ચાલતી પટ્ટી

" જિંદગીમાં જીતની સૌથી સારી તૈયારી એ છે કે આજે સારું કામ કરો.● ‘વિષાદ’ પણ એક યોગ છે. ● એક કામ શરુ કરી લીધા પછી અસફળતાનો ડર ના રાખો, ● અને કામને અધવચ્ચે છોડો પણ નહીં. ● સફળ લોકો કોઈ અલગ કામ નથી કરતા, ● બસ, તે કાંઈક અલગ રીતે કામ કરે છે... ● કોઈ પણ વ્યક્તિ તમને તમારી મરજી વિરુદ્ધ લઘુતાગ્રંથિનો અનુભવ ના કરાવી શકે."

02 ડિસેમ્બર 2020

મને ક્યાંય શાંતિ જ મળતી નથી...શું કરું...?

 

મને ક્યાંય શાંતિ જ મળતી નથી...શું કરું...?

મનની શાંતિ શોધો છો ?

ફોલો ધીસ 3 પોઈન્ટ

મન એટલે શું?    

મન એટલે આપણાં અંતઃકરણ ચિત્તની સંકલ્પ અને વિકલ્પ કરનારી વૃત્તિ. મનમાં જ અનેક ઇચ્છાઓ જાગે છે, મનમાં જ અનેક વિચારો ચાલે છે, આ અઢળક વિચારોની ઉથલપાથલ જ્યાં થાય છે તે છે મન. એટલે જ મનને માંકડા જેવું કહેવામાં આવ્યું છે. મન એટલે આપણું દિલ. આપણે કહીએ છીએ ને કે મારા મનમાં,મારા દિલમાં એક ઇચ્છા જાગી છે. મનમાં એક ગાંઠ વાળી છે, એટલે કે સંકલ્પ કર્યો છે. મનમાં ઊગવું એટલે કે મનમાં આવવું, મનમાં વિચાર આવવો, ઇચ્છા થવી, શંકા જાગવી, ગૂંચવણ થવી વગેરે.

મન જ બધાં પ્રકારનાં દુઃખો અને સુખોનું મૂળ છે. તેમાં કેટલાય પ્રકારના સંકલ્પ-વિકલ્પના ઉછાળા ચાલ્યા જ કરતા હોય છે.

આ મન માટે એવું પણ કહેવાયું છે કે મન હોય તો માળવે જવાય. કારણ કે મન જ તમારા વિચારો, ભાવનાઓનું ઉદ્‌ગમસ્થાન ગણાય છે. આપણું મન, મનોબળ જેટલું મક્કમ હશે તેટલી તમારી શારીરિક, માનસિક શક્તિ અનેકગણી વધી જશે. કહે છે ને કે મનથી હાર્યા હાર અને મનથી જીત્યા જીત.તમે જેવું વિચારશો તેવું થઈને રહેશે. સંકલ્પથી સિદ્ધિ.મનને પોઝિટીવ વિચારોથી ભરી દો. વિચારો અંગે બીકે. શિવાની શું કહે તે  છે તે જાણવા માટે ક્લિક કરોઃ-                                                                                https://www.facebook.com/474584312872731/posts/1378196189178201/?

મન અને શાંતિનો સંબંધઃ-

આપણી ઇચ્છાઓ, ગુસ્સો, શંકા, વિશ્વાસ-અવિશ્વાસ, કપટ-લુચ્ચાઈ જેવી ભાવનાઓ આપણા મનમાં ઉદ્‌ભવે છે તેમ મનની શાંતિ કે અશાંતિ પણ આપણા મનમાં જ ઉદ્‌ભવતી હોય છે. છતાં મોટાભાગના લોકો એમ કહેતા હોય છે કે મારે શાંતિ જોઈએ છે. મારે એ લોકોને કહેવું છે કે શાંતિ એ કાંઈ બહાર બજારમાં વેચાતી કોઈ વસ્તુ નથી કે તમે ખરીદી શકો. બહારથી મળતી શાંતિ ટેમ્પરરી હોય છે. જેમ બીમાર પડીએ અને દવા લઈએ તેમ સંગીત સાંભળીએ, પુસ્તક વાંચીએ, પાર્ટીમાં જઈએ, મોજમજા માટે રખડવા નીકળીએ, એ બધું થોડીક ક્ષણનો આનંદ આપે છે, મનને રિલેક્સ કરે છે અને એટલે આપણને થોડીક વાર માટે શાંતિ મળતી હોય છે. એ શાંતિ હંમેશને માટે રહેતી નથી.

