે છે. 
 • ઓનલાઈન શિક્ષણ વિદ્યાર્થીમાં સ્વંયશિસ્ત કેળવે છે.
 • આ શિક્ષણ વિદ્યાર્થીની જિજ્ઞાસાને સંતોષે છે તે પ્રશ્ન કરતો થાય છે અને તેના જવાબો પણ ઇન્ટરનેટ દ્વારા શોધી શકે છે. આમ તે આત્મનિર્ભર બને છે. 
 • ઇન્ટરનેટમાં વિશાળ જ્ઞાન પડેલું છે. એમાં સંશોધન કરતાં-કરતાં તેની વિચારશક્તિ, કલ્પનાશક્તિ, સંશોધનશક્તિ ખીલે છે.


યુનેસ્કોએ પ્રકાશિત કરેલા એક રિપોર્ટ મુજબ, કોરોનાને કારણે 107 બિલિયન વિદ્યાર્થીઓને સ્કૂલોથી દૂર રહેવાનું થયું તેથી, શિક્ષણ ઇ-લર્નિંગ તરફ વળ્યું. એક કન્સલ્ટિંગ કંપનીના રિપોર્ટ પ્રમાણે વર્ષ-2025 સુધીમાં ભારતમાં ઓનલાઈન શિક્ષણમાં દસગણો વધારો થઈ શકે છે.
લર્નિંગ એપ બાયજુના સંસ્થાપક અને સીઈઓ બાયજુ રવીન્દ્રનનું કહેવું છે કે મહામારી દરમિયાન પ્રથમ વખત બાળકોની શીખવાની રીત બદલાઈ રહી છે. દરેકને ઓનલાઈન શિક્ષણના ફાયદા સમજાવવા લાગ્યા છે. 75 ટકા માતાપિતા, બાળકોનું આ શિક્ષણ ચાલુ રહે તેવું ઇચ્છે છે. તેમનું કહેવું છે કે, હવે ભવિષ્યમાં શિક્ષણનું નવું મિશ્રિત રૂપ જોવા મળશે, જેમાં બાળકો ક્લાસરૂમમાં બેસશે પણ સાથે શિક્ષણ આધારિત રિસર્ચ-પ્રોજેક્ટ દ્વારા સેલ્ફ-લર્નિંગમાં રસ કેળવશે. ચાર દીવાલોમાં રહીને પરીક્ષાલક્ષી બનેલું શિક્ષણ ગુણવત્તાવાળું બનશે.


વાલીઓની મૂંઝવણ શું છે?

 • શિક્ષણનું એક આખું નવું માળખું સમગ્ર વિશ્વમાં ગોઠવાઈ રહ્યું છે ત્યારે વાલીઓની પણ કેટલીક ચિંતા, મૂંઝવણ છેઃ-
 • ઓનલાઈનના અસ્થિર શિક્ષણ પ્રવાહોમાં અમારાં સંતાનોનાં ભવિષ્યનું શું થશે? તેઓ ફરી શાળાએ જઈ શકશે?ક્યારે જશે?
 • ઓનલાઈન અભ્યાસ તેમને ઇન્ટરનેટનાં અન્ય દૂષણો તરફ તો નહીં ખેંચી જાય ને! તેને મોબાઈલની લત કેવી રીતે છોડીશું?
 • ગ્રામીણ પ્રદેશોમાં ગરીબ માબાપનાં બાળકો પાસે ખાવાનાં સાંસા હોય છે ત્યાં સ્માર્ટ-ફોન કેવી રીતે લઈ શકે? ઘણાંનાં ઘરોમાં એક જ ફોન હોય છે. વીજળીના ધાંધિયા હોય છે, ઇન્ટરનેટની સ્પીડ વધઘટ થયા કરતી હોય છે ત્યારે સંતાનને ભણાવવું કેવી રીતે?

શિક્ષકોની મૂંઝવણ શું છે?

