ચાલતી પટ્ટી

" જિંદગીમાં જીતની સૌથી સારી તૈયારી એ છે કે આજે સારું કામ કરો.● ‘વિષાદ’ પણ એક યોગ છે. ● એક કામ શરુ કરી લીધા પછી અસફળતાનો ડર ના રાખો, ● અને કામને અધવચ્ચે છોડો પણ નહીં. ● સફળ લોકો કોઈ અલગ કામ નથી કરતા, ● બસ, તે કાંઈક અલગ રીતે કામ કરે છે... ● કોઈ પણ વ્યક્તિ તમને તમારી મરજી વિરુદ્ધ લઘુતાગ્રંથિનો અનુભવ ના કરાવી શકે."

14 ડિસેમ્બર 2020

કિશોર બાળકો ડિપ્રેશનનો ભોગ બની રહ્યાં છે?

 

    કિશોર બાળકો ડિપ્રેશનનો ભોગ બની રહ્યાં છે? 

કિશોર બાળકો ડિપ્રેશનનો ભોગ બની રહ્યાં છે?
                              

કિશોર બાળકો અને ડિપ્રેશન

      વાઈ લાગે તેવી વાત છે ને કે આજકાલ બાળકો, ખાસ કરીને કિશોર વયનાં બાળકો ડિપ્રેશનનો ભોગ બની રહ્યાં છે. હાયર-સ્કૂલોમાં સ્ટડીઝ્ કરતાં આ ટીનએજર્સમાં હતાશા,નિરાશા,ડિપ્રેશનનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.

કિશોર બાળકો અને ડિપ્રેશનના પ્રશ્નો

      હા, આજકાલ પેરન્ટિંગ માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે મારું બાળક મારું માનતું નથી, મારા કહ્યામાં નથી, સામું બોલે છે, દલીલો કરે છે, ગુસ્સો કરે છે, મારામારી કરે છે, મિત્રો સાથે પણ લડે છે, એકદમ આવેશમાં આવે છે અને એકલું-એકલું રૂમમાં ભરાઈ જાય છે કે પછી હિંસક બની જાય છે અને ઘરની  બહાર ભાગી જાય છે. કલાકો સુધી મોબાઈલ જોડે રમ્યાં કરે છે અને ઊંચું પણ જોવાનું નહીં. એને મોબાઈલ સિવાય કશામાં રસ પડતો નથી, એની ઊંઘ અને ખાવાપીવાનું ઓછાં થઈ ગયાં છે, એને સ્કૂલે જવાનું કે ભણવાનું બિલકુલ ગમતું નથી.મોબાઈલ લઈ લઉં તો ધમપછાડા ને મારામારી કરે છે.


બોલો, તેરથી-અઢાર વર્ષની ઉંમરનાં મોટાભાગનાં બાળકોના માતાપિતાની આ ફરિયાદ હોય છે. તેમને ચિંતા થાય છે કે મારું બાળક ક્યાંક ડિપ્રેશનનો શિકાર તો નથી થઈ ગયું ને! હા, સાચી વાત છે કે આજનું બાળક હતાશાનો ભોગ બન્યું છે અને ધીરે-ધીરે તેને ડિપ્રેશનનો શિકાર બની જતા વાર નહીં લાગે.


કિશોરોમાં ડિપ્રેશનનાં કારણોઃઆમ તો કિશોરોમાં ડિપ્રેશન આવવાનાં કારણોમાં તેમની  અપરિપક્વ ઉંમર, શારીરિક અને માનસિક સ્થિતિ, તેમનો પરિવાર અને તેના સભ્યો, સમાજ, શાળા, શિક્ષકો, મિત્રો, એમ ઘણી બધી બાબતો જવાબદાર હોય છે.

      પરંતુ, આજકાલ તો સમગ્ર વિશ્વમાં કિશોર-બાળકોના પ્રશ્નો વધતા જાય છે અને અનેક બાળકો વર્તણૂકમાં ફેરફારોનો અને ડિપ્રેશનનો ભોગ બની રહ્યાં છે. તેઓ હતાશ છે, ઉદાસ છે, તેમને કશામાં પણ રસ નથી રહ્યો, નથી કેરિયર બનાવવી કે નથી જોબ કરવી. તેઓ એક પ્રકારના ડરમાં જીવી રહ્યાં છે. બાળકોમાં આ પ્રમાણ વધી રહ્યું છે.