મનની ખરી શાંતિ તો આપણી અંદરની બાબત છે અને તે શાંતિ હંમેશને માટે આપણા અંતઃકરણમાં રહેતી જ હોય છે. એને બહાર શોધી શકાતી નથી.કસ્તૂરી મૃગની વાત જાણો છો ને, સુંગધથી મત્ત થઈને તેની શોધમાં તે દોડતું જ રહે છે પરંતુ તેને ખબર જ નથી હોતી કે ખરેખર તો એ સુગંધ તેની નાભિમાં, તેની પોતાની અંદર જ છુપાયેલી છે.

મને ક્યાંય શાંતિ જ મળતી નથી. હું શું કરું?
મનની શાંતિ શોધો છો?

મનની શાંતિ શોધો છો?

ફોલો ધીસ 3 પોઈન્ટ

1)    મનની અંદર ડોકિયું કરોઃ- હવે આપણે સમજીએ છીએ કે શાંતિ અંદર છે માટે આપણી અંદર જોવાનું છે અને મનનું મેનેજમેન્ટ કરવાનું છે.મનને હેન્ડલ કરો કારણ કે એ તમારા નિયંત્રણની બાબત છે.

ખરેખર ખૂબીની વાત એ છે કે મનને અશાંત કરનારી મોટાભાગની પરિસ્થિતિ કે પ્રવૃત્તિ બહાર થતી હોય છે જેમ કે, કોઈએ તમને કારણ વિના અપશબ્દો બોલીને તમારું અપમાન કર્યું અને તમને દુઃખ લગાડ્યું તો તમે અંદરથી ખળભળી ઊઠો છો અને અશાંત બની જાઓ છો.

આવું બને ત્યારે જો તમે પણ તે વ્યક્તિને ગમે તેમ બોલશો તો બાજી બગડી જશે અને તમાશો ઊભો થઈ જશે. તમે વધારે અપસેટ થઈ જશો. તેથી આ સમયે મનને શાંત રાખો, તમારા તરફથી કોઈ પણ પ્રતિક્રિયા આપ્યા વિના તે વ્યક્તિથી દૂર થઈ જાઓ. આનાથી વાત ત્યાં અટકી જશે અને મનની શાંતિ જળવાઈ રહેશે.

આપણી રોજબરોજની જિંદગીમાં તો આવું કેટલું બધું બનતું હોય છે ખરું ને! ઘરમાં, ઑફિસમાં, મિત્રો સાથેના સંબંધોમાં વારંવાર આપણે હર્ટ થઈ જઈએ છીએ. પણ તેનો એક જ ઉપાય છે કે ભલેને તમે ગમે તેટલાં સાચા કેમ ના હો, પણ તે વખતે ત્યાંથી ખસી જાઓ. આવેશની પળ વીતી જાય પછી સાથે બેસીને ગેરસમજોનો ઉકેલ લાવી શકાય છે.

આ રીતે, તમારા મનમાં જેટલી પણ ખોટી ભાવનાઓ, વિચારો કર્યા કરશો તેટલી તમારા મનની અશાંતિ વધી જશે.

2)    મનને પોઝિટિવ વિચારોથી હર્યુંભર્યું રાખોઃ- મનને એવી ટેવ પાડો કે એ બને તેટલા પોઝિટિવ વિચારો જ કરે. એ માટે દર કલાકે 2 મિનિટ બેસીને તમારા વિચારો ને ચકાસો કે છેલ્લા કલાક દરમિયાન તમે કેટલું ઊંધું-ચત્તું એટલે કે નૅગેટિવ વિચાર્યું. આમ દરરોજ કરવાથી તમને પોઝિટિવ વિચારો કરવાની ટેવ પડી જશે.

હું ક્યારેય સફળ થવાનો નથી, હું સુંદર નથી, મને કશું આવડતું જ નથી, એવું વિચારીને મનને નિરાશ કે હતોત્સાહ કરવાથી શું ફાયદો થવાનો છે? તેનાથી તો મન અશાંત રહેતું હોય છે. અશાંત મન ધરાવતી વ્યક્તિ ક્યારેય સફળ થઈ શકે ખરી?