 • શિક્ષકોની સૌથી મોટી મૂંઝવણ છે કે ચૉક અને ટૉક સાથે ટેવાયેલા અમને ડિજિટલ માધ્યમો સાથે મેળ બેસાડતાં આવડશે? ઇન્ટરનેટની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ અને વિવિધ પ્રકારનાં શૈક્ષણિક-એપ્સ અને પદ્ધતિ વિશેની તાલીમ ક્યાં, ક્યારે, કેવી રીતે લઈશું?

શાળા સંચાલકોની મૂંઝવણ શું છે?

 • શાળામાં ઓનલાઈન-શિક્ષણનું માળખું કેવી રીતે તૈયાર કરીશું?કેટલું ખર્ચાળ બનશે?
 • વિદ્યાર્થીઓ આવતા નહીં હોવાથી શાળાના ખાલી પડેલા ક્લાસરૂમનો શું ઉપયોગ કરીશું?
 • વિદ્યાર્થીઓની પરીક્ષાનું શું? ફી કેટલી લેવી?શિક્ષકોની તાલીમનું શું?નવા શિક્ષકોની પસંદગીના માપદંડો કેવા રાખવાના? વગેરે.

વિદ્યાર્થીઓની મૂંઝવણ શું છે?

 • એક સર્વે મુજબ દેશના 75 ટકા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ પસંદ છે કારણ કે બાળકોને સ્ક્રીન પર જોવાની ટેવ પડી ગઈ છે. તેમને વીડિયો, ગ્રાફ્સ, એનિમેશન દ્વારા શિક્ષણ લેવામાં રસ પડે છે. અને જોવાની સેન્સથી તેઓ વધુ જલદી ગ્રહણ કરી લે છે એટલે તેમને વધુ રસ પડે છે. 
બસ, તેમની એક મૂંઝવણ છે કે તેઓ તેમની સ્કૂલનું વાતાવરણ અને મિત્રોને ભૂલી શકતા નથી, તેમનું કહેવું છે કે અમુક નક્કી દિવસે તો શાળામાં શિક્ષણ મળવું  જોઈએ.     

વાલી, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શાળા-સંચાલકોની મૂંઝવણને ઉકેલવા માટે સરકાર પણ પ્રયત્નશીલ છે. જાણીએ એ વિશેઃ-

 1. આત્મનિર્ભર ભારત બનવા તરફનું પ્રથમ પગથિયું છે ઓનલાઇન શિક્ષણ. ભારતના આ મિશનને વેગ આપવા માટે નાણાપ્રધાને 20 કરોડનું પેકેજ જાહેર કરતા જણાવ્યું કે સરકાર આ શિક્ષણને ખૂબ મહત્ત્વ આપી રહી છે, જેમાં ઇન્ટરનેટ સેવાઓને વધુ કાર્યક્ષમ બનાવીને 12 નવી શૈક્ષણિક ચેનલો શરૂ કરવાની યોજના છે.
 2. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ગુજરાત માધ્યમિક બોર્ડ સાથે જોડાયેલી સ્કૂલોને નિઃશુલ્ક ઓનલાઈન શિક્ષણ આપવાની જાહેરાત કરી છે, જેમાં ધો. 3થી8 માટે જીસીઇઆરટી-ગાંધીનગર અને ધો.9થી12 માટે ગુજરાતી માધ્યમ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યૂ-ટ્યૂબ ચેનલ જીએસએચએસઇબી-ગાંધીનગર પર ઉપલબ્ધ છે.
 3. કેન્દ્ર સરકારે શાળાઓ માટે  જણાવેલી ગાઇડલાઈનમાં પ્રિ-પ્રાયમરીનાં બાળકો માટે માત્ર 30 મિનિટ, ધો.1થી8ના વિદ્યાર્થીઓ માટે 45 મિનિટનાં બે સત્ર અનેધો.9થી 12 માટે 30થી 45 મિનિટનાં 4 સત્રની ભલામણ કરાઈ છે.
 4. એક સર્વે મુજબ, ભારતનાં 1700 કરતાં વધારે શહેરોમાં ઓનલાઇન લર્નિંગ શિક્ષણ શરૂ થઈ ગયું છે.
 5. અને સરકારની સૌથી મોટી જાહેરાત છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020. 34 વર્ષ પછી નવી શિક્ષણ નીતિ તૈયાર થઈ ગઈ છે. જેમાં વાલી, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકોના પ્રશ્નોના બધા જ  જવાબ મળી રહે છે. 