કિશોરોમાં ડિપ્રેશન માટેનું સૌથી મોટું કારણઃ-


 આને માટે સૌથી મોટું જવાબદાર કારણ એ છે કે આજના પુશ-બટન અને ક્લિકના જમાનામાં ટેકનોલોજી નાનામાં-નાના ક્ષેત્રમાં આવી ગઈ છે. નાનામાં નાનાં ગામડામાં પણ કોમ્યુનિકેશન માટેનાં અદ્યતન સાધનોએ પગપેસારો કરી દીધો છે. ગામડાની શાળાઓમાં પણ સરકારે લેપટોપ અને કમ્પ્યુટર, ટીવી અને સ્માર્ટ-ફોન જેવાં સાધનો શૈક્ષણિક ઉપયોગ માટે આપેલાં છે અને સ્માર્ટ-ક્લાસરૂમ અસ્તિત્વમાં આવ્યા છે. સોશિયલ-મીડિયાના નેટવર્ક દ્વારા વિદ્યાર્થીઓ સામે આખી ઇન્ટરનેટની દુનિયા ખુલ્લી થઈ જતી હોય છે. તે આખી દુનિયા સાથે સંપર્ક કરી શકે છે, મિત્રો બનાવી શકે છે, વિવિધ રીતે કાર્ય કરતાં ગ્રુપો સાથે જોડાઈ શકે છે. આ બધું જ તેને એક ક્લિક દ્વારા મળતું હોય છે. 2004માં ઝુબરબર્ગનું ફેસબુક પ્લેટફોર્મ આવ્યું તો 2005ની શરૂઆતમાં યુટ્યુબ અને 2006ના અંત ભાગમાં ટિવટર જેવા સોશિયલ પ્લેટફોર્મ દ્વારા વેબની અને તે દ્વારા અઢળક મનોરંજન આપતી દુનિયાનો વ્યાપ એટલો બધો વધી ગયો કે આજે કોઈ પણ વ્યક્તિ તેનાથી દૂર નથી રહી શકી.તેનાથી અનેક ફાયદા થયા છે પરંતુ બધા જ લોકો માટે તે સરળ અને સહેલાઈથી પહોંચી શકાય તેવું સાધન હોવાને કારણે બાળકો પણ તેની અસરમાં આવ્યા વિના રહી શકે ખરાં?


કિશોરોના જીવન પર ઇન્ટરનેટની અસરોઃ

 

 કિશોર વયનાં બાળકો કાચી, અપરિપક્વ ઉંમરનાં હોય છે. તેમનાં કૂમળાં માનસ પર ઇન્ટરનેટની પોઝિટીવ અસર થવાને બદલે નેગેટીવ અસરો વધુ થતી હોય છે. તેમને ખબર જ નથી હોતી કે ઇન્ટરનેટ પર શું જોવું જોઈએ અને શું ના જોવું જોઈએ. તેઓ તો બધું જ જુએ છે અને ગ્રહણ કરે છે અને તેમના મગજ પર તેની છાપ આજીવન રહી જતી હોય છે.

કિશોરોને ટેવ પડે  છે સ્માર્ટ-ફોનની        

માં વળી આજકાલ અઢળક કંપનીઓ માર્કેટમાં આવી ગઈ છે અને નવી-નવી ટેકનોલોજી સાથેના રંગબેરંગી લોભામણાં સ્માર્ટ-ફોનથી ગ્રાહકોને લલચાવી રહી છે, શું આ ઉંમરનાં બાળકો તેનાથી દૂર રહી શકે ખરાં?!! એ તો બહુ સહેલાઈથી વાપરી શકાય તેવું અને પોકેટમાં પણ રાખી શકાય તેવું સાધન છે એટલે જ આજે સ્માર્ટ-ફોનની સાથે-સાથે તેમાં બહુ જ સહેલાઈથી સોશિયલ-મીડિયાના નેટવર્કનો ઉપયોગ કરી શકાય તેવી ટેકનોલોજી પણ બહુ ઝડપથી વિકસી રહી છે. 