મન હંમેશાં પોઝિટિવ વિચારોથી સંતુષ્ટ, ઉત્સાહી, આશાવાદી રહે અને જિંદગી જીવવાનું જોશ ટકી રહે તે માટે સફળ વ્યક્તિઓનો સંગ રાખો. સફળ વ્યક્તિત્વ ધરાવતા અને જીવનમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ આનંદથી જીવી ગયેલા લોકોનાં જીવન વિશે વાંચો, વિચારો અને અનુકરણમાં લાવો. પ્રેરણાદાયી લોકો અને વિચારોને જીવનમાં સ્થાન આપો. દિવસમાં થોડા સમય માટે મનને વિચારશૂન્ય એટલે કે વિચારોથી મુક્ત કરી વિચારોથી સ્વતંત્ર થઈને બેસો, વિચાર વગરની આ સ્થિતિમાં મન શાંત બની જતું હોય છે.


હેલ્ધી લાઈફ-સ્ટાઈલ અપનાવો તો મનની શાંતિ જળવાઈ રહેશેઃ-જીવનમાં મેનેજમેન્ટ જરુરી હોય છે. જીવનમાં નિયમિતતા, શિસ્તને અપનાવો. સવારે નિયમિત ઊઠવું, કસરત-યોગ-મેડિટેશન કરવા, તાજો ને પૌષ્ટિક ખોરાક લેવો, આખા દિવસના કામકાજનું ટાઈમ-મેનેજમેન્ટ કરો જેથી ઘણો સમય બચી જશે અને દોડાદોડી વિના કામ કરવાનો સમય મળી રહેવાથી મનની શાંતિ જળવાઈ રહેશે.

મન શાંત રહેવાથી મનુષ્યમાં આનંદ, સદાચાર અને સફળતા જેવાં તત્વો આપોઆપ ખીલી ઊઠે છે, જેની અસર તમારી નજીક રહેતા અને સંબંધ રાખતા લોકો પર પણ થતી હોય છે. એક દીવાથી અનેક દીવા પ્રગટે અને અનેકોને પ્રકાશ આપે તેમ તમારી અંદર પ્રગટેલો આનંદ, શાંતિ, સદાચાર અને સફળતાનો પ્રકાશ તમારી ચારેબાજુ શાંતિ, આનંદ, સદાચાર અને સફળતા લઈ આવે છે.

મનની શાંતિ અને યોગ

જો તમે ખૂબ વિચારોથી ઘેરાયેલા રહો છો, ડિપ્રેશન, તાણ કે ચિંતા અને ટેન્શન અનુભવો છો, ભૂખ નથી લાગતી, ઊંઘ નથી આવતી, તો તમારા માટે યોગ એ રામબાણ ઇલાજ છે. કારણ કે તમારો ખોરાક હેલ્ધી ન હોય કે અનિયમિત હોય તો તેની અસર પણ મન પર થતી હોય છે અને મન હતાશા અનુભવે છે. મન અને શરીર બંને એકબીજા સાથે જોડાયેલાં છે એટલે બંને તંદુરસ્ત હોવા જોઈએ.

યોગ આપે છે તન,મન અને પ્રાણની તંદુરસ્તી.


યોગની પ્રક્રિયામાં આસનો-કસરતો,મેડિટેશન(ધ્યાન-ચિંતન) અને પ્રાણની વિવિધ પ્રક્રિયાઓનો સમાવેશ થતો હોય છે.તમે યોગ શરૂ કરો અને નિયમિત રહો તો બે પ્રકારના ફાયદા થાય છે

યોગના શારીરિક ફાયદા

·      શરીરની તાકાત, રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

·      શરીરની બાહ્ય આકૃતિ સુડોળ અને સુંદર બનાવે છે. ત્વચા સુંદર બનાવે છે

·   શરીરની પાચનશક્તિ સુધરે છે અને શરીરમાં રહેલાં ઝેરી પદાર્થોનો નાશ કરે છે એટલે જુદા જુદા પ્રકારના રોગોથી શરીર મુક્ત રહે છે.

·   શરીરના સ્નાયુઓને વધુ લચીલા અને મજબૂત બનાવે છે. કરોડરજ્જૂની ક્ષમતા વધે છે એટલે વ્યક્તિ વધુ સ્ફૂર્તિ અને જુસ્સો અનુભવે છે.

·    વ્યક્તિનું મન આનંદ,ઉત્સાહમાં રહે છે એટલે તે પ્રગતિ કરતી રહે છે.

 

યોગના માનસિક ફાયદા

·        મનની અંતર્દષ્ટિ (Intuition) સુધરે છે. આત્મસન્માન વધે છે.