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનાં મુખ્ય લક્ષણોઃ-

 • આ શિક્ષણ નીતિમાં નવા ભારતની નવી આશાઓ, નવી આકાંક્ષાઓને પૂર્ણ કરવાનું એક નવું વિઝન છે્.
 • શિક્ષણનું માળખું છે 5+3+3+4નું. જેમાં ભણતરની સાથે-સાથે ગણતરને પણ મહ્ત્ત્વ આપવામાં આવ્યું છે.
 • આ નીતિમાં સૌથી પાયાના પ્રિ-સ્કૂલ શિક્ષણને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે જેમાં પ્લેફૂલ-લર્નિંગ એક્ટિવિટી આધારિત પ્રવૃત્તિઓનું માળખું તૈયાર કરાયું છે. યુવા પેઢીના નિર્માણને મજબૂત બનાવવા માટેનો આ વિચાર છે. 
 • પ્રાયમરી શિક્ષણથી જ રોજગારલક્ષી શિક્ષણ આપવામાં આવશે.
 • બાળક દરેક વિષયને જીવનનાં વિવિધ પાસાઓ સાથે જોડીને તેને સમજે તેવો દ્રષ્ટ્રિકોણ રાખવામાં આવ્યો છે.
 • બાળક તેની આસપાસનાં વાતાવરણમાંથી શીખે અને જીવનમાં તેને ઉતારે તે માટે તેને પુસ્તકો અને ક્લાસરૂમની ચાર દીવાલોમાંથી બહાર કાઢીને દુનિયાની વાસ્તવિક જિંદગી સાથે જોડવામાં આવશે.
 • અભ્યાસક્રમને હળવો બનાવીને જીવનની મૂળભૂત બાબતો પ્રત્યે તેનું ધ્યાન દોરવામાં આવશે.
 • વિદ્યાર્થીઓ 21મી સદી સાથે ચાલી શકે તે માટેનાં કૌશલ્યો તેમનામાં વિકસાવવામાં આવશેે. તે કૌશલ્યો છે, ક્રિટિકલ થિંકિંગ-ક્રિએટિવિટી કોલેબરેશન- ક્યુરિઓસિટી અને કમ્યુનિકેશન. આજના ડિજિટલ યુગની માંગ અનુસાર તેમને ઇન્ટરનેટ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ, કોડિંગ, ડેટા સાયન્સ અને રોબોટિક્સથી પરિચિત કરાવવામાં આવશે. 


આ શિક્ષણ નીતિમાં માતાપિતાએ એ બાબત સમજવાની છે કે બાળકની આંતરિક શક્તિઓને ખીલવાની તક મળે તેનું ધ્યાન રાખો. તેના પરીક્ષાના ગુણને મહત્ત્વ આપ્યા સિવાય તેના જ્ઞાનનો તે યોગ્ય ઉપયોગ કરે તે મહત્ત્વનું છે.

બાળકમાં આત્મનિર્ભરતા જાગૃત કરવાની છે એટલે તેને સ્વયં શીખવાની, વિચારવાની, પ્રયોગો કરવાની, સંશોધન કરવાની મોકળાશ આપો.
આ સમગ્ર ચિત્ર બતાવે છે કે ભારતમાં ક્લાસરૂમ-કલ્ચર જ રહેવાનું છે. બસ, આપણે માત્ર એટલું કરવાનું છે કે ક્લાસરૂમ કલ્ચર અને ઓનલાઈન શિક્ષણનો સમન્વય કરીને આધુનિક શિક્ષણનું માળખું તૈયાર કરવાનું છે જેથી ઇ-શિક્ષણ અને પરંપરાગત ક્લાસરૂમ શિક્ષણ એકબીજાનાં પૂરક બની રહે.