આજે ભારતમાં દસ વર્ષના બાળક માટે પણ મોબાઈલ ખરીદનારની સંખ્યા 12% જેટલી છે. દૈનિક ભાસ્કર ન્યૂઝપેપરના એક રિપોર્ટ મુજબ, 2018માં અમેરિકાની એક પ્યૂ એજન્સીના એક સર્વે પરથી જાણવા મળ્યું  છે કે 95% ટીનએજર્સ સુધી સ્માર્ટફોન પહોંચી ગયો છે. 2017માં ક્લિનિકલ સાયકોલોજી સાયન્સ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસમાં જણાવાયું છે કે કિશોરો લાંબા સમય સુધી સ્ક્રિન જુએ તો તેની ખરાબ અસર પડી શકે છે અને તેઓ ડિપ્રેશનના શિકાર બની શકે છે. આપઘાતનો પ્રયાસ કરી શકે છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીના એક રિસર્ચમાં એમી ઓરબેન અને એન્ડ્ર્યુ પ્રિજિબિલસ્કીએ નોંધ્યું છે કે ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગની કિશોરો પર ઘણી નકારાત્મક અસરો પડે છે. તેમની નશો કરવાની ટેવો સાથે પણ આનો સંબંધ છે.

 ટ્રાઈના એડવાઈઝર સંજીવ બંસલના શબ્દો છે કે દેશમાં સ્માર્ટફોનનો વપરાશ વધી રહ્યો છે. એક અંદાજ મુજબ હાલ દેશમાં 40 કરોડ સ્માર્ટફોન યુઝર્સ છે જે આંકડો હવે આવનારાં ચાર વર્ષમાં વધીને 86 કરોડ થવાનો અંદાજ છે.

કિશોરો પર સ્માર્ટફોનની નેગેટીવ અસરોઃ-

આ બાળકો કાલ્પનિક દુનિયામાં જીવતાં થઈ જાય  છે.

ઇન્ટરનેટ પર બાળકો જુદાં જુદાં સામાજિક પ્લેટફોર્મ પર ભરપૂર મનોરંજન માણતાં હોય છે. અહીં તેમને એક કાલ્પનિક દુનિયા જોવા મળે છે. સામાજિક મીડિયા પર અપાતું સાહિત્ય, વાર્તાઓ, વેબ-ફિલ્મો, ડાન્સ-સંગીતના પ્રોગ્રામ્સ અને હરિફાઈઓ અને આ દુનિયાની ચમક,ઝાકઝમાળથી અપરિપક્વ,કૂમળાં મગજ ધરાવતાં કિશોરો અંજાઈ જાય છે અને તેમને પોતાની વાસ્તવિક દુનિયા કરતાં આ કાલ્પનિક દુનિયામાં જીવવાની વધુ મજા પડતી હોય છે. સોશિયલ-મીડિયા પર નવા-નવા મિત્રો બનાવીને તેમની સાથે ચેટિંગ કરીને તેમનાં જેવા બનવામાં તેમને ક્યારેક એવું લાગતું હોય છે કે મારી વાસ્તવિક દુનિયામાં આ કશું જ નથી, મારી પાસે કશું નથી, આવું વિચારીને તેમનામાં ચિંતા, તણાવ, નિરાશા, ડિપ્રેશન આવી જતાં હોય છે. તે ઉદાસ,નિરાશ રહેવા લાગે છે અને વધુને વધુ મોબાઈલ સાથે ચોંટી રહે છે. તેને મોબાઈલની ટેવ પડી જાય  છે.

મોબાઈલની ટેવ અને ડિપ્રેશન

એક સર્વે મુજબ, આવાં બાળકો 1 કલાકમાં સરેરાશ દસ વાર મોબાઇલ ચેક કરતાં હોય છે. રાત્રે પણ મોબાઈલને બાજુમાં રાખીને સૂઈ જાય છે, વોશરૂમમાં પણ સાથે લઈ જાય છે,તેઓ મોટાભાગે તો સોશિયલ મીડિયા પર વધુ પડતા ઓનલાઈન હોય છે એટલે જો કોઈના મેસેજ કે લાઈક ન આવે તો ચિંતા કે ટેન્શન કરે છે. એટલે પછી તેને જમવામાં, ભણવામાં કે કેરિયર બનાવવામાં રસ રહેતો નથી, એકાગ્રતાનો અભાવ જોવા મળે છે, સ્વભાવ ગુસ્સાવાળો, ચીડિયો થઈ જાય છે.બસ, મોબાઈલ પર રમતો રમવી, સતત ઓનલાઈન રહેવાની તેને ટેવ પડી જાય છે.