·        પોતે જેવા છે તેવા સ્વીકારવાની હિંમત વધે છે.

·        મનોબળ મજબૂત બને છે.

·        હતાશા, ટેન્શન,ડિપ્રેશન મેનેજ કરવાની ક્ષમતા વધે છે અને મનની શાંતિ વધે છે.

·        યાદશક્તિ અને માનસિક જાગૃતિમાં વધારો થાય છે.

·      આત્મવિશ્વાસ વધે છે.વ્યક્તિ વર્તમાનમાં જીવતાં શીખી જાય છે.

મનની શાંતિ વધારે છે મેડિટેશન(ધ્યાન-ચિંતન)

ડિપ્રેશન અને હતાશા જેવી ગંભીર બીમારીમાં મેડિટેશન એક ઉત્તમ સાધન સાબિત થયું છે.એ ઉપરાંત જો તમે તેને તમારી લાઈફ-સ્ટાઈલ બનાવી લો તો તેના જેવું કોઈ ઉત્તમ દવા નહીં હોય. મેડિટેશન પણ યોગની એક પ્રક્રિયાનો ભાગ છે.

મેડિટેશનના ફાયદા

·        ડિપ્રેશન અને ચિંતા-હતાશા જેવી બાબતોને મેનેજ કરવામાં મદદ કરે છે.

·        કોઈ ખરાબ આદતની લત હોય તો તેની સામે શક્તિ આપે છે.

·        તમારી સ્મરણશક્તિ, શીખવાની શક્તિ,એકાગ્રતાની શક્તિ અને મૂડને સુધારે છે.

·        તમારી સંવેદનાશક્તિને સુધારે છે.

·        ઊંઘ ન આવવી અને ભૂખ ન લાગવી, એ બંને ફરિયાદ દૂર કરે છે.

મેડિટેશન કેવી રીતે કરશો

·        મેડિટેશન કોઈ અઘરી બાબત નથી. પ્રકૃતિની વચ્ચે કોઈ ગાર્ડનમાં કે ઘરની કોઈ શાંત જગ્યામાં શાંતિથી બેસો અને તમારી શ્વાસ-પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રીત કરો. સાથે કોઈ સોફ્ટ-મેડિટેશન મ્યૂઝિક સાંભળવું ગમે તો રાખી શકો.

·        વિચારો આવે તો તેને આવવા દો. તેને દબાણપૂર્વક દૂર કરવા પ્રયત્ન નહીં કરશો. તમારા વિચારોને જુઓ પણ તેની સાથે સંકળાશો નહીં એટલેકે તેના વિશે વિચારશો નહીં. વિચારોને વહેવા દો. ધીરે-ધીરે ચાલ્યા જશે.શરૂઆતમાં વિચારોનું ઘોડાપૂર આવશે પણ તમે તેના વિશે વિચાર કર્યા વગર તેને જોતાં જશો તો તે ઓછા થતા જશે અને એક સમય એવો આવશે કે ફક્ત તમને તમારો શ્વાસ જ સંભળાશે.

·        જો તમારે ગુસ્સો, ટેન્શન કે ડિપ્રેશન દૂર કરવાં હોય તો તમે બોલી શકો, મારી બધી સંવેદનાઓ મારા કન્ટ્રોલમાં છે અને હું શાંત છું, મારી સાથે બધું બરોબર ચાલે છે”. તમારે આ રીતે વારંવાર હકારાત્મક એટલે કે પોઝિટીવ સૂચનો તમારા મનને આપવાનાં છે.મન શાંત થતું જશે. ડિપ્રેશન અંગેનો બ્લોગ ડિપ્રેશનને હરાવો હિંમતથી વાંચવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરોઃ-

https://www.prernanaparijat.com/2020/11/blog-post_22.html

 

·        દરરોજ દસેક મિનિટ આ મેડિટેશન કરવાથી તેની અસર જરૂર થાય છે જ. શરૂઆતમાં પાંચેક મિનિટ રાખીને સમય વધારતા જવાનું. 

 યોગ, હેલ્ધી ખોરાક અને હેલ્ધીલાઈફ-સ્ટાઈલને અપનાવો અને જીવનભર નિરોગી અને સુખી રહો.  'પહેલું સુખ તે  જાતે નર્યા'.  પોષણયુક્ત ખોરાકથી તન અને મન બંને સ્વસ્થ રહે છે.