આપણા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક ડૉ. એ.પી.જ.અબ્દુલ કલામે કહ્યું છે કે, "ધી પર્પઝ ઑફ ઍજ્યુકેશન ઇઝ ટુ મેક ગુડ હ્યુમન બીઇંગ્સ્ વિથ સ્કિલ્સ ઍન્ડ ઍક્સ્પર્ટીઝ."

નવી શિક્ષણ નીતિ અંગે વધુ જાણવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરોઃ-


ઓનલાઇન શિક્ષણ અંગે વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓનાં મંતવ્યોઃ-


શિક્ષણ:ઓનલાઇન કે ઓફલાઇન, એક મૂંઝવણ.
નિત્ય સોની
(વિદ્યાર્થી-શ્રેણી-12,એચ.બી.કાપડીયા હાઇસ્કૂલ-અમદાવાદ)


"ઓનલાઇન ઍજ્યુકેશન સહુને વધુ સ્વતંત્ર રહેવાની તક આપે છે.મારા મત મુજબ, વિદ્યાર્થીઓ માટે આ સ્થિતિ વધુ સારી છે. ઓનલાઇન ઍજ્યુકેશન દ્વારા એ જ પ્રકારની શૈક્ષણિક જરૂરિયાતો પૂરી થતી હોય છે જે ઓફલાઇન ઍજ્યુકેશન દ્વારા થતી હોય છે.તેથી, મને તેને લગતી સમજ મેળવવામાં કોઈ પ્રશ્નોનો સામનો નથી કરવો પડતો.ઓનલાઇન ઍજ્યુકેશન મને મારા રસનાં ક્ષેત્રમાં જવાની અનુકૂળતા આપે છે. ઓનલાઇન ઍજ્યુકેશનથી હું સંતુષ્ટ છું."    
શિક્ષણ:ઓનલાઇન કે ઓફલાઇન,એક મૂંઝવણ
વેદ સોની
(વિદ્યાર્થી-શ્રેણી-9,એ-વન હાઈસ્કૂલ-અમદાવાદ)

"છેલ્લા એકાદ વર્ષથી જ્યારથી ઓનલાઇન ક્લાસ શરૂ થયા ત્યારથી મને અને મારા ક્લાસના અન્ય ઘણા વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. શરૂઆતમાં, ઓનલાઈન ક્લાસ દરમિયાન મને બોલવામાં બહુ જ સંકોચ થતો હતો પરંતુ બહુ થોડા સમયમાં મારો સંકોચ દૂર થઈ ગયો, ઓનલાઇન ક્લાસને લીધે અગાઉ જે બાબતો વિશે હું બિલકુલ જાણતો નહોતો તે હું જાણતો થયો છું".શિક્ષણ:ઓનલાઇન કે ઓફલાઇન,એક મૂંઝવણ.
પ્રો.ડૉ.અશ્વિન જનસારી--


"ઓનલાઇન શિક્ષણમાં યાંત્રિકતા વધુ અને 'હ્યુમન ટચ' ઓછો હોય છે. શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે વર્ગમાં થતી શિક્ષણ-ક્રિયામાં "જીવતંતા" હોય છે. તેમના વચ્ચેની આંતરક્રિયા વિદ્યાર્થીઓની મનો-સામાજિક જરૂરિયાતો સંતોષે છે, જેને લીધે તેમનો વિકાસ થાય છે. છતાં, વર્તમાન સમયમાં ઓનલાઇન શિક્ષણ અનિવાર્ય છે".