લોકડાઉનમાં ઇન્ટરનેટનો ઉપયોગ વધી ગયો

એક રિસર્ચ મુજબ, કોરોનાને કારણે થયેલા લોકડાઉન પછી ઇન્ટરનેટનો ઉપયોગ વધી ગયો છે ટિવટરનો દરરોજ ઉપયોગ કરનારની સંખ્યામાં 24% અને ફેસબુકનો ઉપયોગ કરનારની સંખ્યામાં 27% જેટલો વધારો થયો છે. સોશિયલ મીડિયાની ટેવને  ચિંતા,તણાવ અને  ડિપ્રેશન સાથે સીધો સંબંધ છે. તેનો વધુ ઉપયોગ થાય એટલે મગજમાં કાર્ટિસોલ અને એડ્રેનાલઇન હોર્મોન્સની સપાટી વધે છે જે હોર્મોન્સ ટેન્શન વધારે છે. ઉપરાંત, જ્યારે દરરોજ મનગમતી સાઈટ પર જાઓ ત્યારે મગજમાં ડોપામાઈન સિગ્નલ વધે છે જે એક ન્યૂરોટ્રાન્સ મીટર્સ છે. તમે ખુશ થાઓ એટલે તેનું સ્તર વધે છે, તમને પોસ્ટમાં લાઈક મળે ત્યારે પણ તેનું સ્તર ઊંચુ રહે છે પરંતુ તમે જેવા જોવાનું બંધ કરો એટલે આ સ્તર નીચું જાય છે અને એટલે જ તમને ફરીથી મોબાઈલ કે લેપટોપ પર જવાનું મન થઈ જાય છે કે જ્યાંથી તમને આનંદ મળતો હોય છે. આમ તમે ઇન્ટરનેટનો વધુ ઉપયોગ કર્યા કરો છો અને એ ન કરો તો તમે હતાશામાં, ડિપ્રેશનમાં સરી પડો છો.

ઓનલાઈન શિક્ષણમાં ઇન્ટરનેટની લત વધી ગઈ

લોકડાઉનમાં ઘરમાં શું કરવું એના જવાબમાં નાનાં-મોટાં સહુ સામાજિક મીડિયા પર એક્ટિવ રહ્યા છે. પણ બાળકોને તો શિક્ષણ પણ ઓનલાઈન લેવાનું આવ્યું એટલે તેને બહાને બાળકો ઇન્ટરનેટનો વધુ ઉપયોગ કરતાં થઈ ગયાં છે. આવાં બાળકોમાં મોબાઈલનું વ્યસન થઈ ગયું છે. આ બાબત માતાપિતાના ધ્યાનમાં આવતા તેમની ચિંતા વધી રહી છે કારણ કે બાળકો 24 કલાકમાંથી 8 કલાક મોબાઈલ પર આપે છે અને તપાસ કરતાં ખબર પડી છે અને કેટલાક એવા કિસ્સા સામે આવ્યા છે કે જેમાં બાળકોએ ભણવાનાં નામે ઓનલાઈન યૂટ્યુબ પર ચેનલ બનાવી દીધી છે અને ઓનલાઈનનું બહાનું બતાવી મોબાઈલમાં ગેમ્સ રમે છે.આ રીતે ઈન્ટરનેટ પર તેઓ વધુ સમય ગાળે છે.

મોટાભાગનાં બાળકોને ઓનલાઈન-શિક્ષણમાં મજા નથી પડતી, પૂરતાં સાધનો નથી એટલે શિક્ષણ ફાવતું નથી. આવાં બાળકોનો મૂડ બદલાઈ ગયો છે. સ્વભાવમાં ચીડિયાપણું, ગુસ્સો, નિરાશા, ચિંતા આવી ગયાં છે. ઓનલાઈન શિક્ષણે બાળકોમાં એકલતા લાવી દીધી છે કારણ કે તે શાળામાં જતાં હોય ત્યારે વધુ સામાજિક હોય છે.બધા જોડે રમે છે, વાતચીત કરે છે, કશું ના આવડતું હોય તો શિક્ષકને પૂછી શકે છે.

