જિંદગીને જીવી લેવી છે ?
હા,મારે તો આ જિંદગીને
જીવી લેવી છે. આવું કહેનારાં તો ઘણાં મળી આવશે પણ આનો અર્થ શું થશે ?
જિંદગી તો બધા લોકો જીવે
છે ને!! તો ફેર ક્યાં પડે છે? હા, જીવવા-જીવવામાં ફેર
પડતો હોય છે.
એક વ્યક્તિ જિંદગીને તેના સાચા અર્થમાં જીવી જાણે
છે અને એક, જિંદગીને પસાર કરી નાખે છે. એક વ્યક્તિ તેની રિયલ સેન્સમાં હિમાલયના
શિખર પર પહોંચીને તેનો આનંદ માણે છે, તેનો રોમાંચ અનુભવે છે, જ્યારે એક, ત્યાંથી
માત્ર પસાર થઈને, તેનું વિહંગાવલોકન કરીને, તેનાં માત્ર દર્શન કરીને ત્યાંથી ચાલી
જતી હોય છે.
જિંદગીને જીવવી અને
જિંદગીને પસાર કરી નાખવી, બંને વચ્ચે ફેર હોય છે. કયો ફેર હોય છે?
જિંદગીને જીવવા માટે શું હોવું જોઇએ?
એક બર્નિંગ ડિઝાયર હોવી જોઈએ
જે વ્યક્તિ જિંદગીને
ખરેખર તેના સાચા અર્થમાં જીવતી હોય છે તેની પાસે જિંદગી જીવવાનું એક સોલીડ રીઝન હોય છે, એક પર્પઝ હોય છે, જિંદગી
જીવવાનો એક હેતુ, એક કારણ, એક લક્ષ્ય હોય છે.
જિંદગી જીવવા માટે દિલમાં એક બર્નિંગ ડિઝાયર હોવી જોઈએ. એક સતત જલતી આગ, એક તણખો હોવો જોઈએ. તે આપણને
સતત આગળ વધવા માટેની પ્રેરણા, જુસ્સો આપે છે.
જીવનમાં જોશ ભરે છે
આ એક એવી ડિઝાયર હોય છે
કે જે જીવનમાં જોશ, જુસ્સો ભરતી હોય છે, કાંઈક કરી છૂટવાની શક્તિ આપતી હોય છે,
જીવનને ઉત્સાહ અને આકાંક્ષાની ઊર્જાથી છલોછલ ભરી દેતી હોય છે, એવી ડિઝાયર કે જે
જીવનને સાહસનો રંગ આપતી હોય છે, જીવનને રોમાંચથી ભરી દેતી હોય છે.
ગાંધીજીને એક લક્ષ્ય
મળ્યું દેશને આઝાદ કરવાનું અને એ પોતે તો જીવન તરી ગયા, સાથે સમગ્ર દેશને પણ
ગુલામીનાં બંધનમાંથી મુક્ત કરી દીધો. દેશપ્રેમને માટે પોતાનાં જીવન ન્યોછાવર કરી
દેનારા અનેક શહીદવીરોનાં દિલોમાં પણ આ દેશપ્રેમની બર્નિંગ ડિઝાયર સતત પ્રજ્વલિત
રહેતી હોય છે જેને કારણે તેમને આજે પણ આપણે યાદ કરીને શિર ઝુકાવીએ છીએ.
આપણે એક એવું જીવન જીવી
જઈએ કે મૃત્યુની પળે પણ એક સાર્થક, સમૃદ્ધ જીવન જીવ્યાનો
સંતોષ(સંતુષ્ટિ)મળે.
જિંદગી કેટલી જીવ્યાં તે નહીં પરંતુ કેવી જીવ્યાં તે વધુ મહત્ત્વનું હોય છે.
જિંદગી વર્ષોમાં નહીં પરંતુ સાર્થકતામાં જીવાતી હોય છે.
![]() |
પુષ્પોની અભિલાષા |
કવિશ્રી માખનલાલ
ચતુર્વેદીની એક કવિતા યાદ આવે છેઃ
'પુષ્પોની અભિલાષા'. કવિ કહે છે:
ચાહ નહીં મૈં સુરબાલાકે ગહનોંમેં ગૂંથા જાઉં,
ચાહ નહીં મૈં સુરબાલાકે ગહનોંમેં ગૂંથા જાઉં,
ચાહ નહીં પ્રેમીમાલામેં બીંધ પ્યારીકો લલચાઉં,
ચાહ નહીં સમ્રાટોંકે શવ પર હૈ હરિ ડાલા જાઉં
મુઝે તોડ લેના વનમાલી ઉસ પથ પર દેના તુમ ફેંક,
માતૃભૂમિ પર શિર ચઢાને જિસ પર જાયેં વીર અનેક.
જીવન એક બોજા સમાન લાગે છે ?