--પ્રો.ડૉ.અશ્વિન જનસારી(નિવૃત્ત પ્રોફેસર અને અધ્યક્ષ મનોવિજ્ઞાન વિભાગ, ગુજરાત યુનિ. અમદાવાદ. 
શિક્ષણ:ઓનલાઇન કે ઓફલાઇન,એક મૂંઝવણ
વૈભવ દવેે


"કોવિડ મહામારી દરમિયાન શિક્ષણની પ્રવૃત્તિને ઘણી અસર પડી છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે આ સમય દરમિયાન શિક્ષણ પ્રક્રિયા ઘણી ચેલેન્જિંગ બની  રહી. ઓનલાઇન શિક્ષણ 'લેવું અને આપવું' એ એકમાત્ર વિકલ્પ બની રહ્યો. મારા મતે ઓનલાઇન શિક્ષણ દરેક વિષય માટે અનુકૂળ ન ગણાવી શકાય. ટૂંકા સમય માટે કામ ચોક્કસ ચલાવી શકીએ પણ લાંબા ગાળાની વ્યવસ્થારૂપે અથવા ઓફલાઇન શિક્ષણની અવેજીરૂપે તેને ન ગણી શકીએ. હું છેલ્લાં સાત વર્ષથી સંગીતની તાલીમ આપી રહ્યો છું. સંગીત વિષયમાં ઓનલાઇન શિક્ષણ એ ઘણું મુશ્કેલ છે. વિદ્યાર્થીઓને ઓનલાઇન પદ્ધતિમાં ઘણાબધા કૉન્સેપ્ટ શીખવી  શકાતા નથી, જે ઓફલાઇન શિક્ષણમાં આસાનીથી ડેમોનસ્ટ્રેટ કરી  શકાય છે. મારા મતે, વિદ્યાર્થીઓ સંગીતના શિક્ષણની ઓફલાઇન જેટલી મજા લઈ શકે છે તેટલી ઓનલાઇન લઇ શકતા નથી. વળી, ઓનલાઇનમાં કનેક્ટિવિટી ઇશ્યૂ, અનક્લિયર સાઉન્ડ ક્વોલિટી  જેવા પડકારો તો છે જ".

  -વૈભવ દવે(સંગીત શિક્ષક અને સંસ્થાપક-સૂરસાધના ઍકેડમી)શિક્ષણ:ઓનલાઇન કે ઓફલાઇન,એક મૂંઝવણ
ડૉ. પ્રણવ જાની


"પહેલું, જે કાંઈ શીખવાનું છે તેને માટે શાળા સુરક્ષિત હોવી જરૂરી છે. તે સૌથી મહત્ત્વની બાબત છે. જો શાળા સલામત હોય તો વ્યક્તિગત રીતે તે ખૂબ જ સારું ગણાય છે. શીખવાની પ્રક્રિયા કૉમ્યુનિકેશન દ્વારા થતી હોય છે અને આમાં વ્યક્તિ સમગ્ર રીતે સામેલ હોય છે.  વિદ્યાર્થીઓ  શાંત હોઇ શકે છે પરંતુ તેમની આંખો અને અભિવ્યક્તિ તેમજ બોડી-લેન્ગ્વેજ દ્વારા તમે જાણી શકો છો કે તેઓ સાંભળી રહ્યા છે અને શીખી રહ્યા છે. ઓનલાઇન-ઇન્સ્ટ્રક્શન બિલકુલ ચહેરા પર કેમેરાને મૂકે છે અને તેનાથી ઘણા વિદ્યાર્થીઓ શરમ અને સંકોચ અનુભવે છે.