આમ, ઓનલાઈન સિસ્ટમે તેમનામાં નકારાત્મક ભાવ જન્માવ્યો છે, લોકડાઉન પછી આવેલા પરિવર્તનથી બાળક મૂંઝાઈ ગયું છે પરિણામે આ ઓનલાઈન શિક્ષણે ઘણાં કિશોર બાળકોને આઉટલાઈન પર લાવીને મૂકી દીધા છે.

 વિધિની વિચિત્રતા જુઓ કે એક તરફ બાળકોને મોબાઈલ અને ઇન્ટરનેટનાં વળગણ અને દૂષણોમાંથી છોડાવવાની વાતો થઈ રહી છે અને બીજી તરફ એ લોકોને જ એવું કહેવું પડે છે કે તમારા બાળકને શિક્ષણ લેવા માટે સ્ક્રિન સામે બેસી રહેવા માટે સમજાવો.

કિશોરોને ઇન્ટરનેટનાં જોખમથી કઈ રીતે બચાવશો?

હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં પ્રકાશિત એક રિસર્ચ મુજબ હેલ્થ મેગેઝિન હેલ્થ-લાઈને સોશિયલ મીડિયાના ઓવરયુઝને જોખમ ગણાવી તેનાથી બચવાના કેટલાક ઉપાય બતાવ્યા છેઃ-


-સોશિયલ મીડિયાના એપ્સને મોબાઈલમાંથી કાઢી નાખો તેનાથી તે ઓછું વપરાશે. તેને બદલે તેને લેપટોપ પર વાપરો.


-ફોન પર આવતા નોટીફિકેશનનો સાઉન્ડ બંધ કરી દો તો તેનો બીપ અવાજ બંધ થઈ જશે એટલે ફોનને વારંવાર ચેક કરવામાંથી બચશો.


-સોશિયલ મીડિયા માટે અત્યંત જરૂરી કામ હોય તો તેનો સમય નક્કી કરી દો.


-જમતી વખતે કે નાસ્તો કરતી વખતે ફોનનો ઉપયોગ નહીં કરવાનો તેવો નિયમ બનાવો. સૂતી વખતે તેને બીજા રૂમમાં રાખો. ફોન સિવાયનાં સાધનો જેવાં કે, ચેસ, કેરમ, જેવી ઇન્ડડોર ગેમ્સ રમો, કોઈક નવી ભાષા શીખો, મિત્રોને મેસેજ કે વિડીયોથી મળવાને બદલે બહાર મળો, ગાર્ડનમાં વોક-જોગિંગ માટે જાઓ. શારીરિક અને માનસિક તેમજ સામાજિક પ્રવૃત્તિઓ વધારી દેવી.


-મમ્મી-પપ્પાએ કે વાલીઓએ કિશોરોને સોશિયલ-મીડિયાનો ઉપયોગ કરવાના અને તેની સુરક્ષા સચવાય તે માટેના નિયમો બતાવવા જોઈએ અને કહેવું જોઈએ કે,


-ઓનલાઈનમાં કોઈ જ ખાનગી બાબતોને જાહેર નહીં કરવાની. જે તમારી ખાનગી બાબતો છે તેને અંગેની પોસ્ટ કે મેસેજ શેર નહીં કરવાના.


-તમારા મમ્મી-પપ્પા કે ભાઈબહેન, ટિચર્સ, મિત્રો કે દુશમનો માટે કોઈ પણ જાતની નેગેટીવ વાતો મિત્રો સાથે શેર ના કરવી જોઈએ. અને કોઈ એવી વાતો કરતું હોય તો તેને ટેકો નહીં આપવાનો.


-બાળકની સુરક્ષાની દ્રષ્ટિએ તેને મોબાઈલ કે લેપટોપ આપતા પહેલાં તેને વાપરવાની કલા સમજાવો અને કેવી સાઈટનો ઉપયોગ કરવાથી નવી ભાષા શીખવા મળે, સર્જનશક્તિ વધે, માનસિક શક્તિ વધે, હોબી માટે તક મળે તેનો પરિચય આપો.