જ્યારે બીજી તરફ, કેટલા
બધા લોકો જીવનને એક બોજ સમજીને તેને માત્ર પસાર કરી રહ્યા છે. સવારથી સાંજ વ્યર્થ,
સાવ નકામાં કામોમાં દિવસ પસાર કરી નાખવાનો, ખાધું પીધું ને રાજ કર્યું!! એમને માટે ‘કામ’ એક મજૂરી કરવા સમાન હોય
છે.
જિંદગી જ્યારે બોજ બની જાય
છે ને ત્યારે તેનાથી કંટાળીને વ્યક્તિ આત્મહત્યા કરી લેતી હોય છે કે પછી વિલાસનાં,
મોજશોખનાં સાધનો પાછળ પડીને જિંદગીને ખુવાર કરી નાખતી હોય છે.
જીવન એક મહામૂલું ધન છે
આપણા જીવનનું ધ્યેય કશું પણ હોઈ શકે છે,પણ તે આપણી જિંદગીને સાર્થક બનાવે છે
ખરું?
કોઈ વ્યક્તિ ‘અબજોપતિ’ બનવાનું સપનું સેવતી હોય
તેવું બની શકે છે, કે પછી કોઈ, દુનિયાની સૌથી શક્તિશાળી વ્યક્તિ બનવાનું સપનું
ધરાવતી હોય તેવું પણ હોઈ શકે છે, પણ વિચારવાનું એ છે કે એ સપનું આપણને જિંદગી
જીવ્યાનો સંતોષ આપી શકશે ખરું? એ કદાચ ‘વીઆઈપી’ નો ખિતાબ મેળવી આપશે પણ
જીવન જીવવાનું સાચું સુખ આપી શકશે?
હા, એ વાત જુદી છે કે જો ‘અબજોપતિ’ બન્યા પછી પોતાનાં ધનનો
ઉપયોગ જરુરિયાતમંદ લોકોનાં જીવનને સમૃદ્ધ કરવા પાછળ ખર્ચ કરે તો તેને જરુર સંતોષ
મળશે, તેનું જીવન સાર્થક થયું ગણાશે.
એક ડૉક્ટર, માનવસેવાનું ધ્યેય લઈને અનેક લોકોની સેવામાં જીવન સમર્પિત કરે છે
ત્યારે તેને જીવન જીવ્યાનો પરમ આનંદ અને સંતોષ મળે છે, સાથે તેના દ્વારા અનેક લોકોને
જીવતદાન મળતું હોય છે.
જીવનને તેના સાચા અર્થમાં જીવી જવું
જીવનને માત્ર વેડફી નાખવાને બદલે
તેમાં ડૂબીને તેનો મર્મ સમજવાનો પ્રયત્ન કરી, જીવનને નવો અર્થ આપવો અને તેને
સાર્થક બનાવવાનો પ્રયત્ન કરવાથી જીવનને પામી શકાતું હોય છે. ભલેને મુશ્કેલીઓ તમને
હરાવવા માટે કમર કસે, પરંતુ જીવનની કોઈક ઉપલબ્ધિ સાથે જીવન જીવવાનો પ્રયત્ન
ક્યારેય ના છોડવો જોઈએ.
સમૂદ્રને કિનારે વ્યર્થ બેસી રહેવાથી મોતી નથી મળી જતાં, તેને મેળવવા માટે તો
સમૂદ્રનાં ઊંડાં પાણીમાં છલાંગ લગાવવાની હિંમત કેળવવી પડતી હોય છે ત્યારે મોંઘેરાં
મોતી હાથ લાગતાં હોય છે.
કહેવાયું છે ને કે,
‘માંહી પડ્યા તે
મહાસુખ માણે દેખણહારા દાઝે જોને!
જે લોકો સમૃદ્ધ,સંતોષી જીવન જીવતાં હોય છે તેની ઇર્ષા તો સૌ કોઈ કરવાનું છે,
પણ તેનાથી ડરવાની કોઈ જરુર નથી.
જીવનને જીવવું એટલે
જીવનને ‘પામવું’
જીવનને જીવવું એટલે જીવનને પામવું, અને જીવનને પસાર કરવું એટલે જીવનને ‘ખોઈ નાખવું.’ જીવન માત્ર એક જ વાર મળે
છે અને તેને સારી રીતે જીવવાનો ચાન્સ આપણને મળ્યો છે તો તેને આપણે ખોઈ બેસીશું?
અહીં એક સરસ વિચાર વ્યક્ત થયો છેઃ
‘પામવું’ અને ‘ખોવું’ એ જીવનની એક રીત છે,
એમાં પણ ખુશ રહેવું એ અનોખી ચીજ છે,
ખૂબ કઠીન હોય છે એવું જીવન, પણ જીવી ગયા તો તમારી જીત છે.
જીવનને જીવી જવું એટલે કે જીવનને સાર્થક કરી જવું, પુષ્પોની જેમ બીજા માટે
સમર્પિત જીવન.