સાથે,સાથે, ઓનલાઇન ઍજ્યુકેશનના ફાયદાઓ પણ છે. શારીરિક ખામી ધરાવતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ અન્ય વિદ્યાર્થીઓની જેમ જ વર્ગમાં હાજર રહી શકે છે.શાંત વિદ્યાર્થીઓ જો બોલવામાં સંકોચ અનુભવતા હોય તો ચેટનો ઉપયોગ કરી શકે છે. તેથી હું મારા નિયમિત ઑફલાઇન ક્લાસમાં પણ ઓનલાઇનના કેટલાંક ફિચર્સથી શિક્ષણ આપવાનું પસંદ કરું છું.જેમાં અલગ-અલગ ટાઇપના વિદ્યાર્થીઓને અલગ-અલગ રીતે શિક્ષણ મેળવવાની તક આપું છું.કોરોના મહામારી પછીના મારાં શિક્ષણકાર્યમાં સામાન્ય શિક્ષણકાર્ય કરતાં વધુ ઓનલાઇન શિક્ષણ સામેલ હશે". 

-ડૉ. પ્રણવ જાની, હી/હીમ ઍસોસિયેટ પ્રૉફેસર, ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ગ્લિશ,ઓહાયો સ્ટેટ યુનિવર્સિટી ડાયરેક્ટર, એશિયન અમેરિકન સ્ટડીઝ્(એથનિક અભ્યાસ માટેનું કેન્દ્ર).શિક્ષણ:ઓનલાઇન કે ઓફલાઇન, એક મૂંઝવણ
ડૉ.સિરાલી નિપમ મહેતા

"હું માનું છું કે ફેસ-ટુ-ફેસ ટીચિંગ જેવું બીજું કોઈ ટીચિંગ નથી અને ડાયરેક્ટ-કૉમ્યુનિકેશન દ્વારા મેળવાતાં નોલેજનું સ્થાન અન્ય કોઈ લઈ શકે તેમ નથી. આપણાં હિંદુ ધર્મગ્રંથોના 'ઉપનિષદો' એટલે આધ્યાત્મિક વિદ્યા પ્રાપ્ત કરતી વખતે ગુરુની નજીક બેસવું. શીખવાની આ શ્રેષ્ઠ પદ્ધતિ છે.
જોકે, હાલની મહામારીની પરિસ્થિતિમાં, ઓનલાઇન ઍજ્યુકેશન એ બીજો એક ઉત્તમ વિકલ્પ છે. તે ઉપરાંત, તેને આપણાં માટે ઉપલબ્ધ બનાવવા માટે આપણા વૈજ્ઞાનિકો અને ડિજિટલ ટેકનોલોજીના આપણે ખૂબ આભારી છીએ નહીં તો આ સમય આપણે વ્યર્થ ગુમાવી દીધો હોત. 

ઓનલાઇન ઍજ્યુકેશને આપણા માટે નાનકડા એવા બેઠક-રૂમમાં આખા વિશ્વને લાવીને મૂકી દીધું છે અને તે દ્વારા અનેક સંભાવનાઓ તરફ આપણી દ્રષ્ટિને ખોલી નાખી છે.આટલું જ નહીં, આ પદ્ધતિને અપનાવવાનું દરેકને માટે અનિવાર્ય બની ગયું છે. અને તેણે એકદમ પછાત વ્યક્તિને પણ નવી સિસ્ટમ પ્રત્યે સભાન કરી દીધી છે. 'જરૂરિયાત એ શોધની જનની  છે'. ગમે કે ના ગમે, પણ દરેકને 'ન્યૂ નોર્મલ'ને અનુકૂળ થવું પડ્યું છે.
ઓનલાઇન ઍજ્યુકેશને પરિવર્તન અને પ્રગતિની પ્રક્રિયાની ઝડપને વધુ ઝડપી બનાવવામાં મદદ કરી છે.વાતાવરણ ફરી નોર્મલ થઈ જશે તો પણ આનાથી આપણે ટેવાઇ   જઇશું. આને કારણે દરેક વ્યક્તિ મુવિંગ અને ટ્રાન્સપોર્ટેશનની પાછળ સમય અને પૈસા બચાવી રહી છે. ટૂંક સમયમાં જ આપણે હાયર ઍજ્યુકેશનમાં તો આ મિશ્રિત શિક્ષણપ્રક્રિયામાં આવી જઇશું. વિદ્યાર્થીઓને નિયમિત ધોરણે નહીં પણ કેટલાક દિવસો માટે જ કોલેજોમાં શારીરિક રીતે હાજરી આપવી પડશે. 