-મોબાઈલ જોવા માટે અમુક કલાક નક્કી કરો. અને તે સમય દરમિયાન તેણે શું શું જોયું, તેને શું વધારે ગમ્યું, કેવા મિત્રો બનાવ્યા, કેવી ચેટ કરી, તે વાત-વાતમાં પૂછી લો જેથી તેને એમ ના લાગે કે મમ્મી-પપ્પા મારી જાસૂસી કરે છે. આ ઉંમરનાં બાળકોને દબાણથી નહીં પણ પ્રેમથી સમજાવો.


-ક્લાસરૂમમાં મોબાઈલ લઈ જવાની છૂટ આપવાને બદલે તે મોબાઈલ ટિચર્સરૂમમાં જમા કરાવવાની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. 

 

-બાળકનું આખા દિવસનું સમયપત્રક નક્કી કરી દો. તેનો જમવાનો, હોમવર્કનો, શાળાએ જવાનો, બહાર રમવાનો,સૂવાનો સમય નક્કી કરો અને તે પૌષ્ટિક ખોરાક લે તેનું ખાસ ધ્યાન રાખો જેથી તે ડિપ્રેશનનો જલદીથી શિકાર નહીં બને.


-મમ્મી-પપ્પાને કામ કરવું હોય કે બહાર જવું હોય ત્યારે તેઓ તેમનાં સંતાનોના હાથમાં મોબાઈલ કે ટીવીનું રિમોટ પકડાવી દેતા હોય છે કે જેથી તેઓ તેમને હેરાન ના કરે, પરંતુ આ રીતે ફોનને બેબી-સિટર્સ ના બનાવો. તેનાથી તમારું સંતાન ગમે તે જોતું થઈ જશે અને તેની તેને લત લાગી જશે.

-તમારાં બાળકોને નો-સ્માર્ટ-ફોન ચેલેન્જ આપો અને દિવસમાં અમુક કલાક ફોનને અડવાનું પણ નહીં અને બીજી ગમતી પ્રવૃત્તિ કરવાની.

ઇન્ટરનેટના વપરાશમાં વિવેકબુદ્ધિ જરૂરી છે

હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂમાં જણાવાયું છે કે તમારો ફોન તમને સારી ટેવો પાડવામાં મદદ કરી શકે છે. વધુમાં તે જણાવે છે કે આપણે કુટેવો માટે આપણા ફોનને જવાબદાર ગણીએ છીએ પરંતુ ફોન સુટેવો પાડવામાં પણ મદદરૂપ થાય છે. ફોન પર એલર્ટ મૂકો. ફોનનું ટાસ્ક મેનેજર કે કેલેન્ડર એપ પણ કુટેવો રોકી શકે છે. તમે એક ટાસ્ક નક્કી કરો અને એપ્સની મદદથી તેને પાર પાડો...આ રીતે ઊંઘ માટે, જમવા માટે, હોમવર્ક કરવા માટે એલર્ટનો ઉપયોગ કરો અને તેનાથી મોબાઈલનો ઉપયોગ ઘટી જશે અને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર તેની પોઝિટીવ અસર થશે. દરેક કામમાં નિયમિતતા અને શિસ્ત આવશે.

આ રીતે કિશોરોને ઇન્ટરનેટનો વપરાશ સમજણપૂર્વકનો કરવાનું શીખવાડો અને તમે પોતે પણ તમારા માટે તેમ જ કરો. નહીંતર બાળકો તમારું ક્યારેય માનશે જ નહીં. તમે બાળક માટે એક ઉદાહરણરૂપ બનશો તો તે જલદીથી શીખી જશે. 

આમ છતાં પણ જો તમારું બાળક ડિપ્રેશનનો શિકાર બન્યું છે તેવું તમને લાગતું હોય તો તરત જ તેના માનસિક સ્વાસ્થ્યને માટે તેના નિષ્ણાતને બતાવવું જ જોઈએ.

આજકાલની ફાસ્ટ લાઈફમાં ટેકનોલોજી જરૂરી છે અને કિશોરવયનાં બાળકો તેનો સમજપૂર્વકનો ઉપયોગ કરે તો તેમાં કાંઈ જ ખોટું નથી પરંતુ માતાપિતા, વાલીઓ અને સમાજના આગેવાનોની એ ફરજ બને છે કે બાળકોને સલાહ આપતાં પહેલાં તેઓ પોતે ઇન્ટરનેટ વાપરવાના નિયમોનું પાલન કરે અને તે પછી બાળકોને સમજાવે તો એ વધુ યોગ્ય ગણાશે.