આપણે આ સિસ્ટમ સાથે ઝડપથી અનુકૂલન સાધી લેવું જોઇએ. હું પરિવર્તનનું સ્વાગત કરું છું અને જેટલી ઝડપથી આપણે સહુ તેનો સ્વીકાર કરી લઇએ તે આપણા ભલામાં હશે".

ડૉ. સિરાલી નિપમ મહેતા-(આચાર્ય-એસ.એલ.યુ.આર્ટ્સ ઍન્ડ એચ.ઍન્ડ પી. ઠાકોર કોમર્સ કોલેજ ફોર વિમેન્સ-અમદાવાદ)શિક્ષણ:ઓનલાઇન કે ઓફલાઇન, એક મૂંઝવણ
 પ્રો.ડૉ. દીપિકાબેન શાહ


"આધુનિક સમયનો ખૂબ જ ચર્ચિત, વિચારવા યોગ્ય અને મનપસંદ એવો આ વિષય છે. એક શિક્ષક તરીકે હું મારું મંતવ્ય રજૂ કરું છુંઃ-


ઓનલાઇન શિક્ષણ એટલે ઘરમાં બેસીને કમ્પ્યુટર દ્વારા લેવામાં આવતું શિક્ષણ. આ અંગે કેટલાક ફાયદા ને ગેરફાયદા છે તે જોઈએઃ-

ફાયદાઃ-1). આધુનિક સમયમાં ટેકનોલોજીના વિકાસની  દ્રષ્ટિએ જોઈએ તો તે એક અનિવાર્ય જરૂરિયાત છે.વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણથી વિવિધ ક્ષેત્રના વિકાસની માહિતી મળે છે. આ રીતે તેના જ્ઞાનનો વિકાસ થાય છે.2). વિદ્યાર્થીને વહેલી સવારે ઊઠીને શાળાએ જવું પડતું નથી તેથી સમયનો બચાવ થાય છે.3). વિદ્યાર્થીની કુતૂહલવૃત્તિ સતેજ થાય છે અને તે સંતોષાય છે.

ગેરફાયદાઃ-1). શરૂઆતમાં કમ્પ્યુટરની ટ્રેનિંગ લેવી પડે છે.2) લાંબો સમય કમ્પ્યુટર પર બેસવાથી શારીરિક તકલીફો થાય છે જેવી કે, ગરદનનો દુખાવો, આંખોની તકલીફ, આંગળીઓ જકડાઈ જવી વગેરે.3) વિજ્ઞાન જેવા પ્રાયોગિક વિષયોમાં લેબોરેટરીની જરૂર પડતી હોય છે.4) વિદ્યાર્થીમાં  શિષ્ટાચાર કે શિસ્તની ખામી જોવા મળે છે. 5) સતત કમ્પ્યુટર જોયા કરવાથી તે તેનો બંધાણી થઈ જાય છે, સ્માર્ટફોનમાં વીડિયો-ગેમ અને વીડિયો-ચેટ જોવાની તેને ટેવ પડી જાય છે. 

    સંક્ષેપમાં, એટલું જણાવવાનું કે ઓનલાઇન શિક્ષણ વિકાસને માટે જરૂરી છે પરંતુ ક્લાસરૂમ શિક્ષણ તો અનિવાર્ય બાબત છે".

પ્રો.ડૉ.દીપિકાબેન શાહ( નિવૃત્ત અધ્યાપક-બી.ડી.આર્ટ્સ કોલેજ અને પી.ટી. કોલેજ-અમદાવાદ).

શિક્ષણ:ઓનલાઇન કે ઓફલાઇન, એક મૂંઝવણ
પલક મહેતા

"છેલ્લું વર્ષ દરેક માટે, ખાસ કરીને બાળકો માટે મુશ્કેલ હતું. મને લાગે છે કે તેમના પર લાદવામાં આવેલા સામાજિક અને શારીરિક પ્રતિબંધોને કારણે તેઓ સૌથી વધુ અસરગ્રસ્ત થયાં છે.

જો કે, શાળાઓએ બાળકોને તેમના શિક્ષણ સાથે જોડી રાખવામાં શક્ય તેટલો  પ્રયાસ કર્યો છે, નહીંતર  તેઓ ચૂકી ગયા હોત. ટૂંકાં  હોવા છતાં, ઓનલાઇન સત્રોએ બાળકોને વર્ગખંડનો સંપર્ક જાળવી રાખવામાં મદદ કરી છે. નવા ભણતરની વિભાવનાએ  તેમને શેડ્યૂલ જાળવવામાં મદદ કરી છે.
જો કે, મને ચોક્કસપણે લાગે છે કે ઓનલાઇન શિક્ષણ તે ઓફલાઈન શિક્ષણથી ઘણું જુદું પડે છે. સામાજિક આદાનપ્રદાન, મિત્રો સાથેની રમતો, આજુબાજુના વાતાવરણનો સંપર્ક, સાથીઓ અને શિક્ષકો સાથે મિત્રાચારીભર્યું છતાં સન્માનપૂર્વકનું વર્તન રાખવું, જેવી બાબતો બાળક શાળામાંથી શીખે છે.
કમનસીબે, આપણે આ વૈકલ્પિક પદ્ધતિનો આશરો લેવો પડ્યો છે પરંતુ પાંચ વર્ષના સંતાનની એક માતા તરીકે હું શાળામાં અપાતા શિક્ષણની તરફેણ કરું છું. આશા રાખું છું કે આગામી શૈક્ષણિક વર્ષ દરમિયાન બાળકો ફરીથી શાળાએ જઇ શકશે".
પલક મહેતા( સિ.મેનેજર, સ્ટ્રેટેજિક સોર્સિંગ ઍન્ડ સપ્લાય મેનેજમેન્ટ એનીયલ ફાર્માસ્યૂટીકલ્સ)"


શોભના સોની

"ગણિતની શિક્ષિકા હોવાને કારણે હું ચૉક અને ડસ્ટર વિના મારા વર્ગની કલ્પના કરી શકતી નહોતી. પરંતુ આ મહામારી માઉસ અને કીબોર્ડ તરફ આગળ વધી. ઓનલાઇન વર્ગોમાં  વિદ્યાર્થીઓનું ધ્યાન રાખવું તેમજ વર્ગમાં રસ લેવાનું કામ મુશ્કેલ હોય  છે. મારું 100% આપ્યા પછી, હું જાણું છું કે વ્યાખ્યાન દરમિયાન કેટલાક માતા-પિતાની સતત દખલ રહેતી હોય છે. ઘણા વિદ્યાર્થીઓ એકસરખું મેળવી શકતા નથી. મને શાળામાં જે બોન્ડિંગ મળે છે તેનો અભાવ પણ હું અનુભવું છું".


ઓનલાઈન કે ઓફલાઇન શિક્ષણ?
 
એ મૂંઝવણનું તારણ એ નીકળે છે કે મોટાભાગના લોકો માને છે કે ક્લાસરૂમ શિક્ષણનો બીજો કોઈ વિકલ્પ ના હોઈ શકે પરંતુ આ ફાસ્ટ લાઈફમાં અને પળે પળે બદલાતી અને વિકાસને પંથે આગળ વધતી આ દુનિયા સાથે ચાલવા માટે ક્લાસરૂમમાં શિક્ષણની નવી નવી  ટેકનોલોજીને પણ સાંકળવી જોઈએ જેથી યુવાનોનું ભવિષ્ય વધુ સુરક્ષિત અને સ્માર્ટ બને. 

 
શિક્ષણ:ઓનલાઇન કે ઓફલાઇન,એક મૂંઝવણ
ઓનલાઇન કે ઓફલાઇન?